૪3- કવિતા શબ્દોની સરિતા-

August 12, 2019 at 1:44 pm 5 comments

lake moraine

આસપાસ ઘણા બધા લોકો છે પણ ક્યાંય કોલાહલ નથી. એ ટોળા આપણને ક્યાંય અડતા નથી, ક્યાંય નડતા નથી. સૌની વચ્ચે રહીને પણ એમનાથી અલગ રહી શકીએ છીએ. અનેકાંત વચ્ચે પણ એકાંત શું હોઈ શકે એ પણ સમજાઈ જાય છે આ એકાંત પણ ખુબ ગમે એવું છે કારણકે એમાં જરાય એકલતા નથી, શાંતિ હોવા છતાં સૂનકાર નથી. સતત સૌની સાથે હોવા છતાં પણ માત્ર પોતાની જાત સાથે જ છીએ એ અનુભવ કેવો અદ્ભૂત હોઈ શકે?

અહીં જે છે એમાંનું કશું જ આપણું નથી તેમ છતાંય આપણે આ વાતાવરણનો જ એક અંશ છીએ એટલા એની સાથે એકરૂપ થઈ શકીએ છીએ. નજર પહોંચે ત્યાં સુધીની મોકળાશમાં પણ આપણે ભરપૂર થઈ જઈએ છીએ. તરબતર થઈ જઈએ છીએ. અહીં જે છે એમાનું કશું જ સાથે લઈ જઈ શકવાના નથી એવી જાણ છતાં મનથી , ચિત્તથી સમૃદ્ધ બનતા જઈએ છીએ.

માનવજાતે કરેલા વિભાજનો કરતાં અહીં સાવ ભિન્ન રીતે થયેલા વિભાજન છે જેમાંય એકરૂપ થઈને એકમેકને પૂરક બની રહેતી પ્રકૃતિ છે. દૂર દેખાતી આકાશ અને અવની વચ્ચે ખેંચાયેલી પેલી ક્ષિતિજરેખાનો એમને અલગ કરવાના બદલે એકાકાર કરી દે એવો નજારો છે. જમીનથી દીવાલનો કાટખૂણો માપવાનો ઓળંબો તો આપણે બનાવ્યો પણ આ આકાશ અને અવની વચ્ચેનો કાટખૂણો માપવાનો ઓળંબો ક્યાંય જોયો નહીં અને તેમ છતાં આકાશ અને અવનીએ પોતાનું પ્રાકૃતત્વ જાળવી જાણ્યું છે.

દૂર દૂર સુધી દેખાતા બરફાચ્છાદિત ધવલ પર્વતોએ પોતાનામાંના એક હોવા છતાં પોતાની ગોદથી અલગ  અસ્તિત્વ સ્થાપિત કરવા નિકળી પડેલા એ રમતિયાળ ઝરણાઓને પકડી રાખવાના બદલે વહી જવાની મોકળાશ આપી છે. એ વિખૂટા પડી ગયેલા ઝરણાઓને નદી સ્વરૂપે વહી જવું છે તો એનો ય માર્ગ કરી આપ્યો છે અને સરોવર સ્વરૂપે જ રહી જવું છે તો એ ઝરણાંઓના પાણીને એટલી જ સ્થિરતા અને સલામતી ય આપી છે ખરી હોં..  અહીં એકમેકના સંબંધને સાચવાનું સાતત્ય છે પણ બંધન નથી.

સરોવરના નીલવર્ણા પાણીએ પણ આસમાન સાથે એકરૂપતા જાળવી રાખવા એ જ રંગ જ ધારણ કરી રાખ્યો છે અને આકાશ પણ જાણે ઝળૂંબીને એમાં પોતાની સ્વીકૃતિની છાયા જોઈને રાજી રાજી હતું.

ક્યાંક પત્થરીલા પર્વતોને પોતાના સૂકાપણાનો સંતાપ ન રહી જાય એના માટે પેલા ઊંચા ઊંચા વૃક્ષોમાં પોતાની લીલાશથી એને આવરી લેવા છે, છાવરી લેવા છે એવો સંપીલો ભાવ પણ છે.

અહીં ઊંચાઈ પણ છે અને ઊંડાઈ પણ છે. ખુબ સુંદર અને મનોહર છે બંને કારણકે ઊંચાઈને ઊચ્ચતાનો અહં નથી, આડંબર નથી અને નથી ઊંડાઈને પોતાની ગહનતાનો વસવસો કે ઊંચાઈઓથી અલગ હોવાનો, દૂર રહેવાનો અહંગરો.  કોઈનામાં પોતાની સુંદરતા કે મનોહરતાનો ગર્વ પણ નથી બસ છે તો બંનેમાં સૌને સ્પર્શતી આત્મીયતા. અહીં આવનાર સૌ અહીંની આ અફાટ વેરાયેલી કુદરતના એક અંશ છે એવી પ્રસન્ન અનુભૂતિ આપતી ઉદારતા છે.

અહીં કોઇનામાં કોઈનાથી ચઢિયાતા સાબિત થવાની, પોતાની મહત્તા દર્શાવવાની હોડ નથી અને એટલે જ અહીં સૌની ગરિમા સચવાયેલી રહે છે. અહીં ક્યાંકથી ધરતીની સ્થળસીમાથી આગળ વધીને કોઈ એક નવો જ વિસ્તાર શરૂ થવાનો છે એની જાણ હોવા છતાં ધરતીએ તો પોતાની કોઈ સીમાઓ આંકી નથી.

અહીં આવીને આપણા અસ્તિત્વને આ સૌ સાથે અભાનપણે, અજાણપણે એકાકાર કરી દેવાની સભાનતા આપણામાં પણ અનાયાસે આવી ઊગે છે. આપણે પણ આ પ્રકૃતિ સાથે ખીલી ઉઠીએ છીએ. ચિત્તના તમામ કોલાહલો સ્થિર થઈ જાય છે, શમી જાય છે. ધ્યાનસ્થ મુદ્રામાં ઉભેલા શાંત વૃક્ષોની ધ્યાનાવસ્થાની અસર આત્મા સુધી પહોંચે છે. ઊંચાઈને આંબેલા પર્વતો પર ઉઘડતી સવાર સાથે, સૂર્યના કિરણોના ઉજાસથી રેલાતો ચારેકોરનો ઉજાસ આપણી અંદર અજવાસે છે અને એક અનોખી અનુભૂતિ સાથે મન છલોછલ બની જાય છે. જાણે ખુલ્લી કે બંધ આંખે પણ પરમતત્વનો પરિચય થઈ જાય છે અને મનમાં પડઘો ઉઠે છે……

કે મારી ભીતર, મારી અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….

ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……

સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું.

કાવ્ય પંક્તિ- માધવ રામાનૂજ

Entry filed under: કવિતા શબ્દોની સરિતા, Rajul.

૪૨ -કવિતા શબ્દોની સરિતા કુદરત અને માનવસર્જિત સૌંદર્યથી શોભતું શહેર: પોર્ટલેન્ડ -નવગુજરાત સમય (Let’s Travel)

5 Comments

  • 1. Suresh Jani  |  August 12, 2019 at 5:33 pm

    મને બહુ જ ગમતી કવિતા. પણ મેં શબ્દોમાં કરેલી ભૂલ તમે કોપી કરી !
    ટળવળતી હોય આંખ જેને જોવાને…….. એમ છે.

    Liked by 1 person

  • 2. jugalkishor  |  August 12, 2019 at 10:37 pm

    સરસ નીબંધ છે. જેને લલીત નીબંધ કહે છે તેનું તમે સર્જન કર્યું છે…….ગદ્યમાં જે મજા છે તે પદ્યમાં નથી. હું આ લેખ મારા બ્લૉગ ઉપર મુકવા માગું છું, તમારી મંજુરી પછી.

    Liked by 1 person

  • 3. Rajul Kaushik  |  August 13, 2019 at 12:20 pm

    આપણી કહેલી લખેલી વાત જો ક્યાંક કોઈને ગમી જાય સ્પર્શી જાય એનો તો વધુ આનંદ હોય જ ને !
    આપ આ નિબંધ આપના બ્લોગ પર મુકશો તો મને ય ગમશે .🙏🏼🙏🏼

    Like

  • 4. Rajul Kaushik  |  August 13, 2019 at 1:11 pm

    ધ્યાન દોરવા માટે આભાર .
    હું જરૂરથી સુધારી લઈશ.

    Like

  • 5. Kaushik Shah  |  August 13, 2019 at 6:09 pm

    કેનેડિયન રોકી ના પ્રવાસ પછીનું સુંદર કુદરત માટે નું વર્ણન .

    Like


Blog Stats

  • 150,389 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 123 other subscribers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

August 2019
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


મન માનસ અને માનવી

પ્રવિણાની વિચાર ધારા

Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!