૧૩-સદાબહાર સૂર
એક સમયને અવિનાશ વ્યાસના જાજરમાન દાયકા તરીકે ઓળખવામાં આવતો હતો અને આજે પણ એ જાજરમાન વારસો સચવાઈ રહ્યો છે જેને આપણે આનંદપૂર્વક અને આદરપૂર્વક માણીએ છીએ.. આપણે જેમ સેફ ડિપોઝીટમાં સોનું ચાંદી નગદ નારાયણ સાચવીએ છીએ ને એમ એમના ગીતો આપણા હ્રદયમાં સચવાયેલા રહેશે એવું જો કોઈ કહે તો એમાં જરાય અતિશક્તિ નથી.
કવિ-ગીતકાર પ્રદીપજીના નામથી કોણ અજાણ છે? એવા શ્રી પ્રદીપજી અવિનાશ વ્યાસ માટે કહેતા કે “ चाहे कोई माने या ना माने पर अविनाशभाई का मुकाबला कोई नही कर सका. वे अपनी जगह पर अद्वितिय थे और अद्वितिय रहेंगे!
કેટલી સરસ અને સચોટ વાત કરી છે પ્રદીપજીએ? આપણે ગુજરાતીઓની સાથે તો અવિનાશ વ્યાસ એમની રચનાઓથી સતત ગૂંજતા જ રહ્યા છે અને રહેશે પણ ભારતવર્ષના ખ્યાતનામ કવિ જ્યારે એક સવાયા ગુજરાતી અવિનાશ વ્યાસ વિશે આવી શબ્દાંજલિ આપે ત્યારે ગુજરાતી તરીકે જાણે આપણું ગૌરવ વધી જાય.
કવિ પ્રદીપજીએ લખેલા ‘ પીંજરે કે પંછી એ તેરા દર્દ ન જાને કોઈ” ગીત અવિનાશ વ્યાસે સ્વરબદ્ધ કર્યું હતું. અવિનાશ વ્યાસે પ્રદીપજી ઉપરાંત કમલ જલાલાબાદી, ઇન્દીવર, પ્રેમ ધવન, રાજા મહેંદી જેવા અનેક પ્રતિષ્ઠિત ગીતકારોના ગીતોને સ્વરબધ્ધ કર્યા હતા. એના પરથી જ આપણને એ કઈ કોટીના સર્જક, સંગીતકાર હશે એ સમજાય છે.
આ ગૌરવની વાત અહીંથી અટકતી નથી. ફિલ્મ સંગીતકાર શ્રવણકુમારે તો એટલે સુધી કહ્યું છે કે “ मै ऐसा मानता हुं कि जीवनमें दो बात बहोत इम्पोर्टन्ट है , एक जन्मदाता और दुसरे कर्मदाता !जैसे मेरे परम पूज्य पिताजी मेरे जन्मदाता है वैसे अविनाशजी मेरे कर्मदाता थे!
મહત્વની કહેવાની વાત એ છે કે આ બધા જ ગાયકો ટોચ પર બિરાજતા હતા ત્યારે પણ ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષા માટે એમણે સ્વર આપ્યો છે આનાથી એ સૌનો અવિનાશ વ્યાસ તરફનો આદરભાવ કેવો હશે એ કલ્પના કરી શકાય છે.
અવિનાશ વ્યાસ માટે લતા મંગેશકર, આશા ભોંસલે,ઉષા મંગેશકર, સુમન કલ્યાણપુર, ગીતા દત્ત, મન્નાડે, હેમંત કુમાર, મુકેશ, તલત મહેમુદ, મહેન્દ્ર કપૂર, કિશોર કુમાર જેવા ખ્યાતનામ ગાયકોએ પોતાનો સ્વર આપીને ગૌરવ અનુભવ્યું છે.
સૌથી મહત્વની અને ગૌરવ લેવા જેવી વાત એ છે કે આ અન્ય ભાષાના કલાકારોએ ભાવથી તરબોળ થઇને આપણા જેવી જ ભાવના આપણી ભાષાના ગીતમાં દિલથી પ્રગટ કરી છે. આનો જશ કલાકાર સાથે હું અવિનાશ વ્યાસને આપીશ.
આજે એક એવા ગીતની વાત કરવી છે..
હું રંગોળી બની બેઠી’તી
એક રંગ હતો ઓછો એમાં
અધૂરી રંગોળી પૂરી થઈ
તું રંગ બનીને આવ્યો એમાં
હું મોર બનીને ભમતો’તો
કદી ડુંગરામાં કદી વગડામાં,
મારા સુરના રણકારે તું તો
ટહુકાર થઈ આવી એમાં …
અહીં વાત તો છે બે દિલની. ગીતકારની કલ્પના અને થોડામાં ઘણું કહી દેવાની રીત પણ અજબની છે ને? જેમ કોઈના ય જીવનમાં આખેઆખું, પૂર્ણ મેઘધનુષ્ય તો ત્યારે જ બને જ્યારે એમાં કોઈ એક મનગમતો રંગ આવીને ઉમેરાઈ જાય. હાથમાં અત્યંત ઝીણવટથી મૂકાયેલી મહેંદીમાં વ્હાલ તો ત્યારે વધી જ્યારે એમાં એક નામનો ખુબીપૂર્વક ગોઠવાયેલો પ્રથમ અક્ષર મળી જાય એવી રીતે શબ્દની સાથે સૂર મળે અને એ સૂરમાં સંગીત ભળે ત્યારે એ ગીત, કાવ્યનો રણકો બદલાઈ જાય. લખાયેલું ગીત વાંચવું અને સૂર-સંગીત સાથે સાંભળવામાં એ અત્યંત કર્ણપ્રિય બની જાય એ ક્યાં અજાણી વાત છે? અને અવિનાશ વ્યાસ તો ગીતકારની સાથે સંગીતકાર પણ હતા એટલે જ આપણે એમના ગીત-ગરબાને અલગ અંદાજથી પામ્યા. વળી ૧૯૭૮માં આ ગીત ગવાયું છે અને કદાચ એનાથી પણ પહેલાં લખાયું હશે. એ સમયે નારીને એક સન્માનીય પદે પ્રસ્થાપિત કરવી અને જીવનનૈયાની સ્થિરતાનો યશ આપવો એ કેટલી ઉમદા વાત છે ?
૧૯૭૮માં બનેલી આ ફિલ્મ ‘નારી તું નારાયણી’માં અવિનાશ વ્યાસના આ ગીતમાં આશા ભોંસલે અને કિશોરકુમારે સ્વર આપ્યો છે. હવે આશા ભોંસલે મરાઠી અને કિશોર કુમાર બંગાળી અને તેમ છતાં ભાષાના અવરોધ વગર આ ગીત ગવાયું છે.
હવે જે વાત કરવી છે ને એ તો અવિનાશ વ્યાસ તરફ આપણું ગૌરવ વધુ ઊંચું જાય એવી છે. કહેવાય છે કે કિશોર કુમાર અત્યંત ધૂની હતા. એમની સાથે, એમની પાસે કામ લેવું અત્યંત અઘરું હતું. એ પોતાના પેમેન્ટ માટે આજના સમયમાં પ્રોફેશનલ કહેવાય એવા હઠાગ્રહી પણ હતા. રેકોર્ડીંગના દિવસે પણ સ્ટુડિયોમાં પહોંચે ત્યારે એમના મેનેજર તરફથી પેમેન્ટ મળ્યાનું ગ્રીન સિગ્નલ મળે પછી જ ગાતા. એકવાર તો પેમેન્ટ મળ્યું નહોતું તો સ્ટુડિયોની લાઈટનો પ્લગ કઢાવીને લાઈટ ઉડી જાય એવી પરિસ્થિતિ સર્જીને ઘેર ભાગી ગયા હતા.
હવે આવી જીદ્દી અને તરંગી વ્યક્તિ પાસે કામ લેવું કેટલું કપરું કહી શકાય અને તેમ છતાં અવિનાશ વ્યાસે આ શક્ય કરી બતાવ્યું.
આવી રીતે મન્નાડે કે હેમંત કુમાર કે જેમની વાણીમાં, જેમના લોહીમાં બંગાળી ભાષા વહેતી હોય એવા ગાયકો પાસે પણ એમણે ઉમદા કહી શકાય એવા ગીતો ગવડાવ્યા. એના લીધે ગુજરાતીઓને ભારતભરના શ્રેષ્ઠ ગાયકોને ગુજરાતી ગીત, ગરબા ગાતા સાંભળવાનો લ્હાવો મળ્યો. મન્નાડે કે હેમંત કુમારની જેમ ગીતા રોય પણ બંગાળી જ હતા ને? તેમ છતાં એમની પાસે પણ અવિનાશ વ્યાસે ખુબ સુંદર ગીતો ગવડાવ્યા જેમકે ‘ તાળીઓના તાલે ગોરી ગરબે ઘૂમવા જાય રે..( ફિલ્મ મંગલફેરા).
આવા તો અનેક ગાયકો છે અને અનેક ગીતો છે.. અને આ બધા જ બિનગુજરાતી ગાયકોના સ્વરમાં ગુજરાતી મસ્તી અને ગુજરાતી લહેકો મુક્યાનો જશ આપણે કોને આપીશુ? અલબત્ત અવિનાશ વ્યાસને જ સ્તો..
અવિનાશ વ્યાસ માટે એટલું તો જરૂર કહી શકાય કે એમણે જે રચનાઓ આપી એ એટલી હદે તો આપણા હ્રદયમાં, મનમાં સ્થાયી થઈને રહી ગઈ કે કદાચ આપણે એ ગીતોના ગાયક કોણ હતા એ જાણ્યા વગર પણ એને માણ્યા..અને ભવિષ્યમાં પણ માણતા જ રહીશું. આપણને તો બસ યાદ રહ્યા અવિનાશી સદા બહાર અવિનાશ વ્યાસ.
જે આગળ જે ગીતોમાં ટહુકાની અને લહેકાની વાત કરી એની વાત આવતા અંકે. આજે તો સાંભળીએ આશા ભોંસલે અને કિશોર કુમારે ગાયેલું આ મઝાનું ગીત.
http://www.mavjibhai.com/MadhurGeeto_three/401_hunrangoli.htm
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
Recent Comments