૧૫ – સદાબહાર સૂર-
April 20, 2020 at 7:07 am 1 comment
અવિનાશ વ્યાસે ગુજરાતી જગતમાં પોતાની વૈવિધ્યસભર પ્રતિભાઓથી મોટું યોગદાન આપ્યું. એમણે આપેલ યોગદાન બદલ તેઓ સદાય માટે અવિસ્મરણીય બની રહેશે..અવિનાશ વ્યાસ એક એવું નામ જે ભૂતકાળમાં તો હતું પણ વર્તમાન એને અનુસરશે અને ભવિષ્યકાળમાં પણ દીવાદાંડી જેમ સુગમ સંગીતના ગાયકો અને ચાહકોને માર્ગદર્શન આપશે.
સુરેશ દલાલે અવિનાશ વ્યાસ માટે બહુ સરસ વાત કરી છે કે વીસમી સદીના ગુજરાતી સુગમ સંગીતના પર્યાય જેવા અવિનાશ વ્યાસ ગુજરાતી પ્રજાના કંઠમાં અને કાનમાં કાયમ માટે વસી રહેલા સંગીતકાર અને ગીતકાર છે. આ જ વાતને સહેજ સમજાય એવી રીતે કહેવી હોય તો કહી શકીએ કે એક અવિનાશમાં બે અવિનાશ છે. સંગીતકાર અને ગીતકાર ક્યારેક એકમેક સાથે મીઠી સ્પર્ધા કરે છે. કોઈક વાર સંગીતકાર આગળ નીકળી જાય છે તો કોઈક વાર ગીતકાર. ક્યારેક સૂર શબ્દને ખેંચે છે તો ક્યારેક શબ્દસૂરને. સંગીતકારના ફ્લાવરવાઝમાં ગીતકાર અવિનાશના બગીચાના કેટલાય ફૂલો લય અને તાલની હવામાં ઝૂલ્યા કરે છે.”
આવા ગીતકાર સંગીતકારનું નામ સદાય અવિસ્મરણીય રહેવાનું જ કારણકે એમણે સાવ સરળ દેખાતા અને તેમ છતાં ઘણું કહી જતા ભાતીગળ ગીતોની રચના કરી છે.. આ વાત જરા સમજવી હોય તો આપણા ઑલ ટાઈમ ફેવરિટ ગીતને યાદ કરવું પડે. વાત છે ગીત હૂ તુ તુ તુ તુ તુ તુ તુની.. એક શ્વાસે ગવાતું આ ગીત સાંભળીને કોઈને એમ થાય કે આ તો રમતની વાત છે પણ આમ રમતની સાવ સરળ દેખાતી વાતમાં પણ કેટલો મોટો ગૂઢાર્થ અહીં છતો થાય છે નહી?
હવે આ રચના પણ આમ રમતા રમતા જ કેવી રીતે રચાઈ છે એની વાત પણ રસપ્રદ છે અને આ વાત માંડે છે અવિનાશ વ્યાસના સુપુત્ર અને ખ્યાતનામ સંગીતકાર ગૌરાંગ વ્યાસ.એ કહે છે કે ક્યારેક એવું બને કે કેટલીક સ્વર રચનાઓ એવી હોય છે જે કોઈના સૂચનનું નિમિત્ત બને. એમાં બન્યું એવું કે જ્યારે ગૌરાંગ વ્યાસ એમના પિતા અવિનાશ વ્યાસના સહાયક સંગીતકાર તરીકે કામ કરતાં હતાં અને એ વખતે આપણા મહાન ગાયક મન્ના ડે ફિલ્મના ગીતો ગાવા આવતા હતા. મન્ના ડેને એવું હતું કે જેવું રેકોર્ડિંગ પતે એટલે ગૌરાંગ વ્યાસને હાર્મોનિયમ પર બેસાડે અને કહે કે “ कुछ नया सुनाओ, कुछ अच्छा सुगम संगीत का गाना सुनाओ !” એટલે ગૌરાંગ વ્યાસ એમના કંપૉઝ કરેલા ગીતો મન્ના ડેને સંભળાવતા અને મન્ના ડેને એ ખુબ ગમતા. એમાં એક વાર મન્ના ડેએ એવું કીધું કે “ गौरांग, ईतना अच्छा कंपोझिशन करते हो तो हम लोग H M V करते है. “ એમાં ભજન, ગઝલ અને ગીત હોય. એ સમયે ભજન અને ગઝલ તો નક્કી થઈ ગયા પણ ગીત નક્કી કરવાનું બાકી હતું એટલે મન્નાબાબુએ ગૌરાંગ વ્યાસને કહ્યું કે તું અવિનાશભાઈને કહે કે કોઈ રિધમેટિક સોંગ લખી આપે તો જરા મઝા આવે. ભજન અને ગઝલ તો બરાબર છે.” એટલે ગૌરાંગ વ્યાસે એમના પિતાશ્રી અવિનાશ વ્યાસને કહ્યું કે એક રમતિયાળ ગીત જોઈએ છે.
