ફિલ્મ રિવ્યુ-એરલિફ્ટ
January 24, 2016 at 10:15 pm 8 comments
ક્યારેક આપણે કેટલી વધી વાસ્તવિકતાઓથી અજાણ હોઇએ છીએ? એક કડવી વાસ્તવિકતા એ છે કે ક્રિકેટનો વાયરો ચોતરફ એવો વાયો છે અને લોકોની આંખો પણ એની ઝાકઝમાળથી અંજાઇ ગઈ છે. એક એક ચોગ્ગા કે છગ્ગા પર તાળીઓનો ગડગડાટ અને તારીફોના પુલ બંધાય. એક એક મેચ કે એક સિરીઝ જીતવા અને દેશનું નામ રોશન કરવા માટે ક્રિકેટરોને કરોડો મળે ત્યારે દેશ પર જાન ન્યોછાવર કરતા જવાનો તો ક્યાંય બેનામીની ગર્તામાં ધકેલાઇ જાય. જવાનો તો જાણે દેશ માટે મરી ફિટવા જ સર્જાયા ના હોય? અને ક્યારેક એવું પણ બને કે કોઇ એક આમ આદમી દેશ માટે લડતા જવાન જેવો જ જાબાંઝ નિકળે અને કલ્પના ન કરી હોય એવું કામ કરી જાય.અને તેની લોકોને જાણ સુધ્ધા ન થાય.
વાસ્તવિક પાત્ર રંજીત કટ્યાલ અને તેના વિશે આજ સુધી ભાગ્યેજ કોઇને જાણ હશે. ભારતિય મૂળ ધરાવતા કુવૈતના રહેવાસી આ અરબપતિએ ૧૯૯૦માં કુવૈતમાં ફસાયેલા ૧,૭૦૦૦૦ ભારતિયોને સદ્દામે આચરેલા હિંસાના તાંડવમાંથી આબાદ બચાવવા પ્રયાસ કર્યો હતો અને તે સમયના પ્રધાન મંત્રી વી.પી.સિંઘ, કોંગ્રેસી ગાંધી પરિવાર કે નટવરસિંહની મદદ નહીં પણ એર ઇન્ડીયાના સહયોગથી એ કઠીન કાર્ય સિધ્ધ કર્યું હતું. એ વાત પણ આજ સુધી કોણ જાણતું હતું?
પણ આજે નિખિલ અડવાણી, ભૂષણ કુમાર , વિક્રમ મલ્હોત્રા નિર્મિત રાજા ક્રિષ્ન મેનન નિર્દેશિત ફિલ્મ “ એરલિફ્ટ”ની રજૂઆતે આ ભૂલાઇ ગયેલી પરદા પાછળની હકિકત રૂપેરી પરદે ઉજાગર કરી છે. કુવૈત પર જેમ જેમ સદ્દામનો કબજો વધુ ને વધુ મજબૂત થતો ગયો એમ એમ ભારતિયો માટે કુવૈત છોડવા સિવાય કોઇ આરો બચ્યો નહીં ત્યારે રંજીત કટ્યાલે ભારતના વિદેશ ખાતાની સહાય માંગી. અને માત્ર બે જ મહિનામાં એર ઇન્ડીયાની લગભગ ૪૮૮ જેટલી વિમાની સેવાઓની સહાયથી એક લાખ દસ હઝાર ભારતિયોમાંથી એક લાખ સાત હઝાર જેટલા ભારતિયોને સહીસલામત સ્વદેશની ધરતી પર ઉતાર્યા હતા. દુનિયામાં ક્યારેય ન સાંભંળ્યુ હોય એને સંભવ કર્યું હતું.
ઘણી બધી અવાસ્તવિકતાને અવગણીને ફિલ્મને ફિલ્મની રીતે જોવાના બદલે એક અજાણ પરિસ્થિતિ અને તેનો સામનો કરવા માટે ખેડાયેલા સાહસને વધાવવા માટે જો જોવામાં આવે તો ખ્યાલ આવે કે એ સંજોગોમાં ભારતિયોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હશે ? ફિલ્મની શરૂઆતમાં ઇરાકી સૈન્ય જે રીતે કુવૈત પર ત્રાટકે છે અને બેરહેમીથી નિર્દોષ જીવોની કત્લેઆમ કરવા માંડે છે એ દ્રશ્ય જ કાળજું કંપાવનારુ છે તો વાસ્તવમાં એ પરિસ્થિતિમાં જે લોકો હશે તેમની તો અવદશા વિચારીએ તો પણ રૂંવાટા ઉભા થઈ જાય. એ સમયે પોતાની જાતને કુવૈતી માનતા ઉદ્યોગપતિનું હ્રદય એટલી હદે દ્રવી ઉઠે છે કે એક સુંવાળા ઇન્સાનમાંથી એક સાહસવીરનો જન્મ થાય છે. એક સચોટ સ્ટેટમેન્ટ રંજીતના હ્રદયમાંથી નિકળે છે. “ ઇન્સાન કિ ફિતરત હી ઐસી હૈ , જબ ચોટ લગતી હૈ તો મા મા હી ચિલ્લાતા હૈ” જીવન આખું પોતાની જાતને કુવૈતી માનતા હિન્દુસ્તાનીને જ્યાં જીવતા હતા એ ભૂમિને રાતોરાત ત્યજી દેવી પડે અને નક્કર ભાવિની જ્યાં ખાતરી ન હોય એવી માભોમ તરફ નજર દોડાવવી પડે ત્યારે કોઇની પણ માનસિક હાલત કેવી હોય? અને એવા સમયે અન્યનો વિચાર કરવો એ વાત સાચે જ પ્રશંસનિય છે.
પરંતુ આ પ્રસંશાને યોગ્ય બનાવવા માટે ફિલ્મ મેકરે કેટલીક બાબતો ઘ્યાન પર રાખી હોત તો આ ફિલ્મ સાચે જ રૂંવાટા ઉભા કરી દે તેવી થ્રીલર ફિલ્મ બની હોત. પરંતુ બોલીવુડ ફિલ્મ માધાંતાઓ પણ કેટલીક અવાસ્તવિક લાગે તેવો મસાલો ઉમેરવાનો લોભ છોડી શકતા નથી. એક તરફ માહોલ જામ્યો હોય ત્યાં ગીતો ગાવાનો વિચાર સુદ્ધા કોને આવે ? માત્ર બોલીવુડના હીરો અને હીરોઇનને સ્તો… આવી કાળજુ કંપાવી મુકે તેવી ફિલ્મમાં પણ જો ગીતો ઉમેરવા પડે તો એનો અર્થ એ કે ફિલ્મ મેકરને મનોરંજન પિરસ્યા વગર ફિલ્મ ચાલશે કે નહીં એવો વિશ્વાસ નહીં હોય ? ગીતો ખરેખર સારા છે પરંતુ આ ફિલ્મ માટે બિલકુલ બિન જરૂરી છે. જ્યાં આખા શહેર તહસ-નહસ થતું હોય ત્યાં ગીત-સંગીત તો મનોરંજન પણ પુરૂ પાડી શકતા નથી અને ફિલ્મની સચોટતાને મારી નાખે છે. શક્ય છે કે ફિલ્મની પ્રત્યેક પળ એટલી ગંભીર કે ત્રાસદાયી ન દર્શાવવી હોય. અથવા તો પતિ પત્નિ વચ્ચે જે પ્રેમભરી સંવેદનાઓ જીવાતી હોય એ દર્શાવવાનું માધ્યમ ગીતો હોઇ શકે પરંતુ એ સિવાય શું ? કેમ?
ગબ્બર ઇઝ બેક, બેબી, હોલિડે –સોલ્જર ઇઝ નેવર ઓફ્ફ ડ્યુટી જેવી ફિલ્મો આપ્યા બાદ અક્ષય કુમારને દેશ ભક્તિનો રંગ સદી ગયો હોય એટલી આસાનીથી આવા રોલ ભજવે છે .અત્યંત સાહજીકતાથી “ એર લિફ્ટ”માં પણ રંજીત કટ્યાલનું પાત્ર ભજવ્યું છે. રંજીત કટ્યાલનો આક્રોશ, હતાશા જોશ અક્ષય કુમારના અભિનયમાં સહજ રીતે વ્યક્ત થાય છે.જ્યાં પોતાના જાન-માલની સલામતિ ન હોય ત્યારે પણ અન્યની ખેવના કરવા જેવી સહાનુભૂતિ અને એ કાર્ય પાર પાડવાની મક્કમતામાં અક્ષયનો પરફેક્ટ પરફોર્મન્સ નજરે પડે છે. અક્ષયની બાબતે જોઇએ તો આ તેના માટે પોઝીટીવ બાબત છે. પરંતુ સમગ્રતયા નજર કરીએ તો આ સાહસને સફળતા અપાવનાર એર ઇન્ડીયા કે આપણા લશ્કરને ફાળે પણ એટલો જ જશ જાય છે. અક્ષયને મહત્વ આપવામાં આ સત્યને બહાલી આપવામાં કચાશ રહી ગઈ છે.
ખોફનાક માહોલમાં પતિની સાથે કદમ મિલાવવા માંગતી નમ્રિત કૌર સહજ લાગે છે. વિદેશ ખાતાના ઓફિસર સંજીવ કોહલી એટલે કે કુમુદ મિશ્રાએ થોડામાં ઘણું કહી દીધુ છે. સહાયકારી કલાકારોમાં પૂરબ કોહલી, સુરેન્દ્ર પાલ, નિનાદ કામત પણ યથા યોગ્ય રહ્યા છે. સૌથી અજીબ પાત્ર છે ઇરાકી મેનેજર ઇનામુલ હકનું. જે સ્થાને એમને ગોઠવ્યા છે ત્યાં જે ભાર વર્તાવો જોઇએ એના કરતાં એ રમૂજી વધુ લાગે છે.
ફિલ્મની શરૂઆતમાં જે ખોફ , જે ભય ઉભો થાય છે તે આગળ જતા પકડ ગુમાવી દે છે. જરૂરી નથી કે સમગ્ર ફિલ્મ દરમ્યાન એ ખોફ કે ભય સતત પડઘાવોજ જોઇએ પરંતુ જ્યાં જીવ સટોસટની બાજી ખેલાતી હોય ત્યાં હળવાશ તો વર્તાવવી ન જ હોવી જોઇએ ને?
૨૬ જાન્યુઆરીના નજદિકી સમયે આવી ગર્વ લેવા જેવી પણ અજાણ અથવા ભુલાઇ ગયેલી ઘટનાની રજૂઆત જ ધન્યવાદને પાત્ર છે. ફિલ્મમાં ઘણીબધી લાક્ષણિક , લાગણી સભર અને રોમ રોમ પર છવાઇ જતી દેશભક્તિની ક્ષણો સચવાઇ છે જે પ્રેક્ષકોને સ્પર્શે છે. ક્યારેય પણ પરિવાર સાથે જોઇ શકાય અને બાળકોને પણ બતાવી શકાય એવી ફિલ્મથી ઘટનાનો સંપૂર્ણ તો નહીં પણ આંશિક ખ્યાલ તો જરૂર આવશે જ.
કલાકારો- અક્ષય કુમાર, નિમ્રત કૌર, પ્રકાશ બેલવાડી, કુમ્દ મિશ્રા , પુરબ કોહલી, ઇનામુલ હક
નિર્માતા- નિખિલ અડવાણી,ભૂષણ કુમાર, વિક્રમ મલ્હોત્રા
નિર્દેશક- રાજા ક્રિષ્નન મેનન
સંગીત-અમાલ મલિક
ફિલ્મ ***૧/૨ એક્ટીંગ ***૧/૨ મ્યુઝીક *** સ્ટોરી***૧/૨
Entry filed under: ફિલ્મ રિવ્યુ.
1.
Rajul Kaushik | January 27, 2016 at 1:02 am
Thanks to you all.
LikeLike
2.
pravinshastri | January 30, 2016 at 8:50 pm
રાજુલબેન, આપનો આ રિવ્યુ પણ રિબ્લોગ કરું છું. એકની એક વાત ફરી ફરીને નથી કહેતો પણ મને તમારા રિવ્યુ દ્વારા જ ફિલ્મો જોયાનો સંતોષ થઈ જાય છે. બહેન આપનો આભાર.
LikeLike
3.
pravinshastri | January 30, 2016 at 8:54 pm
Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
માનું છું કે રાજુલ બહેનનો રિવ્યુ વાંચીને ફિલ્મ જોવી કે ન જોવી તે નક્કી કરવું. ફિલ્મ જોયા પછી પાછો રિવ્યુ વાંચીને ચેક કરવું કે એમનો અભિપ્રાય કેટલો વાસ્તવિક છે.
LikeLike
4.
Ramesh Patel | January 31, 2016 at 12:43 am
ફિલ્મની ઈંતેઝારી હતી..કેવી છે…એ જાણી ને હવે જોઈશું…કપરા સમયે દેશભક્તોની આ જવામર્દીને રાષ્ટ્રિય ઈલકાબથી બીરદાવવી જોઈએ.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
5.
Rajul Kaushik | January 31, 2016 at 1:13 pm
તમારી આ વાત મને ગમી. ફિલ્મ જોઇને ફરી મારો રીવ્યુ વાંચીને એ કેટલો તથસ્ત છે એ મને જણાવશો તો મને સાચે જ ગમશે .
ક્યાંક કશું ચૂકતી હોઉં તો એ પણ જણાવશો તો વધુ ગમશે
LikeLiked by 1 person
6.
Rajul Kaushik | February 1, 2016 at 12:57 am
આપને ગમે તો જરૂર જણાવશો.
LikeLike
7.
Rajul Kaushik | February 1, 2016 at 12:59 am
તમારી આ વાત મને ગમી. ફિલ્મ જોઇને ફરી મારો રીવ્યુ વાંચીને એ કેટલો યોગ્ય છે એ મને જણાવશો તો મને સાચે જ ગમશે .
ક્યાંક કશું ચૂકતી હોઉં તો એ પણ જણાવશો તો વધુ ગમશે
LikeLiked by 1 person
8.
Rajul Kaushik | February 1, 2016 at 1:00 am
આભાર
LikeLiked by 1 person