૧૯ -સદાબહાર સૂર
ગુજરાતી પદ્યનો વ્યાપ વિશાળ છે… ગીત, ગઝલ, કાવ્ય ,મહાકાવ્ય…. અને હાઈકુ.
માત્ર સત્તર અક્ષરોમાં જ રચાઈ જતા હાઈકુથી માંડીને ૧૮ પર્વના મહાકાવ્ય મહાભારત સુધી વિસ્તરેલો એનો વિશાળપટ છે .. કાવ્યમાં જાણે છંદ,પ્રાસ, અનુપ્રાસના બંધન છે પણ એવું લાગે કે જાણે ગીતનો ઉદ્ભવ તો કદાચ કોઈક પંખીના કલરવમાંથી, કુદરતના ખોળેથી, વરસતા વરસાદ, વહેતા ઝરણા કે નદીના ખળખળ પાણીમાંથી કે લહેરાતા પવનના સરસરાટમાંથી ય થયો હોઈ શકે. ભાષાની ઉત્પત્તિ લયમાંથી થઈ હોવાનું મનાય છે. લયમાંથી શબ્દ, શબ્દમાંથી ગીત-સંગીત પ્રગટ્યા. ગીત અને ગીતના પ્રકારોનો સંબંધ લય અને ઢાળ સાથે તો હંમેશનો રહ્યો છે. મોટાભાગે લોકભોગ્યની કક્ષાએ ગીતો, લોકગીતોને મુકી જ શકાય પરંતુ એથી કરીને ગીતકારને કવિ કહી શકાય ?
અન્ય માટે તો ઝાઝી જાણકારી નથી પરંતુ એવું કહેવાય છે કે અવિનાશ વ્યાસને કવિઓએ કવિ માન્યા નથી. કદાચ અવિનાશ વ્યાસને મળીએ તો એ પણ પોતાને ગીતકાર-સંગીતકાર તરીકે જ ઓળખાવતા હશે પણ તેથી શું થયુ? ગીતો તો હ્રદયની ભાષા છે અને એ કોઈપણ ઊર્મિશીલ વ્યક્તિના હ્રદયમાં પાંગરી શકે અને એટલે જ અવિનાશ વ્યાસના ગીતો ય જાણે શબ્દોમાં મઢેલું સંગીત સાંભળતા હોય એમ એ આપણા ભીતરને સ્પર્શ્યા જ છે ને? એમના ગીતોના ભાવો આપણા મનને ભીંજવે છે તો ક્યારેક મનની લાગણીઓને રમાડે છે તો ક્યારેક પ્રણયોન્મત કરી દે છે.
આજે અવિનાશ વ્યાસના આવા પ્રણયના ગીતો વિશે વાત કરવી છે.
પ્રેમમાં ચકચૂર બે વ્યક્તિઓ વચ્ચે એક શબ્દ બોલ્યા વગર ક્યારેક આંખના ઈશારે પણ વાત થઈ જાય તો ક્યારેક એ નજરનું સંધાન જરા અમસ્તુ તુટે ને તો ય જાણે ઘણું બધુ અધૂરુ રહી ગયાનો અફસોસ થાય.
નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે?
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે?
જીવનને આંગણે આવેલી વસંત જાણે અકાળે મુરઝાઈ ચાલી હોય એમ અજાણતા થઈ ગયેલી ભૂલની સાવ ગળગળા થયેલા શબ્દો દ્વારા માફી ય માંગી છે અને કહે છે….
મારી થઈ ગઈ છે ભૂલ મને માફ કરો,
મેં તો આપ્યા છે ફૂલ મને માફ કરો પણ આમ પ્રણયના ફૂલ કરમાવીને ચાલ્યા તો ના જાવ.
આમ તો તમે પૂનમની રાત થઈને આવ્યા હતા, જીવન પ્રભાત બનીને આવ્યા હતા તો પછી એવી તે કઈ ભૂલ થઈ કે વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે?
વાત બહુ સાદી છે. નથી એમાં કોઈ ભારેખમ શબ્દપ્રયોગો કે નથી કોઈ અલંકારના આડંબર પણ તેમ છતાં ય અધૂરી રહી જતી રાત અને એની વાત તો આપણા સુધી પહોંચે જ છે.
તો વળી નજરોથી થઈ જતી વાતની અધૂરપ ન રહી જાય એટલે ગીતકાર એને જરા જુદા શબ્દોમાં ઢાળીને ય એ જ વાત ફરી રમતી મુકે છે. . મઝાની વાત તો એ છે આ બંને ગીતો ધીર ગંભીર અવાજ ધરાવતા શ્રી મુકેશજી એ ગાયા છે.
ઘડી ઘૂંઘટ ઉઠાવો ને ઘડીક મુખ ઢાંકો,
કરો દિલબર જે કરવું હોય તે પણ નજર મારા તરફ રાખો,
નજરને કહી દો કે નિરખે ન એવું નાહકનું દિલ કોઈનું પાગલ બને છે,
અમથી જિગરમાં આંધી ચડે છે ને આંખો બિચારી વાદળ બને છે
મશહૂર છે મહોબ્બત તમારી ને આપ પણ મશહૂર છો
અફસોસ કેવળ એટલો કે તમે પણ દૂર છો.
આ એક ગીતમાં જ બે સાવ અલગ વાત કરી છે અને તેમ છતાં એકમેકથી પૂરક પણ એટલી જ છે. સનમને જે કરવું હોય એ કરે પણ નજર તો મારા તરફ જ રાખે…વળી પ્રેમમાં ય શરતો કેટલી મઝાની? નજર તો નજર સામે જ હોવી જોઈએ પણ પાછું એવી રીતે નજરસંધાન નહીં કરવાનું કે જેમાં કોઈનું દિલ પાગલપનની હદે પહોંચે.
હવે આવા ગીતો સાંભળીને અવિનાશ વ્યાસ જેવા ગીતકારને કવિઓ કવિ ન માને તો પણ શું ફરક પડ્યો. કદાચ એમના ગીતો કોઈપણ કવિ કરતાંય મારા તમારા જેવા પ્રત્યેક સુગમ સંગીતના ચાહકોના દિલના તળ સુધી વધુ પહોંચ્યા છે.
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
Recent Comments