બીજા દિવસે શાંત,સ્વસ્થ મને પડકાર ઝીલનારા અવિનાશ વ્યાસે ગૌરાંગ વ્યાસને બોલાવીને કહ્યું, કે તું રમતિયાળ ગીતની વાત કરતો હતો તો આપણે રમતનું જ ગીત કરીએ અને અવિનાશ વ્યાસે ગૌરાંગ વ્યાસને લાઈન લખી આપી.
હૂ તુ તુ તુ તુ તુ તુ તુ, જામી રમતની ઋતુ
આપ આપો એક મેકના થઈને ભેરુ
સારુ જગત આખું રમતું આવ્યું છે
ને રમે છે હૂ તુ તુ તુ …
અને કહ્યું કે આની પર તું કર.. ગૌરાંગ વ્યાસ તો હાર્મોનિયમ લઈને બેસી ગયા અને અવિનાશ વ્યાસે જે ટેમ્પોમાં સંભળાવ્યું હતું એ ટેમ્પો એમણે પકડી રાખ્યો…ઢીન ચાક ઢીન ચાક.. અને ગૌરાંગ વ્યાસને મુખડું સૂજ્યુએ અવિનાશ વ્યાસને બોલાવીને સંભળાવ્યું તો એમને પણ મઝા આવી ગઈ અને કહ્યું કે બહુ સરસ થઈ ગયું છે. થોડું શબ્દોના હિસાબે ગોઠવવું પડે બાકી ટ્યૂન તો સરસ બેસી ગઈ છે. ગૌરાંગ વ્યાસે કીધું કે ભઈ, સરસ તો થઈ ગયું પણ હવે આગળ શું? અવિનાશ વ્યાસના મનમાં થોડા થોટ્સ હતા એટલે એમણે ગૌરાંગ વ્યાસને કહ્યું કે તને જે ટ્યૂન સુઝે એ તું ગા અને હું ટ્રાય કરું અને પછી ગૌરાંગ વ્યાસે એમની રીતે રાગ છેડ્યો. એ રાગ સાંભળીને અવિનાશ વ્યાસે આગળની પંક્તિઓ ઉમેરી. “એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે…..આ રીતે અવિનાશ વ્યાસે ત્રણ અંતરા લખ્યા. ગૌરાંગ વ્યાસ ટ્યૂન ગાતા જાય અને અવિનાશ વ્યાસ લખતા જાય અને આવી રીતે આ ગીત લગભગ બે કલાકમાં પુરુ થઈ ગયું. આ દર્શાવે છે કે ગીતકાર અવિનાશ વ્યાસ મનથી કેટલા સજ્જ હશે જેમણે ટ્યૂનની સાથે સાથે જ શબ્દોની એટલી ત્વરિત રચના કરી હશે અથવા એમ પણ કહી શકાય કે ગીતકાર અવિનાશ વ્યાસનું મન, ચિત્ત હરદમ સંગીતમય જ રહેતું હશે ને ? એમની ચેતામાં પણ ચોવીસે કલાક ગીત સંગીત જ વહેતા હશે ને? એ સમયે તો અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ કે મન્ના ડેને પણ સપને ય ખ્યાલ નહોતો કે મન્નાબાબુનું રમતિયાળ ગીત માટેનું સૂચન અને સૂચનના આધારે બનેલું એમના ઈજારા સમું આ ગીત અત્યંત પ્રચલિત અને લોકપ્રિય બની જશે. એ પછી આ ગીત મહેન્દ્ર કપૂરે પણ ફિલ્મ “ સાત કેદી ’માટે ગાયું હતું જે એમને ગાવામાં ખુબ તકલીફ પડી હતી પણ તેમ છતાં એમણે નિભાવી જાણ્યું હતુ..
બીજી એક વાતે મારું ધ્યાન ખેચ્યું કે પિતા-પુત્રએ એકબીજાની મૈત્રીને સર્જનાત્મક કામોમાં જ ઉત્તમ રીતે વાપરી અને કેવું સુંદર રીતે સંયોજન થયું? સંગીતમાં વિવિધ વિષય સાથે બંને એક બીજાના પુરક બન્યા. જેના ફળ ગુજરાતી પ્રજાને મળ્યાં. એક વાત નક્કી છે કે પરિવાર સાથે કામ કરે તો અનુભવ અને ઉત્સાહ બને સર્જનને વૈવિધ્યભર્યા બનાવે છે નહિતર હરીફાઈ જગતમાં નવી પેઢી માટે પણ આટલું સિદ્ધ કરવું સહેલું નથી. ગુજરાતીઓ જેટલા બિઝનેસ માટે ઉત્સાહી છે એટલા નિરુત્સાહ પોતાની માતૃભાષામાં સંગીત માટે છે અને એ હકીકત છે.
આ જ કારણે તો આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોલીવુડ સામે સાવ નબળી પડી જાય છે મારે અફસોસ સાથે અને એક ગુજરાતી હોવા છતાં કહેવું પડશે કે ગુજરાતીઓ ભાષા અને સાહિત્ય સંગીત પ્રત્યે બહુ ઉત્સાહ દેખાડતા નથી જે ઉત્સાહ મન્ના ડેએ ગૌરાંગની નવી રચના સાંભળવા દેખાડ્યો. આ બાબતમાં મરાઠીઓ અને બંગાળીઓ ગુજરાતી કરતા ક્યાંય ચડિયાતા છે અને આપણે તેમને આદર્શ બનાવવા જોઈએ. આવું જ વલણ ગુજરાતી સંગીતના પીઢ સંગીતકારે નવી પેઢીને આગળ લાવવા દેખાડવું જોઈએ. જો કે આશિત દેસાઈ અને હેમા દેસાઈએ પણ આવો અભિગમ રાખી તેમના દીકરા આલાપ દેસાઇને અને નવી પેઢીને પ્રોત્સાહન આપી આગળ લાવી રહ્યા છે અને અવિનાશ વ્યાસની જેમ જ ગૌરવને પાત્ર બન્યા છે એ પણ અત્રે ઉલ્લેખનીય છે.
મારી વાત અહી જોર આપતા ફરી ફરી કહીશ કે આજે તો આ ગીતના રચયિતા અવિનાશ વ્યાસ કે ગાયક મન્ના ડે હયાત નથી પરંતુ આજે પણ કોઈપણ સુગમ સંગીતનો કાર્યક્ર્મ જાણે અવિનાશ વ્યાસના આ રચના વગર અધૂરો જ છે.
જ્યારે આવી ઘટના બને ત્યારે સહજ એક વિચાર આવે કે કોઈપણ ગીત, કાવ્યની રચનાની શૈલી, માત્રા અને છંદમેળ કે ગઝલના રદીફ કે કાફિયાનો અવિનાશ વ્યાસે અભ્યાસ કર્યો હશે?
ત્યારે એક સરસ જવાબ મળ્યો જે અહીં ટાંકુ છું… “આદ્ય કવિઓએ પણ ક્યાં આ બધા અભ્યાસ કર્યા હશે પણ એમની રચનાઓ પરથી જ કદાચ આ કાવ્ય શૈલી, એમાંની માત્રા કે છંદમેળ નિશ્ચિત થયા હશે.”
અવિનાશ વ્યાસ માટે પણ હું એટલું તો ચોક્કસ કહીશ કે એમણે જે રચનાઓ આપી એ એટલી તો આપણા મન, હ્રદય સોંસરવી ઉતરી ગઈ કે એમાં આપણે શૈલી, માત્રા કે છંદમેળનો તાલ શોધ્યા કે મેળવ્યા વગર પણ માણતા જ રહ્યા અને ભવિષ્યમાં પણ માણતા જ રહીશું.
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
1.
Devika Dhruva | April 21, 2020 at 4:12 pm
વાહ…
LikeLiked by 1 person