રાગ-મુક્તિ

નવેમ્બર 18, 2015 at 7:44 પી એમ(pm) 13 comments

old-lady-tatted

 

‘ સ્નેહા, મા એ તને ન્યુયોર્ક બોલાવી છે.”

કેમ? તબિયત તો ઠીક છે ને?

‘હા અને ના.’

‘કંઇક સમજાય એવું કહેશો મને કોઇ?”

સમજવા જેવું આમ જોવા જાવ તો કંઇજ નથી અને આમ જોવા જાવ તો બધું જ છે. મમ્મીને ગઈકાલે હોસ્પિટલથી ઘેર લાવ્યા પછી માની ઇચ્છા છે તું આવી જા. મા એ મીતુને પણ મળવા બોલાવી લીધી છે.”

અક્ષરા આસ્તે રહીને સ્નેહાને પરિસ્થિતિ સમજાવવા પ્રયત્ન કરી રહી હતી. આમ જોવા જાવ તો સ્નેહાથી પણ ક્યાં આનાથી અજાણ હતી? મમ્મીને આ ત્રીજી વારનો કાર્ડિયાક પ્રોબ્લેમ થયો હતો અને ઉંમર અને  શારીરિક પરિસ્થિતિ જોતા હવે એ કેટલું ખમી ખાશે એ સૌથી મોટો સવાલ હતો. પરંતુ મા એ એટલે કે ઇંદુમા એ જ જાતે આ સ્થિતિનો ઉકેલ લાવવાનો નિર્ણય લઈ લીધો હતો અને એટલે જ સ્નેહા અને મીતુને બોલાવી લીધા હતા. સ્નેહા એટલે અમદાવાદ રહેતી સૌથી નાની દિકરી અને મીતુ એટલે અક્ષરાની દિકરી.  સૌથી મોટી અક્ષરા, અતસિ , તેજસ અને પુત્રીઓથી પણ સવાઇ એવી પુત્રવધુ બીના અને તેમની બે પૌત્રીઓ તો સાથે જ હતા. બાકી રહ્યા એ અક્ષરા અને અતસિનો પરિવાર પણ મા ને મળવા આવી ગયો હતો. મા અને દાદાજી સાથે સૌને અજબ જેવો સ્નેહનો નાતો હતો. દાદાજીના  છેલ્લા દિવસોમાં સૌનાથી પહોંચી શકાયું નહોતું પણ મા ને મળવાની, મા સાથે રહી શકાય એવી કોઇ શક્યતા ગુમાવવી નહોતી.

મા એટલે ઇંદુબેન. અથવાડીયા પહેલા ત્રીજી વારનો કાર્ડીયાક પ્રોબ્લેમ થવાના લીધે હોસ્પીટલાઇઝ તો કર્યા પરંતુ સ્વસ્થ થતા ઘેર પાછા લાવ્યા ત્યારે જાતે જ એક નિર્ણય લઈ લીધો હતો. આજથી કોઇપણ જાતની દવા બંધ, કોઇપણ જાતની ટ્રીટમેન્ટ બંધ અને ગમે તેવી ઇમર્જન્સી આવે હવે હોસ્પીટલાઇઝ કરવાની પણ વાત નહી. પરિવારની હાજરીમાં એ નિર્ણય જણાવવાનો સમય પણ આવી ગયો હતો.

આઘાત અને સ્તબ્ધતાની ઘેરી દિવાલ પાછળથી સૌના મનમાં એક જ સવાલ ઉભો થતો હતો અને વણ પુછ્યે એ સૌની આંખમાં ડોકાતો પણ હતો.

“ મા તમને તો ખબર છે ને કે દવા બંધ કરશો તો શું પરિણામ આવશે?” અતસિ ડોક્ટર હતી એટલે ભવિષ્યમાં ઉભી થનારી પરિસ્થિતિથી વધુ જ્ઞાત હતી. “ ડોક્ટર છો એટલે એટલું તો સમજો છો ને કે પેશન્ટને શક્ય હોય એટલી સારવાર આપવી પડે. આમ અધ વચ્ચેથી  તેમની મરજી અને ભગવાન ભરોસે ના છોડી દેવાય? બીજુ બધુ તો ઠીક પણ લૅસિક્સ બંધ કરશો એટલે વોટર રિટેન્શન થશે. શરીરમાં ધીમે ધીમે પાણી ભરાશે. લંગ્સમાં પાણી ભરાશે એટલે ખબર છે ને શું થશે?”

અતસિની સામે મમતાળુ જોઇને મા એ જવાબ આપ્યો, “ ડોક્ટર છું  માટે બધું જાણું છું અને સમજુ પણ છું અને એટલે જ એના માટે તૈયાર પણ છું. મને મારા પોતાની તકલીફો અને શારીરિક સ્થિતિનો પુરેપુરો ખ્યાલ છે. અને રહી દવાઓની વાત તો એ મારી માટે વિષ્ય સર્કલ જેવી છે. તમે એક દવા આપશો એની આડ અસર માટે બીજી દવા આપશો . પણ એના લીધે મારા શરીરમાં થયા ડિસ્ટર્સબન્સથી તમે અજાણ છો. અને હવે દવાઓના લીધે મારે વધારાની કોઇ અગવડ ભોગવીને મારી આયુષ્ય દોરી લંબાવવી નથી.”

“અને આ મીઠુ ખાવાની વાત? હમણાંથી તમને મીઠુ બંધ કરાવ્યું હતુ અને હવે તમે તો તમારે જે કંઇ ખાવુ છે એમાં મીઠુ લેવાની વાત કરો છો. તમને લાગે છે કે તમારી આ વાત પણ બરાબર છે અને અમારે માની લેવાની છે? “ અતસિની અકળામણ વધતી જતી હતી. તબીબી માનસ અને એથિક્સ મા ના નિર્ણુય સાથે સંમત થતા નહોતા.

અતસિની જીદ સામે અત્યંત સ્નેહાળ સ્મિત આપતા મા બોલ્યા “ જો બેટા નિર્માણ તો નિશ્ચિત જ છે. જે આવ્યું છે એને જવાનું છે એ વાત સાથે તો તું સંમત છે ને? અહીં તમે દર્દીને તકલીફ કે પીડા ભોગવવી ના પડે એના માટે ઓક્સિજન કે મોર્ફિન આપો છો, આપો છો ને? મને જરૂર લાગશે અને મારી પીડા સહન નહી થાય તો એ પણ તું કરજે પણ અત્યારે તો હું જ્યાં સુધી શારીરિક કે માનસિક રીતે જેમ છું અને તેજસની ઇચ્છાને માન આપીને એણે કહ્યું એમ ખાતા પીતા જો મારે વિદાય લેવાની હોય તો મારી પાસે જેટલા દિવસ છે એટલા દિવસ મને મારી રીતે જીવી લેવા દે.ખાવાનો મને ક્યારેય મોહ તો હતો જ નહી એ તો તને ય ખબર છે. પણ મારામાં તાકાત ટકી રહે એટલું જરૂરિયાત પુરતુ તમે ઇચ્છો છો એમ લઈને  કુદરતી રીતે ટકી રહું તો તને વાંધો છે?”

વાત મા ની સાચી હતી. તેજસ અને બીનાએ જ એમને સમજાવ્યા હતા કે મા જાવ છો, જવાના જ છો પણ આમ સંથારો ના લેશો , જે કંઇ થોડું ઘણું ખવાય એટલું ખાતા રહો. અમે દવા લેવા માટે કોઇ આગ્રહ નહી રાખીએ પણ આટલી અમારી વાત માનો તો સારું. અને મા એમની વાત મંજૂર રાખી હતી.

અક્ષરા, સ્નેહા કે મીતુ અવાક બનીને સાંભળતા હતા . જો કે માની વાત અને મરજી સાથે સૌ સંમત હતા. આજ સુધી મા જે રીતે  એનું ક્યારેય કોઇની પર શારીરિક માનસિક કે આર્થિક રીતે નિર્ભર ન હોય એવું પ્રતિભાશાળી જીવન જીવી હતી, એ જોતા માત્ર પથારીમાં એના દિવસો વિતે એ તો કોઇને ય મનથી મંજૂર નહોતું. જે અક્કડ ચાલ મા ની જોઇ હતી એ મા આજે કોઇના ટેકે ચાલે એ ય કોઇનાથી જીરવવાનું નહોતું.

વગર બોલે સૌની મૌન સંમતિથી મા ને એટલું આશ્વાસન મળ્યું કે એમની ઇચ્છાને સૌ માન આપે છે. આટલી વાત કરતા એમને થાક લાગ્યો હતો અને ઘરમાં હૉસ્પિસની વ્યવસ્થા થઈ ગઈ હતી એટલે મા ને જોવા ટ્રેઇન્ડ નર્સ આવી હતી એટલે ત્યાં જ વાત પર પરદો પડી ગયો.

નર્સના ગયા પછી નક્કી થયું હતું એમ મા માટે એમને ભાવતો સુપ અને ઢોકળા બીનાએ તૈયાર કર્યા. વાતાવરણ હજુ ય ગંભીર જ હતું. ભવિષ્યના ભણકારા જાણે કાનમાં સંભળાતા હતા. પણ મા સ્વસ્થ હતા. એકદમ સ્વસ્થ અને હળવાફુલ. જાણે કંઇ બન્યુ નથી અને કંઇ બનવાનું નથી. એમને આટલા નિશ્ચિંત જોઇને ધીમે ધીમે ચિંતાના ઘેરા વાદળો પણ વિખેરાતા જતા હતા.સૌથી પહેલા સ્વસ્થ થયો તેજસ. આમ પણ વાતાવરણને હળવું બનાવતા તો એને પળની ય વાર નહોતી લાગતી.

“ઓકે, મમ્મી, હવે તું કહીશ એમ જ થશે. આમ પણ પપ્પાને છેલ્લી પળોમાં તારી સૌથી વધુ ચિંતા હતી અને મેં એમને વચન આપ્યું હતું કે તારી ચિંતા કરવાની જરાય જરૂર નહીં પડે. તારો  બોલ સર આંખો પર. કહ્યું હતું કે નહીં? તો પછી જ્યારે પપ્પાને મળે ત્યારે એમને પણ ખાતરી થવી જોઇએ કે અમે તને બરાબર સાચવી હતી. થવી જોઇએ કે નહીં?”

મા એ આંખના પલકારાથી સંમતિ આપી. અને વાત પણ સાચી જ હતી ને?તેજસ અને બીનાએ મમ્મીનો પડતો બોલ ઝીલ્યો હતો. મા ને દવાઓના લીધે ખાવાની રૂચી રહી નહોતી ત્યારે બીના દર બે કલાકે કંઇક બનાવીને નાના બાળકને પટાવતી હોય એમ મા ના મોં મા કોળિયા ભરાવવા મથતી હતી. એમની દિકરીઓ પણ ઘરમાં પગ મુકતાની સાથે મા પાસે આવીને બેસતી. મા નો સમય કેમ કરીને સરસ રીતે પસાર થાય તેના માટે જાણે એ સૌને યજ્ઞ હાથ ધર્યો હતો.

મા સામે જોઇને તેજસે કહ્યું “ ચાલો તો પછી પારણા કરો…”

વાતાવરણને વધુ હળવું બનાવતા મીતુ બોલી “ મા , જો જો હોં પાછું વધારે ખાતા…. આપણે તો ફિગર મેઇન્ટેઇન રાખવાનું છે.”

અને સાચે જ સૌના મન પરથી અને મ્હોં પરથી ચિતાના વાદળ વિખેરાવા માંડ્યા.

ઢોકળાના બે પીસ ખાઇને મા એ બાકીના મીતુને પાછા આપ્યા. “ મીતુ આ બાકીના તું પુરા કર, હું ખાઉ કે તું એક જ છે ને , બધાને કહી દે કે મેં ખાધા છે.”

બીજા દિવસે મીતુને પાછા જવાનું હતું . વળી પાછું મન ભારે થઈ આવ્યું. મા એ કહ્યું હતું કે સવારે ગમે એટલા એટલા વહેલા નિકળવાનું હોય પણ મને ઉઠાડ્યા વગર કે મને મળ્યા વગર જતી નહીં. તેજસના અમેરિકા સેટલા થયા પછી આ મીતુ જ તો હતી જે મા-દાદાજીને એકલવાયુ ના લાગે તેના માટે તેમની જોડે રહી હતી. મા-દાદાજી અને મીતુ ત્રણેનું બંધન અનોખું હતું. મીતુ તો મા-દાદાજી જોડે ખીલી ઉઠતી. એકબીજાનું આવલંબન હતા. મીતુ માટે તો મા-દાદાજી વડીલ કરતા મિત્ર વધુ હતા. એ એના મનની વાત મા-દાદાજી જોડે જેટલી સરળતાથી કરી શકતી એટલી કદાચ અક્ષરા સાથે પણ નહી કરતી હોય.

મીતુ સવારે મા ને મળીને નિકળી. નિકળતી વખતે મીતુએ મા નો હાથ હાથમાં લીધો. એક પણ અક્ષર બોલ્યા વગર એની આંખો ઘણું કહી જતી હતી. કશું જ બોલ્યા વગર અને પાછું વળીને જોયા વગર એ નિકળી ગઈ. એને ખબર હતી કે એ પાછું વાળીને જોશે તો એ મા પાસેથી જઈ નહીં શકે. અને સૌ પાસેથી મા એ પ્રોમીસ લીધું હતું કે હવેથી કોઇ પોતાનો જીવ નહીં  કોચવે.  મા ને રાજીખુશીથી વિદાય લેવા દેશે.

આગલા દિવસે જરા સ્વસ્થ થતાની સાથે મા એ ફરી સૌને બેસાડીને કહ્યું  હતું ….

“ મારા સંથારાને તમે લોકો સમજ્યા હોય તેવું લાગતું નથી અને એટલે જ સૌ કામ છોડીને આમ મારી આસપાસ બેસી રહો છો. મને પણ ગમે કે સૌ મારી પાસે હોય પણ એનો અર્થ એવો નહીં કે  કામકાજ છોડીને  આવી રીતે માતૃ ઋણ અદા કરો. કર્મને તો મેં પણ હંમેશા મારો ધર્મ માન્યો છે . તમારા પપ્પા પણ કાયમ કહેતા કે શૉ મસ્ટ ગો ઓન. આમ તમારા રાગના રેશમી તાંતણે મને બાંધી ના રાખશો. મેં મારું જીવન ભરપુર જીવી લીધું છે. હવે કોઇ એષણા બાકી રહી નથી. તમે પણ સૌ તમારા કામે લાગો અને સ્નેહા તું આવી જ છું તો થોડું વધારે જ રોકાઇને જા પાછળથી તને કોઇ વસવસો ન રહેવો”

મમ્મીને આટલી સ્વસ્થતાથી વાત કરતી જોઇને અક્ષરાથી  પુછ્યા વગર ન રહેવાયું , “ મમ્મી ઘણાને તો એવું બને કે ખબર પડે તે પહેલા જ ખોળીયું છોડીને જીવ નિકળી જાય. ઘણાને અભાન અવસ્થામાં દિવસો વિતતા  જાય અને દેહ છુટે પણ સાવ આમ આટલી સજાગતા અને જાગૃકતા સાથે તું જે તૈયારી કરી રહી છું, તને ક્યાંય કોઇના માટે જરા સરખો વિચાર નથી આવતો?”

“ના મારા દિકરા ના, મેં મારું આખું જીવન મારા પ્રોફેશનને જ ધર્મ માન્યો અને હવે જ્યારે હું નિવૃત્ત થઈ ત્યારથી જીવન શુ છે એ સમજવા મથતી રહી. કર્મવાદના રહસ્ય સમજતા મને એક વાતની તો સમજણ પડી ગઈ કે જે જીવ આવ્યો છે તે શીવને પામે તે પહેલા તેણે તેના કર્મના બંધન ખપાવવા જ રહ્યા. દેહમાં જીવ છે ત્યાં સુધી જ આ રાગ- મોહ માયા છે. જે ક્ષણે આ દેહ નહીં હોય ત્યારે આમાંનું કશું જ સાથે નહી આવે. આ આત્મા તો કોઇ બીજે જ જન્મ લઈ ચુક્યો હશે. આજે આ તમારી મા કાલે આ જગતના ક્યાંક બીજે કોઇના ગર્ભમાં ઉંધે માથે લટકતી હશે અથવા વનસ્પતિ જગતમાં ક્યાંક બીજ બનીશ કે ક્યાંક કોઇ પંખીના માળામાં ટહુકતી હોઇશ. જે બનીશ તેની મને આજે જાણ નથી પણ અત્યારે જે છું તેનો મને આનંદ છે. મારી મા તો હું સાવ જ નાનકડી અગિયાર વર્ષની હતી અને અમને મુકીને ચાલી ગઈ હતી. તે વખતે એ અમારું વિચારવા રહી શકી? હું અગિયાર વર્ષની અને મારાથી નાની બેન સાત વર્ષ અને એનાથી નાની પાંચ વર્ષની , તમે એટલા નાના તો નથી ને કે મારે તમારી ચિંતા કરવી પડે? આધ્યાત્મના વાંચન અને જૈન ધર્મની ફિલોસોફીએ મને એટલું તો સજાવ્યું છે કે મન કરતાં આત્માને સાંભળતા શીખવું જોઇએ. આત્માનો અવાજ હ્રદયમાંથી ઉઠતો હોય છે.અને મારો આત્મા મને અહીંથી બધી માયા સંકેલી લેવાનું કહે છે. મારી કોઇ એવી ઇચ્છા એવી નથી કે એ પરિપૂર્ણ ન થઈ હોય તો પછી શેના માટે જીવને બાંધી રાખવાનો? મારી આ અંતિમ સમયની આરાધનામાં બસ તમારો રાજીખુશીથી સાથ હોય એટલે બસ. તમારાથી છુટા પડવું એ કુદરતનો નિયમ છે અને એ નિયમ જેટલો સહજતાથી સમજી સ્વીકારી લઈએ એટલો આત્મા સરળતાથી પ્રયાણ કરે  અને આત્મા કર્મોને આધિન રહીને દેહથી છુટો થાય એ મારા માટે વિષાદની નહીં પણ ઉજવણીની ઘડી છે.”

મા ની આટલી સ્વસ્થતા જોઇને હવે તો કોઇએ કશું જ બોલવાનુ રહ્યું નહી. અક્ષરાના મનમાંથી એક પડઘો ઉઠ્યો……

“પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે બહુએ સમજાવ્યું તો યે પંખી નવું પિંજરુ માંગે.

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો

અણદીઠે દેશ જાવા લગન એને લાગી બહુ એ સમજાવ્યં તો યે પંખી નવું પિંજરુ માંગે.

બીજા દિવસની સવારે મા એ બીના અને અક્ષરા પાસે એમના અંતિમ સમયે પહેરવાના કપડા તૈયાર કરાવ્યા. એવા સાવ સાદા કપડા જોઇને તો અક્ષરા આઘાતમાં આવી ગઇ. આજ સુધી મા ની પર્સનાલિટી કેવી હતી? મા ને કપડાનો શોખ કેવો હતો ? અત્યંત સુરુચીપૂર્ણ અને વ્યવસ્થિત.  ઘરમાં પણ ક્યારેય મા ને કડક આર-ઇસ્ત્રી વાળા કપડા સિવાય જોયા નહોતા. મનમાં હતું કે આજ સુધી મા જેવી રીતે જીવ્યા છે એવા જ ઠાઠમાં મા હોય ને !! પણ આજે સાચા અર્થમાં  મા એ સિદ્ધ કરી દીધું કે  એમના પ્રાણે એમની પ્રકૃતિને પણ વિસારે પાડીને સાચા અર્થમાં ઇશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કરી લીધુ છે.

અંતિમ સમયે કોઇ બઘવાઇને કંઇ ભુલી જવાય એના કરતાં પહેલેથી જ ઘી નો દિવો, કંકુ ચંદન અને વાસ્ક્ષેપ પણ કઢાવી લીધા. શરીરનો નાશ થાય ત્યારે શરીરમાં અશુદ્ધિ ઉભી થતી હોય એટલે છેલ્લે મોં મા તુલસીના પાન મુકવાના એ પણ સમજાવી દીધું છે.

મા ક્યારેક ઝબક દિવડો બનીને ટમટમે છે. ક્યારેક સંપૂર્ણ શુદ્ધિમાં રહીને વાત કરે છે. ક્યારેક મન કોઇ એક જગ્યાએ અટવાઇને ઉભુ રહી જાય છે તો ક્યારેક મન ચંચળ બનીને ભૂતકાળમાં ભ્રમણ કરી આવે છે. હવે કોઇ ક્ષણ નિશ્ચિત રહી નથી. મન શરીરની વ્યાધિઓથી મુકત થઈ રહ્યું છે .

માંડ સમજાવીને થોડું ખાતા કર્યા હતા એનાથી જેટલી ઉર્જા એકઠી થઈ હતી તે હવે ધીમે ધીમે ખર્ચાતી જાય છે કારણકે હવે ફરી એકવાર શરીર વધારાનું કશું જ સ્વીકારવાની ના પાડે છે. ચેતના ઓછી થતી જાય છે. હવે તો ડોક્ટરે મોર્ફિન આપવાની ભલામણ પણ કરી દીધી છે જેનાથી રહી સહી વેદનામાંથી મુક્તિ મળી જાય. હવે તો આંખ પણ ઉંચી કરીને નજર માંડી શકાતી નથી. ક્યારેક સહેજ ચેતનાનો અણસાર આવે છે…આંખ ખોલે છે. એક નજર જેમની પર અતૂટ વિશ્વાસ છે એવા જગત જનની અંબાજીના ફોટા તરફ મંડાય છે તો એક પલકારો છ દાયકા સુધી હર કદમ પર સાથ આપનાર સાથીની તસ્વીર સામે મંડાય છે. જાણે ક્યાં સુધી આ વિયોગનો યોગ લખાયો છે એ જાણવા ન મળવાનું હોય !!!! દિવસોમાંથી કલાકો અને કલાકોમાંથી ક્ષણોની ગણતરી શરૂ થઈ રહી છે. કોને ખબર સ્વીકારી લીધુ છે અને તેમ છતાં ય ટાળવાની મથામણ થતી રહે છે એ ક્ષણ ક્યારે આવીને ઉભી રહેશે…

 

Advertisements

Entry filed under: '' મમ્મીજી ''.

નૂતન વર્ષાભિનંદન ફિલ્મ રિવ્યુ -બાજીરાવ મસ્તાની

13 ટિપ્પણીઓ

  • 1. મૌલિક રામી "વિચાર"  |  નવેમ્બર 19, 2015 પર 2:42 એ એમ (am)

    🙂 ખુબજ રસપ્રદ

  • 2. pravinshastri  |  નવેમ્બર 19, 2015 પર 3:54 એ એમ (am)

    રાજુલબેન મારી પોતાની મનોસ્થિતિનો શબ્દઃ ચિતાર. ડાયાબિટિઝ, બે વાર ઈ.આરમાંથી સીસીયુમાં. ૨૦૦૪માં જબરો હાર્ટ એટેક( સ્વર્ગ ૩૦ સેકંડ છેટું હતું) ચાર સ્ટેન્ટ રોજના પાંચ હાઈયુનિટ ત્રણ જાતના ઈન્સ્યુલિન અને રોજની ૧૮ પિલ્સ સાથે મોજ થી શિખંડ-આઈસ્ક્રિમ-પિઝા ઉડાઉં છું. હસતો હસાવતો રહું છું. હું તો મારા પત્નીને ફરીથી સિંગલ બનાવવા ઉત્સુક છું પણ એ નથી માનતી. જો કમનશીબે એ જો વહેલી ભાગશે તો એની જ પેટીમાં મારી બધી જ મેડિસીન મૂકાઈ જશે. હા મેં પણ ઘરમાં એ જ કહ્યું છે કે એનેસ્થેસીયા, ઓક્સીજન અને મોર્ફિન સિવાય કશું જ નહીં. આપની આ વાત આદર અને આભાર સહિત રિબ્લોગ કરું છું.

  • 3. pravinshastri  |  નવેમ્બર 19, 2015 પર 3:55 એ એમ (am)

    Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
    રાજુલબેન મારી પોતાની મનોસ્થિતિનો શબ્દઃ ચિતાર. ડાયાબિટિઝ, બે વાર ઈ.આરમાંથી સીસીયુમાં. ૨૦૦૪માં જબરો હાર્ટ એટેક( સ્વર્ગ ૩૦ સેકંડ છેટું હતું) ચાર સ્ટેન્ટ રોજના પાંચ હાઈયુનિટ ત્રણ જાતના ઈન્સ્યુલિન અને રોજની ૧૮ પિલ્સ સાથે મોજ થી શિખંડ-આઈસ્ક્રિમ-પિઝા ઉડાઉં છું. હસતો હસાવતો રહું છું. હું તો મારા પત્નીને ફરીથી સિંગલ બનાવવા ઉત્સુક છું પણ એ નથી માનતી. જો કમનશીબે એ જો વહેલી ભાગશે તો એની જ પેટીમાં મારી બધી જ મેડિસીન મૂકાઈ જશે. હા મેં પણ ઘરમાં એ જ કહ્યું છે કે એનેસ્થેસીયા, ઓક્સીજન અને મોર્ફિન સિવાય કશું જ નહીં. આપની આ વાત આદર અને આભાર સહિત રિબ્લોગ કરું છું.

  • 4. parul shah  |  નવેમ્બર 19, 2015 પર 3:50 પી એમ(pm)

    Nishabd

  • 5. Rajul Kaushik  |  નવેમ્બર 19, 2015 પર 4:36 પી એમ(pm)

    આભાર પ્રવીણભાઈ .
    આ મેં જેના માટે લખ્યું છે એ મારી પોતાની મા ની વાત છે અને ગઈ કાલે જ એણે ઈચ્છયું હતું એમ એણે સમાધિ અવસ્થામાં જ વિદાય લીધી .
    પ્રભુ એના આત્માને શાંતિ અને સદગતિ આપશે એવી શ્રધ્ધા છે .

  • 6. ઇન્દુ શાહ  |  નવેમ્બર 19, 2015 પર 6:40 પી એમ(pm)

    રાજુલબેન આ વાંચતા મારી માની છેલ્લી ક્ષણૉ યાદ આવી ગઈ, આંખ ભીની થઈ.
    પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે અને આપ સૌને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના સાથે.

  • 7. Deejay.Thakore.  |  નવેમ્બર 20, 2015 પર 3:11 એ એમ (am)

    કેટલાં નશીબદાર કે માંગ્યા મુજબ મોત મેળવી શક્યાં.પ્રભુ તેમના આત્માને શાંતી આપે અને આપ સર્વેને વિયોગ સહન કરવાની શક્તી આપે.

  • 8. Rajul Kaushik  |  નવેમ્બર 20, 2015 પર 3:26 એ એમ (am)

    🙏🏼🙏🏼

  • 9. Rajul Kaushik  |  નવેમ્બર 20, 2015 પર 3:27 એ એમ (am)

    🙏🏼🙏🏼

  • 10. Jigisha  |  નવેમ્બર 20, 2015 પર 6:10 એ એમ (am)

    Raju khoob sundar shabdchitra.mom ni Jivan philosophy ne shabdchitra ma Saras rite aalekhi Che.mom hamesha aapni aaspas j hashe.

  • 11. Rajul Kaushik  |  નવેમ્બર 20, 2015 પર 11:09 પી એમ(pm)

    આભાર ઇન્દુબેન

  • 12. Rajul Kaushik  |  નવેમ્બર 20, 2015 પર 11:13 પી એમ(pm)

    જીગીષા તારી વાત સાચી –મમ્મી પપ્પા વગર તો આપણે હંમેશા અધુરા જ….

  • 13. Rajul Kaushik  |  નવેમ્બર 20, 2015 પર 11:16 પી એમ(pm)

    આપની વાત સાચી આવી રીતે કલ્પના સાકાર થાય એ નસીબદાર તો ખરા જ..


Blog Stats

  • 95,849 hits

rajul54@yahoo.com

Join 882 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

નવેમ્બર 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   ડીસેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: