Archive for August 5, 2019
૪૨ -કવિતા શબ્દોની સરિતા
મૈત્રીની મોસમ તો બારેમાસ….આજે બારમાસીનાં ફૂલ જેવા એક મિત્રની, એવી મૈત્રીની યાદમાં…
એક વાર્તાલાપ……..
હેલ્લો, ક્યારે આવ્યાં? ખરા છો તમે તો ? આટલા દિવસ થયા આવ્યાંને અને મળવાની વાત તો બાજુમાં એક ફોન પણ કરતા નથી? જો અમે નહીં સારા તમને યાદ કરીને મળવા આવ્યાં?
હવે બીજો વાર્તાલાપ-…..
હેલ્લો… અરે વાહ આવી ગયાં? આજે જ તને યાદ કરી. મને ખબર હતી કે જ્યારે આવીશ ત્યારે ફોન તો કરીશ જ..
પહેલો સંવાદ છે એક સાવ જ વ્યહવારિક રીતે ક્યારેક પોતાની ફુરસદે કે સગવડે મળતા નામ પૂરતા કહેવાતા સ્નેહી સાથેનો અને બીજો વાર્તાલાપ છે એક અત્યંત નિકટના મિત્ર સાથેનો જેની સાથે પણ ફુરસદે જ અને એકમેકની સગવડે જ મળવાનું થતું હોય .
ફરક છે આ બંને વાર્તાલાપના સૂરમાં , બંનેની અભિવ્યક્તિમાં. કેટલાક લોકો કહેવાતી આત્મિયતાને તમારી પર થોપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે અને સામે પક્ષે એવી આત્મિયતાની અપેક્ષા રાખી જ્યારે મળે ત્યારે ફરિયાદના સૂર સાથે જેટલો સમય મળ્યો હોય એમાં પણ કડવાશ ઘોળશે. જેના લીધે ફરી મળવાની ઇચ્છા જ મરી પરવારે.
જ્યારે એક સંબંધ એવો પણ છે જેમાં અપેક્ષા ઓછી અને વિશ્વાસ વધુ છે અને એ સૂર છે મૈત્રીનો. અહીં એવું પણ નથી કે રોજે રોજ મળીને બંને એકબીજાની પળે પળનો હિસાબ રાખતા હોય. ક્યારેક એવું પણ બને કે વર્ષમાં બે વાર પણ મળવાનું ભાગ્યે જ થયું
હોય પણ આ મૈત્રી નામ પૂરતી નથી. અહીં વિશ્વાસની એક બુનિયાદ પર મૈત્રીની ઇમારત છે.
વાત છે મળ્યા એની મઝા માણો જેવી વિચારસરણી ધરાવતા બે અંગત મિત્રોની. આજે યાદ પણ નથી કે પ્રત્યેક્ષ્ ક્યારે મળ્યા હતા. કેટલાય વર્ષો પસાર થઈ ગયા રૂબરૂ મળ્યાને. હા, ક્યારેક ફોન પર કે મેઇલ પર ખબરની આપ લે થઈ જાય બસ પણ એથી કરીને કોઈને કોઈના માટે કોઈ ફરિયાદ નથી કે નથી કોઈ અપેક્ષા. જ્યારે મળે ત્યારે ,જે હાલમાં મળે ત્યારે જંગલમાં પણ મંગલ કરી લઈએ છીએ. જ્યારે મળીએ ત્યારે આખે આખો સાગર ઉલેચાઈ જાય એવી રીતે બંને એકબીજા સામે ઠલવાઈ જઈએ છે અને ફરી ક્યારે મળીશુ એનો વિચાર કર્યા વગર જ છૂટાં પડીએ છીએ. કોઈ અપેક્ષા નથી એકમેક માટે અને છતાં ગળાબૂડ વિશ્વાસ છે કે જ્યારે જરાક હાથ લંબાશે ત્યારે ત્યાં ક્યાંક એકબીજાની આસપાસ જ મળી રહેશે. અને એ મળવા માટે પણ ફિઝીકલ પ્રેઝન્સની જરૂર નથી. અહીં વાત થવી એ મળ્યા જેટલુ જ મહ્ત્વનુ છે એવી ક્યારેય ન થયેલી સમજૂતી છે.
મારી ડાયરી તારી પાસે અને તારી ડાયરી મારી પાસે જેવી અંગતતા છે. કહેવાનો મતલબ કદાચ કોઈની સાથે ન વહેંચી શકાય એવી વાતની અહીં આપ–લે થાય તો પણ એ આગળ વધીને બીજે ક્યાંય નહીં જાય એવી ખાતરી છે. મૈત્રી એક એવી સેઇફ ડિપૉઝિટ વોલ્ટ છે,
એવું લોકર છે જેમાં તારી મારી અતિ ખાનગી જણસ એ જોઇન્ટ એકાઉન્ટ્ની માફક સચવાયેલી રહેશે એવો વણલખ્યો કરાર છે.
છેલ્લા ક્યારે મળ્યા કે હવે ક્યારે મળીશુ એનુ કોઈ રજીસ્ટર પણ નથી એકબીજા પાસે. જરૂર પણ નથી એવા કોઈ રજીસ્ટરની કારણકે અહીં હેપ્પી ફ્રેન્ડશીપ ડે વિશ કરવાવાળી ફોર્માલિટી નથી પણ જ્યારે મળ્યા ત્યારે ફ્રેન્ડશીપની હેપ્પીનેસ ફીલ કરવાની માનસિકતા છે બંનેમાં. ક્યારેક નક્કી કરીને પણ ન મળી શકાય અને ક્યારેક સાવ જ અણધારી મુલાકાત થઈ જાય. પણ અહીં લેખાજોખા નથી કે નથી રાવ ફરિયાદ. મળાય તો એનો આનંદ –ન મળાય તો એનો અફસોસ નહી.
આવી મૈત્રી સમજવા માટે તો સુરેશભાઈ દલાલની એક રચના કાફી છે.
તું વૃક્ષનો છાંયો છે, નદીનું જળ છે.
ઊઘડતા આકાશનો ઉજાસ છે:
તું મૈત્રી છે.
તું થાક્યાનો વિસામો છે, રઝળપાટનો આનંદ છે,
તું પ્રવાસ છે, સહવાસ છે:
તું મૈત્રી છે.
તું એકની એક વાત છે, દિવસ ને રાત છે,
કાયમી સંગાથ છે:
તું મૈત્રી છે.
હું થાકું ત્યારે તારી પાસે આવું છું,
હું છલકાઉં ત્યારે તને ગાઉં છું, હું તને ચાહું છું :
તું મૈત્રી છે.
તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે,
તું અહીં અને સર્વત્ર છે:
તું મૈત્રી છે.
તું બુદ્ધનું સ્મિત છે, તું મીરાનું ગીત છે,
તું પુરાતન તોયે નૂતન અને નિત છે:
તું મૈત્રી છે.
તું સ્થળમાં છે, તું પળમાં છે;
તું સકળમાં છે અને તું અકળ છે:
તું મૈત્રી છે.
આવી દોસ્તી –આવા દોસ્ત માટે બીજુ તો શું કહી શકાય ?
હા આટલુ ચોક્કસ કહી શકાય.
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પળ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘમાં પણ તારી સાથે વાત કરું છુ..
અને છેલ્લે.. મૈત્રીદિને મળેલો એક સરસ મેસેજ..
“કુંડળી મેળવ્યા વગર સ્થાપિત થતો અને આજીવન કાયમી રહેતો સંબંધ એટલે મિત્રતા.”
આલેખન: રાજુલ કૌશિક
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com
Recent Comments