રાગ અનુરાગ
“Can you stop talking on cellphone while driving the car Karan?”
પણ ના, કરણ તો વાત કરતો જ રહ્યો.રાજવી હવે સખત અકળાવા માંડી હતી. એ દિવસે કરણે ઓફિસમાંથી બ્રેક લીધો હતો. કરણ અને રાજવીના ઇયરલી ચેક અપ માટેની એપોઇન્ટ્મેન્ટ હતી.
કરણ અને રાજવી …
લગ્ન જીવનની સફરનુ આ ૪૦મુ વર્ષ હતુ. બંનેની અલગ અલગ પ્રકૃતિ. કરણ થોડો મનસ્વી અને મુડી પણ ખરો. મન સુધી ન પહોંચે ત્યાં સુધી ગમે તેટલુ મહત્વ ધરાવતી વાત કેમ ન હોય એ હાથ પર જ ન ધરતો. અને જો ધુન ઉપડી હોય તો સાવ નજીવી વાતનો પણ તંત ન છોડતો. બસ ધુન ઉપડવી જોઇએ.
કરણ સાચે જ ઉત્સાહી અને ઉમંગી અને થોડો તરંગી પણ કહેવાય એવો. “મળ્યુ ત્યારે માણી લેવુ” જેવો અભિગમ પણ ખરો સ્તો. ખાસ કશા જ કોઇ વિચાર વગર પણ ઇમ્પલસિવ કહેવાય એવા નિર્ણયો ય લઇ લે ખરો. ના શબ્દ એની ડિક્શનરિમાં ભાગ્યેજ આવતો. ના એટલે કોઇને પાડવી પડતી ના ની આ વાત છે. કોઇની કોઇ પણ વાત પર એ ના પાડતા શિખ્યો જ નહોતો. આગળ-પાછળની પરિસ્થિતિ કે પોતાની જાતનો ય વિચાર કરવા ય ન રોકાતો.
રાજવી એની આ વાતે અકળાતી. એ હંમેશા માનતી કે બહુ ખુશ હોય ત્યારે કોઇને કોઇ વચન ન આપવા કે ગુસ્સામાં હો ત્યારે કોઇ નિર્ણય ન લેવા.
રાજવી પ્રમાણમાં વધુ વાસ્તવવાદી. ક્દાચ કરણને ન ગમે એટલી. જીવનના કેટલાક ચઢાવ ઉતાર જોઇ ચુકેલી રાજવી મન સાથે ,ગમા- અણગમા સાથે ,પરિસ્થિતિ સાથે સમાધાન કરતા શીખી ગઈ હતી. કદાચ હવે ગમા-અણગમા જેવુ ય ખાસ કશુ રહ્યુ નહોતુ. બસ સમય શાંતિથી વહેતો રહેવો જોઇએ.
સમાધાન ન કરી શકી બસ આ એક કરણના આ તરંગીપણા સાથે , કરણની જાત માટે ય વિચાર્યા વગર પગલુ લેવાની પ્રકૃતિ સાથે. એને હંમેશા લાગતુ કે સિનિયર સીટીઝન કહી શકાય એવી ઉંમરે તો વ્યક્તિમાં એક બદલાવ,એક ઠહરાવ ન આવે ? ૨૬ વર્ષની ઉંમર અને ૬૨ વર્ષની ઉંમરમાં કોઇ જ ફરક નહી? નાની નાની વાતની ચિવટ , ચોકસાઇ કે કાળજી તો ઉંમર અને અનુભવ સાથે વણાતી જ જાય ને? પણ કરણમાં તો આજે ય ” Karan Shah can do any thing -Karan Shah can do every thing” વાળો કરણ ગમે ત્યારે આળસ મરડીને ઉભો .
બસ , આ એક વાત ને લઈને અત્યારે રાજવીના મગજનો પારો ચઢતો જતો હતો. ડોક્ટરની એપોઇન્ટ્મેન્ટ પહેલા કરણનુ એની ઓફિસે જવુ જરૂરી હતુ એ તો એ ય સમજતી હતી. કાલે સાંજે ઓફિસે એક અગત્યની ફાઇલ પર કામ પુરુ કરીને કરણ ઉભો થયો ત્યારે ઓફિસ લગભગ ખાલી થઈ ચુકી હતી. અને બાકી જે રહ્યા હતા એમાંથી કોઇને એ ફાઇલ સોંપી શકાય એ શક્ય નહોતુ. એટલે કરણ એ ફાઇલ પોતાની સાથે જ લઈને આવ્યો હતો. અત્યારે ડોક્ટર પાસે જતા પહેલા એ ફાઇલ ઓફિસે આપતા જવાનુ હતુ એની તો રાજવીને ય ખબર હતી. ઓફિસ પહોંચવામાં માંડ દસ મિનિટે ય બાકી નહોતી અને કરણનો સેલ ફોન રણક્યો.
આદતવશ કરણે ગાડી ચલાવતા ચલાવતા ખીસામાંથી ફોન કાઢીને વાત કરવા માંડી. રાજવી કરણ પર આ વાતે ય ખુબ અકળાતી. ફેન્સી અને લેટેસ્ટ વસ્તુના શોખીન કરણે ગાડી ય લેટેસ્ટ મોડલની લીધી હતી. ગાડીમાં બધા ફિચર્સ હોય તો એનો ઉપયોગ નહી કરવાનો? બ્લુ ટુથ ની સગવડ હોય તો શા માટે એનો ઉપયોગ નહી કરવાનો?
એક તો સીટબેલ્ટ બાંધ્યા પછી માંડ હલનચલન કરી શકાય એવી મોકળાશ રહેતી. એવામાં ચાલુ ગાડીએ ૭૦ ૭૫ માઇલની સ્પીડે જતા ચાર થી છ લેનના ટ્રાફિક સાથે તાલમેલ મેળવતા ગાડી કંન્ટ્રોલમાં રાખીને સીટ પર ઉંચા નીચા થઈને ખીસામાંથી ફોન કાઢવો એ વાતથી જ રાજવી ગભરાઇ જતી. આ પહેલા પણ એવુ બન્યુ હતુ કે આવી જ રીતે ખીસામાંથી ફોન કાઢીને વાત કરવામાં બેધ્યાન કરણે અજાણતા જ સામે આવતા ટ્રાફિકની લેનમાં ગાડી લઈ લીધી હતી. નસીબ બંનેના પાધરા કે કમ્યુનિટીની બસ જરા જ બહાર નિકળ્યા હતા અને હજુ સામો ટ્ર્રાફિક ચાલુ નહોતો થયો. એ વખતે ય રાજવી એની સાક્ષી હતી.
પણ એથી કરીને કરણને તો કોઇ ફરક પડતો નહોતો કે અત્યારે પણ પડ્યો. રાજવી જોતી જ રહી અને એણે તો એની ધુનમાં ખીસામાંથી સેલફોન કાઢીને વાત કરવા માંડી. ફોન કરણની મેનેજરનો હતો.રાજવીની અકળામણ કે ટોકને અવગણીને ય એ સેલફોન પર વાત કરતો જ રહ્યો.રાજવીના મગજનો પારો અને બ્લડપ્રેશર ઉંચુ ચઢતુ રહ્યુ. અડધા રસ્તેથી શરૂ થયેલી વાત લગભગ ઓફિસે પહોંચવા આવ્યા ત્યાં સુધી ચાલુ જ રહી.
અત્યાર સુધી સતત કરણને ટોકતી રાજવી ઓફિસ પહોંચી મેનેજરને ફાઇલ આપીને નિકળ્યા પછી સાવ જ શાંત થઇ ગઈ. હવે બોલવાનો વારો હતો કરણનો.એ તો એની જ ધુનમાં મસ્ત હતો.આમ સાવ જ શાંત થઈ ગયેલી રાજવીને જોઇને ય એને તો હજુ મનમાં વિચાર સરખો ય આવ્યો નહોતો.
” ફાઇલ પહોંચી એટલે મારુ કામ પત્યુ. ”
રાજવી તરફથી કોઇ જવાબ ન મળતા કરણનું હવે રાજવી તરફ ધ્યાન ગયુ.તમતમી ગયેલો ચહેરો જોઇને રાજવીના બદલાયેલા મુડનો જરાતરા ખ્યાલ તો આવ્યો.
” હે ભગવાન પાછુ શું થયુ?” કરણે વાતની શરૂઆત કરી.
” આપણી વચ્ચે કેટલી વાર વાત થઇ હશે કે ચાલુ ગાડીએ આવી રીતે ફોન પર વાત નહી કરવાની? ગાડીમાં બેસતા પહેલા ખીસામાંથી ફોન કાઢીને બ્લુટુથ ચાલુ કરવામાં વાર કેટલી લાગે?”
” નથી યાદ આવતુ શું કરુ? બ્લુટુથ ચાલુ કરુ તો ઓફિસે પહોંચીને બંધ કરવાનુ યાદ નથી આવતુ અને એમાં બેટરી ડાઉન થઈ જાય છે .”
” ઓફિસ કેટલી દૂર હતી? પહોંચીને ય વાત થઈ શકી હોત .”
” મારી મેનેજરનો ફોન હતો , તને ખબર છે કેટલી અગત્યની વાત હતી?”
” ફોનની રીંગ વાગી ત્યારથી જ તને ખબર પડી ગઈ હતી કે ફોન અગત્યનો જ હશે? પહેલી વાત તો એ કે ના પાડી છે તો ય તેં ફોન ઉપાડ્યો.અરે ઉપાડ્યો એનો ય કદાચ એટલો પ્રોબ્લેમ ના હોત .
ફોન ઉપાડીને તું કહી શક્યો હોત કે રસ્તામાં છુ, ઓફિસ પહોંચીને વાત કરુ છું.પણ ના, આપણે તો જેમ કરતા હોય એમ જ કરવાના. Karan Shah can do any thing -Karan Shah can do every thing —right?” મારી ના પર પણ જો મારી જ હાજરીમાં તું ફોન પર આટલી વાત કરી શકે તો મારી હાજરી ન હોય તો તો ક્યાં જઈને અટકે ?
” અરે! પણ તું સમજતી કેમ નથી? વાત જ એવી હતી કે હું કેવી રીતે ફોન મુકી દઉ? ગયા વીક જે ટેન્ડર ખુલ્યા એના ક્વોટેશન અમે ભર્યા પણ એનો ઓર્ડર બીજી પાર્ટીને મળ્યો એ તો તને ખબર છે ને? પણ તને એ ખબર છે કે કેટલા ફરકે એમને ઓર્ડર મળ્યો? માત્ર એક ડોલર ઓછા ભાવથી એ ઓર્ડર લઈ ગયા. હવે એમ.ડી. ને શંકા છે કે અમારી ઓફિસમાંથી જ કોઇએ અમારા ક્વોટેશન લિક કર્યા છે.આ ક્વોટેશન ભર્યા એની જાણ ઓફિસમાં માત્ર ત્રણ જ જણને હતી. એમ.ડી, મેનેજર અને પ્રોડક્શન મેનેજરને અને અમારા આ પ્રોજેક્ટ ડૅટા માટે જુદો જ પાસવર્ડ અપાયો હતો .હવે જો આ પાસવર્ડ આ ત્રણ જણને જ ખબર હોય તો ભાવ કોઇને કેવી રીતે ખબર પડે? એટલે શંકાની સોય સ્વભાવિક રીતે મેનેજર અને પ્રોડક્શન મેનેજર તરફ જ જાય ને? “
” બરાબર છે પણ આ કોઇ જીવન મરણનો તો સવાલ નહોતો ને કે ઓફિસ પહોંચીને વાત ન થાય? પાંચ મિનિટ પણ નહોતી લાગવાની પહોંચતા.”
” ઓફિસ પહોંચીને પાંચ મિનિટ પણ ઉભા રહેવાનો ક્યાં કોઇને ટાઇમ જ હોય છે ?”
“So? આમાં તું ક્યાંય કોઇ વાંકમાં નથી તો તારે ક્યાં ચિંતા કરવાની જરૂર હતી કે આમ રઘવાયાની જેમ વાત કરવી પડે?”
” ઓફિસમાં દરેકની ઇન્ક્વાયરી થવાની છે એવુ મેનેજરનુ કહેવુ છે.બધાને જવાબ આપવા પડશે એવુ એનુ કહેવુ છે એટલે હું ફોન કેવી રીત મુકી દઈ શકુ? અને દુનિયામાં લાખો કરોડો લોકો છે જે આવી રીતે વાત કરતા હોય છે હું એકલો તો નથી ને?”
” એટલે એનો અર્થ અવો કે આપણે એકબીજાને આવા લાખો કરોડોમાંથી જ એક ગણીને જીવતા શીખવાનુ? તું મને એ રીતે ગણતો હોય તો એમ પણ મારાથી તો એવી રીતે તને એ લાખો કરોડોમાં નહી જ મુકી શકાય”
” સાચુ કહુ તો હું આર્ગ્યુમેન્ટમાં ક્યારેય તને પહોંચી શકતો નથી.”કરણ અકળાયો.એની પાસે કોઇ જવાબ નહોતો અને જ્યારે કોઇ જવાબ ન મળે ત્યારે અકળાવાનો કરણનો સ્વભાવ હતો.
” આ તું જેને આર્ગ્યુમેન્ટ કહે છે ને એ માત્ર કરવા ખાતર કરવામાં આવતી આર્ગ્યુમેન્ટ નથી જે ફિલીંગ અંદરથી ઉગતી હોય એ જ જીભે ચઢે છે. અંતરથી જે અનુભવાતુ હોય એને જ શબ્દો જડે છે સાવ એમ જ હવામાંથી નથી ઉપજતી. અને આ ચાલુ ગાડીએ ફોન પર વાત કરવાની લ્હાયમાં તેં એ વખતે ગાડી ક્યાંથી કાઢી એ ખબર છે?”
” રાજવી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આગળ ગાડીઓની લાઇન હોય અને તમારે ટર્ન લેવાનો હોય તો આમ જ ગાડી આગળ લેવાય.”
જીભાજોડી ચાલતી રહી અને બંને ડોક્ટરની ઓફિસે પહોંચી ગયા. વાત ત્યારે તો ત્યાંથી જ અટકી ગઈ. પણ આજે ય રાજવીનુ બ્લડપ્રેશર હાઇ આવ્યુ. સામાન્ય રીતે નોર્મલ રહેતુ રાજવીનુ બ્લડપ્રેશર આજે એકદમ હાઈ હતુ. જો કે એ આજકાલનુ નહોતુ. છેલ્લા કેટલાય વખતથી આમ જ બનતુ. ઓફિસમાં એક નહી અને બીજી રીતે કોઇપણ કલિગને લીધે કરણ નાની મોટી ઉપાધી વ્હોરી લેતો. ના પાડવાનો એનો સ્વભાવ જ નહોતો ને?
એ દિવસે ય વાત ત્યાં જ પતી ગઇ. ખરેખર તો પતાવી દેવામાં આવી. કોઇ વાત લાંબી ચાલે એ કરણને ક્યાં ગમતુ ય હતુ? પણ કરણને એવો સહેજ પણ અણસાર નહોતો કે રાજવી આમ કેમ આકળી થઈ જાય છે અથવા તો એને યાદ પણ નહોતુ કે આમ જ આ સેલફોનના લીધે જ ભયંકર અકસ્માત એમની સાથે ય થયો હતો .
એ દિવસે રાજવી ગાડી ચલાવતી હતી. કરણ પેસેન્જર સીટમાં હતો. બપોરનો સમય હતો એટલે ટ્રાફિક પણ નહીવત હતો. એકદમ આરામથી જ રાજવી ગાડી ચલાવતી હતી. એકપછી એક સિગ્નલો વટાવીને કાર આગળ વધતી રહી. હળવા મુડમાં બંનેની વાતો ચાલતી રહી. આગળના જંકશન પર રેડ સિગ્નલ દેખાતા દૂરથી ગાડીની સ્પીડ ઓછી કરતી રાજવી સિગ્નલ પર ઉભી રહી. પચાસેક સેકંડ પછી ગ્રીન સિગ્નલ ચાલુ થયુ. હળવેથી લગભગ ૨૦-૨૫ની સ્પીડે રાજવીએ કાર આગળ લીધી. જરાક જ આગળ જતા એકદમ કરણની રાડ ફાટી ગઈ. રાજવી તો સામે જોઇને કાર ચલાવતી હતી. આમ પણ એને કાર ચલાવતા સીધે રસ્તે જ જોવાની ટેવ હતી. પોતે જ નહી પણ કરણ કાર ચલાવતો હોય તો પણ એ ભાગ્યેજ આજુબાજુ નજર ફેંકતી. પણ કરણનુ ધ્યાન ગયુ કે જમણી બાજુથી આવતી એક ૨૦ ૨૨ વર્ષની યુવતિ કાર ચલાવતા મોબાઇલ પર વાત કરવામાં મગ્ન હશે અને એણે એની બાજુથી ચાલુ થયેલુ રેડ સિગ્નલ જોયુ જ નહી અને જે એકધારી સ્પીડૅ આવતી હતી એમ એ આવતી ગઈ અને સીધી જ કરણ રાજવીની કાર સાથે ભયંકર સ્પીડે અથડાઇ અને કારને ફંગોળતી આગળ વધી ગઈ.
એની કારની જે રીતની સ્પીડ હતી એમાં તો કરણ રાજવીની કાર નો ભુક્કો બોલી ગયો. બંનેના નસીબ સારા કે સહેજ બેઠા માર સિવાય મોટી ઇજામાંથી બચી ગયા. ઇશ્વરની એ મહેરબાની માટે તો આજે ય રાજવી નત મસ્તકે ઇશ્વરનો પાડ માનવાનુ ચુકતી નથી.બાકી તો કારની જે દશા હતી એ જોતા તો અંદરની વ્યક્તિઓના ક્ષેમકુશળની કલ્પના કરવી બહારના માટે મુશકેલ હતી.
કરણ આ બધુ જ ભુલી ગયો હતો. આવુ બધુ યાદ રાખવાનો એનો સ્વભાવ પણ નહોતો બસ રાજવીને એ નથી સમજાતુ કે આજે ય સેલફોનની રીંગ વાગતા એ ખીસામાંથી ફોન કાઢીને વાત કરવાનુ એ કેમ નથી ભુલતો?
પ્રેમ છે એકબીજા માટે કાળજીય એટલી જ છે અને એટલે જ કદાચ આવી નાની મોટી ચણભણ એમના જીવનનો એક હિસ્સો છે. દિવસમાં કામ વચ્ચે સમય કાઢીને ય કરણ રાજવી સાથે વાત કરી લે છે. રાજવીને આજે પણ એના ફોનની રાહ જોવાની ટેવ એટલી જ છે.
ગમે એટલો મન પર સંયમ રાખવાનો પ્રયત્ન કરવા છતાં આજે ય રાજવી થી કરણને ટોક્યા વગર રહેવાતુ નથી અને ગમે એટલુ યાદ રાખવા છતાં કરણથી આજે પણ બસ એમ જ બેફિકર જીવન જીવવાનુ છોડાતુ નથી.
Entry filed under: નવલિકા.
Recent Comments