બેગમ જાન – Film Review.

એપ્રિલ 17, 2017 at 11:26 પી એમ(pm) 8 comments

સન ૧૯૪૭માં લોર્ડ માઉન્ટબેટનના એક ફરમાને એક મુલ્કને બે ભાગલામાં વહેંચી દીધું. હિન્દુસ્તાન- પાકિસ્તાનના ભાગલા માત્ર સરહદી દ્રષ્ટીએ જ થયા એને ભૌગોલિક પરિસ્થિતિ કહેવાય પરંતુ આ સાથે કેટ-કેટલાય પરિવારો નંદવાયા કેટલો જીવ-સંહાર થયો એ પણ કદાચ આજ સુધીના વર્તારામાં અંશતઃ જાણી શકાયું હશે પરંતુ ભાવનાત્મક હિંસા કેટલી થઈ હશે એ તો કોણે જાણ્યું?  સરહદની સીમારેખાની બંને બાજુ વહેંચાઇ ગયેલા માટે અંતે તો એક સ્થાન નિશ્ચિત થઇ ગયું અને મને-કમને એનો સ્વીકાર કર્યે છુટકો થયો પરંતુ એક મકાન એવું હતું જેની વચ્ચેથી આ સરહદી લકીર પસાર થતી હતી અને એ હતો બેગમ જાનનો કોઠો જે એના માટે તો એનું ઘર, એનો મહેલ જ હતું અને એ એના આ ઘરના-મહેલના ભાગલા મંજૂર નથી કરતી . જેમ કોઇ પોતાના વતન માટે લડવા તૈયાર થઈ જાય એમ એ એના આ ઘરને બચાવવા લડત સુધી ઉતરી આવે છે. આજ સુધી પુરુષોને સજદા ભરતી રૂપલલનાઓ પોતાના આ ઘર- મહેલને ભાગલામાં વહેંચાતુ અટકાવવા રણચંડી બનીને ખુવાર થઈ જવા સુધીની તાકાત બતાવે છે.

ભારત-પાકિસ્તાનના ભાગલા મુદ્દે બનેલી કોઇપણ ઘટના અત્યંત વેદનાપૂર્ણ જ રહી છે. “ બેગમ જાન’ ફિલ્મની કથા પણ એટલી જ વ્યથા લઈને રજૂ થઈ છે. શરીરનો સોદો કરતી સ્ત્રીઓ સંવેદનાથી પર હોય એવી સર્વ સામાન્ય માન્યતા રહી છે જ્યારે અહીં આવી રૂપલલનાઓની સંવેદના પ્રેક્ષકોને સ્પર્શી જાય છે. કોઇ કોઠા પર પોતાની મરજીથી નથી આવતી પરંતુ જ્યારે ક્યાંય કોઇ આશરો ન રહે ત્યારે આ કોઠો એનો આશ્રયદાતા બની જાય તો એની સાથે જે લાગણીઓના તાર જોડાઇ જાય. જ્યારે આ લાગણીને ઝંઝોડતી ક્ષણો આવે ત્યારે એમાંથી  જે સૂર ઉઠે એ સૂરની આ કથા છે જે વિદ્યા બાલનના ધારદાર સંવાદોમાં રજૂ થઇ છે. જેને સમાજે નથી સ્વીકારી એવી આ રૂપલલના સમાજ કે સરકારનો નિર્ણય શા માટે સ્વીકારે ? જે ભાગલા અને આઝાદીની વાતો સરકારી ઓફિસર કરે છે તેની વાતને એક ઝાટકે વાઢી નાખતી બેગમ જાન કહે છે, “ તવાયફ માટે આઝાદી શું? લાઇટ બંધ થાય એટલે બધુ એક સમાન.” સુફીયાણી અને સોજ્જી સોજી વાતો કરતા સમાજને એક સવાલ કરે છે “આ કરોડોની દુનિયામાં છે કોઇ એવો મર્દ જે બેગમ જાનના કોઠાની એક પણ છોકરી સાથે ફેરા ફરીને એને અહીંથી આઝાદી અપાવે ?”

આ માત્ર હિન્દુસ્તાન- પાકિસ્તાનના ભાગલાની જ માત્ર ફિલ્મ નથી પરંતુ સમાજ અને સમાજના દંભી ઉપરછલ્લા દેખાવો પર સીધો ઘા કરતી ફિલ્મ છે.

વિદ્યા બાલન હંમેશા તેના બોલ્ડ તો ક્યારેક સંવેદનશીલ અભિનયથી ફિલ્મના પરદા છવાયેલી રહી છે.  “ બેગમ જાન” ફિલ્મની તો એ જાન છે. વિદ્યા બાલનનો અભિનય, એના બુલંદ અવાજના તીખા સંવાદોની રમઝટની સાથે પલટાતા ચહેરા પરના ભાવ-પલટા સમગ્ર ફિલ્મ અને પ્રેક્ષકોના મન પર છવાઇ જાય છે. અહીં દરેકની પોત-પોતાની વાત છે. અહીં એકબીજા સાથે લાગણીના તારે બંધાયેલા છે પછી ભલેને એ કોઇપણ પ્રાંતની હોય કે એમની રક્ષા કરતો સલીમ હોય.

અનેક પાત્રોની આ કથામાં ગૌહર ખાન, પલ્લવી શારદા, ઇલા અરૂણની જેમ નસીરૂદ્દિન શાહ પણ છે જે બેગમ જાનની જાન છે. તો બેગમ જાનના કોઠાને સામ-દામ-દંડથી તોડાવવા તૈયાર ઓફિસરની ભૂમિકામાં રજત કપૂર અને આશિષ વિદ્યાર્થી પણ છે જે પોતાની ફરજ તો નિભાવી જાણે છે પરંતુ તેના અસહ્ય અંજામને સ્વીકારી શકતા નથી . એ પણ સમજે છે કે એ લોકો તો સમયનો તકાજો સમજીને પોતાની ફરજ નિભાવે એવા એ માત્ર પ્યાદા છે અને એ કડવી વાસ્તવિકતા પણ જાણે છે કે પ્યાદાનું નામ તો ક્યાંય ઇતિહાસમાં લખાવાનું નથી જ અને ત્યારે તેમને અનુભવાતુ દુઃખ સહ્રદયી પ્રેક્ષક પણ સમજી શકે છે. કોઇ એંગલથી ન ઓળખાતો ચંકી પાંડે નાની પણ મહત્વની ભૂમિકામાં દેખા દે છે.

ફિલ્મમાં રજૂ થતી કડવાશ, ક્રૂરતા તે સમયના સંજોગોની સંખ્યાબંધ કતલનો આંશિક ચિતાર પણ છે. ફિલ્મની કથા સાથે ઇલા અરૂણના શબ્દોમાં સમાંતર કહેવાતી મીરા, રઝિયા સુલતાન અને  રાણી પદ્માવતીની પ્રતિકાત્મક વાત પણ કથાના ભાવિ ચિતારનો ઘણો નિર્દેશ કરી જાય છે.

“ ધ ડર્ટી પિક્ચર’ ફિલ્મમાં વિદ્યા કહે છે ફિલ્મ તીન ચીજ સે ચલતી હૈ.. એન્ટર્ટેઇનમેન્ટ એન્ટર્ટેઇનમેન્ટ એન્ટર્ટેઇનમેન્ટ અને મેં એન્ટર્ટેઇનમેન્ટ હું’ …પરંતુ એ સિવાયની અનેક ફિલ્મોની જેમ વિદ્યા બાલને અહીં સ્થાપિત કરી દીધું છે કે વિદ્યા એ એન્ટર્ટેઇનમેન્ટ નહીં અભિનયની ઓળખ છે.

રાજકહિની પર આધારિત આ ફિલ્મના લેખક- દિગદર્શક શ્રીજીત મુખર્જીએ ફિલ્મમાં વહેતી સંવેદના જાળવી રાખી છે. ફિલ્મના ગીતોનો અલગ અંદાજ છે પરંતુ ફિલ્મના અંતે બેકગ્રાઉન્ડમાં મુકાયેલું “ યે સુબહા હમી સે આયેગી” ગીત ભાગલાના ચિતારની અસરને વધુ દર્દનાક બનાવે છે.

કલાકારો- વિદ્યા બાલન, પલ્લવી શારદા, ગૌહર ખાન, ચંકી પાંડે, પિતોબાષ,આશિષ વિદ્યાર્થી, રજત કપૂર, ઇલા અરૂણ, નસીરૂદ્દિન શાહ,

નિર્માતા-મુકેશ ભટ્ટ, વિશેષ ભટ્ટ

નિર્દેશક- શ્રીજીત મુખર્જી

સંગીત- અનુ મલિક , કૌસર મુનિર

ફિલ્મ ***૧/૨ એક્ટીંગ***૧/૨  સંગીત**સ્ટોરી***

 

 
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

Advertisements

Entry filed under: - film reviews -.

મનની મોસમમાં પમરતા શ્રી પન્નાબેન નાયક Noor (film review)

8 ટિપ્પણીઓ

 • 1. Devika Dhruva  |  એપ્રિલ 18, 2017 પર 12:33 એ એમ (am)

  Very nice write-up,as always….

 • 2. Pravin Shastri  |  એપ્રિલ 18, 2017 પર 2:22 એ એમ (am)

  રાજુલબહેન હું તો ફિલ્મ આપના રિવ્યુ દ્વારા જ માણી લઉં છું. આપના રિવ્યુ હમેશાં ખૂબ જ બેલેન્સ હોય છે.

 • 3. મનસુખલાલ ગાંધી  |  એપ્રિલ 18, 2017 પર 3:43 એ એમ (am)

  બહુ સરસ રીતે ફીલમને મુલવી છે. હવે તો જોવા જવા સિવાય આરોજ નથી….!!!

 • 4. Rajul Kaushik  |  એપ્રિલ 18, 2017 પર 5:33 પી એમ(pm)

  Thanks Devikaben

 • 5. Rajul Kaushik  |  એપ્રિલ 18, 2017 પર 5:34 પી એમ(pm)

  Thanks Pravinbhai for appreciation.

 • 6. Rajul Kaushik  |  એપ્રિલ 18, 2017 પર 5:35 પી એમ(pm)

  આપને ગમે તો જરૂર જણાવજો.

 • 7. chaman  |  એપ્રિલ 19, 2017 પર 3:32 પી એમ(pm)

  આજે પ્રથમવાર તમારા લખાણને આ એન્જીનીઅરની આંખે વંચાયું! શું રજુઆત કરી છે! શું શબ્દોની ગોઠવણ કરીને વાંચકને પકડી રાખી આ મુવી જોવા માટેની ખણ મગજમાં શરુ કરી છે! એ ખણને હાથથી તો ન ખણી શકાય, પણ આંખોથી જ એ શક્ય બને!
  મને મારામારી કે ડાન્સમાં શરીરોના આકર્ષક અંગોની હલણ-ચલન આકર્ષી શકતી નથી, પણ, આપનું આ લખાણ જરુંર આ મુવી જોવા માટે આકર્ષી જાય છે!
  આ ટપાલ એક નજીકના મિત્ર દ્વારા આજે તો મળી. પણ, ભાવીમાં મને આપ જ મોકલો એવી વિનંતી છે. ‘વેબ વર્લ્ડ’પર તમારા ફોટાથી તમારી પરખ હતી અને આજે આ લેખથી એ હવે મજ્બૂત બની રહેશે!
  આ લેખમાટે તમને મારા ખૂબ ખૂબ અભિનંદન.
  કુશળ હશો.
  ‘ચમન’

 • 8. Rajul Kaushik  |  એપ્રિલ 19, 2017 પર 6:30 પી એમ(pm)

  મુરબ્બીશ્રી,

  આપ જેવાને ફિલ્મો આકર્ષી ન શકે કે આપ ફિલ્મો જોવામાં રસ ન ધરાવો એ એકદમ સમજાય એવી વાત છે અને ફિલ્મો પણ દરેક વખતે મનને સ્પર્શે એવી ક્યાં હોય છે? મોટાભાગે આપ કહો છો એમ મારામારી કે ડાન્સ કે જેમાં નૃત્ય કરતાં અંગ-પ્રદર્શન જ વધુ હોય છે . અખબાર માટે ફિલ્મ રિવ્યુ આપવાની મારી જવાબદારી હું સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવવા પ્રયત્ન કરતી રહું છું. પરંતુ એવું મોટાભાગે બને છે કે દરેક ફિલ્મો મારા મનને પણ સ્પર્શતી નથી એટલે એને હું મારા બ્લોગ પર નથી મુકતી પણ હવે હું આપને સીધી ટપાલ મળે એવી તકેદારી રાખીશ. આપના શબ્દો મારા માટે ઘણું ઊંચુ મૂલ્ય ધરાવે છે અને પ્રોત્સાહન આપે છે.
  ફિલ્મોને ટેકનિકલ સંદર્ભથી પણ જોવી જોઇએ પરંતુ ક્યારેક એવું બને કે આવા ટેકનિકલ પાસા કરતાં એના પાત્રોની સંવેદના આપણને વધુ સ્પર્શી જાય છે. કદાચ બની શકે કે હું
  દિમાગ કરતાં દિલથી વધુ વિચારતી હોઇશ. મને તો એવું જ અનુકૂળ આવે છે.


Blog Stats

 • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

એપ્રિલ 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: