પત્રાવળી – ૫૪
December 30, 2018 at 1:01 am 17 comments
રવિવારની સવાર...
શબ્દપંથી મિત્રો,
કેવો સરસ શબ્દપ્રયોગ છે નહીં? પ્રીતિબેને કરેલું સંબોધન કેટલું યથાર્થ છે ! આજે લગભગ આપણે પત્રાવળીના સમાપનના પંથે પહોંચ્યા છીએ ત્યારે એની યથાર્થતા- સાર્થકતા અનુભવાય છે. ક્યારેય સાથે ન હોવા છતાં આપણે જે પંથ કાપ્યો એ કોઈપણ પ્રવાસ જેટલો જ આનંદદાયી રહ્યો. વહેતી નદીના બે કિનારા સમાંતર હોવા છતાં ક્યારેય સાથે ન થઈ શક્યા પણ એનાથી નદીની એક રૂપરેખા તો બંધાયેલી રહી ને! આપણે પણ આપણા વિચારોને લઈને સતત સમાંતરે ચાલ્યા અને પત્રાવળીની રૂપરેખા સુંદર રીતે જળવાઈ રહી.
વળી પ્રીતિબેને જે ઉલ્લેખ કર્યો છે એ વાંચન-વિચાર અને પ્રવાસની પ્રક્રિયા આપણે દૂર રહીને પણ માણી જ ને!
પ્રવાસ ખરેખર દેખીતી રીતે તો, માત્ર શારીરિક રીતે વ્યક્તિને ઘરની બહાર લઈ જતી પ્રવૃત્તિ જ. વાંચન અને વિચાર દ્વારા મનથી વિશ્વનો જે પરિચય થાય એનાથી સાવ જ અલગ રીતે પ્રવાસ થકી બાહ્ય વિશ્વનો પરિચય થવાનો. વાંચન અને વિચાર દ્વારા આપણે જે વિશ્વ જોઈએ છીએ એમાં આપણી કલ્પનાના મનગમતા રંગો ઉમેરાઈ જવાના. જ્યારે શારીરિક પ્રવાસથી તો વિશ્વ જેવું છે એવું જ એને આપણે જોવાના અને અનુભવવાના. શું કહો છો પ્રીતિબેન?
જો કે આવા વાંચન કે વિચારોની જેમ એક જરા અલગ પ્રવાસ મેં પણ માણ્યો છે ખરો હોં.
યોગના વર્ગમાં અમારા યોગ શિક્ષિકા અમને ડીપ-મેડિટેશન કરાવતા. આ ડીપ મેડીટેશન દરમ્યાન જાણે એક ટ્રાન્સમાં- જેને આપણે લગભગ સમાધિ, નિરતિશય આનંદની અવસ્થા કહીએ એમાં લઈ જતા. એ ધીરે ધીરે ઊંડા શ્વાસ લઈને મન અને શરીરને એકદમ તણાવમુક્ત કરવાની સૂચના આપતા અને ત્યારબાદ એ એકદમ ધીમા લયથી બોલવાનું શરૂ કરતાં. એમના ધીમા અને મૃદુ અવાજમાં પણ એક જાતનું જાણે સંમોહન રહેતું. અમે એમના શબ્દોની આંગળીએ અદેહી પ્રવાસ આદરતા. એ અમને યોગખંડથી હિમાલયમાં બદરીકેદાર, કેદારનાથ કે અમરનાથ સુધી લઈ જતાં. એમના શબ્દો દ્વારા ગંગાના ખળખળ વહેતા પાણીનો અવાજ અનુભવ્યો છે. હરિદ્વારમાં ગંગા આરતીની આશકાય લીધી છે. હિમાલયના બર્ફિલા પવનના સૂસવાટા પણ સાંભળ્યા છે. ક્યારેક કૈલાસ માનસરોવરના દર્શનની પણ અનુભૂતિ કરાવી છે . વહેલી સવારે કૈલાસ પર પથરાયેલા સૂર્યનો ઉજાસ પણ જોયો છે. માનસરોવરના શીત જેવા પાણીમાં ડૂબકી પણ મારી છે. ખરેખર કહું તો એમના શબ્દોની સાથે સાથે સાચે જ જાણે આપણે કૈલાસ માનસરોવરની પરિક્રમા કરતા હોઈએ એવું અનુભવ્યું પણ છે.
આ શબ્દોના સથવારે કરેલો અદેહી પ્રવાસ એટલો તો અનોખો હતો કે આજ સુધી એનો રોમાંચ ભૂલાયો નથી.
જોયું ને? ક્યાંય પણ જઈને પણ હું શબ્દો પર જ તો પાછી વળીને ? શબ્દોથી શરૂ કરેલી આ યાત્રામાં શબ્દો આપણા મન અને વિચારો સાથે એટલા વણાઈ ગયા છે કે વાત ન પૂછો.
પત્રાવળીના સમાપન પછી પણ કદાચ શબ્દોનો આ કેફ મન પર છવાયેલો રહે તો નવાઈ નહીં. સતત એક વર્ષ સુધી સાથે ચાલ્યા પછીનો શૂન્યાવકાશ ભારે સાલશે એ વાત પણ નિશ્ચિત.
આજે પત્રાવળીએ શું આપ્યું છે એ વિચારું છું ત્યારે કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલી’માંથી બે પંક્તિઓ યાદ આવે છે.
‘કતો અજાનારે જાનાઇલે તુમિ, કતો ઘરે દિલે ઠાંઈ.. દૂરકે કરિલે નિકટ’
કેટલાંય અજાણ્યાઓની તમે ઓળખ કરાવી, કેટલાંય ઘરોમાં સ્થાન આપ્યું. દૂરનાને કર્યા નિકટ.
વાત તો સાચી જ ને? પોસ્ટમેન બારણે ટકોરા દઈને ટપાલ સરકાવે એવી રીતે આ ઈ-પોસ્ટ ઘણાના લેપટોપ કે કૉમ્યુટરના દ્વારે ટીંગ કરીને ઊભી રહી અને કેટલાય પત્રરસિયાઓએ આપણને કેવો હૂંફાળો આવકાર અને પ્રતિસાદ-પ્રતિભાવ પણ આપ્યો જ ને!
હવે આવશે મનને ભીંજવતી છૂટા પડવાની ક્ષણો જે આપણા મનને તરબતર તો રાખશે જ વળી. યાદ રહેશે આ શાબ્દિક- બૌદ્ધિક પ્રવાસ અને તે પણ સંવેદનાસભર.
ભઈ હું તો એવી જ.. મનને ભરી દેતા, મનને પ્રસન્ન કરી દેતા સમયને એકદમ વિસારે પાડી શકવા હું તો અસમર્થ જ છું અને આ અસમર્થતા સામે મને કોઈ ફરિયાદ પણ નથી જ.
સાથે એવી આશા પણ રાખું કે આવા જ કોઈ સંદર્ભે આપણે ફરી મળીશું બરાબર ને?
રાજુલ કૌશિક
rajul54@yahoo.com
Entry filed under: પત્રાવળી.
1.
Rajul Kaushik | December 30, 2018 at 3:11 pm
jugalkishor કહે છે:
ડિસેમ્બર 30, 2018 પર 12:30 એ એમ (am)
સરસ પત્ર ! છપ્પનમા પત્રની પ્રસ્તાવનારૂપ છેલ્લા ત્રણ પત્રોનું મૂલ્ય ઘણું છે. આ ત્રણ પછીનો સમાપનપત્ર એટલે અચ્યુતમ્ ! ત્રણે પત્રોના સહિયારાં (હજી એક બાકી હોઈ આગોતરાં) અભિનંદન !
LikeLiked by 1 person
2.
Rajul Kaushik | December 30, 2018 at 3:12 pm
આભાર જુ.ભાઈ (મામા)
LikeLike
3.
Rajul Kaushik | December 30, 2018 at 3:13 pm
hemapatel કહે છે:
ડિસેમ્બર 30, 2018 પર 7:36 એ એમ (am)
રાજુલબેન,
શબ્દોના સથવારે તમે તો હરદ્વારની આરતીના દર્શન કરાવી દીધા તો વળી મનથી કેદારનાથ, અમરનાથ અને માન સરોવરની યાત્રા પણ કરી લીધી. વાંચતા વાંચતા ખરેખર તો મન એ જગ્યાઓનો પ્રવાસ કરીને આવી ગયું, અને આમેય આપણે એક વર્ષની સફરમાં કયાં ને કયાં ફરી આવ્યા કેટલુ બધુ જાણ્યું અને માણ્યું ખરેખર તો પ્રવાસ ખુબજ સુખદ રહ્યો.
અને પતરાવળીમાં પીરસાયેલા ભોજનની વાત કરીએ તો ૫૪ ભોગ આરોગીને તૃપ્તિ થઈ.
એક વર્ષથી તમારા પ્રવાસમાં સહભાગી બન્યા તે બદલ તમારી ટીમનો આભાર માનું છું અને આપ સૌને ખુબ ખુબ અભિનંદન અને અનેક અનેક શુભેચ્છા.
LikeLiked by 1 person
4.
Rajul Kaushik | December 30, 2018 at 3:19 pm
હેમાબેન,
એક વાત છે જે સાચી અનુભૂતિ થઈ હોય એ ચિરસ્મરણી હોવાની. અહીં તો મેં જે અનુભવ્યું એનો જ શબ્દસહ ઉલ્લેખ કર્યો છે. મારી એ અદેહી સફરના તમે પણ યાત્રી બન્યા એનો આનંદ થયો.
હંમેશા તમારા પ્રતિભાવોથી તમે પ્રોત્સાહન આપ્યું છે.
અતંઃકરણપૂર્વક આભાર
LikeLike
5.
Rajul Kaushik | December 30, 2018 at 3:21 pm
pragnaju કહે છે:
ડિસેમ્બર 30, 2018 પર 7:44 એ એમ (am)
અલગ અદેહી પ્રવાસ … ‘સમાધિ, નિરતિશય આનંદની અવસ્થા નો પ્રવાસ …
અમે વાંચીને ધન્ય થયા.
અમે અનુભવેલી મનની વાત…
‘કતો અજાનારે જાનાઇલે તુમિ, કતો ઘરે દિલે ઠાંઈ.. દૂરકે કરિલે નિકટ’
વિરહને ઊજવવાની ક્ષણના કશું જ સૂઝતું ન હોય એવા સમયે ધાર કાઢીને બેઠેલા શબ્દોની મૂંઝવણ લખવું શું ? એની નથી ખબર…આનંદની અવસ્થા નો પ્રવાસ કરવા માંગુ છું .ફરીથી મને ઓળખવા માગું છું. .પંક્તિ વગરના વાક્યને મળેલો અનાયાસ પ્રાસ છે… દૂરતા ક્યારે નજીકની સૂરતા બની જાય છે તેનું ભાન નથી રહેતું.
મા જુ’ભા ઇનો શબ્દ દોહરાઉં…’સરસ પત્ર ! … અભિનંદન !’
LikeLiked by 1 person
6.
Rajul Kaushik | December 30, 2018 at 3:26 pm
પ્રજ્ઞાજી,
આપનો આનંદ એમાં જ મારા પત્રની- મારી અભિવ્યક્તિની સાર્થકતા.
પત્રાવળીમાં પ્રોત્સાહન આપીને તમે પણ સતત અમારી સાથે જ રહ્યા છો. એ માટે આપનો ખુબ ખુબ આભાર.
દૂરતા પણ નજીકની સૂરતા બની જાય ? એ વાત ખુબ ગમી..
LikeLiked by 1 person
7.
Rajul Kaushik | December 30, 2018 at 3:27 pm
nilam doshi કહે છે:
ડિસેમ્બર 30, 2018 પર 10:51 એ એમ (am)
ખૂબ સરસ..આખી પત્રયાત્રા ખૂબ મજાની રહી.
સૌ પત્રયાત્રીઓને હાર્દિક અભિનંદન.
અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દિલ સે..
LikeLiked by 1 person
8.
Rajul Kaushik | December 30, 2018 at 3:30 pm
નીલમબેન,
આપણે રૂબરુ તો ક્યારેય મળ્યા જ નથી પણ ક્યાં એની ખોટ લાગી છે? મળ્યા વગર પણ મળતા રહ્યાનો આનંદ માણ્યો છે.
આ પત્રયાત્રાના તમે પણ એક સાથી તો ખરા જ ને? એમ કરીને પણ મળ્યા તો ખરા જ..
શુભેચ્છાઓ માટે આભાર- દિલ સે…..
LikeLike
9.
Rajul Kaushik | December 30, 2018 at 3:34 pm
Dr Induben Shah કહે છે:
ડિસેમ્બર 30, 2018 પર 11:08 એ એમ (am)
પત્રાવળીની શાબ્દિક અને બૌધિક પત્રયાત્રા ખૂબ મનનિય રહી, મનના ખૂ્ણે એ જળવાય રહેશે. આ પ્રવાશ દ્વારા ઘણું જાણ્યું અને માણ્યું . આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને નવા વરસે જરૂર નવિન વિચારની યાત્રાએ લઈ જશો તેવી શુભેચ્છા.
LikeLiked by 1 person
10.
Rajul Kaushik | December 30, 2018 at 3:34 pm
આભાર ઈન્દુબેન,
LikeLike
11.
Rajul Kaushik | December 30, 2018 at 4:25 pm
Sangita કહે છે:
ડિસેમ્બર 30, 2018 પર 3:03 પી એમ(pm)
Khub saras shabdyatra 2018!
LikeLiked by 1 person
12.
Rajul Kaushik | December 30, 2018 at 4:26 pm
આભાર સંગીતાબેન
LikeLike
13.
jugalkishor | December 30, 2018 at 9:28 pm
દૂરતા પણ નજીકની સૂરતા બની જાય ? એ વાત ખુબ ગમી..
“દૂરિયાં નજદીકિયાં બન ગઈ, અજબ કી યે બાત હૈ !” ફિલ્મકડી યાદ આવી ગઈ.
LikeLiked by 1 person
14.
સુરેશ | December 30, 2018 at 9:33 pm
બધી શબ્દયાત્રાઓ અંતરયાત્રા તરફ વળતી હોય છે. હેપી ઈનર જર્ની !
LikeLiked by 1 person
15.
Rajul Kaushik | December 30, 2018 at 9:42 pm
🙏🏼🙏🏼
LikeLike
16.
Pragnaji | December 31, 2018 at 4:03 am
રાજુલ તારી પ્રતિભાથી પહેલેથી જ પ્રભાવિત છું.
પત્રમાં તમે બધાએ શબ્દ પ્રવાસ ને માણતા મને શીખવ્યો બધાના વિચારોએ અમને વિકસાવ્યા ,સફરના અમે પણ યાત્રી બન્યા એનો આનંદ તો વિશેષ।.. દરેક પ્રત્રમાં મૌલિકતા સ્પર્શી ગઈ છે.
LikeLiked by 1 person
17.
Rajul Kaushik | December 31, 2018 at 6:21 pm
સૌને ગમ્યું એમાં જ આ પત્રાવળીની સાર્થકતા છે.
આભાર
LikeLike