દિલ ધડકને દો – film reviews –

જૂન 9, 2015 at 3:34 પી એમ(pm) 2 comments

dil-dhadakne-do

બેવડી જીદંગી અને ડબલ ચહેરા એ આજના અત્યંત  સોફેસ્ટીક સોસાયટીના મહોરા બની ગયા છે. અંદરખાને થી ઉકળતા ચરુ પર સરસ મઝાનું પ્લાસ્ટીકિયુ સ્મિત લેપીને સોસાયટીમાં ઇજ્જત બનાવી રાખવી પડે એ પણ હવે એટલું જ જરૂરી બની ગયું છે. બહારથી અત્યંત નજદીકિ ધરાવતા એક છત નીચે રહેતા બે લોકો  ક્યારે એકબીજાથી અજનબી બની જતા હશે એની તો એમને પણ ખબર નહી રહેતી હોય.

દિલ્હીના ધનવાન કહેવાતા કમલ મહેરા ( અનિલ કપૂર ) અને નિલમ ( શેફાલી શાહ)ને પણ આવા જ એક છત નીચે રહેતા બે અજનબી જ કહી શકાય.. અન્યની દ્રષ્ટિએ સુખી દેખાતુ આ યુગલ  સાચે જ કેટલું સુખી છે એ તો જ્યારે જોઇએ ત્યારે જ  સમજાય. કમલ મહેરાએ હંમેશા તેની પત્નિ કરતાં તેના બિઝનેસને વધુ મહત્વ આપ્યું છે અને નિલમે તેના ઘરની તમામ વ્યક્તિઓને.

કમલ મહેરાનો દિકરો કબીર (રણવીર સિંહ) જેને કમલ મહેરા  પોતાના ઢાંચામાં ઢાળવા મથે છે જે કબીરને  મંજૂર નથી. કબીરની બહેન આયશા ( પ્રિયંકા ચોપરા)  તેના પિતાની કંપનીના મેનેજરના દિકરા સની( ફરહાન અખ્તર)ને ચાહતી હોવા છતાં તેના લગ્ન બિઝનેસ મેન માનવ ( રાહુલ બોઝ) સાથે થઈ ચુક્યા છે. આયશાને હવે તેના પતિથી છૂટાછેડા લેવા પડે એવી મનોદશાએ બંને પહોંચે છે.

કમલ મહેરાની ત્રીસમી લગન જયંતિ ઉજવવા આ આખો પરિવાર મિત્રો સાથે દસ દિવસની ક્રૂઝ પ્લાન કરે છે. આ ટ્રીપમાં કબીરની મુલાકાત ડાન્સર ફરાહ ( અનુષ્કા શર્મા ) સાથે થાય છે અને લવ એટ ફર્સ્ટ સાઇટની દશાએ કબીર આવીને ઉભો રહે છે.જ્યારે કબીરના લગ્ન કમલ તેના બિઝનેસને બચવવા અત્યંત ધનાઢ્ય દોસ્ત સૂદની પુત્રી નૂરી ( રિધ્ધિમા ) સાથે કરવા માંગે છે. આ તમામ પાત્રોને વચ્ચે એક અન્ય જીવ પણ અટવાયેલો છે અને તે છે પ્લૂટો. પ્લૂટો મહેરા પરિવારનો માનિતો શ્વાન છે. ( આવા પરિવારના પાલતુ પ્રાણીનો પણ સારી રીતે જ ઉલ્લેખ કરવો પડે.)

આ આખુ ગુંચવાયેલું કોકડું કેવી રીતે ઉકલશે?

“જીંદગી ના મિલેગી દો બારા”ની જેમ ઝોયા તેની ફિલ્મોમાં  દુનિયાની સફરની સાથે જીવનની સફરને વણી લે એવું ફરી એક વાર બની રહ્યું છે. ફિલ્મને માંગ પ્રમાણે ઝોયાએ માનવ મનની ભાવનાની સાથે સાથે ઇસ્તાંબુલ, , તુર્કી, ટ્યુનિશીયા, ફ્રાંસ, ઈટલીની સફર કરાવી છે. રાસ રમતા જેમ ગોફ ગુંથાય અને વળી પાછો ગોફ ઉકેલાતો જાય એમ અહીં લાગણીના તાણાવાણા વણાયા છે અને ડિરેક્ટરે એને નાજુકાઇથી ઉકેલવાનો સફળ પ્રયાસ કર્યો છે. ફિલ્મ જીવનના સાચા ખોટા સંબંધોના તાણાવણાથી ગુંથાઇ છે. ઝોયાએ તમામ પાત્રો પાસેથી ખુબસુરતીથી કામ લીધુ છે. ફિલ્મ મધ્યાંતર બાદ વધુ રસપ્રદ બનતી જાય છે.  ફિલ્મના પાત્રોની એકબીજા પ્રત્યેની લાગણીઓના ચઢાવ- ઉતાર  સાથે હળવી પળોનો તાલમેલ સરસ જળવાયો છે. કોઇજાતની  સબળ કથા વગર પણ ઝોયાએ સચોટ સંવાદો અને પાત્રોની લાગણીઓની અભિવ્યક્તિથી આખી ફિલ્મ સફળ બનાવી છે. ઝોયા તેમજ રિમા કાગદીએ  ક્યારેક હળવાશથી પણ જે કહેવું હોય તે કહેવાઇ જાય અને તેમ છતાં તે જરાય આડંબરી ન લાગે એવી પુરતી તકેદારી રાખી છે. પરિણામે કોઇ એક ક્ષણ પણ વેડફાઇ નથી.

ફિલ્મ માત્ર અદાકારોની અદાકારીથી જ બને તેવું નથી પરંતુ દિગ્દર્શકની પણ કમાલ એટલી જ જરૂરી છે. ફિલ્મમાં  જનરેશન ગેપ જે રીતે દર્શાવવામાં આવ્યો છે એ આજકાલની વાસ્તવિકતાનું જ સાચું પ્રદર્શન છે. યુવા પેઢી જે મુક્ત રીતે પોતાના વિચારો અને સંવેદનાઓ પ્રગટ કરી શકે છે તેમાં કદાચ તેમના માતા-પિતાની કહેવાતી પરિપક્વ પેઢી કરતા વધુ પરિપક્વતા જોવા મળે છે.

અનિલ કપૂર જે  “લમ્હે” ફિલ્મમાં જે પુખ્ત અભિનય આપ્યો હતો એ જ પુખ્તતાથી એણે કમલના પાત્રને નિભાવ્યુ છે. અભિનયમાં અનિલ કપૂર અવ્વલ રહે છે. દિલ્હીના બિઝનેસ ટાઇકૂનની પર્સનાલિટીને એણે શોભાવી છે. પત્નિ, પુત્ર અને પુત્રી કરતાં પણ બિઝનેસને મહત્વ આપતા કમલ મહેરાની ઝલકમાં પોતાની જાતને જ સૌથી વધુ મહત્વ આપતા સ્વ-કેન્દ્રી પુરુષને અનિલ કપૂરે યોગ્ય ન્યાય આપ્યો છે. સોસાયટીમાં પોતાનું સ્ટેટસ અકબંધ રહે તે માટે અને પોતાના બિઝનેસને બચાવવા  દિકરી કે દિકરાની લાગણીને દાવ પર મુકી શકે એવો પિતા એક સમય આવે સંતાનો માટે અગ્રેસિવ  પણ બને એવી બેવડું વ્યક્તિત્વ અનિલ કપૂરે સરસ રીતે નિભાવ્યું છે.

શેફાલી શાહ ક્યારેક દેખા દે છે પરંતુ જ્યારે એ રૂપેરી પરદા પર આવે છે ત્યારે એની નોંધ લેવી પડે એવી હાજરી પુરાવી જાય છે. બિઝનેસમાં રચ્યા પચ્યા રહેતા પતિની પત્નિ તરફની અવહેલના પણ જાહેરમાં ચહેરા પર સ્મિત લેપીને સહી લેતી પત્નિની ભૂમિકામાં શેફાલીએ  સબળ અભિનય આપ્યો છે. પત્નિની હતાશા, ગુસ્સો , પરિવારની ચિંતા આ તમામ લાગણીઓના કોકટેલને જાણે એણે ઘોળીને પી લીધું હોય એવી અભિવ્યક્તિ એના અભિનયમાં છલકાય છે. અનિલ કપૂર અને શેફાલી શાહની કેમેસ્ટ્રી ફિલ્મના અન્ય અને વધુ તાજગી ભર્યા કલાકારો કરતાં પણ વધુ અપીલિંગ લાગે છે.

પ્રિયંકા ચોપરા અને રણવીર સિંહને ભાઇ-બહેનના પાત્રમાં સ્વીકારવા મઝાના લાગે છે. ભાઇ-બહેન વચ્ચેના નિખાલસ સંબંધો અને માતા-પિતા સાથે બે પેઢી વચ્ચેના મતભેદ બંને કલાકારોના અભિનયથી નિખર્યા છે. આજ સુધી જોયેલા તમામ પાત્રો કરતાં અહીં રણવીર સિંહની અલગ  પ્રતિભા દેખાઇ. ફિલ્મમાં લગભગ રણવીર થકી જ હળવાશની પળો પિરસાઇ છે. એકલા હાથે બિઝનેસને ઊંચાઇ પર લઈ જતી પરંતુ લગ્ન જીવનની નિષ્ફળતાને સહી ન શકતી આયેશાના પાત્રમાં પ્રિયંકાએ ખુબ સરસ અભિનય આપ્યો છે.

