ફિલ્મ રિવ્યુ- ઑક્ટોબર

April 20, 2018 at 5:34 pm 5 comments

 

ફિલ્મ રજૂ થતા પહેલા ક્યાંક એની હવા બંધાય, ક્યાંક એને લગતા સમાચાર વહેતા થાય. એવી જ રીતે ફિલ્મ  ‘ઓક્ટોબર ’  રજૂ થઈ એ પહેલા વહેતા સમાચાર વાંચવામાં આવ્યા કે વરૂણ ધવનને આ ફિલ્મ માટે સાઇન કરતાં પહેલા શૂજિત સરકારે એને સવારે ઊઠીને દિવસની શરૂઆત ટેક્નોલૉજીથી શરૂ કરવાના બદલે એની જાતને બહાર દેખાતી કુદરત સાથે કનેક્ટ કરવા કહ્યું હતું. ફિલ્મ જોઇએ ત્યારે ખરેખર સમજાય કે હાથવગી ટેક્નોલૉજીથી બહાર આવીને જરા દૂર નિસર્ગ તરફ મીટ માંડીએ તો ઘણું બધું એવું છે જે આપણને આપણી જાત જોડે પણ કનેક્ટ કરે છે જેનાથી આપણે ખરેખર દૂર થઈ ગયા છીએ. ‘ઓક્ટોબર’ ના સ્પેલિંગમાં લખાતા ઓ ( O )ની જગ્યાએ મુકાયેલા પારિજાતના ફૂલની નજાકત તો ફિલ્મ જોયા પહેલા જ આપણા મન સુધી પહોંચે છે.

વહેલી સવારે ઊઠીને જમીન પર પડેલું પારિજાતનું ખરીને પણ એની સુંદરતા કે સુગંધ મુકતું જાય એમ આ ફિલ્મ પણ ક્યાંક ઊંડે ઊંડે મનને સ્પર્શી જાય એવી લાગણી મુકતી જાય છે જો આપણામાં સંવેદનાઓ સજીવ હોય તો….

વાત છે સાવ બેદરકાર પણ તીખા મરચાં જેવી પ્રકૃતિ ધરાવતા ડેન એટલે કે દાનિશ વાલિયા (વરૂણ ધવન) અને શિઉલી ઐયર ( બનિતા સંધુ)ની. બંને છે તો હોટેલ મેનેજમેન્ટના વિદ્યાર્થી પણ આ સિવાય બંનેમાં બીજું કોઇ અનુસંધાન નથી.  જેટલો ડેન બેદરકાર એટલી જ શિઉલી ચોક્કસ.

આમ તો એવું કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય પરંતુ ક્યારેક જીવનમાં એવું બની જાય કે માણસ આખેઆખો બદલાઇ જાય. શિઉલી સાથે ઊભા રહે ન બનતું હોય એવા ડેનના જીવનમાં એવું તો શું બને છે કે શિઉલીની એ સતત ખેવના કરતો થઈ જાય છે? નથી એ બંને જણનો વ્યક્ત પ્રેમ કે નથી એ બંને જણે પરણવાના પ્રોમિસ આપ્યા અને તેમ છતાં સતત શિઉલીમય બની જતા ડેનમાં આ કેવો ફેરફાર? કહે છે ને કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું…તો પછી કાળા માથાના માનવીની શું હેસિયત?  પળવારમાં જે પ્લાન ફેરવી દે એનું નામ પરમેશ્વર. હસતી રમતી જીંદગી સવારે ઊઠીને કોઇ કાટમાળ નીચે ધરબાયેલી મળી આવે અને હાથ હેઠા પડે એવી દશા વચ્ચે જીવતા ડેનની આ વાત એના જેટલી જ સંવેદનાથી સમજવી પડે.

અત્યંત શાંતિ અને ધીરજથી જોવી પડે એવી આ ફિલ્મમાં કશુંક એવું તત્વ છે જે તમને પણ શિઉલી અને ડેન સાથે જોડી દે. હમણાં જ નેટફ્લિક્સ પર ભૂલથી નજરે પડી ‘જુડવા-૨’. એ ફિલ્મ જો કોઇએ પણ જોઇ હોય તો તેમને તરત જ આજની આ ‘ ઓક્ટોબર’ ફિલ્મમાં વરૂણ ધવનના અભિનયમાં આભ-જમીનનું અંતર પરખાઇ આવશે. એનો અર્થ એ પણ ખરો કે અભિનેતામાં અભિનય કૌશલ્ય હોય તો એને નિવડેલા દિગ્દર્શક અનોખા અંદાજમાં સફળતાથી રજૂ કરી જ શકે છે. નાની નાની વાતે અકળાઇ ઊઠતો ડેન જ્યારે અપાર સમજણથી પરિસ્થિતિને ટેકલ કરવા મથતો જોઇએ ત્યારે પ્રેમ વ્યક્ત ન થયો હોય તેમ છતાં વ્યક્તિને વ્યક્તિ સાથે દિલ અને દિમાગથી સાંકળી લે એવી લાગણીઓ વિશે સમજાય અને એ સમજાવવામાં વરૂણનો જેટલો ફાળો છે એટલો જ દિગ્દર્શક શૂજિત સરકારનો પણ કહી શકાય. ફિલ્મની ટેગ લાઇન છે “ it’s not a love story but it is a story of love”. સાચે જ અત્યંત સુંદરતા અને સાહજિકતાથી આ ટેગ લાઇન આખી ફિલ્મમાં દર્શાવાઇ છે.

સમય અને સંજોગોની પરવા કર્યા વગર જે રીતે ડેન શિઉલીને સાચવી રહ્યો છે એને જ પ્રેમ કહીશું ? નિશ્ચેટ શિઉલી પાસે ગમતા પારિજાતના ફૂલો મુકવા,  કદાચ ક્યારેય પોતાના તરફ સભાનતા નહી અનુભવે એવી શિઉલીની બ્યૂટી ટ્રીટમેન્ટ કરાવવી, શિઉલી સમજે કે ના સમજે- અનુભવે કે ના અનુભવે એને કુદરતના સાનિધ્ય વચ્ચે લાવીને મુકવી, આવી નાની નાની બાબત જે રીતે દર્શાવવામાં આવી છે એમાં જે સંવેદના અનુભવાય છે એવી તો આજ સુધીમાં સાંભળેલા પ્રેમારાગ આલાપતા ગીતોમાં પણ નથી અનુભવાઇ. ઘણું ઓછું બોલીને પણ ઘણું બધું વ્યક્ત કરી જતા વરૂણ ધવનને આજે અહીં સાવ જ અલગ અંદાજમાં જોવો ગમશે.

સંવાદોના સપાટા વગર પણ ભાવનાઓ વ્યક્ત થઈ જ શકે છે એ તો આ ફિલ્મ જોઇએ તો સમજાય. વેદના- સંવેદનાઓને ઢોલ-નગારાની દાંડીએ કે લાઉડ મ્યુઝિક વગર પણ વ્યકત કરી જ શકાય એવું અહીં શૂજિત સરકારના દિગ્દર્શન અને જુહી ચતુર્વેદીની લેખિનીની કમાલે સમજાવી દીધું છે. ફિલ્મ આગળ વધતી જાય એમ સમયની સાથે સંજોગો તો બદલાતા જ જાય પણ એની સાથે પાત્રોની માનસિકતામાં પણ કેટલી હદે બદલાવ આવે એ અહીં અનુભવાય છે.  સિરીયલમાં આવતા લિપ ઇયરના બદલે સમયના ચક્રને દર્શાવવાની પણ અહીં અનોખી રીત છે. બદલાતી મોસમ, વહેતા કાળને દર્શાવવા પણ અહીં અલગ સ્પર્શ આપ્યો છે.

હોટલમાં જેમ ચેક ઇન ચેક આઉટના સમય નિશ્ચિત હોય એટલા જ હોસ્પિટલના ચેક ઇન ચેક આઉટ સમય  અનિશ્ચિત હોય. ફિલ્મમાં ફાઇવ સ્ટાર હોટલનું જેટલું બોલકું વાતાવરણ છે એટલું જ હોસ્પિટલનું  ગમગીન વાતાવરણ પણ  છે. અહીં આવનાર પ્રત્યેક વ્યક્તિ આવ્યા છે એવા જ નિર્વિઘ્ને કે સાંગોપાંગ પાછા જઈ શકવાના છે એવી કોઇ ખાતરી ન હોવા છતાં સતત પ્રયત્નશીલ રહેવા માટે લેખકે સરસ વાત કહી છે. લેખક કહે છે કે “ જીવનમાં ક્યાં બધા કામની કોઇ ગેરંટી હોય છે અને તેમ છતાં આપણે કામ તો કરીએ જ છીએને?” સફળતા મળશે જ એવી કોઇ નિશ્ચિતતા ન હોવા છતાં જ્યારે ડોક્ટર કહે કે “શરીર ભલે ઘવાયું હોય પણ આત્મા તો સતત જાગે છે ને? એ ભલે તમને ન ઓળખે પણ તમે તો એને ઓળખો છો ને?”  સતત ગંભીર વાતાવરણમાં પણ આશાની ઉજળી કિરણ જેવી આ વાત આપણા મન પર રાહતનો મલમ લગાવતો હોય એવું લાગે.

ફિલ્મમાં ઘણી બધી વાર દિગ્દર્શેકે ઘણું બધું વિસ્તારપૂર્વક દર્શાવ્યું છે. જેમકે હોટલની ટ્રેઇનિંગ, હોસ્પિટલમાં ઓપરેશન પહેલાની પ્રોસિજર. ઘણી બધી વાર એવું પણ બને કે ક્યાંય કોઇ કશું જ ના બોલે, ના કોઇ ઢેન…ટેણેન જેવું મ્યુઝિક આવે અને તેમ છતાં ફિલ્મ તો નિતાંત શાંતિથી આગળ વધતી જ જાય. આ આગળ વધતી ફિલ્મને આપણે પણ અત્યંત શાંતિ અને ધીરજપૂર્વક  જોયે રાખવાની છે. જો આ શાંતિ કે ધીરજ ન હોય તો ફિલ્મ જોવા જવાનો વિચાર જ માંડી વાળવાનો કારણકે અહીં નથી કોઇ ઝાકમઝોળ, નથી ગીત-સંગીતની છોળ કે નથી કોઇ કોમેડી પણ હા, ક્યાંક લાઇટર સાઇડ પણ ખુબીથી વણાઇ તો છે જ જે આપણે પકડવાની છે.

ફિલ્મનું બીજુ સબળ પાસુ છે બનિતા સંધુ અને ગીતાંજલી રાવ. પહેલી નજરે જ સંમોહિત કરી દે તેવી મોટી ભાવવાહી આંખો અને એ જ ભાવવાહી આંખોમાં છવાયેલો સૂનકારને બનિતાનું અભિનય વ્યક્ત કરવાનું સબળ અંગ કહી શકાય. નિર્જીવ લાગતી આંખોથી એ જ્યારે ડેન સામે મીટ માંડે ત્યારે એમાં પણ ડેનને કશુંક કહી જતી હોય એવું લાગે. બંગાળીમાં શિઉલી એટલે પારિજાત. પારિજાતનું ફૂલ કોઇ જાતના ફળ આપ્યા વગર જ રાતે ખીલીને સવાર પહેલા જ ખરી જાય છે એવી જ રીતે અહીં શિઉલી એટલે કે બનિતા સંધુ પણ જીવનમાં ક્યાંય પહોંચ્યા પહેલા જ સ્થગિત થઈ જાય છે. તેમ છતાં પારિજાતના ફૂલ જેવી નજાકત અહીં એ છોડી જાય છે. ખરી પડ્યા છે તેમ છતાં ય એને ચગદી દેવાનો વિચાર સુદ્ધા ન આવે એવી રીતે પથરાયેલા પારિજાતના ફૂલની જેમ બનિતા ફિલ્મમાં પથરાઇ જાય છે. કપડા ઉતાર્યા વગર પણ પ્રેક્ષકોના મન સુધી પહોંચી જવાય છે એ સાબિત કરી દીધું છે. માત્ર તિરછી નજરથી ડેનને જોતી શિઉલીની આંખો જ એના મનની વાત વ્યક્ત કરી જાય છે. ડેન તરફનો અવ્યક્ત પ્રેમ અહીં જુદી રીતે વ્યક્ત થાય છે. ડેનની ગેરહાજરી એ કેવી રીતે અનુભવે છે એ અહીં એને  આવતા સિઝર્સ કે સ્ટ્રોકસ દ્વારા દર્શાવવમાં આવ્યા છે. ક્યાંક ઊંડે ઊંડે હ્રદયમાં ધરબાયેલી લાગણીઓનો વિસ્ફોટ કેવો હોઇ શકે એ શિઉલીને જોઇને સમજાય.

એવી જ રીતે ગીતાંજલી રાવ એટલે કે શિઉલીની મા, ફૂલ જેવી દિકરીની પત્થર જેવી જડ હાલત થઈ જાય ત્યારે એ મા પર શું વિતે? જીવનમાં કારમો આઘાત સહીને પણ જ્યારે આગળ વધવું જ પડે ત્યારે  લોકો કેવી રીતે સ્વસ્થતા મેળવી લેતા હશે એ ગીતાંજલી રાવને જોઇને સમજાય. વેદનાને એક કોરે મુકીને વાસ્તવિકતા સ્વીકારી લેવાની સજ્જતા તો કેળવવી જ પડે એ આ પ્રોફેસર માતાએ સમજાવી દીધું છે.

ફિલ્મમાં થોડું લડતા અને છતાંય સતત સાથ આપતા, થોડું વાંકુ પડીને પણ વળી સંબંધો સાચવતા મિત્રો છે.

‘મદ્રાસ કેફે’ , ‘વિકી ડોનર’ ‘પીકુ’ જેવી ફિલ્મો  દિગ્દર્શક શૂજિત સરકારે આપેલી છે પરંતુ આ ફિલ્મ અગાઉની તમામ ફિલ્મોથી હટકે છે જેને માત્ર જોવી જ નહીં માણવી રહી. હોટલ અને હોસ્પિટલના વાતાવરણ ઉપરાંત  દિલ્હી અને હિમાચલ પ્રદેશના નયનરમ્ય વાતાવરણમાં ફિલ્માંકન થયેલી આ ફિલ્મ મારધાડથી થાકેલા અને કંઇક સુંદર- હ્રદયસ્પર્શી જોવાની અપેક્ષા ધરાવતા ચોક્કસ વર્ગ માટેની છે. ફરી એક વાત અત્યંત ધીરજ અને સંવેદના હોય તો જ આ ફિલ્મ જોવી અને બીજી એક વાત અત્યંત ધીરજ અને સંવદના જેનામાં છે એમણે તો આ ફિલ્મ જોવી જ.

 

કલાકારો- વરૂણ ધવન, બનિતા સંધુ, ગીતાંજલી રાવ, સાહિલ વેડોલિયા

નિર્માતા- શીલ કુમાર, રોની લહેરી

નિર્દેશક – શૂજિત સરકાર

સંગીત- શાંતનુ મૌઇત્રા

 

 

 

 

 

Entry filed under: ફિલ્મ રિવ્યુ.

પત્રાવળી-૧૭ પત્રાવળી- ૧૮- ( વાચક-મિત્રો )

5 Comments

 • 1. Devika Dhruva  |  April 20, 2018 at 6:25 pm

  Very nice view. Well said.

  Liked by 1 person

 • 2. pravinshastri  |  April 20, 2018 at 9:48 pm

  આપ તો જાણો છો કે હું ફિલ્મ જોતો નથી. પણ રિવ્યુ જરૂર વાંચું છુ. પ્લોટ અને વીકિમાં માહિતી વાંચતો રહું છું. જ્યારે ત્મારો રિવ્યું વાંચું છું ત્યારે ફિલ્મ જોઈ લીધી હોય એવો સંતોષ થઈ જાય છે.બાકીનું કામ યુ ટ્યૂબ પરનું ટ્રેઇલર કરી દે છે.
  જેઓ ફિલ્મો જોતા હોય એવા મારા બ્લોગના મિત્રો માટે આપનો રિવ્યુ રિબ્લોગ કરું છું.

  Liked by 1 person

 • 3. pravinshastri  |  April 20, 2018 at 9:51 pm

  Reblogged this on પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો and commented:
  મિત્રો, આપ તો જાણો છો કે હું ફિલ્મ જોતો નથી. પણ રિવ્યુ જરૂર વાંચું છુ. પ્લોટ અને વીકિમાં માહિતી વાંચતો રહું છું. જ્યારે રાજુલબેનનો રિવ્યું વાંચું છું ત્યારે ફિલ્મ જોઈ લીધી હોય એવો સંતોષ થઈ જાય છે.બાકીનું કામ યુ ટ્યૂબ પરનું ટ્રેઇલર કરી દે છે.
  જેઓ ફિલ્મો જોતા હોય એવા મારા બ્લોગના મિત્રો માટે આ રિવ્યુ રિબ્લોગ કરું છું.

  Like

 • 4. મનસુખલાલ ગાંધી  |  April 21, 2018 at 7:12 am

  સરસ રીવ્યુ લખ્યો છે.

  Liked by 1 person

 • 5. Vimala Gohil  |  April 21, 2018 at 3:52 pm

  આભાર શાસ્ત્રી સાહેબ.

  Like


Blog Stats

 • 119,013 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

April 2018
M T W T F S S
« Mar   May »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: