ફિલ્મ રિવ્યુ -બાજીરાવ મસ્તાની

ડિસેમ્બર 21, 2015 at 3:03 એ એમ (am) 5 comments

 

પોસ્ટર બાજીરાવ મસ્તાની

દરેક ધર્મમાં પ્રેમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેમ છતાં પણ પ્રેમમાં ધર્મ આડે આવ્યો જ છે. ‘ બાજીરાવ મસ્તાની’માં સંજય લીલા ભણસાલીએ આ વાતને  નજાકતની સાથે પુરેપુરા ઝનૂનથી પેશ કરી છે. બાજીરાવનું નામ ઇતિહાસમાં અત્યંત ગૌરવપૂર્વક લેવામાં આવ્યું છે. કુશળ રાજકારણી  અને સફળ યોદ્ધા તરીકે તોબાજીરાવને સૌ જાણતા જ હશે પરંતુ એક પ્રેમી તરીકે આજ સુધી આ પાસુ વણ ખેડાયેલું જ રહ્યું છે. કેટલાક તથ્ય તો કેટલીક કલ્પનાના રંગથી સજાવીને સંજય લીલા ભણસાલી એ બાજીરાવ મસ્તાનીને અત્યંત ભવ્યતા અને ખુબસુરતીથી પેશ કર્યા છે.

૧૮મી સદીમાં બાજીરાવ મુઘલ સામે પેશ્વાઇ રાજ્યની વિજય પતાકા લહેરાવીને અણનમ રાજવી તરીકે એની નામના અંકિત કરી ચુક્યો છે. ત્યારે બુંદેલખંડની રાજકુંવરી મસ્તાની ( દિપિકા પદુકોણ)  બુંદેલખંડને બચાવવા બાજીરાવ ( રણવીર સિંહ) ની મદદ માંગે છે. તલવારની ધારે જીતેલો બાજીરાવ કટારની ધારે મસ્તાનીના રૂપ અને શૌર્યથી ઘાયલ થઈ જાય છે. મસ્તાની તો બાજીરાવની બુંદેલખંદની જીત પર એની પર નિછાવર થઈ ગઈ છે . બાજીરાવની પેશ્વાઇન કાશીબાઇ ( પ્રિયંકા ચોપ્રા) માટે તો આ તેના ગૌરવનું, તેના સ્વાભિમાનનું અપમાન હતું એ તો એ કોઇકાળે સાંખી લઈ શકે તેમ નહોતી તો બાજીરાવની માતા રાધાબાઇ ( તન્વી આઝમી) પણ બાજીરાવ મસ્તાનીના સંબંધને સ્વીકારવા તૈયાર નથી કારણકે મસ્તાની હિંદુ રાજાની મુસ્લીમ પત્નિથી થયેલી પુત્રી છે.

સમરાંગણમાં વિજયી નિવડતો બાજીરાવ પોતીકા સામે, પરિવાર સામે તેની પ્રેમની લડાઇમાં જીતી શકશે?

સંજય લીલા ભણસાલીની ખાસિયત મુજબ મહેલના ભવ્યાતિભવ્ય સેટ, કાચના ઝુમ્મરોની આંખો આંજી દે તેવી રોશની, શીશ મહેલની યાદ અપાવે તેવા અરીસાથી જડેલો દરબાર, પેશ્વાઇ રાજ્યને છાજે એવા ભારેખમ કોચ્યુમ્સ, નીલવર્ણા પાણીમાં ઓગળતું આસમાની આભ, અત્યંત ખુબસુરત સેનેમેટોગ્રાફી અને નજર પથરાય ત્યાં સુધીનું સમરાંગણ…. ક્યાંય કોઇ કચાશ રાખી નથી.

સંજય ભણસાલી તેમની ફિલ્મોમાં અધુરી મહોબતનું દર્દ બતાવવાના આદિ છે. બાજીરાવ અને મસ્તાની પણ આમાંથી બાકાત નથી. ફિલ્મનું સૌથી જમા પાસુ છે પ્રકાશ કાપડીયાના અત્યંત ચોટદાર સંવાદો. સંવાદોની ધાર સાથે સાથે જ કેરેક્ટરની સચોટતા ઉપસતી જાય છે. સમય અને સંજોગોના બદલાવમાંથી ઉભા થતા પ્રસંગો અને એ પ્રસંગોને અનુરૂપ અભિનયથી આ ફિલ્મ વધુ સબળ બની છે.

સંજય લીલા ભણસાલીએ પહેલ પાડેલા હીરાની જેમ દરેક અદાકારોને તરાશ્યા છે.

બાજીરાવની માતા રાધાભાઇ એટલે કે તન્વી આઝમીએ તો અભિનયમાં કલ્પનાથી વધીને કમાલ કરી છે. વિધવા રાજમાતાની જીદ, ધર્મ સામે પુત્ર અને તેના પ્રેમ માટે ધિક્કાર , પુત્રને અવગણીને પુત્રવધુ કાશીબાઇ તરફ ઢળતી તેની મમતા, સમય આવે વાક્બાણથી બાજીરાવને વહેરી નાખતી રાધાબાઇ અને પુત્રને બચાવવા માંગતી કાશીબાઇ સામે પોતાના એ જ આયુધોને હેઠા મુકી દેતી તન્વી આઝમીએ રાધાભાઇના પાત્રને એક ઊંચાઇ પર મુકી દીધુ છે.

ઠસ્સાદાર –જાજરમાન લાગતી કાશીબાઇના પાત્રને પ્રમાણમાં ફુટેજ ઓછા મળ્યા હોવા છતાં પ્રિયંકાએ ઠસ્સાપૂર્વક નિભાવ્યું છે. પતિનો સાથ છે ત્યાં સુધી ગૌરવાંન્વિત લાગતી પેશ્વાઇન જ્યારે તેના પતિને પરાઇ સ્ત્રી સામે પ્રેમમાં પરાજીત થયેલો જુવે છે ત્યારે જે હતાશાથી ભાંગી પડે છે એ હતાશા , મુક વેદનાની પ્રિયંકાની અભિવ્યક્તિ પ્રેક્ષકના મન સુધી સ્પર્શે છે.મસ્તાની તરફ હાડોહાડ નફરત તેમ છતાં મસ્તાનીને તહેવારમાં સામેલ કરવા જેટલી વ્યવહારિકતા અને તેને બચાવી લેવા જેવી ખેલદિલી પણ કાશીબાઇ જેવી પેશ્વાઇન જ દાખવી શકે એ સહજ રીતે દર્શાવ્યું છે. પતિ તરફની આસક્તિનો ઉફાળ અને એ જ પતિને પ્રિયતમાની બાહોમાં જોઇને વિરક્તિથી પતિ તેના વચ્ચેનું તાદાત્મય તોડી નાખતી પ્રિયંકાએ અભિનયની ઉત્કૃષ્ટતાનો અનુભવ કરાવ્યો છે.

કદાચ આજ સુધી મસ્તાનીની કોઇ ચોક્કસ ફ્રેમ પ્રેક્ષકોના મનમાં ઉભી થઈ જ નહીં હોય ત્યાં દિપિકા ખુબ સરળતાથી ગોઠવાઇ ગઈ છે. બુંદેલખંડને બચાવવા કેસરિયા કરવાની હદે ગયેલી મસ્તાનીનું શૌર્ય બાજીરાવ સામે નમી પડે છે. બાજીરાવ અને તેનો પ્રેમ કોઇપણ સંજોગોમાં પામવાની એક જીદ જે મનમાં ઉભરી છે અને તેને લઈને કોઇની પણ સામે લડી લેવા તૈયાર મસ્તાનીને દિપિકાએ તેના અભિનય દ્વારા સજાવ્યો છે.

પરંતુ આ બધાથી ઉપર છે રણવીર સિંહ.બાજીરાવના પાત્રને સશક્ત અભિનય દ્વારા જીવંત કર્યું છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મોમાં સામાન્ય રીતે સ્ત્રી પાત્રો વધુ સશક્ત અને દમામવાળા હોય છે. અહીં પણ મસ્તાની અને કાશીબાઇ જેવા પાત્રોની સામે બાજીરાવે અભિનયનું મેદાન માર્યું છે અથવા કહો કે અભિનયનું મેદાન જીત્યું છે. સંપૂર્ણપણે બાજીરાવના પાત્રમાં પરકાયા પ્રવેશથી રણવીરે પ્રવેશ કર્યો હોય એવી રીતે તેના ફ્રેમમાં એ ઢળી ગયો છે.

મુખ્ય પાત્રો સિવાયના સપોર્ટીંગ પાત્રી પણ તેમના પાત્રોને પુરેપુરો ન્યાય આપ્યો છે.

હવે એ વાત અલગ છે કે જે નામથી ફિલ્મ રજૂ થઈ છે એ બાજીરાવ અને મસ્તાનીનો પ્રેમ અધુરો રહી જાય છે. આ પ્રેમની તડપ અને અધુરપ જાણે અધુરી જ લાગે છે. મુઘલે આઝમ જેવી ભવ્યતાને આંબેલી ફિલ્મ સલિમ અનારકલીની મહોબ્બત કરતાં જાણે ઉણી ઉતરતી હોય એવું લાગે છે. જે પ્રેમ માટે બાજીરાવ કે મસ્તાની પોતાના જ વિશ્વ સામે બગાવત પોકારે છે એ પ્રેમની ઉંચાઇ કે ઉંડાઈ અનુભવાતી નથી. અને જ્યારે બાજીરાવ માટે થઈને બુંદેલખંડ છોડી દે એ તો સમજાય પણ પોતાના માસુમ પુત્રની પણ પરવા ન કરે એવો પ્રેમ પ્રેક્ષકો સુધી પહોંચવામાં પાંગળો પડે છે.

ફિલ્મનો પૂર્વાર્ધ તેના ગીતોની ભરમારથી લંબાઇ ગયો છે. ગીતો અચૂક સરસ અને કર્ણપ્રિય હોવા છતાં જ્યારે તે કથાને આગળ વધવામાં અવરોધ બને ત્યારે તે ગીતો ન હોય તેવી એક અપેક્ષા મનમાં ઉભી થાય કારણકે કથા જરા તરા બંધાય ત્યાં ગીત આવીને આડું ઉભુ રહે. બુંદેલખંડની રાજકુંવરી જીતના જશ્નમાં એક નર્તકીની જેમ બાજીરાવ સામે પેશ આવે એ બાત કુછ હજમ નહી હોતી.  તેમ છતાં કોરિયોગ્રાફી માટે તો આફ્રીન પોકારી જવાય છે એ તો કહેવું જ રહ્યું. દિપિકાના સોલો પરફોર્મન્સ અને પ્રિયંકા સાથેનો ‘પિંગા’ નૃત્ય તેમજ બાજીરાવ પર ફિલ્માવામાં આવેલા ગીતનો ફોર્સ એક ઇમ્પ્કેક્ટ તો ઉભો કરે જ છે.

નાગનાથ ઇનામદાર નામના મરાઠી લેખકની ‘ રાઉ” પરથી રૂપેરી પરદા પરનો અવતાર આપવા માટે સંજય લીલા ભણસાલીને અભિનંદન તો ઘટે જ..

કલાકારો- રણવીર સિંહ, દિપિકા પદુકોણ, પ્રિયંકા ચોપ્રા, તન્વી આઝમી, મિલિંદ સોમણ, રાઝા મુરાદ, મહેશ માંજરેકર, આદિત્ય પંચોલી,વૈભવ

નિર્માતા-સંજય લીલા ભણસાલી

નિર્દેશક- સંજય લીલા ભણસાલી

સંગીત-સંજય લીલા ભણસાલી,સચિત બલહારા

ફિલ્મ **** એક્ટીંગ **** મ્યુઝીક **** સ્ટોરી ***

Advertisements

Entry filed under: - film reviews -.

રાગ-મુક્તિ ફિલ્મ રિવ્યુ -બાજીરાવ મસ્તાની

5 ટિપ્પણીઓ

 • 1. pravinshastri  |  ડિસેમ્બર 21, 2015 પર 6:15 એ એમ (am)

  રાજુલબેન, હું ફિલ્મો જોતો નથી પણ તમારા રિવ્યુ આંખે દેખ્યા હેવાલ જેવા હોવાથી હું જોયાનો જ આનંદ માણું છું. કોઈક સમય એવો આવશે કે લખવા વાંચવાનું બંધ કરીને એકાદ આખો મહિનો જોવાય તેટલી ફિલ્મો જ જોઈશ. તમારા રિવ્યુઝ વાંચવા ગમે છે કારણ કે તમે સત્વશોધક છો. શોધેલા સત્વને સરસ ભાષાથી મઢીને સમગ્ર ચિત્ર રજુ કરો છો. બસ મારા વાચક મિત્રોને આ રિર્વ્યુ આભાર સહિત રીબ્લોગ કરીને આપના સરનામે પહોંચાડું છું.

 • 2. pravinshastri  |  ડિસેમ્બર 21, 2015 પર 6:25 એ એમ (am)

  Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
  રાજુલબેન એક અભ્યાસુ અને સમતોલ સમીક્ષક છે. એમના રિવ્યુ ઉપરછલ્લા ગમાઅણગમાના નથી હોતા. આજે એઓ
  બાજીરાવ મસ્તાની નો ફિલ્મ રિવ્યુ લઈને આવ્યા છે. આશા છે કે આપને જાણવો-વાંચવો ગમશે જ.

 • 3. Rajul Kaushik  |  ડિસેમ્બર 21, 2015 પર 12:04 પી એમ(pm)

  Thanks Pravinbhai.

 • 4. Devika Dhruva  |  ડિસેમ્બર 21, 2015 પર 3:36 પી એમ(pm)

  Totally agree with Pravinbhai.

 • 5. Rajul Kaushik  |  ડિસેમ્બર 21, 2015 પર 9:37 પી એમ(pm)

  આભાર દેવિકાબેન


Blog Stats

 • 97,667 hits

rajul54@yahoo.com

Join 908 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ડિસેમ્બર 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: