૪૮ -કવિતા શબ્દોની સરિતા-
September 19, 2019 at 6:42 pm
ચંદ્ર આજ સુધી પરીકથા પ્રેમીઓ, કવિઓનો લાડકો વિષય રહ્યો છે. પરીઓનો હાથ થામીને ચાંદામામાને મળવાની વાત બાળકોને કેટલી મઝાની લાગે છે? એવી રીતે સમરકંદ-બુખારા ઓવારી જવાની વાતોની જેમ આસમાનના ચાંદ-તારા ય તોડી લાવવાની વાતો વગર તો પ્રેમીઓની ય લાગણી જ જાણે અધૂરી. પ્રિયતમાને ચાંદ, ચાંદની સાથે ન સરખાવે તો એના પ્રેમની અભિવ્યક્તિ જ અધૂરી.
આજે ચાંદની વહેંચાઈ ગઈ, બે ભાગમાં
એક આભમાં , એક આપમાં…….
પ્રેમીઓની જેમ ચંદ્ર- ચકોરી-ચાંદની- ચાંદની રાતની વાત વગર તો કવિઓના કાવ્યસંગ્રહ પણ અધૂરા. ચંદ્રયાન એક માત્રામેળ છંદ છે અને એ છંદમાં રચના કરતા કવિઓ જ્યારે વિજ્ઞાનીઓ બનાવેલા ચંદ્રયાન વિશે વિચારતા હશે ત્યારે એમને એના પર પણ કવિતા સૂજી આવતી હશે ખરી? ચંદ્ર, ચાંદ, ચંદ્રમા, શશી, ઈન્દુ, શશાંક, નિશાકર, કલાનિધિ, સોમ….
હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરીની જેમ જ
ચંદ્ર તારા નામ છે અપાર, કયા નામે કરવી તારી વાત… એવો છે એનો ઘાટ
કહે છે કે સમુદ્રમંથન સમયે પ્રાપ્ત થયેલા ચૌદ રત્નોમાંનું એક રત્ન એ ચંદ્ર. ચંદ્રની વધતી-ઘટતી કળાઓને આધરિત કેલેન્ડરો તૈયાર થયા. ચંદ્ર પર વાતાવરણ નથી એટલે જીવસૃષ્ટિ પણ ન જ હોય તેમ છતાં અન્ય ગ્રહ કરતાં ય ચંદ્ર માટેનું આકર્ષણ સૌથી ટોચે છે. શુક્લ પક્ષની બીજના ચાંદનો ઉદય દેખાય તો જાણે ભાગ્યનો ઉદય થવાનો હોય એમ એને જોઈને લોકો રાજી રાજી થઈ જાય અને આ ચંદ્રની પૂર્ણ કળાએ પહોંચતી પૂનમની રાતની જાણે શી વાત અને એટલે…ક્યારેક સમયાંતરે મળતી પ્રિયા માટે કહ્યું છે ને..
જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો કે
બીજ રૂપે પણ ક્યારેક નભે દેખાયા કરે…
આ બીજથી માડીને પૂનમ સુધી વધતી કળાઓના લીધે જ એ ઓળખાયો કલાધરના નામે.
આજકાલ તો ચંદ્ર પ્રેમીઓ, કવિઓની જેમ વૈજ્ઞાનિકોને પણ એટલો જ વહાલો લાગવા માંડ્યો છે. માનવીએ કલાધર ચંદ્રની એ કળાઓ માણી લીધી અને એટલેથી આગળ વધીને હવે એને જાણવાની ઉત્સુકતાએ હરણફાળ-અવકાશફાળ ભરવા માનવે કમર કસી છે.
આમ પણ માનવજાત અત્યંત જીજ્ઞાસુ.. આજે જ નહીં સદીઓ પહેલા પણ એનામાં જીજ્ઞાસા તો હતી જ. ક્યાંક કશું જે હાથવગુ નથી એના સુધી પહોંચવાની, એને પામવાની ઉત્સુકતા ઉંડે ઉંડે ધરબાયેલી હતી પૃથ્વી પર વસતો માનવી આભને આંબવાના સપના જોતો થયો છે. આભને આંબશે ત્યારે એનાથી આગળ વધીને કોઈ અગોચર વિશ્વને જાણવાના,પામવાના સપના જોશે.
છેલ્લા કેટલાય વર્ષોથી વિશ્વની મહાસત્તા જેવા દેશો અવકાશ સુધી પહોંચવાના, પૃથ્વીથી આગળ વધીને અન્ય ગ્રહો પર પોતાનો પરચમ લહેરાવાની મથામણમાં ઉતર્યા છે. અવારનવાર પોતાની તાકાતનો પરચો આપતું ભારત પણ આ હોડમાં શામેલ છે જ. મંગળ મિશનની સફળતા પછી ફરી એકવાર ચંદ્ર પર પહોંચવાના પરમ પ્રયાસો અધૂરા રહયા પણ હજુ આશા, આયાસ છોડ્યા નથી.
પણ આ આયસો માત્ર બોલવા-કહેવાની કયાં વાત છે? ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્ર સુધી જ્યાં એક પણ દેશ પહોંચ્યો નથી ત્યાં પહોંચતા પહેલા એની શરૂઆત પણ કેટલીય ગણતરીપૂર્વક શરૂ થતી હોય છે. કેટલી ઝીણવટ, કેટલા ઉપકરણો, કેટલાય વૈજ્ઞાનિકોની દિવસ-રાતની મહેનત, મથામણ એમાં લાગેલી હોય છે. એક એક ક્ષણની ગણતરીપૂર્વકની કાર્યવાહીને અમલમાં મુકવા માટે કેટલાય વૈજ્ઞાનિકો એક જૂટ થઈને કાર્યરત થયા હશે?
આજે તો એકવીસમી સદીમાં વિજ્ઞાન, અદ્યતન કોંપ્યુટર ટેક્નોલૉજિ એ બધાએ મળીને આ ગણતરી કરી હશે ત્યારે સાવ જ અચાનક સદીઓ પહેલાની સોળમી સદીની એક રચના સાચે જ યાદ આવી ગઈ.
જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ ।
લીલ્યો તાહી મધુર ફલ જાનૂ ।।
પૃથ્વીથી સૂર્ય વચ્ચેના અંતરને સૌ પ્રથમ આપણા હનુમાન ચાલીસામાં દર્શાવાયુ છે. અદ્યતન સાધનો અને સુવિધાઓ સાથે પણ સૂર્ય સુધી પહોંચવાની તો વાત જ નથી પરંતુ એ સમયે પણ કોઈ જાતની ટેક્નોલૉજિ વગર પૃથ્વીથી સૂર્ય સુધીની આ ગણતરી ગોસ્વામી તુલસીદાસજીએ ૧૬મી સદીમાં કરી હતી. આમાં જુગ સમયનો એકમ છે અને એનુ યોજન અને માઈલને ગુણીને જે અંતર દર્શાવ્યું છે એ આજના વૈજ્ઞાનિકોએ મુકેલી ગણતરીની ઘણું નજીક હતું. હવે એ સમયે આ ગણતરી કેવી રીતે કરી હશે એ આશ્ચર્યની વાત નથી?
ભારતીય સંસ્કૃતિના પ્રાચીન સાહિત્ય જેમાં વેદો, ઉપનિષદો, સંહિતાઓ, મહાકાવ્યોમાં આરોગ્ય, અધ્યાત્મ, યોગ અને ખગોળની વાતોનો ઉલ્લેખ તો કરવામાં આવ્યો જ છે માત્ર જરુર છે એ સાહિત્યને ઉકેલવાની અને મંત્રો, શ્લોકો કે સ્તુતિઓના ગૂઢ અર્થને સમજવાની. ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથોને સમજવા પ્રયત્ન કરીએ તો આવી અનેક અવનવી મળી આવે છે.
ચંદ્ર વિશે કેવી કેવી કલ્પનાઓ આપણે કરતાં આવ્યા છીએ? ચંદ્ર પર સૌ પ્રથમ માનવીએ પગ મૂક્યો હશે ત્યારે એનું આશ્ચર્ય અને રોમાંચ એવો જ અકબંધ રહ્યો હશે ખરો? એણે ય પોતાની પ્રેયસીને ક્યારેક ચાંદ સાથે સરખાવી હશે ખરી અને એ ચાંદની સપાટી પર ઉતરતાની સાથે જ એને પોતાની પ્રિયતમાનું સ્મરણ થયું હશે ખરું?
કાવ્ય પંક્તિ/ રજની/ ગની દહીંવાલા
Like this:
Like Loading...
Entry filed under: કવિતા શબ્દોની સરિતા, Rajul.
1.
Kaushik Shah | September 19, 2019 at 6:51 pm
Perfect fonts to read .
LikeLike