અનુષ્કા શર્મા અને  ફરહાન  અખ્તરને જોઇએ તેટલી મોકળાશ મળી નથી તેમ છતાં બંને એ જેટલો અવકાશ મળ્યો તેને ભરવા સફળ આયાસ કયો છે. ફરહાન અખ્તર થોડામાં ઘણું કહી જાય છે.અનુષ્કા અને ફરહાન નિવડેલા કલાકારો છે પરંતુ નૂરીના પાત્રમાં રિધ્ધિમાનો નવો ચહેરો પણ પ્રેક્ષકોની નજરમાં  વસી જાય છે. મહેરા પરિવારના દરેક સદસ્ય જે રીતે એકબીજા સાથે ઉલઝન અને સંવેદના વચ્ચે અટવાય છે એમાં એક એવો સદસ્ય પણ છે કે જે જાણે આખા પરિવારનો સૂત્રધાર હોય રજૂ થયો છે. મહેરા પરિવારનો શ્વાન- પ્લૂટો – જેને આમિરખાનનો અવાજ મળ્યો છે એના લીધે એ ખાસ બની જાય છે.

અને માત્ર આટલા જ પાત્રોથી આખી ફિલ્મ ક્યાં પુરી થવાની ? આ તમામ પાત્રોની સાથે જોડાયેલા અને તેમની આસપાસ ઘુમતા બીજા અનેક પાત્રોને પણ તેમની વાત કહેવાનો જરૂરિયાત પુરતો અવકાશ આપવામાં આવ્યો છે. દરેક એક પાત્રની અલગ ઓળખ છે અને એ  દરેક  પાત્ર પોતાની એક વાત લઈ આવે છે અને તેમાં ઉચ્ચ વર્ગના લોકોની માનસિકતાનું આબેહુબ ચિત્ર ઝીલાયું છે.

ફિલ્મના ગીત સંગીત સાથે જાવેદ અખ્તર અને શંકર અહેસાન લોયના નામ સંકળાયેલા હોવાથે પ્રેક્ષકોની અપેક્ષા વધી જાય પરંતુ એ અપેક્ષા અસંતોષાયેલી રહે છે.
સરસ મઝાના લોકેશનની સફરમાં નિકળેલા પરિવારને આપણા પરિવાર સાથે બેસીને સમજી શકાય , માણી શકાય . કારણકે આ કથા ઝોયાને રજૂ કરી છે પણ બની શકે કે એ આપણી આસપાસ વસતા પરિવારમાંથી પણ કોઇની પણ હોઇ શકે.

કલાકારો- અનિલ કપૂર, રણવીર સિંહ, પ્રિયંકા  ચોપરા, અનુષ્કા શર્મા, ફરહાન અખ્તર, શેફાલી શાહ, રાહુલ બોઝ, રિદ્ધિમા

નિર્માતા- રિતેશ સિધવાની, ફરહાન અખ્તર

નિર્દેશક- ઝોયા અખ્તર

ગીત- જાવેદ અખ્તર

સંગીત- શંકર અહેસાન લોય

ફિલ્મ ***૧/૫ એક્ટીંગ ***૧/૫ મ્યુઝીક ** સ્ટોરી ***

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

Entry filed under: - film reviews -.

લાજવાબ-સાન ફ્રાન્સિસ્કો (યુ.એસ.એ) બજરંગી ભાઇજાન- ફિલ્મ રિવ્યુ.

2 ટિપ્પણીઓ

 • 1. pravinshastri  |  જૂન 9, 2015 પર 7:46 પી એમ(pm)

  રાજુલબેન મેં પહેલાં પણ જણાવ્યું હતું કે ફિલ્મ જોવાનો ખાસ અવકાશ નથી. આમ છતાં ફિલ્મની કથાઓ અને તેના રિવ્યુની વાતો વાંચતો રહું છું. બોલીવુડ-હોલીવુડથી એ રીતે જ માહિતગાર રહું છું. તમારા રિવ્યુઝ મેં જાતે ફિલ્મ જોઈ અને માણી છે એવો અહેસાસ કરાવે છે. વાંચું છું અને વાંચતો રહીશ.

  Liked by 2 people

 • 2. Rajul Kaushik  |  જૂન 9, 2015 પર 8:36 પી એમ(pm)

  આભાર પ્રવિણભાઇ.

  Like


Blog Stats

 • 99,874 hits

rajul54@yahoo.com

Join 955 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જૂન 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   ઓગસ્ટ »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: