ફિલ્મ રિવ્યુ-થપ્પડ
March 6, 2020 at 6:53 pm 2 comments
થપ્પડ….
એક થપ્પડ એટલે શું? અચાનક રોષ આવે અને આવેશમાં હાથ ઉપડી ગયો બસ એટલી જ વાત? અજાણતા જ થઈ ગયેલી ઘટના માત્ર? શક્ય છે અન્ય માટે કદાચ વાત એ પછીની ક્ષણોમાં ભૂતકાળ બનીને ભૂલાઈ પણ જાય પરંતુ એક વ્યક્તિ જેની સાથે આ ઘટના બની છે અને તે પણ અન્યની હાજરીમાં… એ આ ઘટના ભૂલી શકશે ?
ના, કારણકે આ થપ્પડ ગાલ પર પડેલી થપ્પડ નથી એ તો એક પત્નીના સેલ્ફએસ્ટીમ થયેલો કારી ઘા છે.
અનુભવ સિંહાની ફિલ્મ થપ્પડ એક એવો ઉઘાડ લઈને ખુલે છે જેમાં અમૃતા( તાપસી પન્નુ)ની સાથે આપણે પણ અનાયાસે કનેક્ટ થતા જઈએ છીએ. આમ જોવા જઈએ તો અમૃતાની સવાર અને એની દૈંનિક ક્રિયાઓ એક સરખી જ ચાલ્યા કરે છે. વહેલી સવારે ઊઠતી અમૃતા પાસે તો પોતાના માટે તો સવારનો એક નાનકડો ટુકડો જ છે. એટલા ટુકડાને એ પોતાની રીતે જીવી લે છે અને બસ પછી તો એની રફતાર ઘર-વર અને સાસુમાની આસપાસ શરૂ થઈને પુરી થાય છે. સવારની એક કપ ચા અને ઉઘડતી સવારનો થોડો મહોલ એ છે એનો મી ટાઇમ..પણ એટલામાં એ સાચે જ ખુશ છે. પોતાના આ થોડા અમસ્તા મી ટાઇમ અને એના પતિની આસપાસ વિંટળાયેલા એના નાનકડા વિશ્વમાં એ સાચે જ રાજી છે.
પતિની પળે પળ સાચવવા દોડતી રહેતી અમૃતાની પતિ તરફની અપેક્ષાઓ ય ઝાઝી નથી પણ એક ક્ષણ એવી આવી જાય છે અને એનો પતિ વિક્રમ( પવેલ ગુલાટી) સૌની હાજરીમાં અમૃતાને થપ્પડ મારી બેસે છે..
આ કંઇ ઘરેલુ હિંસા ય નથી અને અવારનવાર બનતી બીના પણ તેથી શું થયું? અમૃતાને એની આસપાસના, પરિવારના સૌ સમજાવવા મથે છે કે આ વાત ભૂલી જા, એક થપ્પડને લઈને વાત આગળ વધારવાના બદલે સમાધાન કરી લે.
પણ અમૃતા માટે આ થપ્પડ એક એવા ઘા સમાન છે જે કદાચ સમાધાન કરી લે તો પણ એ ઘામાંથી થોડું થોડું લોહી તો ઝમ્યા જ કરવાનું હતુ. એ ઘા પર ક્યારેય રૂઝ તો આવવાની જ નહોતી. તો શા માટે એણે સમાધાન કરવું જોઈએ?
આખી ફિલ્મનું સૌથી સબળ પાસુ છે એના ચોટદાર સંવાદ. અમૃતા વિક્રમથી છેડો ફાડવા માંગે છે ત્યારે એ સાચો નિર્ણય કરી રહી છે કે કેમ એની અવઢવ પિતા ( કુમુદ મિશ્રા.) પાસે રજૂ કરે છે ત્યારે એના પિતા કહે છે કે “જરૂરી નથી કે દરેક સાચી વસ્તુનો અંત સારો જ હોય….બસ આવા અનેક નાના નાના ચોટડૂક સંવાદો માટે પણ આ ફિલ્મ જોવી જોઈએ. એક પણ વાર કોઈપણ પાત્ર પોતાનો અવાજ રેઇઝ કર્યા વગર, ઊંચા સાદે બોલ્યા વગર પણ પોતાની વાતને એવી રીતે આપણી સમક્ષ મુકે છે કે આપણા હ્રદય સોંસરવી જ ઉતરી જાય.
અમૃતાની એક જ વાત છે, “એક થપ્પડ જ હતી પણ મારી ના શકે…..” બસ આવા વન લાઈનર પણ એની મક્કમતા દર્શાવી જાય છે. એ નથી લડતી, નથી ઝગડતી પણ પોતાનો આક્રોશ સતત માનસિક અને શારીરિક રીતે વ્યસ્ત રહીને પણ વ્યકત કરતી રહે છે. એ ચૂપ છે પણ એની મૌન વેદના એટલી તો બોલકી છે કે એ સતત એના ચહેરાની સખતાઈમાં, એની આંખોમાં ડોકાયા કરે છે.
આ ફિલ્મ એક માત્ર અમૃતાની કથા નથી પણ એક હાઈ પ્રોફાઈલ મહિલા વકીલથી માંડીને મધ્યમવર્ગી મહિલા અને એથી પણ આગળ વધીને ઘરકામ કરતી બાઈની પણ વ્યથા છે ફરક માત્ર દરેક વ્યક્તિની અભિવ્યક્તિનો છે. દરેક મોટી થતી જતી બાળકીને નાનપણથી જ જ્યારે જે મળ્યું છે એ સારું જ છે એમ સ્વીકારી લઈને જ ચાલવું, એ જીવનનો એક ભાગ છે એમ સમજીને જીવી લેવું એવા સંસ્કાર એની મા કદાચ એને ગળથૂથીની સાથે સાથે આપી દેતી હોય એટલે મોટાભાગે દરેક નારી પોતાની જાતને એ વ્યવસ્થામાં ગોઠવી જ લેતી હોય છે પરંતું ક્યારેક એવું બની જાય જે તમને હચમચાવી દે, મૂળસોતા ઉખેડી દે અને ત્યારે એ તમામ સંસ્કાર કે શીખેલી વાતો નગણ્ય બની જાય.
અહીં અમૃતાના ગાલ પર સૌની વચ્ચે પડેલી થપ્પડ આજે કંઇક નવો જ પડઘો લઈને ઉભરે છે. અમૃતામાં એ હિંમત છે કે એ આત્મસન્માનને ભોગે કોઈ સમાધાન ઇચ્છતી જ નથી. અમૃતા જાણે એક ટ્રેન્ડસેટર બની જાય છે. અમૃતાની સાથે એની લૉયર જે ઉચ્ચ નામાંકિત પરિવારમાંથી આવે છે એને પણ આજ સુધી એના સન્માન સાથે થતા પતિના ચેડા મન પર ઉભરી આવે છે. અમૃતાની ઘરકામ કરનારી બાઈ જ્યાં પતિની મારપીટ એક સાહજિક વાત કે વાતાવરણ છે એમ માનીને જીવી રહી હતી એ પણ માથુ ઉચકતા શીખી જાય છે.
આજની અમૃતાની સાથે જ કદાચ માનસપટ પર પોતાના શીલ પર, સ્વમાન પર ઘા લાગતા વેરભાવનાથી ખળભળી ઉઠે એ દ્રૌપદીની છબી ઉપસી આવે તો નવાઈ નહીં પણ ના અહીં અમૃતા એવું કશું જ નથી કરતી. બસ એ શાંતિથી પોતાના આક્રોશને, વેદનાને જીરવી લેવા મથે છે અને પછી જ એ જે નિર્ણય લે છે એને વળગી રહે છે. એ એની પોતાની લડાઇ છે જેમા એ બીજા કોઈને ઘસેટતી નથી.
સમગ્ર ફિલ્મમાં ક્યાંય એક ક્ષણનો પણ વેડફાટ થયો હોય એવું નથી અનુભવાતું.
સવારમાં લીલી ચા સાથે પોતાનો દિવસ શરૂ કરતી અમૃતા,
પતિની સાથે સતત ઘૂટન અનુભવતી નેત્રા (માયા સારાઓ)ની એના મિત્ર સાથે ચોરીને વ્યતિત કરેલી ક્ષણો જેમાં ખાસ કશું જ બોલ્યા વગર ચાલતી ગાડીમાંથી બારીનો કાચ ખોલીને ખુલ્લી હવામાં શ્વાસ લેવું, પતિ (માનવ કૌલ)ને છોડવાનો નિર્ણય લઈ ચૂકેલી નેત્રાનું વહેલી સવારમાં મિત્રને મળવા જવું,
અમૃતાની ઘરકામ કરતી સુનિતા( ગીતિકા વિદ્યા)નો ટી.વીનો વૉલ્યુમ વધારીને સાસુ સામે દર્શાવાતો ગુસ્સો અને રસ્તામાં જતા નાના બાળકોની સાથે ઘડીભર બોલ રમી લેવું,
અમૃતાની પાડોશમાં રહેતી શિવાની( દિયા મિર્ઝા)નું એના પતિની કબર પર જઈને ફૂલ ચઢાવવું, આ બધા જ દ્રશ્યો એક પણ સંવાદ વગર પણ ઘણુંબધું કહી જાય છે. ક્રેડિટ ગોઝ ટુ અનુભવ સિંહા અને આ તમામ પાત્રોને જે મૌન રહીને પણ અદ્ભૂત રીતે વ્યકત થઈ શક્યા છે.
કહેવી કે લખવી હોય તો આ ફિલ્મની લંબાઈ જેટલી કદાચ ખુટે નહીં એટલી વાતો છે. હવે જે વાત કરવી છે એ છે પાત્રોના અભિનયની.
માત્ર બે વાક્યમાં કહી દેવું હોય તો ચોક્કસ કહી શકાય કે તમામ કલાકારો એ પાત્રોએ આત્મસાત કર્યા હોય એવો અભિનય આપ્યો છે.
તાપસી પન્નુએ તો અવૉર્ડ વિનિંગ પરફોર્મન્સ આપ્યો છે. અત્યંત પ્રેમાળ પત્નિ, કેરિંગ પુત્રવધુ અમૃતા કેવી વ્હાલસોયી લાગે છે અને આત્મસન્માન માટે લડી લેવાનો નિર્ણય લઈ ચૂકેલી અમૃતા? એ નિર્ણય લીધા પછી એનો ક્ષણ માત્રમાં બદલાયેલો ચહેરો… એના માટે એક જ શબ્દ- લાજવાબ. એ પ્રેગનન્ટ છે એવા સમાચાર મળે છે ત્યારે વિક્રમ (પવૈલ ગુલાટી)થી છૂટા પડવાનો નિર્ણય લઈ ચૂકેલી અમૃતા એની સાસુ ( તન્વી આઝમી) પૂજા રાખે છે ત્યારે એ પૂજામાં હાજર પણ રહે છે અને પછી એની સાસુના પગ પાસે બેસીને એની વ્યથા ઠાલવી દે છે ને એ તાપસી પન્નુ પર તો આફરિન આફરીન….. એને તો વિક્રમથે છૂટા પડીને ય કશું જ નથી જોઈતું કારણકે વિક્રમે ભર પાર્ટીમાં મારેલી થપ્પડ પછી એ અમૃતાને કશું જ ભરપાઈ કરી શકે એમ છે જ નહીં. જાહેરમાં થપ્પડ તો મારી પણ અંગત રીતે એ એક વાર પણ સાચા દિલથી સોરી ય ક્યાં કહી શક્યો છે ? તો પછી એ વ્યક્તિ પાસેથી બીજી તો શું આશા રાખી શકાય?
વિક્રમના પાત્રમાં પવૈલ ગુલાટીએ એક એવા પતિનું પાત્ર ભજવ્યું છે જે નાની નાની બાબતમાં પત્ની પર નિર્ભર છે જ તેમ છતાં એનામાં ક્યાંય પત્ની માટે આભારની અભિવ્યક્તિ પણ નથી. એ સતત પોતાના કેન્દ્રમાં જ રાચે છે. એના માટે એનું કામ, એની પ્રગતિ જ મહત્વના છે. એ અમૃતા પાછી એના જીવનમાં આવે એવું ય ઇચ્છે છે પણ એમાં ય એનામાં પસ્તાવા કરતાં ય અમૃતા તરફના સમાધાનની અપેક્ષા વધુ છે. …ટિપિકલ હસબંડ…
અમૃતાની સાસુ છે થોડી શાંત અને નિરુપદ્રવી પણ દિકરા તરફ વધુ મમત્વ ધરાવતી મા જેમાં તન્વી આઝમીએ પાત્રને યથાર્થ ન્યાય આપ્યો છે.
ફિલ્મના તમામ નારી પાત્રોને અનુભવ સિંહાએ એમની રીતે વ્યક્ત થવાની ઘણી મોકળાશ આપી છે. સદાય સૌમ્ય અને સરળ એવી શિવાની ( દિયા મિર્ઝા) પાસે પોતાના ભૂતપૂર્વ પતિની ભાવભીની યાદો છે જેને અકંબધ રાખીને જ એ જીવવા માંગે છે. શિવાની આ ફિલ્મનું ખુબ સુંદર પાત્ર પાત્ર છે.
નેત્રા ( માયરા સારાઓ ઉચ્ચ ધનાઢ્ય પરિવારના માનમોભા વચ્ચે પીસાય છે તો કામવાળી સુનિતા( ગીતિકા વિદ્યા) રોજે રોજ પતિ તરફથી પીટાય છે. દેખીતી રીત ફરક માત્ર શારીરિક કે માનસિક પીડનનો જ છે પણ વાત તો છે પીડનની જ.
અમૃતાના પરિવારમાં એક એની મા( રત્ના પાઠક) છે જે સાવ સરળ છે. મનમાં હોય એ કહી દેવા જેવી સ્વભાવિકતા છે. અમૃતાનો ભાઈ (અંકુર રાઠી) છે જે થોડો ઉતાવળીયો અને વધુ પડતો લાગણીવાળો છે. એની ભાભી ( નૈના ગ્રેવાલ) જે વિચારશીલ અને વાસ્તવવાદી હોવાની સાથે અમૃતાની લાગણીને સમજીને સતત એની સાથે ઉભી રહે છે. એ બંને પણ આપણને ગમી જાય છે.
આ તમામ પાત્રોની સાથે સતત એક સરળતાથી રહેતુ અને વહેતું પાત્ર એટલે અમૃતાના પિતા સચિન( કુમુદ મિશ્રા). અત્યંત સૌમ્ય પ્રકૃતિ અને સદાય સ્મિત મઢ્યો ચહેરો, કોઈપણ સંજોગોમાં સમજણપૂર્વક ઉકેલ લાવવાની સૂઝ, નારી માત્ર માટે સન્માનની ભાવના……એ પતિ હોય કે પિતા, પ્રત્યેક જવાબદારીને ખુબીથી સંભાળી લેવાની જે ખાત્રી એમના વ્યક્તિત્વમાં ડોકાય છે ને એવી વ્યક્તિ સૌ કોઈ પોતાના જીવનમાં ઝંખે. કુમુદ મિશ્રા થીયેટરના કલાકાર છે. એમની તમામ ફિલ્મો તો જોઈ નહી હોય પણ સરદારી બેગમ,આર્ટિકલ ૧૫, રુસ્તમ, એરલિફ્ટ જો જોઈ હોય તો પ્રતિભાનો અંદાજ હશે જ.
અને લાસ્ટ બટ નોટ લીસ્ટ….સુનિતા એટલે કે ગીતિકા વિદ્યાએ તો કમાલ કરી છે. ઘણા બધા દ્રશ્યોમાંથી એના માત્ર બે સીન ધ્યાનમાં લઈએ તો ય એના અભિનય કૌશલ્યનો અંદાજ આવી જાય. ઘર,વર કે સાસુના ત્રાસ વચ્ચે ય ટકી જતી આ સુનિતા બાળકો સાથે બે ઘડી બોલ રમી લે છે કે છેલ્લે જે રીતે મન મુકીને નાચી લે છે ને એ હંમેશા યાદ રહી જશે.
ફિલ્મના રાઈટર ડિરેક્ટર અનુભવ સિંહા અને મૃણમયી લાગુએ આ ઈમોશનલ ફિલ્મને મેલોડ્રામામાં ન પરિવર્તિત થાય એ માટે ખુબ સજાગ રહ્યા છે એના માટે ફુલ માર્ક્સ.
ઇન શોર્ટ જે ફિલ્મના બોક્સ ઓફિસના વકરા સામે જોઈને જ ફિલ્મ જોવા જતા હોય એ પ્લીઝ ફિલ્મ જોવા ના જ જાય પણ સર્વાંગ સુંદર ફિલ્મ માણવી જે છે એ જરૂર જાય.
Entry filed under: ફિલ્મ રિવ્યુ, Rajul.
1.
Sangita | March 6, 2020 at 11:04 pm
Wow. Nice review. Will have to see the film now.
LikeLiked by 1 person
2.
Rajul Kaushik | March 7, 2020 at 9:04 am
Thanks Sangitaben
LikeLike