Archive for January 19, 2016
ફિલ્મ રિવ્યુ-ચોક એન્ડ ડસ્ટર
ગુરૂ ગોવિંદ દોને ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો બતાય…
કબીર સાહેબે સદીઓ પહેલા કહ્યું હતું એ પ્રમાણે એટલું તો સ્પષ્ટ થાય છે કે ગુરૂ અને ગોવિંદની તુલનામાં પણ ગુરૂને પ્રથમ સ્થાન આપવામાં આવતું. એક એકલવ્ય હતો જેણે ગુરૂ દક્ષિણામાં પોતાનો અંગૂઠો કાપી ગુરૂના ચરણે ધરી દીધો હતો. કારણકે એ સમય હતો જ્યારે વિદ્યા, વિદ્યાગુરૂ અને વિદ્યાપીઠ સન્માનીય હતા. વર્તમાન સમયમાં વિદ્યા અને વિદ્યાપીઠ બંને એકદમ પ્રોફેશનલ અને બિકાઉ બની ગયા છે. મૂળ આ હાર્દને પકડીને રજૂ થયેલી ફિલ્મ ‘ચોક એન્ડ ડસ્ટર’ વર્તમાન સમયની સિસ્ટમનું આબેહૂબ નિરૂપણ છે.
સો બસ્સો કરોડની ક્લબમાં ઉમેદવારી નોંધાવનાર નિર્માતા અને ફિલ્મોથી તદ્દન અલગ ભાત શૈલી લઈને આવેલી આ ફિલ્મમાં ક્યાંય કોઇ જગ્યાએ ગ્લેમરનો સ્પર્શ સુદ્ધા નથી અને તેમ છતાં ઉત્કૃષ્ટ અભિનયથી પ્રેક્ષકોના હ્રદય મનને જ સ્પર્શે એવા પર્ફોર્મન્સને દિપાવે તેવી અભિનેત્રીઓએ આ ફિલ્મને સબળ અને સફળ બનાવી છે. ક્યારેક એવું બને કે કલ્પનાથી પર કેટલીક હકિકત સામે આવે. ચૉક એન્ડ ડસ્ટર ફિલ્મમાં પણ કંઇક એવી જ અનુભૂતિ થઇ. ઝાઝા હો હલ્લા વગર રજૂ થયેલી ફિલ્મને મનોરંજનની કેટેગરીમાં તો નહીં જ મુકી શકાય પણ એક સંદેશ આપવાનો પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે એ તો બિરદાવવો જ રહ્યો.
કાંતાબેન હાઇસ્કૂલને એવી નંબર વન બનાવવી કે જ્યાં સેલીબ્રીટી ના સંતાનો ભણવા આવે એવી ખ્વાહીશ ધરાવતા ટ્રસ્ટી અમોલ પારિક ( આર્યન બબ્બર) સ્કૂલનું સંચાલન અનુભવી પ્રિન્સિપલ ભારતી શર્મા( ઝરીના વાહબ)ને સોંપવાના બદલે એનું સુકાન જુવાન અને જોશીલી કામિની ગુપ્તા( દિવ્યા દત્તા)ને સોંપે છે. કામિની સ્કૂલના અનુભવી અને સિનીયર શિક્ષકોને હેરાન કરવાનું શરૂ કરે છે. સ્કૂલના મેથ્સ ટીચર વિદ્યા સાવંત ( શબાના આઝમી) અને જ્યોતિ ( જૂહી ચાવલા) આનો વિરોધ કરે છે. કામિની તેની સામે વિદ્યાને બિનઅનુભવી શિક્ષક ઠરાવીને નોકરીમાંથી બરખાસ્ત કરે છે. આ આઘાત સહન ન કરી શકવાથી વિદ્યાને સ્કૂલમાં જ હાર્ટએટેક આવે છે અને તેને હોસ્પીટલમાં એડમિટ કરવામાં આવે છે. જ્યોતિ આ અન્યાય સહી લેવાના બદલે એક ટી.વી ચેનલ રિપોર્ટરનો સાથ લઈને તેનો વિરોધ ઉઠાવે છે.
વિદેશી લોકેશન કે ઝાકઝમાળવાળા સેટના બદલે મધ્યમવર્ગી પરિવાર, સ્કૂલના સામાન્ય સેટ વચ્ચે પાંગરતી આ કથામાં શિક્ષણશાસ્ત્રી, શિક્ષણ પ્રથા અને શિક્ષક વચ્ચેના મતભેદને નિર્દેશકે ખુબ સરસ રીતે રજૂ કર્યા છે. વાસ્તવિકતા તો આજે એ પણ છે કે હવે શિક્ષણશાસ્ત્રીઓની સાથે સાથે શિક્ષકો પણ એટલા જ પ્રોફેશનલ બનતા ગયા છે. જો કે અહીં નિર્દેશકે શિક્ષકને સાંગોપાંગ સરળ નિષ્ઠાવાન અને વિદ્યાર્થીઓનું ભલુ ઇચ્છનારા બતાવ્યા છે ત્યારે મનને જરૂર એવું થાય કે કાશ વર્તમાન સમયે આવા શિક્ષકો હોત તો!!!!
ખેર, વિચારો અને વાસ્તવિકતામાં જે ફરક છે તેને સ્પર્શ્યા વગર ફિલ્મ જોઇએ તો હકિકત એ છે કે સમગ્ર ફિલ્મ અભિનેત્રીઓના અભિનયથી ઉજાગર છે.
શબાના આઝમીના ચહેરા પર ઉંમરની થોથર સ્પષ્ટ દેખાઇ આવે છે. પરંતુ સાથે અભિનયમાં પાકટતા- પિઢતા વર્તાય છે. મધ્યમવર્ગી મહિલા અને સંનિષ્ઠ શિક્ષાગુરૂના પાત્રને શબાનાએ સોહાવ્યું છે. વિદ્યાર્થીઓની સાથે સલૂકાઇથી વર્તતી વિદ્યા પર વિદ્યાર્થીઓને ભણાવવાની નાફરમાની નો હુકમ બહાર પડે છે ત્યારે એ કઠુરાઘાતથી વલવલી ઉઠતી વિદ્યાના ચહેરા પર દુઃખ-દર્દ પ્રેક્ષક સુધી પહોંચે છે.
રિચા ચઢ્ઢા અને ઉપાસના સિંહે પણ તેમના પાત્રને સુંદર ન્યાય આપ્યો છે.
દિવ્યા દત્તાએ આજ સુધીમાં અનેક ફિલ્મોમાં નાના મોટા પાત્ર ભજવ્યા છે. અને લગભગ દરેક પાત્રને એના અભિનય થકી સાર્થક કર્યા છે. પ્રેક્ષકોના મનમાં ધૃણા ઉપજે એવા સત્તામાં મગરૂર સાશક તરીકે પોતાની જાતને રજૂ કરતી દિવ્યા દત્તાએ સબળ અભિનેત્રી હોવાની ઓળખ આપી છે.
સોને પે સુહાગા જેવી જૂહીએ તો આ ફિલ્મમાં કમાલ કરી છે. ચુલબુલી અભિનેત્રી આજે આટલા વર્ષોના વહાણા વહી ગયા હોવા છતાં પણ એટલી જ તરોતાજા દેખાય છે એટલું જ નહીં પણ એના અભિનયને પણ ઉંમરનો પાસ લાગ્યો નથી એ સ્પષ્ટ દેખાઇ આવે છે. ગુલાબ ગેંગની સત્તા લોલુપ સુમિત્રાદેવીની ઇમેજથી તદ્દન વિરૂધ્ધ સત્તાધિકારીઓને પડકારતી જ્યોતિના પાત્રને જુહીએ જીવંત કર્યુ છે. અભિનયથી સાથે ચોટદાર સંવાદોથી જુહી સમગ્ર ફિલ્મમાં ઝળકી ઉઠી છે. “ આજ દ્રોણાચાર્ય બિમાર હૈ , કહાં હૈ ઉસકા અર્જુન?” કહીને આદર્શવાદી યુવાનોના મનને ઝંકોરતી જુહી, સ્કૂલમાં બાળકોની સાથે બાળક જેવી બની જતી બાળ સુલભ જુહી , રિપોર્ટર નો સાથ લઈને અન્યાય સામે ઝુંબેશ ઉઠાવતી જુહી, કામિનીએ આપેલા આઘાત સામે ઉગ્ર પ્રત્યાઘાત આપતી જુહી, કેટ કેટલા સ્વરૂપે રજૂ થયેલી જુહીએ દરેક સ્વરૂપને આત્મસાત કર્યા હોય એટલી સહજતાથી નિભાવ્યા છે.હેટ્સ ઓફ્ફ જુહી.
સપોર્ટીંગ સ્ટાર્સ જેવા કે ગિરીશ કર્નાડ, આર્યન બબ્બર, સમીર સોની ,જેકી શ્રોફે પણ પાત્રાનુચિત પરફોર્મન્સ આપ્યો છે.
સીધા જ મનને સ્પર્શે એવા સાદગીભર્યા સબળ પાત્રો ને લઈને જયંત ગિલાટરે ફિલ્મની કથાને બરાબર પકડી રાખી છે. ફિલ્મને અનુરૂપ ‘ હમ શિક્ષા કે , ગુરૂ બ્રહ્મા જેવા ગીતોનું ચિત્રાંકન પણ સુંદર રીતે થયું છે.
સહ પરિવાર જોઇ માણી શકાય એવી ફિલ્મ આજની ફિલ્મો કરતાં સાવ અલગ ચિલો ચાતરનારી બની છે.
કલાકારો- શબાના આઝમી, જુહી ચાવલા, ઝરીના વાહબ, દિવ્યા દત્તા ,ઉપાસના સિંહ, રિચા ચઢ્ઢા ,આર્યન બબ્બાર, ગિરીશ કર્નાડ, જેકી શ્રોફ, સમીર સોની, રિશી કપૂર ( મહેમાન કલાકાર)
નિર્માતા-અમીન સુરાની
નિર્દેશક-જયંત ગિલાટર
સંગીત- સંદેશ શાંડિલ્ય, સોનુ નિગમ
ફિલ્મ***એક્ટીંગ**** મ્યુઝીક*** સ્ટોરી ***
Recent Comments