૮ – સદાબહાર સૂર-
March 2, 2020 at 7:07 am 2 comments
અણ્ણા હઝારે, અપર્ણા સેન, અમિતાભ બચ્ચન, અલીક પદમશી, અશોક કુમાર
અને
અવિનાશ વ્યાસ…
બારાખડીમાં આવતા કાનો-માત્રા વગરના શબ્દ આ અ પરથી જે નામ લખ્યા એ નામોમાં ‘અ’ ઉપરાંત બીજું શું સામ્ય છે જાણો છો? આ તમામ મહાનુભવોને પદ્મશ્રીનો ખિતાબ એનાયત થયો છે. આપણા માટે સૌથી મહત્વની વાત એ કે આ સૌમાં આપણા ગુજરાતનું નામ રોશન કરતા એક સવાયા ગુજરાતી અવિનાશ વ્યાસનું નામ અહીં સન્માનપૂર્વક મુકાયું છે. તેઓ ૨૫ વખત શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સંગીત માટે ગુજરાત સ્ટેટ ફિલ્મ પુરસ્કારના વિજેતા બન્યા છે અને ૧૯૭૦માં ભારત સરકારે એમને પદ્મશ્રીના ખિતાબથી સન્માન્યા છે.
જો કે આ લોકપ્રિયતા કે ખિતાબ પણ સાવ એમ જ સરળતાથી ક્યાં મળ્યા હતા? શરૂઆતના વર્ષો એમના પણ સંઘર્ષના જ હતી. ૧૯૪૩માં સનરાઈઝ પિક્ચર્સના નિર્માણ નીચે તૈયાર થયેલી ફિલ્મ ‘ મહાસતી અનસૂયા’માં એમને તક મળી હતી. જેમાં અવિનાશ વ્યાસ, શ્યામસુંદર અને અલ્લારખાં એમ ત્રણ મ્યુઝિક ડાયરેક્ટર હોવા છતાં અથવા ત્રણ મ્યુઝિક ડાયરેક્ટર હોવાના લીધે ઝાઝો યશ તો મળ્યો નહીં પણ અવિનાશ વ્યાસને ‘ સનરાઈઝ પિક્ચરમાંથી છૂટા કરવા પડ્યા હતા અને આ નિષ્ફળતાને લઈને અવિનાશ વ્યાસ રડી પડ્યા હતાં. વળી બીજી ૧૯૪૪માં આવેલી હિન્દી ફિલ્મ ‘કૃષ્ણભક્ત બોડાણા’પણ ઉંધેકાંડ પછડાઇ અને ‘વાડીયા મુવીટોન’માંથી એમને છૂટા કરવામાં આવ્યા. એ પછી પ્રાણલાલ ઝવેરીના ‘ કીર્તિ પિક્ચર્સ’માંથી પણ એમને છૂટા થવું પડ્યું.
આમ જોવા જઈએ તો અમિતાભ બચ્ચન પણ પહેલાં તો રિજેક્ટ થયા જ હતા ને? વાત નિષ્ફળતામાંથી સફળતા સુધી પહોંચવાની કરતાં હોઈએ તો એમાં એ મહાનાયકની જેમ અવિનાશ વ્યાસની પણ કરવી જ પડે.
આજે આપણે સૌ સફળતાની ટોચે બિરાજેલા અમિતાભ બચ્ચનની જેમ જ એક ઊંચાઈને આંબેલા અવિનાશ વ્યાસને ઓળખીએ છીએ.
જેમના માટે સૂર-શબ્દનું સરનામું જેવી ઓળખ ઉભી થઈ છે એવા આપણા આ ગૌરવવંતા ગીતકાર અવિનાશ વ્યાસના નામે દસ હજાર ગુજરાતી ગીત રચનાઓ બોલે છે. અવિનાશ વ્યાસે ૧૯૦થી વધુ ગુજરાતી ફિલ્મો અને લગભગ ૬૨ જેટલી હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. એમની દિર્ઘ કારકિર્દી દરમ્યાન ૪૩૬ હિન્દી ગીતો તેમજ ગુજરાતી ફિલ્મો માટે ૧૨૦૦ કરતાં વધુ ગીતો માટે સંગીત આપી ચૂક્યા છે.
ઘણીવાર એવું બને કે ક્યાંક વિશ્વ વિક્રમ રચાઈ ગયો હોય અને આપણે સાવ જ અજાણ રહી ગયા હોઈએ કારણકે જેણે વિશ્વ વિક્રમની કક્ષાએ નામ મુકાય એવું કામ કર્યું હતું એમણે તો કદાચ આ અંગે સાવ મૌન જ ધારણ કર્યું અથવા સાવ નિર્લેપતા જ દાખવી. કારણ તો આપણે જાણતા નથી પણ આમ બન્યું છે એ રહી રહીને લોકોની નજરે આવ્યું.
વાત જાણે એમ બની કે હજુ હમણાં થોડા સમય પહેલાં બોલિવૂડના ગીતકાર સમીરને સૌથી વધુ ગીતની રચના માટે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં એન્ટ્રી મળી. સૌથી વધુ એટલે કેટલા એ ખબર છે? ત્રણ હજાર.. હવે આ ત્રણ હજાર ગીતો જો સૌથી વધુ કહેવાય અને આપણા લોકલાડીલા ગીતકાર અવિનાશ વ્યાસે તો દસ હજાર ગીતોની રચના કરી છે તો એમને કયા વિશ્વ વિક્રમની કક્ષાએ મુકી શકાય?
હમણાં જ બેસ્ટ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય એવૉર્ડ જીતનારી ફિલ્મ ‘હેલ્લારો’એ એક હવા ઉભી કરી અને વર્તમાન ગુજરાતી ફિલ્મો અને એમાં અનુભવાતી વિવિધતા, નવિનતા, તાજગીના લીધે સૌનું ધ્યાન ખેચાયું. ‘હેલ્લારો’ના ગીત સંગીતથી તો સૌ અભિભૂત થઈ ગયા. જાણે ‘હેલ્લારો’એ સૌને હિલોળે ચઢાવ્યા.
ત્યારે અવિનાશ વ્યાસ યાદ આવ્યા વગર રહે ખરા? એમના ગીતો-સંગીત તો આજે પણ લોકોને એટલા જ હિલોળે ચઢાવે છે.
શરૂઆતના સિત્તેરના દાયકામાં ગુજરાતી ફિલ્મોને અત્યંત લોકપ્રિયતા પ્રાપ્ત થઈ. એ સમયના ગુજરાતી ફિલ્મોના ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી જેવા કલાકારોની સાથે અવિનાશ વ્યાસ પણ એટલા જ લોકપ્રિય બન્યા. જાણે ગુજરાતી ગીત-સંગીતના પર્યાય બની ગયા. જો કે આ સિત્તેરનો દાયકો અવિનાશ વ્યાસના જીવનનો ઉત્તરાર્ધ કહેવાય પણ તેમ હતો છતાં આ સમયગાળામાં એમની લોકપ્રિયતા શિખરને આંબી ગઈ.
ગીત -સંગીત ઉપરાંત અવિનાશ વ્યાસે ‘મેંદીના પાન’ પુસ્તકની પણ આપણને ભેટ આપી છે. ૧૯૪૭માં પ્રકાશિત આ પુસ્તકમાં તેઓ જે માનતા એ એમણે એકદમ સ્પષ્ટપણે કહ્યું છે કે,….
“ગીતકારે કથાની માંગ મુજબ ગીત લખવાના હોય છે. સંગીતકારોને પણ અનેક વસ્તુઓને વફાદાર રહેવાનું હોય છે. ગાયન , વાદન અને નર્તન અને સૌથી વધુ રંગભૂમિ પર મંડાયેલી વાર્તા, વાર્તાના પ્રસંગ, પ્રસંગના રંગને પણ ધ્યાનમાં રાખવા પડે છે. આ બધામાં કવિતાને અવકાશ નથી એવું પણ માનવાની જરાર નથી. એને નહીં નિરખવાનો નિર્ધાર કરીને બેઠેલા એને નિરખતા નથી તો યે એને બિરાજવાનું હોય છે ત્યાં અને ત્યારે પૂર્ણ સન્માન સહ કવિતા આવીને એને આસને બિરાજે છે.”
ગીત લેખનની એમની સૂઝને ગુજરાતી ફિલ્મોમાં એમણે અમલમાં મુકી છે. અવિનાશ વ્યાસે લોકજીવન, સંસ્કારજીવનને ઉજાગર કરતાં અનેક ગીતો લખ્યા અને સંગીતબદ્ધ કર્યા જે આજે પણ આપણને એટલા જ ગમે છે.
આજે પણ ગુજરાતી ફિલ્મોમાં અવિનાશ વ્યાસના શબ્દાંકન કરેલા અને સૂરાંકન કરેલા ગીતો યાદ કરીએ તો કેટલાક રોકડા ગીતો આપણી યાદમાં ઉભરી આવશે.
૧૯૫૬ની ફિલ્મ“ મળેલા જીવ’નું ‘ચરર ચરર ચકડોળ મારું ચાલે
૧૯૬૨ની ફિલ્મ “કંકુ અને કન્યા”નું આવતા જતાં જરા નજર નાખતા જજો, બીજું તો કાંઇ નહીં પણ કેમ છો કહેતા જજો’
૧૯૭૬ની ફિલ્મ “સંતુ રંગીલી” નું મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી’
૧૯૭૭ની ફિલ્મ “મા બાપ” ફિલ્મનું ‘હું અમદાવાદનો રીક્ષાવાળો…..
૧૯૭૮ની ફિલ્મ “મોટા ઘરની વહુ” ફિલ્મનું ‘ ઓરી આવે તો તને વાત કહું ખાનગી તું ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી’ જેવા ગીતો ઘણા લોકપ્રિય થયા.
અને આ બધામાં મારું તમારું સૌથી પ્રિય એવું આ ૧૯૮૬માં રીલીઝ થયેલી ફિલ્મ “ સાત કેદી”નું ગીત’ હૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ, જામી રમતની ઋતુ…
જો કે ત્યારે આપણે તો આ ગીતના મસ્ત મઝાના રમતા રમતાં ગવાય એવા શબ્દો અને એક શ્વાસે ગવાતા હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ ટ્યુન પર આફરિન હતા ને?
સાવ જ રમતિયાળ અંદાજમાં કેટલી મોટી વાત કહી દીધી હતી નહીં ! આ જગત તો આખું ય રમે જ છે પણ સાથે બ્રહ્માંડ પણ એની રીતે હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ રમે છે ને? એમાં તેજ અને તિમિર હોય કે પાણી અને સમીર હોય, પકડા પકડી તો ચાલતી જ રહે છે . આપણા અંતરમાં બેઠેલા પ્રભુજીને પામવાના બદલે પેલા વાદાળાની ઓઠે સંતાયેલા પ્રભુજીને શોધવા આપણે તો ઠીક પણ પેલા સંત અને ફકીર પણ ક્યાં ઓછા મથે છે?
સંસારમાં પણ આટપાટા તો મંડાયેલા જ છે. સારા કે નરસા સ્વાર્થ માટે કે પોતાના સત્વને સાધવા જે ખેલ મંડાયો છે એમાં ક્યાં કોઈ બાકાત રહે છે? જીવતર છે ત્યાં સુધી આ મન, તન કે ધનની ય માયા ક્યાં છૂટે છે? એકમેકને પછાડવા કે પરાજિત કરવાના પ્રપંચ પણ ક્યાં નથી રચાતા?
કેટલો મોટો ગૂઢાર્થ પણ અવિનાશ વ્યારે સાવ સરળ અને સાદી રીતે કહી દીધો છે એ જ એમની ખુબી છે.
ચાલો માણીએ આ હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂની રમત
http://www.mavjibhai.com/MadhurGeeto/100_hutututu.htm
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
1.
મનસુખલાલ ગાંધી | March 2, 2020 at 9:35 pm
બહુ સરસ વર્ણન કર્યું છે..અને બહુ સુંદર માહિતી આપી છે.
LikeLiked by 1 person
2.
Rajul Kaushik | March 3, 2020 at 5:11 pm
આભાર મનસુખભાઈ
LikeLike