૧૪ -સદાબહાર સૂર
અવિનાશ વ્યાસ એક એવું નામ જેના વિશે, જેમની રચનાઓ વિશે કશું પણ કહેવું હોય તો શબ્દો ખૂટે, પાના ઓછા પડે પણ ક્યારેક અવિનાશ વ્યાસ માટે બે-ચાર વાક્યોમાં પણ ઘણું કહેવાઈ જાય. એ કહેવા માટે અવિનાશ વ્યાસને એમના જ શબ્દ અને સૂરથી ઓળખવા પડે. એમની સૂઝ પારખવી પડે. એમની અભિવ્યક્તિને પામવી પડે.
આવા એમને પારખી ગયેલા, પામી ગયેલા એક ઉચ્ચ કોટીના ગાયક, સ્વરકારે એમના માટે જે કહ્યું છે એ આજે અહીં ટાંકુ છું.
“આજે આખાય વિશ્વનો વ્યાપ લઈને બેસેલો છે એ માણસ જેના નામનો કદી નથી નાનો વ્યાસ, જેનું નામ હતું, છે અને રહેશે એ છે અવિનાશ વ્યાસ.” પુરુષોત્તમ ઉપાધ્યાય જેવી વ્યક્તિ જ્યારે અવિનાશ વ્યાસ માટે જે વાક્ય બોલ્યા એ જાણે આખા સંદર્ભગ્રંથ જેવા છે.
એવા જ એક બીજા ગાયક-સ્વરકાર આશિત દેસાઈએ કહેલી વાત આજે જો પુનરુક્તિ જેવી લાગે તો પણ કહેવાની ઇચ્છા થાય જ છે…એમણે કહ્યું હતું કે…
“અવિનાશભાઈ એટલે ગુજરાતી સુગમ સંગીતમા ભિષ્મપિતામહ એટલે માતા અને પિતા એમ બંનેનું કામ એમણે સંભાળ્યુ. સુગમ સંગીતનો પાયો મજબૂત કરવામાં એમનો ફાળો ખુબ મહત્વનો છે.” અવિનાશ વ્યાસ પોતાની રચનાઓ જાતે જ સ્વરબદ્ધ કરતા હતા. એમની રચનાઓમાં કાવ્યત્વતો હતું જ પણ એની સાથે ખુબ સુરીલી પણ હતી.
આ સુગમ સંગીત એટલે ભારતીય સંગીત વિદ્યાનું એવું અંગ જે સરળતાથી શીખી કે ગાઈ શકાય. જેને નિયમોથી બાંધવામાં ન આવ્યું હોય તેમ છતાં લોકોમાં પ્રિય હોય. લોકપ્રિય ગીત, લોકપ્રિય સંગીત, ભજનો, ફિલ્મી ગીતો પણ આ પ્રકારના સંગીતમાં આવે અને અવિનાશ વ્યાસનું નામ આ સુગમ સંગીત ક્ષેત્રે મોખરાનું છે એ તો સર્વ વિદિત વાત છે. કનૈયાલાલ મુનશીએ તેમને ભારતીય વિદ્યા ભવનના સંગીત વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા એ પણ સૌને ખબર છે પરંતુ બહુ ઓછાને એ ખબર હશે કે એક કાર્યક્રમમાં અવિનાશ વ્યાસ સ્ટેજ પર સંગીત કંડક્ટ કરતા હતા અને આ ગુજરાતના નાથ કનૈયાલાલ મુનશી પ્રેક્ષક તરીકે પ્રેક્ષકગૃહમાં હાજર હતા…કલ્પના કરીએ ને તો પણ આનંદિત થઈ જવાય એવી આ ઘટના હતી.
અવિનાશ વ્યાસે સરળ અને મધુરા ગીતો તો આપ્યા જ છે પણ એ સરળતાની સાથે ક્યારેક સાવ ઓછા વપરાતા એવા શબ્દોને પણ સરસ રીતે એ પોતાના ગીતમાં ગૂંથી લેતા. આજે એક એવા જ શબ્દપ્રયોગને યાદ કરવાનું મન થયું છે.
આ એકદમ મસ્તીભર્યું ગીત ગાયું છે આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂરે…..
આપણે આગળ વાત કરી હતી એમ અવિનાશ વ્યાસે બીન ગુજરાતી ગાયકો પાસે અનેક ગીતો ગવડાવ્યા એમાં આશા ભોંસલેએ તો અનેક ગીતો ગાયા છે સાથે ઘેઘૂર અવાજ ધરાવતા ગાયક મહેન્દ્ર કપૂરે પણ સાથ આપ્યો છે.
એક પાટણ શહેરની નાર પદમણી, આંખ નચાવતી ડાબી ને જમણી
સૂરત જાણે ચંદા પૂનમની બીચ બજારે જાય, ભાતીગળ ચૂંદડી લહેરાય
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય….
એક વાગડ દેશનો બંકો જુવાનીયો, રંગ જાણે એનો લાલ ફાગણીયો
કંઠે ગરજતો જાણે શ્રાવણીયો, સાવજડો વર્તાય,નજર્યુંમાં આવી એવો નજરાય
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય…
અહીં વાત તો પ્રેમમાં રસ તરબોળ દિલની જ છે પણ ગીતકાર અવિનાશ વ્યાસે ગીતમાં ભાવની સાથે શબ્દોને એવા તો રમતીયાળ રીતે રમતા મુક્યા છે કે સાંભળીને એ ઝાંઝરનો ઝમકાર કાનને સંભળાવા માંડે. ઝમક ઝમકની જેમ જ ધબક ધબક શબ્દને ભારે લહેકાપૂર્વક એકથી વધારે વાર મુકીને એ શું પ્રસ્થાપિત કરવા માંગે છે?
આ ઝમક, ઝમક કે ધબક ધબક શું છે? આમ તો કાના-માત્ર વગરના શબ્દો જ ને પણ આ કાના-માત્રા વગરના શબ્દોને અવિનાશ વ્યાસે ગીતમાં એવી રીતે વણી લીધા છે કે સાંભળતાની સાથે એ નારીના હ્રદયના ધબકારા આપણા કાન સોંસરા ઉતરી દિલ સુધી પહોંચી જાય. આપણા હાથની થાપ આપોઆપ એની સાથે તાલ મેળવી લે.
વળી આ ગીતમાં અંગ રંગ, ઢંગ જેવા શબ્દોને પણ કેવા અલગ રીતે અજમાવ્યા છે !
રંગમાં નખરો, ઢંગમાં નખરો,
રૂપ એવું અંગ અંગમાં નખરો;
પાતળી કેડને ભાર જોબનનો જીરવ્યો ના જીરવાય,
ભાતીગળ ચૂંદલડી લહેરાય,
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય..
બંકડી મૂછો અરે બંકડી પાઘડી,
રંગ કસુંબલ ભરી આંખલડી,
હાલક ડોલક ડુંગરે ચડે પડ છો ના પરખાય,
નજર્યુંમાં આવી એવો નજરાય,
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય..
શબ્દોની જાણે સાતતાળી માંડી ના હોય!
એવું જ બીજું ગીત…..
ચરરર ચરરર ચકડોળ મારું ચાલે, ચાકડ ચું ચીં ચીં ચાકડ ચું ચીં ચીં તાલે…
હવે આમ તો સામાન્ય રીતે આપણે આ ચરરર કે ચાકડ ચું ચીં ચીં જેવા શબ્દો ક્યાં અને ક્યારે વાપરીએ છીએ પણ જ્યારે અવિનાશ વ્યાસ આ ગીત રચે અને પાછું સંગીતે પણ મઢે ત્યારે આવા શબ્દો પણ આપણને ગમતા થઈ જાય અને આપણે એ ગણગણતા થઈ જઈએ અને મઝાની વાત તો એ કે આ ગીત એમણે મન્ના ડે પાસે ગવડાવ્યું. હવે આ બંગાળી ગાયક માટે આ ગીત ગાવું સાવ સહેલું તો નહીં જ હોય ને? પણ અવિનાશ વ્યાસે એ શક્ય કરી બતાવ્યું અને આજે પણ આ ગીત એટલું જ ગવાય છે.
એવી રીતે હુ તુ તુ તુ તુ તુ તુ તુ જેવું ગીત હોય અને મન્ના ડે જેવા ગાયકે ગાયું હોય ત્યારે એ એક ઇતિહાસ જ રચે ને? પણ આ ગીતની રચના પાછળનો ઇતિહાસ આપણે આવતા લેખમાં જોઈશું આજે તો માણીએ
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
Recent Comments