૨૧ – સદાબહાર સૂર-
આદ્ય કવિથી માંડીને આધુનિક કવિ અને એમની કવિતાઓ કે ગીતોની લોકપ્રિયતા અસીમ હોય તેમ છતાં દર એક કવિ કે ગીતકારની કોઈ એક રચના જાણે એમના નામ સાથે ટ્રેડમાર્કની જેમ જોડાઈ જાય. નરસિંહ મહેતાનું નામ યાદ આવે અને “જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયા” કે “વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે” યાદ આવ્યા વગર રહે ખરું? “ તારી આંખનો અફીણી, તારી બોલનો બંધાણી”ની સાથે વેણીભાઈ પુરોહિત, “ સાંવરિયાની સાથે રમેશ પારેખ, “ પાન લીલું જોઈએ ને ત્યારે હરીન્દ્ર દવે કેવા આપોઆપ જોડાઈ જાય છે? કોઈ ડોસીને વહાલથી ડોસા માટે મસાલા ચા કે ગરમ નાસ્તો બનાવતા જોઈએ તો અમસ્તા ય સુરેશ દલાલનું સ્મરણ થાય. ધૃવ ભટ્ટના નામ સાથે ઓચિંતુ કોઈ રસ્તે મળે ને ધીમેથી કેમ છે પૂછ્યાના ભણકારા અવશ્ય લાગે.
એવી જ રીતે “ લીલી ઓઢણી ઓઢી ધરતી ઝૂમે રૂમઝૂમ’ સાંભળીએ કે “ છેલાજી રે મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો ” સાંભળીએ તો અવિનાશ વ્યાસનું નામ આ ગીતો સાથે જોડાયેલું આવે જ એમાં કોઈને પૂછવાનું બાકી રહે જ નહીં.
હવે આ છેલાજી જે રીતે લખાયું છે એમાં ક્યાંય કોઈ અલંકારનો આડંબર નથી અને તેમ છતાં એ કોઈ અલંકાર- આભૂષણથી જરાય ઉતરતી રચના નથી અને આ રચના યાદ આવવાનું કારણ પણ એ જ તો….પ્રેમ અને પ્રેમમાં મળવાની સાથે છૂટા પડવાની વાત.
આ છૂટા પડવાની વાત ક્યારેક વસમી લાગે તો ક્યારેક એ વહાલી પણ લાગે. જ્યારે ઉભયને ખબર નથી કે છૂટા પડીને ફરી ક્યારે મળાશે ત્યારે એ વિરહ વસમો લાગે પણ જ્યાં ખબર જ છે કે આ તો ઘડી-બે ઘડી છૂટા પડવાની વાત છે ત્યારે એમાં હળવાશની સાથે ફરી મળવાનો ઉમળકો ઉમેરાઈ જાય અને સાથે મનગમતી શરતો પણ ઉમેરાઈ જાય.
કોણ જાણે કેમ પણ ગીતકાર તરીકે અવિનાશ વ્યાસની રચનાઓમાં હંમેશા આ એક ખૂબી રહી છે. ગીત, ગીતના ભાવ, ગીતની હલક સાથે એમાં નિરુપાયેલા હોય એવા જ ભાવ આપણા મનમાં પણ ઉઠે.
હા, તો વાત કરવી હતી મનગમતી શરતો સાથે ફરી મળવાની…તો જુવો અહીં આ ગીતમાં કેવા લાડથી માંગણી રજૂ થઈ છે ! જવાનું છે તો જાવ…. પણ આવો ને ત્યારે હું કહું એ લેતા આવવાનું રહી ના જાય..
“છેલાજી રે ..
મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો,
એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો…..
રંગ રતુંબલ કોર કસુંબલ
પાલવ પ્રાણ બિછાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો………
“ અહીં છેલાજી રે…માં જે લહેકા અને લાડથી પાટણના પટોળાની માંગ કરી છે ને એમાં જ છેલાજીને વહેલા વહેલા પાછા આવવાનું ઈજન પણ દેખાય. છેલાજીને તો એણે અનન્ય નકશી ધરાવતા પટોળા વિશે કહેવામાં કંઈ કચાશ નથી છોડી. એમને ય ખબર છે કે એકાદી ફરમાઇશથી નવલી નારનું મન નથી માનવાનું એટલે એમાં પાછા રૂડા મોરલિયા જ ચિતરાવવાની વાત ઉમેરી છે.
અમસ્તા ય સૌ જાણે છે કે પાટણના પટોળા તો મોંઘા જ આવવાના અને તેમ છતાં એ ભારપૂર્વક કહે છે કે મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો અને એટલેથી ન અટકતા સાથે કહે છે પાલવ પ્રાણ બિછાવજો….એટલે વળી શું? પટોળું તો મોંઘુ ત્યારે જ બને જ્યારે એનો પાલવ કંઈક અનેરો હોય, એવું પટોળું જે કોઈ કસર વગર સાચે જ દિલથી ખરીદ્યું હોય એવું પટોળું લેતા આવજો.
અરે ! જરા થોભો… નાયિકાની મનસા તો હજી આગળ કંઇક વધારે છે. પટોળાનો રંગ રાતો હોય તો એની સાથે કસુંબલ પાલવ તો ખરો જ હોં… અને આ પટોળાનો રંગ કંઈ અમસ્તો જ રાતો ન હોવો જોઈએ એમાં ય તમારા પ્રેમનો જ કસુંબલ રંગ ચઢેલો હોવો જોઈએ..લો બોલો કવિ આટલી હદે કોઈ નારીના મનની ઇચ્છાને કેવી રીતે પારખીને વ્યકત કરી શક્યા હશે ?
ઓલ્યા પાટણ શે’રની રે મારે થાવું પદમણી નાર
ઓઢી અંગ પટોળું રે એની રેલાવું રંગધાર
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો………..
એક વિચાર મનમાં ઝબક્યો કે.. આ નમણી નારને એ પણ ખબર છે કે પાટણના મોંઘા પટોળામાં શોભતી નારી કેવી લાગતી હશે. એ સમયે તો ક્યાં કોઈ બ્યુટી કોન્ટેસ્ટ, મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સનો ચીલો જ ચાલુ થયો હતો પણ હા, ખરી તો નાર એને કહેવાય જે પદમણી-પદ્મિની હોય એટલે પછી તો કોને એ પદમણી નાર જેવા દેખાવાનો લોભ ન થાય?
ઓલી રંગ નીતરતી રે મને પામરી ગમતી રે
એને પહેરતાં પગમાં રે પાયલ છમછમતી રે
નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે…………
આપણા જેવા સૌના મનની વાતને કવિએ એમના શબ્દોમાં વ્યકત કરવામાં જરાય મણા છોડી જ નથી ને. હીરે મઢેલા મોંઘા ચૂડલાની જોડ, નથણી,લવિંગિયા અને ઝૂમખામાં મોંઘા મોતી મઢાવેલા હોય ને એવી જોડ પણ પાછી એની યાદીમાં ઉમેરે છે. હવે આ બધુ પહેરીને એ નિકળે તો ખરી પણ પાછું પિયુનું ધ્યાન કેવી રીતે આકર્ષાશે એનો ય ઉકેલ સૂચવે છે. પહેલાની વહુવારૂઓ ઘૂમટો કાઢતી પણ પગમાં રણઝણતા પાયલ પહેરતી એટલે ઘરના મોભીની હાજરીમાં પણ પિયુને એ ક્યાં છે એનો અણસાર મળી રહે. વાહ !
વળી આ ગીતમાં એક નવો શબ્દ ઉમેરાયો છે- પામરી, આ પામરી શબ્દ પણ કેવો મીઠ્ઠો લાગે છે નહીં? કોડીલી કન્યા જ્યારે પાનેતર પહેરેને એની ઉપર પાછી પારદર્શક ચૂંદડી કહો કે ખેસ માથે નાખે , બસ એવી જ રંગ નિતરતી પામરી, એ વળી એક નવો શણગાર.
એવું નથી લાગતું કે જાણે આપણા આ સવાયા ગુજરાતી ગીતકારના ગીતો અને પાટણ શહેરનો નાતો સદીઓથી ચાલ્યો આવતો હોય ? એમણે તો પાટણ શહેરની સાથે પાટણની નારીનો ય મોભો એમના ગીતોમાં ટોચના સ્થાને મુકી દીધો છે.
આ આખાય ગીતના શબ્દોમાં એક એવો તો સરસ રમતિયાળ લહેકો છે કે એમાં આપણા ય પ્રાણ પ્રફુલ્લિત થઈ ઉઠે. સાવ સરળ અને સરસ પણ લાડભરી રીતે કહેવાયેલી માંગ ચિરંતન બનીને રહી છે. આવા તો એક નહીં અનેક ગીતો છે જે ચિરકાલીન બની રહ્યા છે અને આવનારા ઘણા લાંબા સમય સુધી એ આવા જ સદાબહાર રહેવાના છે. એ સત્ય તો આજે પણ ડંકાની ચોટ પર જ છે એમ કહી શકાય….
અને મઝાની વાત તો એ છે કે મરાઠી ગાયિકા આશા ભોંસલે પણ જે સરળતાથી આ ગુજરાતી ગીત ગાયું છે અને એના અવાજમાં જે લહેકો છે ને એમાં જ એ છેલાજીને વહાલથી હુકમ ફરમાવતી નાયિકાનું ચિત્ર નજર સામે તરી આવે.
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
Recent Comments