૫- સદાબહાર સૂર -અવિનાશ વ્યાસ

February 10, 2020 at 12:29 pm

0AB7B210-CC6C-4EE2-ADCD-A48846225890

સવારે ઉઠીએ ત્યારે મોટાભાગે આપણે કરસંપુટ આંખ સામે રાખીને મનોમન કહીએ છીએ…

“કરાગ્રે વસતે લક્ષ્મી: કરમુલે સરસ્વતી |
કરમધ્યે તુ ગોવિંદ: પ્રભાતે કરદર્શનમ્.

પણ એ કરસંપુટને વળોટીને જ્યારે નજર સામે એક આખુ અચરજ ફેલાયેલું દેખાય ત્યારે એ સવાર કેટલી સુંદર બની જાય! બસ બરાબર આજે એવું જ થયું. આજની ઉઘડતી સવાર કલ્પનાની પરે કહી શકાય એવી હતી. આમ તો આ શિયાળાના દિવસોમાં સૂર્યનારાયણ પણ જરા મોડા જ ઉઠે. કદાચ એમને પણ આ આખી રાતની ટાઢી ચાદર ખસેડીને આપણી જેમ બહાર નિકળવાનું મન નહીં થતું હોય પણ જ્યારે એમણે જરા અમસ્તુ ડોકિયું કર્યું ને આખું જગ ઝળહળ ઝળહળ…. રાતુંચોળ કંકુ ખર્યું ન હોય! આખા પૂર્વાકાશમાં તો જાણે બ્રહ્મે પાથરેલા આ ચંદરવાને ઉજાળવા કંકુ છાંટણા થયા કે જગતજનનીએ આ જગતને એક નવી શરૂઆતના એંધાણ આપતા અજવાસ પાથર્યા? અને ..મનોમન મંદિર સર્જાયું અને અને કાનમાં ઘંટારવ ગાજ્યો……અને મનમાં એક દીવડો ઝળહળયો…અને અવિનાશભાઈના શબ્દો સરી પડ્યા .

માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઉગ્યો..
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

‘માડી તારું કંકુ’ માત્ર એક ગરબો જ છે એવું નથી પણ આ એક ચિરસ્મરણી ભક્તિરચના છે. એટલે જ આજે અમેરિકામાં ઉઘડતા પ્રભાતે સૂર્યને કંકુ ખેરવતાં જોઈએ ત્યારે અવિનાશ વ્યાસ યાદ આવે, દરેક એક વ્યક્તિની એક આભા હોય જેના વિશે વિચારીએ તો પણ એ આભા આપણા સુધી પ્રસર્યા વગર રહે જ નહીં. “માડી તારું કંકુ” જેવી આટલી હ્રદયના તળ સુધી સ્પર્શતી રચનાની સાથે જ એના રચયિતા અવિનાશ વ્યાસની એક આભા મન પર ઉપસ્યા વગર રહે ખરી? ગીતકારના ભાવ કે ભક્તિ આપણા સુધી પહોંચ્યા વગર રહે ખરા? આજે પણ અનેક સ્વરકારો-ગાયકો તેમના સૂર-તાલ થકી ગુજરાતી સંગીતને આગળ લાવી રહ્યા છે. પણ એ દીવડાની જયોત વધુ તેજ, વધુ ઝગમગતી કોઇએ કરી હોય તો તે અવિનાશ વ્યાસ.

 

સાંભળ્યું છે કે અવિનાશ વ્યાસ માતાજીના પરમ ભક્ત હતા.‌ એમણે રચેલા માતાજીના ગરબા પણ આ ભક્તિને લઈને જ સ્ફૂર્યા હશે. અવિનાશ વ્યાસનાં પત્ની ખૂબ સારા ગરબા ગાતાં અને ગૌરાંગ વ્યાસે આ ગળથૂંથીના સંસ્કારો જાળવી વારસો દીપાવ્યો છે તે બધા જાણે છે. આમ જોઈએ તો ગરબો એટલે કે ગર્ભદીપ એ આપણી સંસ્કૃતિનું મંગળ પ્રતીક છે. પરંપરાગત ગરબાને શાસ્ત્રીય સ્પર્શ આપવાનું અને કેટલાંક અર્વાચીન ગરબાનું સર્જન કરવાનું શ્રેય ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસને જાય છે. ગુજરાતી ગરબાને લોકપ્રિય બનાવવામાં એમનું પ્રદાન અનોખું કહી શકાય. ગરબા વિશે પણ અવિનાશ વ્યાસના વિચારો-ભાવના અત્યંત સ્પષ્ટ હતા.

 

અવિનાશ વ્યાસ ગરબાને અનુલક્ષીને કહેતા કે “ગરબાને સ્વર સાથે સગપણ છે, ગરબાને કવિતા સાથે નાતો છે, ગરબાને તાલ સાથે તાલાવેલી છે.” વળી સહેજ આગળ વધીને કહેતા કે “ગરબાને થોડું ઘણું નૃત્ય સાથેય અડપલું કરવા દઈએ, પણ ગરબાનું ‘વ્યક્તિત્વ’ કોઈપણ સ્થળે કે કોઈ પણ સંજોગે ઘવાવું ન જોઈએ” આમ જોવો તો ગરબા ગાવાની-ગવડાવવાની-સાંભળવાની આ ભવ્ય પરંપરાને અવિનાશભાઇએ જીવી છે અને એટલે જ ગુજરાતનો લોકપ્રિય અવાજ અને અંદાજ, રણકાર-ઝણકાર,તાલ-લય બધું જ એ એમની રચનામાં પરોવી પીરસતા.

 

અવિનાશભાઈના ગરબા સંગ્રહ ‘વર્તુળ’ના આમુખમાં તેમણે લખ્યું છે કે “વર્તુળનો અર્થ માત્ર ગોળાકાર સુધી સીમિત નથી. તેનું પણ એક વ્યાકરણ છે. ગરબાની નૃત્ય રચના તો વર્તુળ ખરી જ પણ એનાથી ય ઉપર ગરબાના શબ્દોનું, ગરબાનાં કાવ્યોનું, ગરબાના શણગાર તથા ગરબાનાં ગીત સંગીતનું, તાલનું, તાળીઓનું પણ એક વિશિષ્ટ વર્તુળ હોય છે”.‌

કેટલાકને પ્રશ્ન થાય કે ગરબામાં રાધા-કૃષ્ણ, મીરાં કે અન્ય શબ્દો કેવી રીતે આવે? તો એનો જવાબ આ છે. અવિનાશ વ્યાસે એક ગરબો લખ્યો એમાં ગરબો કહે છે કે આકાશને ખોળે હું જન્મ્યો, જગદંબાએ હાલરડું ગાયું, દૂધગંગાએ દૂધ પીવડાવ્યું અને સ્વર્ગના અધિકારી શ્રી કૃષ્ણએ મને રાસ રમતાં શીખવ્યું. આથી ગરબાનું સ્વરૂપ કોઈ પણ હોઈ શકે. ફક્ત એમાં ગરબાનો ઠેકો, લય અને તાલનું સંયોજન સુંદર રીતે થયું હોવું જોઈએ અને એટલે જ આજે ગાયકો ફિલ્મોનાં ગીતો પણ ગરબાના તાલે ગવડાવે છે.


ગરબાની સાથે ચાચરના ચોકનો તો જાણે સનાતન સંબંધ. પહેલા ક્યાં આવા ડી જે કે ધાંધલિયા સંગીત હતા? ત્યારે તો ચાચરના ચોકમા માતાજીની છબી ગોઠવાય, અખંડ દીવો પ્રગટાવાય અને આરતીની સાથે ગરબાનો ઉપાડ થાય અને પછી તો રમઝટ જામે..

 

અવિનાશભાઈએ આ પારંપારિક લોકધૂનમાં શાસ્ત્રીય સ્વરો ઉમેરી તથા મૂળ સંસ્કૃતિને અકબંધ રાખીને ખૂબ સુંદર ગરબા રચ્યાં.‌ એમણે લખેલા ગરબામાં ત્રણ ગરબા તો લોકપ્રિયતાની સીમા વટાવી ચૂક્યાં છે. એ ગરબા છે, “માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો”, “હવે મંદિરનાં બારણાં ઉઘાડો” તેમજ “માડી તારા મંદિરીયે ઘંટારવ થાય”.સમગ્ર ગુજરાતીઓનું રાષ્ટ્રગીત જેમ ‘આંખનો અફીણી’ છે એમ કહેવાય છે કે નાગરોનું રાષ્ટ્રગીત ‘માડી તારું કંકુ ખર્યું’ ગીત છે.

 

અવિનાશ વ્યાસનો દર વર્ષે અંબાજી દર્શને જવાનો નિયમ હતો. માતાજીના સન્મુખ ઉભા હોય, દર્શન કરતાં જાય અને આંખમાંથી આંસુનો અભિષેક વહેતો જાય અને ગીતની રચના થતી જાય. મૂળે અવિનાશ વ્યાસ પ્રકૃતિથી જ અત્યંત સૌમ્ય અને સહ્રદયી. અવિનાશ વ્યાસને ઓળખતી એમની સમવયસ્ક પેઢીની વ્યક્તિઓ જ્યારે અવિનાશ વ્યાસ વિશે વાત કરે ત્યારે એમની વાતોમાંથી ય એમનું એક ચિત્ર તૈયાર થાય. અવિનાશ વ્યાસને અત્યંત નજીકથી ઓળખતા પત્રકાર શશિકાંત નાણાવટી કહેતા કે “અવિનાશભાઈ સ્વભાવે અત્યંત મૃદુ અને ઋજુ હ્રદયના હતા, કોઈપણ વસ્તુ એમને સ્પર્શે એટલે એમની આંખમાં આંસુ આવી જતા.”

 

મુંબઈ ભગીની સમાજના કર્તા કલ્લોલીનીબેન હજરત કહેતા કે અવિનાશભાઈ અત્યંત પ્રેમાળ અને લાગણીશીલ સ્વભાવના હતા. માતાજી પરની અપાર શ્રદ્ધાને લઈને જ્યારે એમની સન્મુખ માતાજીને જોતાં ત્યારે એ અત્યંત ભાવવિભોર બની જતાં. આવી ભાવવિભોર મનોસ્થિતિમાંથી તો જે રચાય એને તો માતાજીના આશિષ જ હોય અને એ રચના ચિરંજીવ જ બની જાય ને ? માટે જ આજે અને આવતા અનેક વર્ષો સુધી અવિનાશ વ્યાસ અને એમના આટલા ભાવવાહી ગીત, ગરબા આપણને પણ ભાવવિભોર બનાવતા જ રહેવાના.

 

રાસબિહારી દેસાઇ કહે છે,”તમે સંશોધન કરો,મારી ખાતરી છે કે આપણી ભાષામાં ઉચ્ચકોટિના કે ગણનાપાત્ર કવિઓની રચના જેટલી-જેવી ગવાઇ છે, જેને ખરેખર કવિતા કહેવાય તેવી કૃતિઓ આપણે ત્યાં સ્વરબદ્ધ થઇ છે તેટલી બંગાળ-મહારાષ્ટ્રને બાદ કરતાં ભારતની અન્ય કોઇ ભાષામાં નથી થઇ. ’લિખિત ગુજરાતી કવિતાઓની જેમ, સ્વરબદ્ધ ગુજરાતી રચનાઓ પણ પાંચ સદી કરતાં વધારે સમયથી આપણી સંગીત તૃષા જ નહીં આપણી પરંપરા અને સંસ્કૃતિના ઉપવનને પોષી રહી છે. પ્રથમ સ્વરકાર કોણ? જવાબ સાવ સહેલો છે. નરસિંહ મહેતા. ત્યાર પછી પ્રેમાનંદ અને અન્ય આખ્યાનકારોએ, માણભટ્ટોએ એ પરંપરાને જીવાડી.

 

ત્યારપછી આવ્યું જૂની રંગભૂમિનું સંગીત અને આઝાદીની ચળવળની પ્રભાતફેરીઓ પરંતુ સંગીતના આ લોક ઢાળને આકાશવાણીએ ઘાટ આપ્યો અને શ્રુતિ તથા સૌરાષ્ટ્રની અને શિવરંજની જેવી સંસ્થાઓએ તેનું પોત ઘડ્યું. સંખ્યામાં થોડા કદાચ પરંતુ સર્જન-સમજમાં બહોળા કલાકારોએ કાવ્ય સંગીતની બારમાસી સરિતા વહાવી છે. કોઇ દિવસ નહીં વિસરાય એ નામો ગુજરાતી કાવ્યસંગીતનું સંવર્ધન કરવામાં ત્રણ પેઢીનું પેશન રહ્યું છે પરંતુ તેમાં પણ અવિનાશ વ્યાસનું નામ સદા વધારે ઊચા સ્વરે જ લેવાશે. ગીત,ગઝલ,ગરબા,ભજન કોઇ પ્રકાર તેમણે બાકી રાખ્યો નથી. સંગીતચાહકો કહે છે તેમણે ગુજરાતને ગાતું કર્યું તે આજે પણ સાચું જ લાગે. તેમના પુત્ર ગૌરાંગ વ્યાસના સ્વરાંકનો પણ એવાં જ સૂરિલાં છે”.

 

ગુજરાતી ફિલ્મોના સંગીતને તો બેશક અવિનાશી યુગનું નામ આપી શકાય પરંતુ તેમણે તે સિવાય પણ ગુજરાતને સંગીત અને કવિતાની ‘લોકપ્રિય’અને ‘લોકશ્રવણીય’ વિરાસત આપી. સ્વર-સ્વરાંકનમાં, કંઠ-કામણમાં, અવાજ-અંદાજમાં, અવસર અને અસરમાં પણ…અને આ જ વાત એમને સોળે કળાએ નખશિખ કલાકાર બનાવે છે ‘રાખનાં રમકડાં’, ‘પાટણથી પટોળાં’,‘ઝૂકી પડ્યો ઊચો હિમાલય’, ‘ઝમકેના ઝાંઝર’, ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ’જેવી રચનાઓ આજે ૪૦ વર્ષના વહાણાં વાયા પછી પણ તાજી છે.

 

અવિનાશ વ્યાસની એકવાર નહીં અનેકવાર સાંભળેલી આ ભાવભક્તિ…સભર રચના તો ક્ષણવારમાં આપણાં માટે અશ્રુધાર વહાવવાનું માઘ્યમ બની શકે. આંખ આપોઆપ બંધ થઈને કોઈક ઉજ્જવળ, ધવલ કપાળના કંકુનાં ખરતા કણને ઝીલવા માટે મારી જેમ જ ખોબો ધરશે.

Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.

૪ -સદાબહાર સૂર ૬- સદાબહાર સૂર-


Blog Stats

  • 133,835 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 127 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

February 2020
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
242526272829  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: