ફેબ્રુવારી 21, 2016 at 5:41 પી એમ(pm) 7 comments

Neerja

“જીંદગી બડી હોની ચાહીએ લંબી નહીં બાબુમોશા….ય” રાજેશ ખન્નાની ફેન નીરજાનો આ હંમેશનો અને મોસ્ટ ફેવરીટ ડાયલોગ…હસતા રમતા બોલાયેલો આ ડાયલોગ ક્યાંક વિધાતાના કાને પડ્યો હશે અને કદાચ એ સમયે જ વિધાતાએ એને આશીર્વાદ આપી દીધા હશે …..‘તથાસ્તુ’…. વિધિના લખેલા ક્યારેય નિષ્ફળ જતા નથી એવું આજ સુધી સાંભળતા આવ્યા છીએ. નીરજાની બાબતે પણ આ લેખ હકિકત સાબિત થયા.નીરજા એની નાનકડી પણ અત્યંત મહત્વની ઉંમર જીવી ગઈ.

હરીશ અને રમાને બે પુત્ર હોવા છતાં દિકરીની અપેક્ષા હતી અને એમના પરિવારમાં નીરજાનું આગમન થયું. ઘરમાં સૌની લાડકી દિકરી સૌની લાડો બની પરંતુ લગ્ન કરીને એના પતિએ એને ક્યારેય પ્યારી લાડી તરીકે સ્વીકારી નહીં. માનસિક ત્રાસના લીધે પતિથી છુટી પડેલી નીરજાએ લગ્ન જીવનના ભંગાણ પછી હાર માનવાના બદલે  જીવન જીવવાના પોતાની રીતે રસ્તા શોધી લીધા અને એ સમયે પેન એમ એરવૅયઝે ભારત માટેની ફ્લાઇટમાં અમેરિકન સાથે ભારતીય ક્રુ મેમ્બર લેવાનું શરૂ કર્યુ એમાં નીરજા સિલેક્ટ થઈ અને જોડાઇ ગઈ.

૧૯૮૬ની પાંચમી સપ્ટેમ્બરે  મુંબઈથી ન્યુયોર્ક વાયા કરાંચી ફ્રેંકફર્ટ જતી પેન એમની ફ્લાઇટમાં નીરજા સિનિયર ફ્લાઇટ પર્સર તરીકે ઉડી રહી હતી ત્યારે એની ઉંમર હતી માત્ર ત્રેવીસ વર્ષ ૩૬૩ દિવસ. અમેરિકાએ આરબ ત્રાસવાદી જુથ સામે જે કડક પગલા લીધા હતા એના પ્રત્યાઘાત રૂપે કરાંચી ઉતરેલી આ ફ્લાઇટને અબુ નિદાલ જૂથના ચાર હાઇજેકરે બાનમાં લીધી. મૂળ અમેરિકનોને બાનમાં લઈ ફ્લાઇટ સાયપ્રસ લઈ જવા ઇચ્છ્તા હતા પરંતુ કોકપીટમાંથી ત્રણે પાયલોટ વિન્ડોમાંથી દોરડા લટકાવીને ભાગી છુટ્યા હોવાથી બીજા પાયલટની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ફ્લાઇટ કરાંચી એરપોર્ટ પર સ્થગિત થઈ ગઈ અને ધીરજ ખુટતા હાઇજેકરોએ તે પછીના  કલાકોમાં પેન એમની ફ્લાઇટમાં જે આતંક મચાવ્યો અને એની સામે આ નાજુક નમણી નીરજાએ પેસેન્જરને બચાવવા શહાદત વ્હોરી લીધી એ સત્ય ઘટનાની રૂપેરી પરદે રજૂઆત એટલે અતુલ કેરબેકર નિર્મિત  રામ માધવાની નિર્દેશિત અને સોનમ કપૂર અભિનિત ફિલ્મ “ નીરજા”

ફિલ્મની શરૂઆત જ એક માહોલ બાંધી લે છે. એક બાજુ મુંબઈના અત્યંત મધ્યવર્ગી પરિવારોની સોસાયટીમાં સમી સાંજે એકઠા થયેલા પરિવારોમાં મોજ મસ્તીનો માહોલ અને તે સમયે કરાંચીમાં તૈયાર થતો મોતનો સામાન. બે વિરોધાભાસી વાતાવરણ શરૂઆતથી જ ખોફનો ભાર સર્જી દે છે. રામ માધવાનીએ  પ્રેક્ષકો પર ફિલ્મની શરૂઆતથી જ પકડ જમાવી છે. એકાદ ક્ષણ તો આ ફ્લાઇટમાં આપણે હોઇએ તો ? એવો ભય મન પર છવાઇ જાય તો નવાઇ નહીં. જે ઘટના ઘટી ચૂકી છે એને તાદ્રશ્ય કરવાનું વધુ સચોટતા માંગી લે છે.

ફિલ્મની કથાને જે ચુસ્તીથી ન્યાય આપ્યો છે એ બાબતે રામ માધવાનીને પુરેપુરો યશ આપવો રહ્યો.  સવારે સાડા છ વાગ્યાથી લગભગ રાત સુધીમાં ખેલાયેલા આ મોતના તાંડવનો ચિતાર દિગ્દર્શકે બે કલાકમાં પ્રેક્ષકોને આપી દીધો છે. વર્તમાન સામે ઝઝૂમતી નીરજાની સાથે એના ભૂતકાળની યાદોને પણ એમણે વણી લીધી છે.

આ ફિલ્મનું સૌથી સબળ અને તેમ છતાં સૌથી સંવેદનશીલ પાત્ર નીરજા એટલે કે સોનમ કપૂર. નીરજાના પાત્ર માટે એકદમ યોગ્ય પસંદગી. સમી સાંજે એકઠા થયેલા પરિવારોમાં એની હાજરીથી રંગત લાવી દેતી નીરજા , પતિથી ત્રસ્ત અને તેમ છતાં પિતાએ શીખવાડ્યું હતું એમ એની સામે ઝાક ઝીલવા મથતી નીરજા, સિનિયર ફ્લાઇટ પર્સર તરીકે જીવનની અંતિમ ક્ષણો સુધી આતંકવાદી સામે બાખડતી અને પેસેન્જરો અને અન્ય એર હોસ્ટેસને પોતાની હાજરી માત્રથી સધિયારો આપવા મથતી નીરજાના કેટ કેટલા સ્વરૂપ એ આ બે કલાકમાં જીવી ગઈ છે. મા નો પ્રેમ, પિતાની શીખ અને પ્રેમી સાથે ગાળેલી થોડીક ક્ષણો નીરજા માટે આ ઝંઝાવાત સામે લડવાની તાકાત બનીને ઉભરે છે. એની આ સંવેદનાત્મક ક્ષણો પણ પ્રેક્ષકોને સ્પર્શી જાય છે.

ફિલ્મનું એક સૌથી મહત્વનું પાત્ર છે નીરજાની મા- રમાદેવી. જ્યાં આ પાત્રમાં શબાના આઝમી હોય ત્યાં કહેવા કે લખવા માટે કોઇ શબ્દોની જરૂર નથી રહેતી તેમ છતાં અહીં એનો ઉલ્લેખ કરવાનો લોભ જતો કરી શકાય તેમ નથી. સમગ્ર ફિલ્મમાં મા-દિકરી વચ્ચેની સીધી ક્ષણો ખુબ ઓછા સમય માટે પરદા પર દ્રશ્યમાન થાય છે પરંતુ એ ક્ષણો સમગ્ર ફિલ્મ દરમ્યાન ક્યાંક ને ક્યાંક અવાર-નવાર છલોછલ છલકાતી અનુભવાય છે. નીરજાની પતિગૃહેથી વાપસી પહેલા તો મા- રમાદેવી માટે અકળાવનારી બની રહે છે એ ક્ષણભર તો સામાન્ય સામાજિક ઢાંચો ધરાવનારી મા બનીને દિકરીને સમજાવવા પ્રયત્ન કરે છે પરંતુ દિકરી જે વેદના અનુભવીને પાછી આવી છે એની જાણ થતા એ ફરી એકવાર મમતાળુ મા બની જાય છે. આ મા દિકરીની એર હોસ્ટેસની નોકરી મા માટે પણ સતત ચિંતીત છે. નીરજાનું પ્લેન હાઇજેક થયું છે એ આઘાતજનક સમાચારને પચાવવા માંગતી અંદર અને અંતરથી તુટતી જતી અને તેમ છતાં બાહ્ય રીતે મનની ઢાઢસ બાંધી રાખતી , પતિ કે પુત્રને પણ  હિંમત આપતી રમાદેવીના હ્રદયની ભીનાશ અને વલવલાટ એના એક એક ડગલે અનુભવાય છે. દિકરી પાછી નથી જ આવી શકવાની એવું કોઇ સત્ય એને સ્વીકાર્ય નથી જ અને એટલે તો દિકરીએ બે દિવસ પછી આવતા એના જન્મદિન માટે માંગેલી બર્થ-ડૅ ગિફ્ટ પણ એ લઈ રાખે છે. શું કરવું એ ન સૂઝવા છતાં એ મનને રોકી રાખવાના અર્થહીન આયાસો કરે છે એમાં પણ એક મા ની તકલીફ આપણે જોઇ શકીએ છીએ. અંતે જે સત્ય છે એ સ્વીકારવાની ઘડી આવે છે ત્યારે નીરજાની ઇચ્છા મુજબ એ આંખમાં આંસુ ના આવે એવી તકેદારી અને ઝીંદાદિલીથી એ સત્યને સ્વીકારે છે. અંતે જ્યારે નીરજાને પરમવીર ચક્ર એનાયત થાય છે એ ક્ષણ અને તે પહેલા નીરજા માટે રમાદેવીએ આપેલી સ્પીચ તો આ આખી ફિલ્મનું હાર્દ છે. ભાગ્યેજ કોઇ સંવેદનશીલ પ્રેક્ષક હશે કે જેને શબાનાના ચહેરા પર સ્પષ્ટ દેખાતો ડૂમો કે  લીંપાયેલી વેદના સ્પર્શ્યા વગર રહી શકશે. ગ્લેમરનો ઝાઝો ભાર રાખ્યા વગર સામાન્ય મધ્યવર્ગી કુટુંબની રહેણી કરણી-પહેરવેશ આ બધું જ આપણામાંથી કોઇનું પણ હોઇ શકે એટલું સાહજિક લાગે છે.

નીરજાના પિતા હરીશ ભનોટ એટલે યોગેન્દ્ર ટીક્કુનો અભિનય અત્યંત સંયમીત અને તેમ છતાં અત્યંત સચોટ રહ્યો છે. દિકરી તકલીફમાં હોય ત્યારે બાહ્ય રીતે નાના પણ સચોટ વાક્યોથી નીરજાને મક્કમ બનવાની પ્રેરણા આપતા પિતા હ્રદયથી કેટલા મૃદુ હોઇ શકે એનું તાદ્રશ્ય ચિત્ર છે હરીશ ભનોટ.

નીરજાના પ્રેમીના પાત્રમાં શેખર રવજીયાનીના ફાળે ખુબ ઓછી પળો આવી છે પણ પ્રિયતમાનો સાથ કેટલો મનભાવન હોઇ શકે અને વિદાય કેટલી વસમી એ શેખરે ખુબ ઓછું બોલીને પણ સરસ રીતે વ્યકત કરી છે.

પેન એમની ફ્લાઇટને બાનમાં લેતા ચારે આતંકવાદીનું શરૂઆતમાં દેખાતું ઝનૂન અને કશું હાથવગુ થઈ શકે એમ નથી એવી નિષ્ફળતાનો એહસાસ એમનામાં જ જે અરાજકતા ફેલાવે છે એનું ચિત્રણ પણ આબેહૂબ જોઇ શકાય છે. અબરાર ઝહૂર , અલી બાલદીવાલા અને જીમ સરભ અહીં ખરા ઉતર્યા છે.

બે કલાક અને બે મિનીટ ચાલતી મધ્યાંતર વગરની આ ફિલ્મમાં પ્રસૂન જોષીના ગીતો એવી રીતે વણી લેવામાં આવ્યા છે કે એનાથી વાર્તાનો તંતુ ક્યાંય તુટતો નથી કે ક્યાંય પાતળો પડતો નથી.

કરોડોની લેતી-દેતી કરતી ફિલ્મના બદલે આવી સત્ય ઘટના પર આધારિત આટલી સબળ ફિલ્મ આપવા બદલ રામ માધવાની, સોનમ કપૂર અને શબાના આઝમીને ધન્યવાદ.

કલાકારો- સોનમ કપૂર, શબાના આઝમી, શેખર રવજીયાની,યોગેન્દ્ર ટીક્કુ , અબરાર ઝહૂર, અલી બાલદીવાલા,જીમ સરભ.

નિર્માતા- અતુલ કેરબેકર,

નિર્દેશક- રામ માધવાની,

સંગીત- વિશાલ ખુરાના,

ફિલ્મ ****૧/૨એક્ટીંગ ****૧/૨ મ્યુઝીક**** સ્ટોરી****

Advertisements

Entry filed under: ફિલ્મ રિવ્યુ.

ફિલ્મ રિવ્યુ-એરલિફ્ટ Film Review- Aligarh

7 ટિપ્પણીઓ

 • 1. dhufari  |  ફેબ્રુવારી 22, 2016 પર 6:32 એ એમ (am)

  રાજુલબેન
  આવી સરસ ફિલ્મનું અવલોકન વાંચી ફિલ્મ જોવી જ જોઇએ
  આભાર

 • 2. Rajul Kaushik  |  ફેબ્રુવારી 22, 2016 પર 9:34 પી એમ(pm)

  દરેકની પસંદગી પર આધાર છે મુરબ્બી. કેટલીક ઘટનાઓના સાક્ષી હોઇએ ત્યારે એ ઘટનાને સાવ ઉપરછલ્લી રીતે કે સાક્ષીભાવે જોઇ નથી શકાતી.

 • 3. નટવર મહેતા  |  ફેબ્રુવારી 23, 2016 પર 9:28 પી એમ(pm)

  બાયોપિક ફિલ્મ બનાવવી બહુ અઘરી છે. અને એ પણ રસપ્રદ બનવી જરુરી હોય ત્યારે એ કપરું બની જાય. બોલીવુડ/હીંદી સિનેમામાં મને મનગમતી બાયોપિક ફિલ્મ હોય તો એ છે ‘ભાગ મિલ્ખા ભાગ…’ અને દિગ્દદર્શક અને બેશક, ફરહાન અખ્તરે ઘણી મહેનત કરી મિલ્ખાસિંગને અભિભૂત કરવાનો પ્રયાસ કર્યો છે જે ખાસો સફળ રહ્યો અને દરેક એવાર્ડમાં એ છવાય ગઈ હતી.

  અન્ય બાયોપિક ફિલ્મ હતી જે મને અસર કરી ગઈ હતી એ હતી ‘ચક દે ઇન્ડિયા…’ શાહરૂખ ખાને ઉમદા અભિનય કર્યો હતો. (જો કે હવે વેડફાય રહ્યો છે…)

  ઉપરાંત હાલમાં આવેલ એર લિફ્ટ પણ સ-રસ બની છે. ફક્ત એમાં ગીતો વધારાના ઉમેરાયા હોય એમ લાગ્યા કરે છે. પણ અક્કીએ-નિમ્રતે શાનદાર-જાનદાર અભિનય કર્યો છે. અને પેલા ક્લાર્કનો અભિનય પણ બેમિસાલ.

  નીરજા જરૂર જોવાનો ઇરાદો છે. આપના રિવ્યુને કારણે પણ હવે જોવું જ રહ્યું.

 • 4. Rajul Kaushik  |  ફેબ્રુવારી 24, 2016 પર 2:45 એ એમ (am)

  આપની વાત સાચી છે. બાયોપિક ફિલ્મ બનાવવી અઘરી તો છે જ કારણકે આપોઆપ સત્ય સાથે સરખામણી થઈ જતી જ હોય છે. ભાગ મિલ્ખા ભાગ, ચક દે ઇન્ડિયા કે એરલિફ્ટ જેવી જ એક બીજી ફિલ્મ મેરીકૉમ. એ પણ એટલી જ સરસ ફિલ્મ છે. મારા માટે તો કોઇને પણ બોક્સીંગ કરતા જોવા કપરા છે. એટલે હું મેરીકૉમ નહી જ જોઉ એવું વિચાર્યું હતું પરંતુ અનાયાસે એ જોવાની થઈ પ્રિયંકા ચોપરા અને ફિલ્મ બંને ગમ્યા.
  અને જરાય જરૂરી નથી કે મને ગમ્યું એ સૌને ગમશે જ. પરંતુ આપ જો નીરજા જુવો તો આપનો અભિપ્રાય જરૂર જણાવજો.

 • 5. Rajul Kaushik  |  ફેબ્રુવારી 24, 2016 પર 2:46 એ એમ (am)

  આપની વાત સાચી છે. બાયોપિક ફિલ્મ બનાવવી અઘરી તો છે જ કારણકે આપોઆપ સત્ય સાથે સરખામણી થઈ જતી જ હોય છે. ભાગ મિલ્ખા ભાગ, ચક દે ઇન્ડિયા કે એરલિફ્ટ જેવી જ એક બીજી ફિલ્મ મેરીકૉમ. એ પણ એટલી જ સરસ ફિલ્મ છે. મારા માટે તો કોઇને પણ બોક્સીંગ કરતા જોવા કપરા છે. એટલે હું મેરીકૉમ નહી જ જોઉ એવું વિચાર્યું હતું પરંતુ અનાયાસે એ જોવાની થઈ પ્રિયંકા ચોપરા અને ફિલ્મ બંને ગમ્યા.
  અને જરાય જરૂરી નથી કે મને ગમ્યું એ સૌને ગમશે જ. પરંતુ આપ જો નીરજા જુવો તો આપનો અભિપ્રાય જરૂર જણાવજો.

 • 6. નટવર મહેતા  |  ફેબ્રુવારી 24, 2016 પર 3:16 એ એમ (am)

  જોબ પરથી ઘરે જતા અન્ય બાયોપિક ફિલ્મ વિશે વિચારતો હતો જે મને બહુ જ સ્પર્શી ગઈ હતી પણ જ્યારે કોમેન્ટ કરી ત્યારે એનું નામ મને સહેલાયથી યાદ ન આવ્યું! (ઉમરની અસર, અને વધુ પડતા કામની પણ ખરી…)

  તો એ ફિલ્મ છે… મારી માનીતી અને મારા પ્રિય કલાકાર ઇફરાન ખાનની.. ‘પાનસિંગ તોમર…’ બેમિસાલ… અભિનય. જાનદાર દિગ્દદર્શન..

  ‘ભાગ મિલ્ખા ભાગ….(૨૦૧૩)’ તો ‘પાનસિંગ તોમર…’ (૨૦૧૨) પછી આવી. તો ય પાનસિંગ તોમર ને વધારે માર્ક આપીશ. ઉપરાંત પાનસિંગની જિંદગીનો બીજો ભાગ ખરેખર દર્દનાક હતો. હેટ્સ ઓફ તોમર અને હેટ્સ ઓફ ઇરફાનખાન..

  મેરીકોમ પણ સારી હતી. તો ય ક્યાંક ક્યાંક ફિલ્મી બની ગઈ હતી..પણ એ જરૂરી પણ હતુ.

 • 7. Rajul Kaushik  |  ફેબ્રુવારી 24, 2016 પર 9:29 પી એમ(pm)

  યસ, આપની વાત સાચી. પાનસિંગ તોમર પણ સરસ ફિલ્મ હતી અને ઇરફાનખાન એ પાત્ર માટે એકદમ પર્ફેક્ટ ચોઇસ.


Blog Stats

 • 98,422 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   એપ્રિલ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: