તને પ્રેમ કર્યાનો વહેમ……

March 21, 2020 at 4:43 pm 2 comments

valentines-day-background-greeting-card-love-symbols-red-decoration-with-heart-pink-background-top-view-with-copy-space-text-flat-lay_150455-529

 

“ચાલીસ વર્ષની ઉંમરે પહોંચ્યા પછી ક્યારેક એવો વિચાર આવે છે કે પહેલો પ્રેમ જેની પાછળ આપણે ફના થવા સુધી તૈયાર હતા એ પ્રેમ માત્ર વહેમ હતો?”

કલબલાટ કરતા એ ચૌદ જણના ગ્રુપમાં સન્નાટો વ્યાપી ગયો. તેજલે આ વાત ક્યાંથી યાદ કરી આજે? માનસી, મનિષા, દીપા, નંદિની અને એવા જ બીજી દસ ઉચ્ચ મધ્યમ વર્ગી સખીઓની આ કિટી પાર્ટી આજે તેજલના ઘેર હતી. દર મહિને કોઇપણ એક જણના ઘેર બપોરે મળવાના આ વ્યવસ્થિત ક્રમમાં આજે તેજલના ઘરનો વારો હતો.  આમ જોવા જાવ તો ખાસ કશા જ કારણ વગર પણ મળતા રહેવાના આ ક્રમમાં સૌને મઝા પણ આવતી જ હતી સ્તો.

ઘર-પરિવારથી જરાક વાર અળગા થઈને પોતાની સ્વતંત્રતાને માણી લેવાના આશયથી ફરી એકવાર આખા મહિના સુધી જવાબદારીમાં પરોવાઇ જવાનું બળ મળતું. ક્યારેક કોઇ વિષય પર સંવાદ થતો પણ વિવાદ ક્યારેય નહીં. એક વણ લેખ્યો નિયમ સૌએ મંજૂર રાખ્યો હતો કે જ્યારે પણ કોઇ વાત પર વિવાદ થાય તો એ વાત ત્યાં જ પડતી મુકી દેવાની . એમાં ક્યાંય કોઇને સાચા-ખોટા કે સારા-નરસા સાબિત કરવા સુધી વાત લંબાવી જ ન જોઇએ. કોઇના ય અંગત જીવન કે ભૂતકાળને સ્પર્શ્યા વગર જ વર્તમાનને માણવાનો એવા નિર્ણયના લીધે જ આજે આટલા વર્ષે પણ આ ગ્રુપમાં સંવાદિતા જળવાઇ રહી હતી.

તો પછી આજે આજે અચાનક તેજલને ભૂતકાળ ખોતરવાનો આવો વિચાર ક્યાંથી આવ્યો?

એક પળ……અને વળતી પળે જ તેજલ હસી પડી.

“અરે! ભાઇ ઇતના સન્નાટા કૈસે? કિસીકો સાપ સુંઘ લિયા ક્યા?” મૂળે દિલ્હીની વતની તેજલની વાતોમાં ગુજરાતીની સાથે હિન્દી લહેકો ભળી જતો.

“અરે ભાઇ! આ તો જરા અમસ્તી મસ્તી કરી લીધી. આમાં ક્યાંય કોઇએ વાતનો તંત પકડી રાખવાની જરૂર નથી. હવાએ હળવાશ પકડી લીધી અને વળી પાછા સૌ એક લેવલે પહોંચી ગયા. વાતોનો દોર પુરો થયો, ચા-નાસ્તાનો દોર શરૂ થયો અને સૌ ફરી પાછા અસલ મુડમાં આવીને છુટા પડ્યા.

બસ અસલ મુડ પાછો ના આવ્યો કાવ્યાનો. બોપલના તેજલના એપલ વૂડ એપાર્ટમેન્ટથી નિકળીને નવરંગપુરાનો રસ્તો કાપતા આજે એને એકવીસ વર્ષ જેટલો સમય લાગ્યો. ઘર સુધી પહોંચીને સબકૉન્શસ માઇન્ડથી દોરવાયેલી એની કાર એણે સીધી લૉ-કૉલેજ તરફ વાળી. મીઠાખળી ચાર રસ્તા વટાવતી એની કાર લૉ-કૉલેજ તરફના એ ઘટાટોપ રસ્તાઓ પરથી આગળ વધતી હતી પણ કાવ્યાનું મન તો પાછા પગલે ભૂતકાળ તરફ ખસી રહ્યું હતું.

લૉ-કૉલેજ સુધી પહોંચતામાં તો એની આંખોમાં આખે-આખી એ વરસાદી સાંજ ઉતરી આવી અને હ્રદયને ભીનુ ભીનુ કરી ગઈ.

*****

મોસમનો એ પહેલો વરસાદ હતો. એ વરસાદી સાંજની ભીની ભીની માટીની મહેંકને માત્ર ત્યાં જ રહીને શ્વાસમાં સમાવવી પુરતી ન હોય એમ કાઇનેટિક પર કાવ્યા અને આભા તરબોળ થવા નિકળી પડ્યા. ઉનાળાના તપતા રસ્તાઓને વરસાદી ઝાપટાએ થોડા ટાઢા તો પાડ્યા હતા પણ તો ય આ ચાર મહિનાથી ધખેલી જમીનમાંથી અંદરનો ઉકળાટ બહાર અનુભવાતો હતો. હજુ ય જરૂર હતી એને ટાઢક આપવાની, વરસાદે મન મુકીને વરસવાની.

ધોધમાર વરસાદ પછીની હળવી ફરફરમાં પલળતા કાવ્યા અને આભા સમથેશ્વર મંદિર તરફના રસ્તા પર વળ્યા. રસ્તા પર સગડી પર શેકાતા ગરમ ગરમ મકાઇના ડોડા પર ઓગળતા બટરની સુવાસે કાવ્યાને ત્યાં જ રોકી લીધી.

કાઇનેટિકને રસ્તાની ધાર પાસે પાર્ક કરીને સ્ટેન્ડ પર ચઢાવી એ બંને મકાઇના બે ડોડા શેકવાનું કહી કાઇનેટિક પર આવીને બેઠા.

આઇયે બારિશોં કા મૌસમ હૈ..

ઉન દિનો  ચાહતોકા મૌસમ હૈ….

કાવ્યાના કાન સુધી પંકજ ઉધાસના સૂરીલા કંઠે ગવાયેલી ગઝલના શબ્દો પડ્યા. આમ તેમ જોતા એની નજર પડી કાઇનેટિકની જરા આગળ પાર્ક થયેલી ઇનોવા પર. ગઝલના સૂર ઇનોવાની સાઉન્ડ સીસ્ટમમાંથી રેલાતા હતી એ વાત પણ એ સમજી શકી. જરા વાર રહીને એનું ધ્યાન ગયું.  સાઇડ મિરરમાંથી બે આંખો એને એકી ટસે તાકીને જોઇ રહી હતી .એણે નજર ફેરવી લીધી. થોડી પળો એમ જ પસાર થઈ ગઈ અને ફરી જોયું તો હજુ ય એ નજર ટીકી ટીકીને એને જોઇ રહી હતી.

હવે કાવ્યાને જરા અકળામણ થવા માંડી. એને ત્યાંથી જતા રહેવાની ઇચ્છા થઈ પણ  કારના એ સાઇડ મિરરમાંથી તાકી રહેલી આંખોમાં એક અજબ જેવું વશીકરણ હતું જે કાવ્યાને જતા રોકી રહ્યું હતું. ના સહેવાય – ના રહેવાય એવી સ્થિતિમાં કાવ્યા આખે આખો મકાઇનો ડોડો ચાવી ગઈ અને તેમ છતાં હજુ જાણે બાકી રહ્યું હોય એમ મકાઇના ડોડાને ચાવતી રહી.

આભાએ એને હડબડાવી મુકી ત્યારે એ પેલી બે આંખોના સંમોહનમાંથી બહાર આવી. આભાનો હાથ પકડીને એણે ખેંચીને પાર્ક કરેલા કાઇનેટિક પરથી ઉતારીને કાઇનેટિક ઘર તરફ મારી મુક્યુ જાણે પેલી આંખોના વશીકરણના પાશમાંથી છુટવું ના હોય!

અને પછી તો એ આંખોએ જાણે કાવ્યાનો પીછો કર્યો…. રાત્રે ઊંઘમાં , સવારે ઊઠીને પણ એ બે આંખો એને તાકતી રહેતી હોય એવો સતત ભાસ થયે રાખતો. સહેજ એકલી પડતી અને પેલી બે આંખો એને ઘેરી વળતી.

*****

“ હેલ્લો મિસ કાવ્યા…. ટુ ડે યુ લૂક મોર બ્યુટીફુલ….”

વેસ્ટ સાઇડના એક્સેસરી આઇલમાં ફરતી કાવ્યાના કાને અવાજ અથડાયો. અવાજને અનુસરીને નજર કરી તો સામે કોઇ તદ્દ્ન અજાણ્યો, ક્યારેય ન મળેલો… ક્યારેય ન જોયેલો યુવક …

પણ એણે તો કાવ્યાને નામથી બોલાવી હતી. એનો અર્થ  કાવ્યા એના માટે તો અજાણી નહોતી. બઘવાઇને સામે જોઇ રહેલી કાવ્યાની સામે એણે એક હળવું સ્મિત આપ્યું. કાવ્યા હજુ ય એની સામે તાકી રહી.. આ ચહેરો અજાણ્યો છે તેમ છતાં એ જાણીતો કેમ લાગે છે?

“ સોરી, આપને મેં ઓળખ્યા નહીં…” અસમજમાં અટવાયેલી કાવ્યા હજુ એ ચહેરા પર કશી ઓળખ શોધવા મથી રહી. ક્યાંય નથી મળ્યો આ યુવક તેમ છતાં કેમ સાવ અપરિચિત પણ નથી લાગતો… કેમ ??

“ક્યાંથી ઓળખો મિસ … ઓળખાણ તો ત્યારે થાય ને જ્યારે તમે મળવા રોકાયા હો…. તમે તો મકાઇના ડોડાના પૈસા પણ આપ્યા વગર ભાગી છૂટ્યા હતા તે દિવસે.” વરસાદમાં ભીના થયાનો તે દિવસનો કંપ જાણે કાવ્યાના શરીરે આજે ફરી અનુભવ્યો……

ઓહ ! તો આ ચહેરો નહીં પણ એ બે આંખો હતી જેને કાવ્યા ઓળખતી હતી. જે આંખોએ કેટલાય દિવસ સુધી કાવ્યાનું ચેન છીનવી લીધું હતું, રાતોની ઊંઘ વેરણ કરી હતી.

પગ જાણે પોલાદ…અને  શરીર જાણે માટીનો ગારો….. કાવ્યા ત્યાંને ત્યાં જ ખોડાઇ ગઈ..

“હવે સહેજ થેન્ક્યુ જેવો એક શબ્દ પણ કહી દેશો તો ચાલશે.. કાવ્યા.”

મિસ કાવ્યામાંથી માત્ર કાવ્યા ? એ યુવકની આંખોમાં જ નહીં એના અવાજમાં પણ કશુંક વશીકરણ જેવું હતુ. ઘેરો, છેક નાભીમાંથી ઊઠતો પહાડી અવાજ. એ કેળવાયેલા પહાડી અવાજમાં પણ જાણે પાશ જેવું કંઇક હતું જે કાવ્યાને પકડી રાખતું હતું, જકડી રાખતું હતું.

અને પછી તો એ સંમોહન કરતી આંખો, વશીકરણ કરતો અવાજ કાવ્યાના જીવનનો સૌથી મહત્વનો હિસ્સો બની ગયા. આજ સુધી માત્ર રેડિયો પર રેલાતો અવાજ કાવ્યા માટે એક માત્ર સૂરીલો અવાજ હતો પણ તે દિવસથી એ અવાજને એક નામ મળ્યું મોહિત…..અને સાચે જ કાવ્યા મોહિતના અવાજ જ નહીં મોહિતથી પણ અભિભૂત બનતી ચાલી.

“હેલ્લ્લ્લો અમદાવાદ…………થી શરૂ કરીને એક પણ પૉઝ લીધા વગર સતત પાંચ મિનિટ સુધી અવિરત બોલતા મોહિતની વાતોથી અન્યને લાગતું કે  મોહિત આજના રેડિયો પ્રોગ્રામ માટે એક માહોલ ઊભો કરી રહ્યો છે જ્યારે માત્ર અને માત્ર કાવ્યા જ પામી શક્તી કે તો આ તો આગલી સાંજે મોહિતથી છૂટી પડેલી કાવ્યાની યાદમાં વિતેલા સમયનો એહસાસ કરાવવા માટેનો નિત નવો અંદાજ હતો .

*****

ઓગણીસ વર્ષની ઉંમરનો પ્રથમ પ્રેમ કાવ્યાને પેલી પ્રથમ વરસાદની હેલી કરતાં ય વધુ તરબોળ કરતો ગયો. આજે લગભગ ચાલીસીએ પહોંચેલી કાવ્યાને આ ક્ષણે પણ એ વરસાદની હેલી અને એ હેલી જેવો જ મોહિતનો પ્રેમ ભીંજવી રહ્યો હતો.

બંધ હોઠમાં ઓગણીસ વર્ષની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે

લીલો ધમ્મર નાગ જીવને અનરધાર કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે

મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે…..

 

મોહિતની ઇનોવા આ અહીં જ જીમખાનાની ગલીમાં પાર્ક થતી અને કાવ્યાનો હાથ થામીને બેઠેલા મોહિતના હલકદાર કંઠે  રમેશ પારેખનું ગીત સરી જતું. સોળ વર્ષની કન્યાના બદલે ઓગણીસનો આંકડો પણ એ કેવી સાહજીકતાથી ગોઠવી લેતો !

એટલી જ સાહજીકતથી એ કાવ્યાના દિલો-દિમાગ પર છવાતો ગયો. આ બધુ જ જેટલી સાહજીકતાથી બન્યું એટલી સાહજીકતાથી આ સંબંધને સ્વીકૃતિ મળવાની નથી એ કાવ્યા ક્યાં નહોતી જાણતી ?

******

“કાવ્યાને કહી રાખજો એ ઝાલા પરિવારના દિકરી છે. શેખરરાજ ઝાલાના દિકરી આમ કોઈની પાછળ ઘેલા થાય એ આ પરિવારની શાનની વિરુધ્ધ વાત છે અને ઝાલાઓની શાન આમ ઝાડીઓની વચ્ચે ગાડીમાં આથડતી ફરે એ બિલકુલ ચલાવી નહીં લેવાય.”

સવારે ખાખી વરદીમાં સજ્જ થતા થતા શેખરરાજે પોતાના પત્નિ ઉમાદેવીને ચીમકી આપી. બેડરૂમમાં સન્નાટો છવાઈ ગયો. આમ પણ ઉમાદેવી પતિની સામે સીધી નજરે ભાગ્યેજ વાત કરી શકતા. પરણીને આવ્યા ત્યારથી ઝાલા પરિવારની આમાન્યાને સર આંખો પર ચઢાવી હતી.

પોલિસ કમિશનર શેખરરાજ ઝાલાના અવાજમાં બેઠી તાકાત હતી. આમ પણ આ ઘરમાં ક્યારેય મર્યાદા ઓળંગાય એવી રીતે વાત કરવાની રીત હતી જ નહીં. ઘરના મોભી જે બોલે એ ડંકાની ચોટ માનીને એમનો શબ્દ કોઈ ઉથાપવાની વાત તો દૂર એક શબ્દ પણ કોઈ ઉચ્ચારી શકતું નહીં.

એક તો રાજપૂતી લોહી અને એમાં ભળ્યો કમિશનરનો રૂઆબ, એમની હાજરીથી ઘર તો ઠીક શહેરમાં પણ સોપો પડી જતો. આજ સુધીની કારકિર્દીમાં એમની વર્દી પર લાંછનનો એકપણ કાળો ડાઘ લાગવા લાગવા દીધો નહોતો. કમિશનની કડક વરદી જેટલો જ કડક મિજાજ અને કડપ હતો.

એમનું એક માત્ર સંતાન હતી. લાડેકોડે ઉછરેલી કાવ્યાને ખબર હતી કે પાણી માંગે ત્યાં દૂધ હાજર કરનાર બાપ એમના ઝાલા વંશની શાન માટે કેટલા મગરૂર છે. એમની સાત સાત પેઢીમાં કોઈએ ઝાલા વંશની પરંપરા ઓળંગી હોય એવું બન્યું નહોતું અને આ કાવ્યા? શેખરરાજના કહેવા પ્રમાણે એ એક પરનાતીના છોકરડા માટે બાપની ઈજ્જત ધમરોળવા બેઠી હતી.

“આ વાત હું કોઈ કાળે સાંખી નહી લઉં એ તમે પણ સમજી લેજો અને દિકરીબાને પણ સમજાવી દેજો.” પત્નિ જ નહીં પુત્રીને પણ માનર્થે બોલાવવાની આચારસંહિતા આજ સુધી આ ઘરમાં જળવાયેલી હતી.

કાવ્યા આ જાણતી હતી તેમ છતાં મોહિતથી દૂર રહી શકતી નહોતી. યુવાન લોહી અને એમાં ભળ્યો પ્રેમનો કસુંબલ રંગ. કેફ ન ચઢે તો જ નવાઈ ને?

****

“આપની પરવાનગી હોય તો એકવાર આપના પિતાશ્રીને મળવા હું તૈયાર છું.” ક્યારેક ઝાલા પરિવારની જેમ મોહિત પણ કાવ્યાને માનથી બોલાવતો અને કાવ્યા ત્યારે એકદમ ફુંગરાતી.

“મળવા કે મરવા? મોહિત તને ય ખબર છે કે બાપુ કેમે કરીને આ સંબંધ માન્ય રાખવાના જ નથી પણ કોણ જાણે કેમ તને જોઈને હું એટલી વિવશ થઉં છું કે મારી જાતને રોકી શકતી નથી ક્યારેક થાય છે કે ઘડીભરનો વિચાર કર્યા વગર તારી સાથે નિકળી પડું પણ એમ કરતાંય ડરું છું.”

“ના કાવ્યા, એમ એવી રીતે ભાગવાની વાત તો મને પણ મંજૂર નથી. જે માન-મર્તબો ઝાલા સાહેબનો આજ સુધી જળવાયેલો છે એ એમની દિકરી જ રોળી નાખે અને એમાં હું સાથ આપું? જરાય નહીં. એ વાત આજે બોલી ફરી ક્યારેય વિચારતી પણ નહીં. ઝાલા સાહેબની મંજૂરી હોય તો જ આગળ વાત………”

“બોલ્યા? બોલી લીધું?” કાવ્યા ઉશ્કેરાઈ ગઈ.. જે વાતની કોઈ શક્યતા જ નથી એના માટે શેખચલ્લીની જેમ હવાઈ કિલ્લા બાંધવાના? નરી નાદાની નહીં તો બીજું શુ? તું બાપુને મળવા આવીશ અને બાપુ તને હારતોરા પહેરાવીને આવકારશે એમ માને છે?”

”મને ય ખબર છે કાવ્યા પણ હું મારી વાત પર અટલ છું. બાપુ માનશે તો ઠીક , એમની સંમતિ હશે તો જ આપણો સાથ હંમેશ માટે કાવ્યા બાકી આપણું છુટા પડીએ એ જ યોગ્ય છે.”

“આટલો કઠોર કેવી રીતે બની શકે છે તું મોહિત અને તારામાં આટલી સ્વસ્થતા, આવો સંયમ હતો તો કેવી રીતે તું પ્રેમ કરી શક્યો?”

“પ્રેમ કરવાનો હોતો નથી એ થઈ જાય છે અને સાચું કહું તો કાવ્યા એ સાંજે તને જોઈ એ ક્ષણથી જ તું મને ગમી ગઈ હતી, કોઈનું ગમવું એ કદાચ પ્રેમની પહેલાનું ચરણ હશે. ઘણીવાર કહે છે ને કે Love at first sight. એવું જ કશું હશે પણ એ રાત્રે મારી ઉંઘ મારાથી દૂર રહી. તને ખબર છે કાવ્યા હું એક નંબરનો ઉંઘણશી છું ? એ દિવસ સુધી પથારી મારી પ્રિયા હતી પણ એ સાંજથી જ જાણે મારી અંદરનું કશુંક વલોવાતું હું અનુભવતો હતો. કાવ્યા મારું મન એમ કહેતું હતું કે હું તને એ ક્ષણે શોધીને પણ મળું પણ ત્યારે મને ક્યાં ખબર હતી કે આપ કોના સુપુત્રી છો. જો કે ખબર હોત તો પણ એ સમયે તો હું કશું જ આગળ પાછળનું વિચાર્યા વગર તને પામવાની મથામણમાં જ હોત પણ આજે જ્યારે મને ખબર છે કે આપ કોણ છો અને આપને મેળવવાની વાત તો દૂર વિચારમાં પણ લાવવા એ પણ આસમાનના તારા તોડવાની વાત લાગે છે.”

“આ શું આપ આપ માડ્યું છે? આ આપ-આપના એવા બધા માનવાચક સંબોધનોથી પરે તારી પાસે મને કંઇક જુદુ મળ્યું એ એટલું તો વહાલું લાગ્યું, એટલું તો આત્મિય લાગ્યું જે મારા ઘરમાં અનહદ સ્નેહ મળવા છતાં ક્યારેય નહોતું લાગ્યું. પ્લીઝ તું આવી શિષ્ટ ભાષા બંધ કર અને મુદ્દાની વાત પર આવ.”

“હુ મુદ્દાની જ વાત કરું છું કાવ્યા. આપણે ગમે તેટલું ઈચ્છીએ તેમ છતાં વાસ્તવિકતા તો બદલાવાની જ નથી તો આપણે જ બદલવું રહ્યું ને ? અને આપણને કોઈ હક નથી કે વડીલોને નારાજ કરીને આપણું સુખ શોધીએ. આપણે છુટા પડીએ એમાં જ શાણપણ છે. હા! તારા પ્રેમમાં પડવું, તને પામવાની ચાહના કરવીએ મારું ગાંડપણ હતું એમ મને સમજાય છે. એક વાત એ પણ કહું કે તું ક્યારેય મારા મન-મારા દિલથી દૂર જવાની જ નથી પણ મારું તારાથી દૂર જવું જરૂરી છે. કાવ્યા, આ જ ક્ષણથી આપણે છુટા પડીએ છીએ. કાલથી તું મને મળવા નહી આવે એ મારો નિર્ણય છે અને એ નિર્ણયમાં સાથ આપવો એમાં તારી સમજદારી છે. હું સાચા દિલથી તારી માફી માંગું છું કાવ્યા જે શક્ય નહોતું એનું સપનું મેં જોયું અને એમાં તને પણ દુભવી.”

*****

એ દિવસ પછી ક્યારેય કાવ્યા અને મોહિત મળ્યા નહીં. કાવ્યા પણ મોહિતની યાદ દિલના એક ખૂણે સાચવીને શેખરરાજ ઝાલાએ શોધેલા પરિવારના પુત્ર શૈલ સાથે પરણી ગઈ. ક્યારેક મનમાં વિચાર ઝબકી જતો કે સાચે જ એણે પ્રેમ કર્યો હતો કે માત્ર પ્રેમ કર્યાનો વહેમ હતો?

અને મનના ઊંડણમાં સાચવેલી મોહિતની યાદ પરપોટો બની સપાટી પર તરી આવે અને મનના શાંત પડેલા વમળોને ફરી ખળભળાવે એ પહેલાં જીમખાના સુધી પહોંચતા પહેલા જ લૉ ગાર્ડનથી કાવ્યાએ કારને યુ ટર્ન મારીને પાછી વાળી લીધી.

પણ મોહિતે તો એને સાચે જ પ્રેમ કર્યો હતો. આજે એ દિવસ હતો જ્યારે કાવ્યા અને મોહિત છુટા પડ્યા હતા. કાવ્યાને ક્યાં ખબર હતી કે મોહિત દર વર્ષની જેમ આજે પણ અહીં પહોંચવામાં જ હતો. જો એ જીમખાના સુધી પહોંચી હોત તો શક્ય છે એણે મોહિતને એ ગલીના મોડ પર ટર્ન લઈને કાર પાર્ક કરતો જોયો હોત.

આજે પણ આ જીમખાનાની ગલીમાં મોહિતની કાર હંમેશા એની રાહ જોતી થોડીવાર તો પાર્ક થયેલી જ હોય છે.

 

Entry filed under: નવલિકા, Rajul.

૧૦ – સદાબહાર સૂર ૧૧ -સદાબહાર સૂર

2 Comments

 • 1. Shaila Munshaw  |  March 21, 2020 at 5:59 pm

  અતિશય સંવેદનશીલ વાર્તા.

  Liked by 1 person

 • 2. Rajul Kaushik  |  March 21, 2020 at 6:55 pm

  આભાર શૈલાબેન

  Like


Blog Stats

 • 135,312 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

March 2020
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: