ફિલ્મ રિવ્યુ-સંજુ

July 3, 2018 at 10:00 pm 7 comments

 

 

સાપ સીડીની રમત તો નાનપણમાં સૌ રમ્યા જ હશે. પાસા  ફેંકાય અને એ ઉપર તરફ જતી સીડી પર જઈને અટકે તો આપણે એ સીડીના પગથીયા ચઢ્યા વગર સડસડાટ સીધા ઉપરની હરોળમાં જઈ પહોંચીએ અને જો એ પાસા સાપના મોઢા પાસે જઈને અટકે તો સીધા જ નીચેની પાયદાન પર ઉતરી જઈએ. સંજય દત્તનું જીવન પણ આવી જ એક સાપ સીડીની રમત જેવું છે. એ આજે સફળતા અને લોકપ્રિયતાના શિખરે બેઠો હોય તો બીજા દિવસે એ નામોશીની ગર્તામાં ગરી ગયો હોય. એ ફીનિક્સ પંખીની જેમ ફરી પાછો બદનામીની રાખમાંથી બેઠો થઈને સફળ ફિલ્મોનો તાજ પહેરીને મહાલતો હોય તો બીજા દિવસે બેડીઓમાં જકડાઈને જેલ ભેગો થતો હોય.

આવા સંજય દત્તની કેટલીક જાણીતી તો કેટલીક અજાણી વાતો લઈને દિગ્દર્શક રાજકુમાર હીરાણીએ રણવીર કપૂરને સંજય દત્તના પાત્રમાં પ્રેક્ષકો સમક્ષ રજૂ કર્યો છે ફિલ્મ “સંજુ”માં

સંજય દત્તના જીવનના ઉતાર ચઢાવ, એના પિતા સુનિલ દત્ત તરફના અણગમાની વાત, મા નરગીસ દત્ત માટેનો વિશેષ લગાવ, ફિલ્મી કારકિર્દી અને આ કારકિર્દી દરમ્યાન એના પ્રેમ પ્રકરણથી માંડીને, વ્યસનમાં વ્યસ્ત દિવસો, અંડર વર્લ્ડ સાથેનું કનેક્શન અને એના લીધે થયેલ ટાડાના કેસ અને જેલની સજા, આ બધુ જ સંજય દત્તના કબૂલનામાની જેમ રજૂ કર્યું છે. ૧૯૮૧માં રોકી ફિલ્મથી શરૂ થયેલી સંજય દત્તની ફિલ્મોગ્રાફી અને અંગત જીવનની વાતોને અત્યંત સરળતા- સહજતાથી પ્રેક્ષકો સમક્ષ મૂકી છે. જાણે રણવીર કપૂર થકી કહેવા ન માંગતા હોય કે “ આ રહી મારી ખુલ્લી કિતાબ જેવી જીંદગી, ચાહે પસંદ કરો ચાહે ધિક્કારો.” હા આ કથનમાં ફિલ્મ ડોક્યુમેન્ટરી ન બની જાય એવી સતર્કતા જાળવી છે અને એના માટે વાર્તામાં જરૂરી ફેરફાર કર્યા છે. જરૂરી છૂટછાટ પણ લીધી છે.

ફિલ્મનો ઉપાડ અને ઉઘાડ થાય છે જ્યારે સંજય દત્તને પાંચ વર્ષની જેલ થઈ હતી. આ સજા ફરમાવવાની સાથે કોર્ટ નામદારે એને ફ્લોર પર ગયેલી ફિલ્મો પૂરી કરવા એક મહિનાનો સમય આપે છે. ત્યારે આત્મઘાતી બનવા તત્પર સંજયને રોકીને તેની પત્નિ માન્યતા લોકો સમક્ષ એના જીવનનું સત્ય રજૂ થાય એવો આગ્રહ રાખે છે અને વિનિ (અનુશ્કા શર્મા) પાસે આ જીવનકિતાબના પાના ખુલ્લા મૂકાય છે જે આપણી સમક્ષ ફિલ્મ સ્વરૂપે રજૂ થયા છે.

હવે સવાલ એ છે કે આ આંશિક સત્ય છે કે સત્યના કેટલાક અંશ છે જે રૂપેરી વરખ ચઢાવીને આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે? ફિલ્મ “સંજુ” માં સંજય દત્તના કરતૂતોને પ્રશ્નાર્થ ચિહ્ન સાથે રજૂ કરતી  મીડિયાને પણ જવાબદાર ગણવામાં આવી છે. કોર્ટમાં વકીલ સફાઈનામુ પેશ કરે અને જજ ચૂકાદો આપે એ પહેલા તો મીડિયા ખરા-ખોટાની ખાતરી કર્યા વગર જ પોતાના ચૂકાદા એવી રીતે આપી દે છે કે જનતાના મનમાં એકવાર તો એ વ્યક્તિ આરોપી તરીકે ગોઠવાઈ જ જાય. એવું કંઈક ફિલ્મ ‘સંજુ’માં દર્શાવવામાં રાજકુમાર હિરાની સફળ તો થયા જ છે. ફિલ્મને ઈમોશનલ ડ્રામા બનાવવામાં દિગ્દદર્શક અને કથા લેખક અભિજાત જોષી સફળ થયા જ છે માટે આ ફિલ્મ જેટલી સંજય દત્ત અંગેની છે, જેટલી રણબીર કપૂરની છે એટલી જ આ લેખક-દિગ્દદર્શક બેલડીની પણ છે.

આજ સુધી સૌ એવું તો જાણતા જ હતા કે સંજય દત્તનું પીઠબળ એની માતા નરગીસ દત્ત હતા પરંતુ ભાગ્યેજ કોઈ એવું જાણતા હશે કે નરગીસ દત્તના અવસાન પછી સંજયના કપરા દિવસોમાં સુનિલ દત્ત એનું પીઠબળ બની રહ્યા હતા. ફિલ્મમાં પિતા-પુત્રના સંબંધોના લાગણીભીના તાણાવાણા એવી રીતે વણી લેવામાં આવ્યા છે કે જેમાં સુનિલ દત્ત અને સંજય દત્ત વચ્ચેના સંબંધોની આજ સુધી ઝાઝી જાહેર ન થયેલી ઘટનાઓ અને એકબીજા પ્રત્યેની ખેવના દિલને સ્પર્શે એવી રીતે રજૂ થઈ છે. પિતાના પાત્રમાં દિગ્ગજ કલાકાર પરેશ રાવલ રજૂ થયા છે એવું કહેવાના બદલે અહીં એવું ચોક્કસ કહી શકાય કે પરેશ રાવલે આપણી સમક્ષ સુનિલ દત્તને રજૂ કર્યા છે. પુત્ર તરફની સખ્તી કે નરમી, આડા રસ્તે ચઢી ગયેલા પુત્રને સીધા માર્ગે વાળવાના એમના એકદમ અલગ અંદાજ જે અહીં રજૂ કરવામાં આવ્યા છે એ સત્ય હોય તો ખરેખર દાદ આપવી પડે . મજરુહ સુલતાનપુરી, સાહિર લુધ્યાનવી અને આનંદ બક્ષીની રચનાઓને સમય સંજોગો સાથે જોડી દઈને મનથી તુટતા જતા પુત્રનું મનોબળ મક્કમ બનાવતા પિતા, ઘરના તમામ એશો આરામને ફગાવીને સંજય દત્ત જ્યારે જે સ્થિતિમાં હોય એવી સ્થિતિને સ્વીકારતા પિતા, ક્યારેક માત્ર ચૂપ રહીને આંખોથી વ્યક્ત થતા પિતા, મનથી ભાંગી ચૂકેલા પણ પ્રેમથી અડગ રહેતા પિતા- આ તમામ પાસાને પરેશ રાવલે ખૂબસુરતીથી રજૂ કર્યા છે અને મોટાભાગે પ્રેક્ષક એમનામાં સુનિલ દત્તની છાયા અનુભવે છે. મુન્નાભાઈની જાદુની ઝપ્પીમાં તો પરેશ રાવલ અને રણબીર કપૂર બંને ખરા ઉતરે છે.

રણબીર કપૂરે ખુબ સશક્ત અભિનય થકી સંજય દત્તને આપણી સમક્ષ રજૂ કર્યા છે. સંજય દત્તની નાદાની, ખોટા રવાડે ચઢેલા સંજયની ભૂલોની પરંપરાનો જે રીતે પરદા પર ઉઘાડ થયો છે એના લીધે પ્રેક્ષકોની સહાનુભૂતિ એના તરફ ઢળે તો એમાં ય રણબીર કપૂરના અભિનયની કમાલ છે. મિત્ર જેવી માતા અને માતાના લીધે જેને મળવાનું થયું એવા મિત્ર- કમલેશ કપાસી ( વિકી કૌશલ) તરફનું  સંજય દત્તનું ભરપૂર વહાલ અને વિશ્વાસ ક્યાંક પ્રેક્ષકોની આંખ ભીની કરી દે તો ક્યારેક ચહેરા પર સ્મિત લાવી દે. સંજય દત્તે જીવેલા તમામ સારા-ખોટા સંબંધોને રણબીરે ખૂબ તાદાત્મકતાથી પેશ કર્યા છે.  સંજય દત્તે જીવનમાં ઘણી ભૂલો કરી પણ એ ટેરરિસ્ટ નથી એવું જનતા વિચારતી તો થઈ જ જાય એવી રીતે એને રજૂ કરવામાં અભિનેતા- લેખક અને દિગ્દદર્શક સફળ તો થયા જ છે. ખરેખર કોઈનું જીવન આટલું રસપ્રદ હોઈ શકે કે જાણે- અજાણે કરેલા ખલનાયકી જેવા કરતૂતો છતાં નાયક તરીકે લોકો એને આવકારે?

આ હકિકત સિધ્ધ કરવામાં એક બીજુ મહત્વનું પાત્ર પણ અહીં છે અને એ છે સંજય દત્તનો ગુજરાતી મિત્ર કમલેશ કપાસી. ગુજરાતી લઢણમાં હિન્દી બોલતા,  દેખાવમાં અત્યંત સામાન્ય લાગતા આ વિકી કૌશલે એટલો અદ્ભૂત અભિનય કર્યો છે કે એની આંખે સંજય દત્તને જો જોવામાં આવે તો એ તદ્દન નિર્દોષ- ભલો-ભોળો જ હતો અને માત્ર સંજોગોનો શિકાર બન્યો હતો એ વાત આપણા પણ ગળે શીરાની જેમ ઉતરી જાય. (શક્ય છે એ સાચુ ય હોય). વાત સાચા-ખોટાની નથી પણ વાત છે અહીં મિત્રતાની . મિત્ર પ્રત્યેના પ્રેમની જે વિકી કૌશલે જે રીતે રજૂઆત કરી છે સૌ કોઈને એમ થાય કે જીવન ભલે સંજય દત્ત જેવું ન હોય પણ મિત્ર તો કમલેશ કપાસી જેવો હોવો જ જોઈએ. સંજય સાથેની એની મસ્તી, તુટતા જતા મિત્રને ફરી ઉભો કરવાના વહાલસોયા પ્રયાસોને એણે ખૂબ સહજતાથી વ્યક્ત કર્યા છે તો સાથે ગેરસમજથી દોરવાઈને મિત્રને જીવનભર નહીં મળવાની મક્કમતા ય કેળવી છે. મનની માની લીધેલા વહેમને નફરતના વાઘા પહેરાવીને એ વર્ષો સુધી સંજય દત્તને નથી મળતો પણ જ્યારે એ ભ્રમ ભાંગે છે ત્યારે? મિત્રને મળવા એક ક્ષણ પણ ન રોકાતો કમલેશ, દત્ત સાહેબ પાસે મિત્રને બચાવી લેવાની કાકલૂદી કરતો કમલેશ અને રૂબીએ તોડેલા સંબંધને  ફરી સાંકળવા મથતા કમલેશની મથામણોને વિકી કૌશલે દાદ આપવી પડે એવી રીતે વ્યક્ત કરી છે.

માન્યતા દત્ત અને વિનિ એ સંજય દત્તના જીવનને સાચી રીતે રજૂ કરવાના આયાસો કર્યા છે એ પાસાને અહીં ક્રમાનુસાર દિયા મિર્ઝા અને અનુશ્કા શર્માએ સરસ રીતે સંભાળી લીધા છે. જિમ સરભ બેડ મેનની ઈમેજમાં એકદમ ફિટ થઈ જાય એવો અભિનય કર્યો  છે.

ફિલ્મમાં જીવનની ફિલસૂફી સમજાવવા મજરૂહ સુલતાનપુરી- સાહિર લુધિયાણવી અને આનંદ બક્ષીના ગીતોની પંકિતઓને સમજણપૂર્વકનો ઉપયોગ થયો છે એ સિવાય ફિલ્મના અંતમાં સંજય અને રણબીર કપૂર પર ફિલ્માંકન થયેલું ગીત “ બોલે તો મીડિયાને વાટ લગા ડાલી હૈ…” એ પ્રેક્ષકોને જલસો કરાવી દીધો અને આડકતરી રીતે એ ગીત દ્વારા મીડિયાની વાટ લાગી ગઈ છે.

અંતે એક વાત એ છે કે ફિલ્મ સંજય દત્તના જીવનની ચડતી-પડતીની તો છે જ પણ ફિલ્મ રણબીર કપૂર, પરેશ રાવલ, વિકી કૌશલની પણ છે જ તો રાજકુમાર હિરાણીને યાદ કર્યા વગર કેમ રહેવાય? કદાચ સંજય દત્તની સફળતામાં રાજકુમાર હિરાનીનો સૌથી મહત્વનો ફાળો તો રહ્યો જ છે. મુન્નાભાઈ હોય કે સંજુ..રાજકુમાર હિરાનીની જેમ આટલી સચોટતાથી સંજય દત્તને કોણ રજૂ કરી શક્યું હોત?

કલાકારોઃ રણબીર કપૂર, પરેશ રાવલ, વિકી કૌશલ, અનુષ્કા શર્મા, સોનમ કપૂર, જિમ સરભ, મનિષા કોઈરાલા, દિયા મિર્ઝા, કરિશ્મા તન્ના, બોમન ઈરાની, મહેશ માંજરેકર, અર્શદ વારસી, સયાજી શિંદે

નિર્માતા– વિધુ વિનોદ ચોપ્રા

નિર્દેશક– રાજકુમાર હીરાણી

સંગીત– એ.આર. રહેમાન, રોહન રોશન,સંજય વાડેકર

 

 

 

Entry filed under: ફિલ્મ રિવ્યુ.

પત્રાવળી-૨૮ પત્રાવળી-૨૯

7 Comments

 • 1. pravinshastri  |  July 3, 2018 at 10:40 pm

  રાજુલબહેન સાદર વંદન. આપતો જાણો છો કે હું ફિલ્મ જોતો નથી પણ રિવ્યુ જરૂર વાંચું છું. ગોસિપ અને સમાચાર પણ વાંચું છું. સંજયની બાબતમાં સજ્જન માબાપકી બિગડી હુઈ સંતાન જેવો ઘાટ છે. હું ફિલ્મ જોતો નથી પણ રિવ્યુ વાંચું છું એટલે મારાથી ખાસ બોલાય નહિ. મારું માનવું છે કે ખુબજ કુશળતા પૂર્વક સંજય દત્ત પ્રત્યે આ ફિલ્મ દ્વારા સહાનુભૂતિ પેદા કરવાનો પ્રયાસ હોય. અને બીજી વાત કે આખરે આ ફિલ્મ છે. અધિકૃત ડોક્યુમેન્ટરી નથી. ફિલ્મ હકિકત પર નહિ પણ સ્ક્રિપ્ટ, અને અભિનેતા પર ચાલે છે.

  Like

 • 2. Rajul Kaushik  |  July 4, 2018 at 4:14 pm

  આપની વાત સાચી જ છે .
  આ માત્ર ફિલ્મ રીવ્યુ છે અને એમાં સંજય દત્તને સારો કે સાચો
  દર્શાવવાનો કોઈ હેતુ છે જ નહીં. મેં એમાં સ્પષ્ટ કહ્યું પણ છે કે આંશિક સત્યને રૂપેરી વરખ ચઢાવીને રજૂ કરવામાં આવ્યું છે અને એ રૂપેરી વરખના લીધે એ રૂપાળો પણ નથી જ લાગવાનો .
  જે સત્ય છે એ સત્ય જ રહેશે. કપાળે લાલ ટીલું ભલે કરતો કાળી ટીલી લાગી છે એ ભૂંસવાની તો નથી .

  Liked by 1 person

 • 3. Devika Dhruva  |  July 4, 2018 at 4:34 pm

  ગઈકાલે મુવી જોયા પછી તમારો રીવ્યુ વાંચ્યો. અક્ષરશઃ એ રીતે જ અભિપ્રાય મનમાં બંધાયો છે. અભિનય અને દિગ્દર્શન સુંદર. રણબીર કપૂરનો સૌથી સશક્ત અભિનય. વાર્તાવસ્તુ અને હકીકત તો પ્રશ્નાર્થ ?આ આંશિક સત્ય છે કે સત્યના કેટલાક અંશ છે જે રૂપેરી વરખ ચઢાવીને આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે? પણ જે હોય તે, એક હ્રદયસ્પર્શી મુવી,બેશક…

  Liked by 1 person

 • 4. pravinshastri  |  July 5, 2018 at 8:40 am

  મેં હમણાં જ મિત્ર નવીન બેન્કરને લખ્યું કે હું રાજુલબહેનની આંખે ફિલ્મ જૌં છું. એમણે ફિલ્મ જોવાની કળા વિશે સરસ લખ્યું છે તે મેં મારા બ્લોગમાં અને ફેસબુક પર પણ પોસ્ટ કર્યું છે. નવીનભાઈએ પણ આપના રિવ્યુ-દૃષ્ટિ અંગે આપને બિરદાવ્યા છે. જ્યારે બ્લોગ અને ફેસબુક પરથી નિવૃત્ત થઈશ ત્યારે કદાચ ફિલ્મ જોવાનું શરુ કરીશ.

  Liked by 1 person

 • 5. pragnaju  |  July 5, 2018 at 11:23 pm

  સ રસ સુંદર લખાણ લખનારનો રીવ્યુ રસપ્રદ તો હશે જ
  પણ
  મુવી જોયા વગર રીવ્યુ વાંચીએ તો મુવીની મઝા મારી જાય
  તેથી
  ટીપ્પણી ત્યાર બાદ

  Like

 • 6. tarulata  |  July 6, 2018 at 4:27 pm

  tmaro rivyu filmna bdha pasane chrche che. srs.

  Liked by 1 person

 • 7. Rajul Kaushik  |  July 6, 2018 at 4:28 pm

  Thanks Tarulataben

  Like


Blog Stats

 • 131,831 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

July 2018
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


મારી બારી

દીપક ધોળકિયા

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: