પત્રાવળી-૨૬
June 17, 2018 at 1:01 am
રવિવારની સવાર
પત્રયાત્રીઓ,
અત્યાર સુધીમાં તો શબ્દ થાકી જાય એટલો એને વાગોળ્યો અને પંપાળ્યો, નહિ? એટલે આજે તો થયું, થોડી મૌન રહું !એટલે કે મૌન વિશે વાત કરું. પણ મિત્રો મારાં, આટલું વિચારું ત્યાં તો શબ્દો સ્વયંભૂ બનીને પોતે જ આવીને નાચવામાંડ્યા. ભમરાઓની જેમ ગુનગુન ગુનગુન કરવા મંડી પડયા. છેવટે મારે એની વાતને કબૂલવી જ પડી, હાર માનવી જપડી કે,
મૌનનો મહિમા ગાવો છે તારે પણ શબ્દો વિના તે કેમ ચાલે?
ભીતરના ભાવોને ગૂંથવાને માળા, ભાષા વિના તે કેમ ચાલે?
મૌનની ભાષા કેવી હોય છે એની એક વાત કરુ. થોડાં વખત પહેલાં વાંચવામાં આવ્યું હતું. નેટજગતનો વ્યાપ હવેએટલો બહોળો થઈ ગયો છે કે ક્યાં વાચ્યું હતું તે પણ યાદ કરવું પડે છે!
ખૂબ જાણીતી વાત છે કદાચ તમે સૌ પણજાણતા હશો. મિત્રો, વાત એમ હતી કે, એક નવજાત બાળકને કોઈકે જંગલમાં ફેંકી દીધું. મૂંગા કૂતરાએ તે જોયું કેતરત જ બાળક પાસે જઈ તેની આસપાસ જાણે રક્ષણનું કવચ કરી શાંતિપૂર્વક બેસી ગયું. બે–ત્રણ દિવસ પછીમાનવીનો પગરવ સંભળાતા કૂતરાએ તરત જ ભસવાનું શરુ કર્યું. એટલું જ નહિ એ માણસનું વસ્ત્ર ખેંચી બાળક તરફખેંચી ગયું. સદભાગ્યે તે વ્યક્તિ એક સંતાનવિહોણી સ્ત્રી હતી.બાળકને ઘેર લઈ આવી,નવડાવી ધોવડાવી,કપડાંપહેરાવી,દૂધ પીવડાવ્યું. કૂતરો આ બધું જોઈ રહ્યો હતો. ત્યાં જ બેસી રહ્યો. જરા યે ન ખસ્યો. છેવટે એ સ્ત્રીએ ખુશીખુશી બંનેને ઘરમાં જ રાખ્યાં, કદાચ કાયદેસર દત્તક લીધા. કેવી હ્રદયસ્પર્શી મૌન ઘટના!
એવો જ એક બીજો પ્રસંગ સાંભરે છે. વર્ષો વીત્યા, લગભગ ચાળીસેક વર્ષ પહેલાં અમે હરદ્વાર ગયાં હતાં.પાછાવળતાં,યાદ નથી, કોઈક સ્ટેશને ટ્રેઇનની રાહ જોતાં હતાં. સ્ટેશનના ‘ચાય ગરમ, ચાય ગરમ’ મસાલેદાર ચનાચોરગરમ…
એવાં જાતજાતના કોલાહલની વચ્ચે વાંદરાઓના ટોળેટોળાં ચારેબાજુ ધમાચકડી મચાવતા હતાં. અમારે રાહજોયા સિવાય કોઈ છૂટકો ન હતો. થોડીવારમાં ગાડીની તીણી, લાંબી વ્હીસલ વાગી. પાટા પર કૂદતા બધા વાનરોઆઘાપાછાં થઈ ગયા પણ તેમના બચ્ચાંઓ ત્યાંના ત્યાં. પણ ધસમસતી ગાડી પહોંચે અને બધાને રહેંસી નાંખે તેપહેલાં આંખના પલકારામાં, દરેક વાંદરા પોતપોતાના બચ્ચાંઓને સિફતપૂર્વક મોંમાં ઉંચકી ઝાડ પર ચડી ગયા નેકેટલાંક દૂર જતા રહ્યાં!
બોલો, કોઈએ કોઈને કશું કહેવું નથી પડયું. બધી વ્યવસ્થા જાણે આપમેળે,બોલ્યા વગર જ થઈગઈ. આ છે મૌનની ભાષા. પશુ–પંખીઓના અવાજ કે મૌનમાં પણ કેટકેટલા ભાવો પ્રગટ થાય છે?
જૂના જમાનાની માતાઓના મૌનમાં અને કામમાં જ સમગ્ર વહાલ સમાતું અનુભવ્યું છે ને? ત્યારે ક્યાં કોઈ ‘લવ યુ’જેવાં શબ્દો સંભળાતા!! અને હૈયામાંથી નીકળતી મૌન પ્રાર્થનાની તો કંઈ કેટલી વાતો? આદરણીય કુન્દનિકાબેનકાપડિયાએ ખૂબ સુંદર વાત કહી છે કે, પ્રાર્થના જીવનનું એક જબરદસ્ત બળ છે. વિષમ પરિસ્થિતિમાં મૂકાયેલા, શોકમાં ડૂબેલા, હતાશ, પોતાને અસહાય અને અંધકારમાં ખોવાયેલા અનુભવતા મનુષ્યને, સાચા ઊંડા ભાવથી કરેલી મૌનપ્રાર્થના તેની સ્થિતિમાંથી ઊંચકી લઈ એક મહાન ચૈતન્ય સાથે તેનો સંબંધ જોડી આપે છે. મધર ટેરેસાએ પણઆવી જ વાત કરી છે ને કે, મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.રવીન્દ્રનાથ ટાગોર પણ અહીં યાદ આવ્યા વગર કેમ રહે?. એમણે પણ લખ્યું છે કે,પગમાં દોરી ગૂંચવાઈ ગઈ હોય ત્યારે કૂદાકૂદ કરવાને બદલે શાંતિથી મૌનપણે,બેસીને ધીરજથી ઉકેલવી જોઈએ.
મિત્રો, આવા સુવિચારો મૌનમાંથી જ પ્રગટતા હશે ને? આમ, નબળી દલીલો કરતાં મૌન વિશેષ વજનદાર છે એ વાત તો એકદમ પાક્કી જ. પણ છતાં, અનુભૂતિઓને વહેંચવા માટે જરૂર પડે છે શબ્દોની..કોઈપણ સ્વરૂપે.
રાજુલબેન,તમે તો ફિલ્મોના રીવ્યુ લખો છો ને સંવાદ વગર જ બનાવાતા દ્રશ્યો ઘણીવાર કેટલું બધું કહી જાય છે, નહિ? અને પ્રીતિબેન તો વિશ્વના પ્રવાસમાંથી મૌનપણે ઘણું યે આવું જોઈને માણતા હશે. બરાબર ને?
આના સંદર્ભમાં આપણા માનીતા કવયિત્રી લતાબેન હિરાણીની એક કવિતા યાદ આવી.
હું ને મારા શબ્દો
બેઠાં સામસામે
હળવે હળવે રેલાઈ હૂંફ
ઉઘડ્યું અજવાળું
વાત જરાય માંડી ન’તી
બસ આંખ મળી
ને થયું ભળભાંખળું.
એક આકાર વચ્ચે વહ્યો
ન’તો સ્વર, ન વ્યંજન
પણ સંવાદ પથરાયો હળુહળુ.
ખ ર ર ર… ખર્યુ અંધારું
ને હળવેકથી આવ્યું આકાશ
અમને લઈને ઊડયું,
ભીના વાદળો વચ્ચે
હીંચીએ હવે
હું ને મારા શબ્દો …………
શ્રી શિવદેવ માનહંસની કવિતાના થોડાં નીચેના શબ્દો પણ આ જ વાતનું સમર્થન કરે છે કે,
પ્રેમ કેવળ મૌનની ભાષા જાણે છે.
એના તમામ ધ્વનિ
એના તમામ શબ્દો
એના વાક્યો
પ્રારંભે છે મૌનથી
અને
અનંત પામે છે મૌનમાં.– શિવ દેવ માનહંસ (ભાષા: ડોગરી)
(અનુવાદ: બાલકૃષ્ણ સોલંકી)
પ્રત્યુત્તરની રાહમાં…..
દેવિકા ધ્રુવ
Like this:
Like Loading...
Entry filed under: પત્રાવળી.
1.
સુરેશ | June 17, 2018 at 8:32 am
ચાલો…. મૌનની ભાષા શીખવાનો રોયાઝ કરવો છે?
બ્લોગિંગ પર એક મહિનો હડતાલ!
હા!……હા!……હા!……હા!……
LikeLiked by 2 people
2.
alkesh2907 | June 17, 2018 at 8:53 am
વાહ.
LikeLiked by 2 people
3.
pravina | June 17, 2018 at 2:37 pm
મૌનં પરમ ભૂષણં
મિટે ઝઘડાનું દુષણં
મૌનની ભાષા કોઈ વિરલા જ સમજી શકે !
LikeLiked by 2 people
4.
readsetu | June 18, 2018 at 8:45 am
Thank you Rajul & Devikaben…. nice peace…
2018-06-17 10:36 GMT+05:30 રાજુલનું મનોજગત :
> Rajul Kaushik posted: ” રવિવારની સવાર પત્રયાત્રીઓ,
> અત્યાર સુધીમાં તો શબ્દ થાકી જાય એટલો એને વાગોળ્યો અને પંપાળ્
> યો, નહિ? એટલે આજે તો થયું, થોડી મૌન રહું !એટલે કે મૌન વિશે
> વાત કરું. પણ મિત્રો મારાં, આટલું વિચારું ત્યાં તો શબ્દો સ્વયંભૂ બનીને પોતે જ આવીન”
>
>
LikeLiked by 2 people
5.
Rajul Kaushik | June 18, 2018 at 7:57 pm
vmbhonde કહે છે:
જૂન 17, 2018 પર 1:13 એ એમ (am)
bahuj saras. maun e to bhagwan ni bhasha chhe
LikeLiked by 2 people
6.
Rajul Kaushik | June 18, 2018 at 7:58 pm
hemapatel કહે છે:
જૂન 17, 2018 પર 8:43 એ એમ (am)
સુરેશભાઈ બસ બે લાઈન !
તમારા જ્ઞાન ભંડારમાંથી કંઈક તો પ્રકાશ ફેલાવો, મૌન વિષે કોઈ નવી વાત, કોઈ ચિંતન મળી જાય.
LikeLiked by 1 person
7.
Rajul Kaushik | June 18, 2018 at 7:58 pm
Anila Patel કહે છે:
જૂન 17, 2018 પર 8:07 એ એમ (am)
મૌનમ પરમ ભૂષણમ- એમ અમસ્તુજ ઋષિમુનિઓએ નથી કહ્યું. માત્ર કહ્યુંજ નથી અપનાવ્યું પણ છે. એ મૌનજ એમની પરમ શક્તિ બની, સાધના બની અને એ સિધ્દાધિન વરદાન સ્વરુપ બને માનવકલ્યાણ માટે શબ્દ રૂપે જગતમાં અવતરી.
LikeLiked by 2 people
8.
Rajul Kaushik | June 18, 2018 at 7:59 pm
hemapatel કહે છે:
જૂન 17, 2018 પર 8:09 એ એમ (am)
દેવિકાબેન બહુજ સરસ !
મનની અંદર ચાલતા વિચારો, આપણા ભાવ, જે કંઈ બીજાને કહેવું છે તે શબ્દ દ્વારા જ બોલીએ છીએ.જયાં સુધી વિચારો છે શબ્દનું સર્જન રચાતુ જ રહે છે. મન એક ક્ષણ પણ વિચાર કર્યા વીના રહી શકતું નથી. આપણે કંઈ પણ બોલીએ નહી છતાં પણ શબ્દનો પ્રવાહ મનની અંદર સતત વહેતો જ રહે છે. શબ્દ છે માટે વાણી છે. વાણી બોલીને કે બોલ્યા વીના રજુ કરીએ છીએ માટેજ વેદોએ વાણીને અલગ અલગ ચાર નામ આપ્યા છે.
મૌનમાં શબ્દો છે પરંતુ તેને આંખ કે હાવભાવથી સમજવાના છે.ઘણી વખત કોઈ હાવભાવ પણ નથી. મૌન ઘણું બધુ સમજાવે છે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ભાવ છે, શબ્દ છે, આપણે મૌન છીએ છતાં પણ તેમાં કેટલી બધી શક્તિ સમાએલી છે.
LikeLiked by 1 person
9.
Rajul Kaushik | June 18, 2018 at 7:59 pm
શૈલા મુન્શા કહે છે:
જૂન 17, 2018 પર 10:24 એ એમ (am)
મૌનને સાંભળવા માટે કાન અને આંખ જોઈએ. મારી એક કવિતાની પંક્તિઓ અહીં લખ્યા વગર રહી શકતી નથી.
“મૌનને પણ હોય છે ભાષા, સાંભળી છે કદી,
કશું કહેવાની ક્યાં જરુર, અનુભવી છે કદી?
કીડીઓ ની ચાલતી હાર નિહાળતું બાળ,
વાંચ્યુ છે કુતૂહલ આંખમાં એની કદી?
આવે કોઈ યાદ પાંપણને કોર, ને થનગને હૈયું,
મલકતાં એ મૌનની મોંઘેરી મિરાત જાણી છે કદી?
ખરબચડાં હથ વરસાવે વહાલ તમ શિરે,
શબ્દ બને મૌન, એ મમતા પામીછે કદી?
મૌનને પણ હોય છે ભાષા, સાંભળી છે કદી?
LikeLiked by 1 person
10.
Rajul Kaushik | June 18, 2018 at 8:00 pm
Prashant Munshaw
To Devika Dhruva Today at 8:02 AM
પ્રિય દેવિકાબેન,
તમારી આજની પત્રાવળીએ તો મને સાવ મૌન જ કરી દીધો.
ભાષા પરનું પ્રભુત્વ મૌન દ્વારા મેળવવું એજ આકરી પરિક્ષા છે.
મૌનનું મહત્વ નિઃશબ્દ રીતે જે સમજી શકે તે જ મહાત્મા થઈ. શકે. ગાંધીજીનો દાખલો આપણી સમક્ષ છે.
પ્રશાંત મુન્શા.
LikeLiked by 1 person
11.
Rajul Kaushik | June 18, 2018 at 8:01 pm
pragnajup કહે છે:
જૂન 17, 2018 પર 2:54 પી એમ(pm)
मनःप्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः।
भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते।।
.
.
.
.
.
.
.
.
.
.मौनं सर्वार्थसाधनम् ।
LikeLiked by 1 person
12.
Rajul Kaushik | June 18, 2018 at 8:01 pm
અનિલાબેને મૌનમ પરમ ભૂષણમ કહ્યું અને પ્રગ્નાજુએ मौनंम् सर्वार्थसाधनम्। બુધ્ધ અને મહાવીર બન્ને જણાએ અસંખ્ય વર્ષો સુધી મૌન સાધના કરી , કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, આદી શંકરાચાર્યજીએ ઉપનિષદમાં મૌન સાધના પર ગુરુ શિષ્ય સંવાદ દ્વારા ઘણું કહેલ છે. દેવિકાબેનની વાત પશુ પક્ષીને તો પોતાની લાગણી,સંવેદના વ્યક્ત કરવા મૌન જ ભાષા છે. મનુષ્યને ઈશ્વરે બુધ્ધિ આપી છે જેના દ્વારા મનમાં ઉદભવેલ લાગણી, સંવેદનાને બુધ્ધિપુર્વક યોગ્ય ભાષામાં વ્યક્ત કરી શકે છે. પ્રેમની ભાષા મૌન તો મૌન જ આ સાથે મે લખેલ કાવ્ય
પ્રેમ કરી લે પ્રેમ રે મનવા પ્રેમ કરી લે પ્રેમ,
વનવગડાનાં ફૂલ ફૂલમાં
મૌન પ્રસરતું ભૂલ ભૂલમાં,
પાન-પાનમાં, ડાળ-ડાળમાં
મહેક વસંતી ઝૂલ ઝૂલમાં
તુંય ઝૂલી લે એમ…
પ્રેમ કરી લે પ્રેમ રે મનવા પ્રેમ કરી લે પ્રેમ,
જેમ મજાનાં ઝરણાં આવે,
જેમ ઉછળતાં હરણાં આવે,
હાથ હવાનો ઝાલી લઈને,
જેમ વૃક્ષનાં તરણાં આવે
તુંય આવને એમ….
પ્રેમ કરી લે પ્રેમ રે મનવા પ્રેમ કરી લે પ્રેમ,
પારેવાનું ઘૂ-ઘૂ લઈને
કોકીલનું કૂ-કૂ-કૂ લઈને
વરસાદી ઝરમરની પાસે,
મયૂરનું થનગનવું લઈને,
લઈ હૃદિયાની નેમ,
પ્રેમ કરી લે પ્રેમ રે મનવા પ્રેમ કરી લે પ્રેમ.
LikeLiked by 1 person
13.
Rajul Kaushik | June 18, 2018 at 8:02 pm
VASANT T PARIKH કહે છે:
જૂન 18, 2018 પર 9:09 એ એમ (am)
kahevu chhe ganu badhu ..pan Maun rahvu saaru. Khub sunder. મૌનનું મહત્વ નિઃશબ્દ રીતે જે સમજી શકે તે જ મહાત્મા થઈ. શકે
LikeLiked by 1 person
14.
Rajul Kaushik | June 18, 2018 at 8:09 pm
સાચી વાત. ભગવાન પાસે બે હાથ જોડી, નત મસ્તક અને મૌન જાળવીને ઉભા રહી છે કારણકે આપણને અંદરથી અને અંતરથી વિશ્વાસ હોય છે કે ભગવાન આપણી મૌનની ભાષા સમજે છે.
LikeLiked by 1 person
15.
Rajul Kaushik | June 18, 2018 at 8:16 pm
આજના દેવિકાબેનના મૌન પર આપ સૌએ મન પ્રસન્ન થઈ જાય એવા વાચાળ અભિપ્રાય આપ્યા છે.
સૌનો ખૂબ ખૂબ આભાર.
LikeLiked by 1 person