ફિલ્મ રિવ્યુ- મિશન મંગલ
August 28, 2019 at 11:11 am 3 comments
સપના જોવા એ સૌની ફિતરત છે પણ રાત્રે ઊંઘમાં આવતા સપના અને ઊંઘમાંથી જગાડી દે એ સપનામાં આસમાન જમીનનો ફરક હોય છે અને આ આસમાન જમીનનો ફરક એટલે આર. બાલ્કિ લિખિત, જગન શક્તિ દિગ્દર્શિત “મિશન મંગળ”. મનમાં સતત એક જ વિચાર ઘુમરાયા કરે અને એને કોઈપણ રીતે સફળતાથી પાર પાડવાની જીદ એટલે -મિશન મંગળ’. હોમ સાયન્સથી શરૂ થઈને સ્પેસ સાયન્સ સુધીની સફળતાની સફરકથા એટલે મિશન મંગળ..
હા ! સાવ સાચી વાત સમજ્યા છીએ. એક સીધી સાદી દેખાતી ગૃહિણીધર્મ નિભાવતી નારી એટલી જ સફળતાથી જો મંગળમિશનને સફળતાનો અંજામ આપી શકતી હોય તો સ્ત્રી સશક્તિકરણનું આનાથી વધારે બીજુ દ્રષ્ટાંત હોઈ શકે?
સૌને જાણ છે એમ ભારતનો સૌ પ્રથમ સ્પેસ પ્રોગ્રામ નિષ્ફળ નિવડ્યો હતો અને ભારત સ્પેસ પ્રોગ્રામમાં લગભગ પાંચ વર્ષ પાછળ ધકેલાઈ ગયું હતું તેમ છતાં હાર માન્યા વગર સ્પેસ ટેક્નૉલૉજિના કોઈપણ એક્સપર્ટના બદલે જુનિયરની સહાયતાથી મંગળ પર યાન મોકલવાનું ભગીરથ કાર્ય રાકેશ ધવન અને તારા શિંદેએ અત્યંત નજીવા કહેવાય એવા ખર્ચે ટુંક સમયમાં પ્રથમ પ્રયાસે જ સફળતાથી સિદ્ધ કર્યું હતું. કોઈપણ અશક્ય કે અઘરા કામને સફળતાનો અંજામ આપવો એ જ ખરી યશસિદ્ધિ છે ને?
યસ, પ્રોજેક્ટ મેનેજર તારા શિંદેને શિરે આ યશકલગી મુકાય એવા સંપૂર્ણ આયાસોને આ ફિલ્મમાં વિદ્યા બાલને પરદા પર જીવંત કર્યા છે. આ એક એવી નારી છે જે ઘર, વર અને સંસારને સરસ સમજદારીથી સાચવી જાણે છે. સંતાનોના વરણાગીયા અંદાજથી અકળાતા પતિના મિજાજને પણ સાચવીને સંતાનોની સાથે સમજદારીપૂર્વક કામ લે છે. એની પાસે શક્તિ છે, શ્રદ્ધા છે. એનામાં પોતાની આવડત માટે, આદરેલા આયાસ માટે આત્મવિશ્વાસ છે પણ અભિમાન નથી. સાયન્સથી વધીને એક સુપરપાવર છે એ વાસ્તવિકતાને એ સ્વીકારે છે. મિડ્લ ક્લાસ પરિવારની મહિલામાં સેવિંગની ઇનબિલ્ટ પ્રકૃતિ જેવા એની પાસે સાવ નાના નાના ઘરેલુ નુસખા છે જે મંગળયાન મિશનને અંજામ આપવામાં કારગત નિવડે. વિદ્યા બાલન પાસે આ તમામ પાસાને સૂઝપૂર્વક નિભાવવાની તાકાત છે. કોઇપણ જાતના ભાર વગર, આયાસ વગર તારા શિંદેના પાત્રને વિદ્યાએ માફકસર ન્યાય આપ્યો છે.
સૌ જાણે છે એમ માર્સ ઓર્બિટર મિશન (MOM)ની સફળતામાં માસ્ટર કી—ચાવીરૂપ હતી તારા શિંદેની સાથે અન્ય ચાર મહિલાઓ જેમને પરદા પર રજૂ કર્યા છે, સોનાક્ષી સિંહા(ઈકા ગાંધી), તાપસી પન્નુ(ક્રિતિકા અગ્રવાલ), નિત્યા મેનન(વર્ષા પિલ્લઈ), કિર્તિ કુલ્હારી (નેહા સિદ્દિકી)એ. મંગળ મિશનના પ્રોજેક્ટ પર કામ કરતી આ ચારે અભિનેત્રીએ સપોર્ટીંગ રોલને સુંદર રીતે નિભાવ્યો છે.
આ ચારે મહિલાઓએ પોતાની અંગત સમસ્યાઓને અવગણીને પણ આ અવકાશ યાનના પ્રોજેક્ટમાં સંપૂર્ણ સાથ આપ્યો છે. એક સમય એવો આવે છે જ્યારે સૌના જીવનમાં કંઇક પ્રતિકૂળ પરિસ્થિતિ આવીને ઉભી રહે છે ત્યારે તારા શિંદે અણનમ યોધ્ધાની જેમ ફરી એકવાર સૌને ઝઝૂમી લેવાની પ્રેરણા આપે છે અને લો તૈયાર છે MOM ટીમ મિશન મંગળનું મંગળ કાર્ય આગળ ધપાવવા.
સામાન્ય રીતે એવું બનતું હોય કે સત્ય ઘટના આધારિત ફિલ્મ બનાવવામાં જો સાતત્યની સાથે સર્જનાત્મકતાનો સમન્વય ન જળવાય તો ફિલ્મ ફ્લોપ જવાની શક્યતા વધી જાય. જો માત્ર એમાં રહેલા સત્યને જ પકડી રાખીને આગળ વધવામાં આવે તો એ દસ્તાવેજી ચિત્ર બની જાય. એમાં જો મનોરંજનનો મસાલો ઉમેરવામાં આવે તો મૂળ વાતને પુરેપુરો ન્યાય આપવામાં ચૂક રહી જાય. એ જરા અઘરા લાગતા કામને દિગ્દર્શક જગન શક્તિ અને ક્રિયેટિવ પ્રોડ્યુસર આર. બાલ્કિએ ખુબ સુંદર રીતે નિભાવ્યું છે. બંને બાજુ ટેકવેલી લાકડાની ઘોડીની વચ્ચે બાંધેલા દોરડા પર બેલેન્સ જાળવી ચાલવું કેવું કપરું છે એ તો ચાલનારની સાથે જોનારને પણ ખબર જ હોય છે. મંગળ મિશન ફિલ્મમાં સત્ય ઘટનાની ઉપર હળવા મનોરંજનના વાઘા પહેરવામાં બંને સફળ રહ્યા છે.
સ્પેસ શટલ માટે સાડા ચારસો કરોડ જેવી સાવ મામૂલી લાગતી કિંમતે કામ પાર પાડવું એ પણ એક સાહસ જ હતું. એકવારની નિષ્ફળતા પછી ફરી આ જોખમ લેવાનો નિર્ણય એ ટીમ માટે કેટલો પ્રેશરવાળો રહ્યો હશે એ સમજી- અનુભવી શકાય છે પણ એ પ્રેશરની સાથે કેટલીક હળવી લાગતી પળોએ તો ફિલ્મને માણવા લાયક બનવવા ઈંધણનું કામ કર્યું છે.
આ અશક્ય લાગતા કામને અંજામ આપવામાં પાંચ મહિલાઓની સાથે ત્રણ એવા એન્જિનીયરો પણ છે. જરા તેજ મિજાજના, તડ અને ફડ કરી નાખતા રાકેશ ધવનના પાત્રને અક્ષય કુમારે પુરેપુરી સમજદારીથી નિભાવ્યું છે. સામાન્ય રીતે એવું બનતું હોય કે પ્રોજેક્ટની સફળતા કે નિષ્ફળતાની જવાબદારી આખી ટીમની હોય પરંતુ શાણો ટીમ લીડર એ છે કે નિષ્ફળતાની જવાબદારી પોતાના શિરે લે અને સફળતામાં ટીમના અન્ય સભ્યોને આગળ કરે. રોહિણી ઉપગ્રહને અંતરીક્ષમાં તરતો મુકવાના પ્રોજેક્ટમાં ૧૯૭૯માં ઇસરોને મળેલી નિષ્ફળતા અને ૧૯૮૨માં એ જ પ્રોજેક્ટને મળેલી સફળતામાં ઇસરોના ચેરમેન શ્રી સતિષ ધવને અપનાવેલા અભિગમને અહીં સરસ રીતે વણી લેવામાં આવ્યો છે. ભલે રાકેશ ધવન ( અક્ષય કુમાર) તેજ મિજાજ ધરાવે છે પણ સાથી કર્મચારીઓ સાથેનું એનું સહ્રદયી અને સમજદારીપૂર્વકનું વલણ જ એની ટીમની એકતાનો પાયો બની રહે છે. એનામાં પ્રોજેક્ટ મેનેજર તારા શિંદેના ઘરેલુ નુસખા અપનાવવા જેટલી મનની મોકળાશ પણ છે અને પ્રોજેક્ટને ધક્કે ચઢાવતા નાસાના એન્જિનીયર રૂપર્ટ( દિલીપ તાહિલ)ને ધાર્યા કામમાં આડે આવતા રોકવાની મક્કમતા પણ છે.
આધેડ વયે પહોંચેલા શારીરિક અને માનસિક રીતે થાકેલા અનંત આયંગર ( એચ.જી.દત્તાત્રેય) અને માંગલિક એવા પરમેશ્વર નાયડુના (શર્મન જોષી)ની પણ અંગત સમસ્યાઓ તો છે જ પણ એને કોરાણે મુકીને કામે લાગતા આ આધેડ અને યુવાન કલાકારોને જોવાની પણ એક મઝા છે.
સ્પેસ સાયન્સ આમ તો સૌને રસ પડે એવો વિષય છે અને એમાંય ટેક્નૉલોજીમાં વિશ્વના મહારથીઓ જેવા અન્ય દેશને પાછળ મુકીને મળેલી ભારતની સફળતામાં તો સૌને રાજીપો હોય જ ને?
હા, મંગળ પર યાન મોકલવાની ટુંકી સમય અવધિમાં ઉતાવળે પતાવવાના કામની જેમ અહીં પણ ક્યાંક થોડી ઝડપની અસર વર્તાય છે ખરી. ક્યાંક ફિલ્મી જ્ઞાન અને અવકાશ વિજ્ઞાનને અધ્ધર તાલે મેળવી દીધાનો અણસાર પણ વર્તાય છે તેમ છતાં સામે વહેણમાં તરીને આગળ આવવાની સૌની ધગશ પણ પ્રેક્ષકને સ્પર્શી જાય છે.
સારાંશ એ કે ‘મિશન મંગળ’ બહુ મઝાની ફિલ્મ છે. અહીં હીરો હીરોઈન વચ્ચે રોમાન્સ નથી અને તેમ છતાં રાકેશ ધવન અને તારા શિંદે વચ્ચેની હાર્મની પણ રોમાંચથી જરાય ઓછી નથી. ટાઇટ સિચ્યુએશન વચ્ચે હળવાશના લસરકા, સુંદર લેખન, નિર્દેશન અને અભિનય માણવા જેવી આ ફિલ્મને રાષ્ટ્રીય અને પારિવારિક એમ બંનેની કક્ષામાં મુકી શકાય એમ છે.
કલાકારોઃ અક્ષયકુમાર, વિદ્યા બાલન, શરમન જોશી, તાપસી પન્નૂ, કીર્તિ કુલ્હારી, નિત્યા મેનન, સોનાક્ષી સિંહા, એચ.જી દત્તાત્રેય, વિક્રમ ગોખલે, દિલીપ તાહિલ
ડાયરેક્ટરઃ જગન શક્તિ
પ્રોડ્યુસરઃ ફોક્સ સ્ટાર સ્ટુડિયો
સંગીતઃ તનિશ્ક બાગચી, અમિત ત્રિવેદી
Entry filed under: ફિલ્મ રિવ્યુ, Rajul.
1.
Devika Dhruva | August 28, 2019 at 12:50 pm
Wow…
LikeLike
2.
pravinshastri | August 30, 2019 at 8:23 am
હું ઘણી વાર કહી ચૂક્યો છું કે વર્ષોથી ફિલ્મ જોઈ નથી પણ ફિલ્મની વાતો વાંચતો રહું છું. ફિલ્મ માણતો નથી પણ ફિલ્મ જાણતો રહું છું. એમાં રાજુલબહેનના તટસ્થ રિવ્યુનો ફાળો ઘણો મોટો છે. આભાર રાજુલબહેન.
LikeLiked by 1 person
3.
Rajul Kaushik | August 30, 2019 at 8:56 am
🙏🏼🙏🏼
LikeLiked by 1 person