ફિલ્મ રિવ્યુ -“હાઇવે “
“જબ વી મેટ”, ” લવ આજ કલ” ,”રોકસ્ટાર” જેવી ફિલ્મોથી પ્રેક્ષકોના મનમાં એક ઇમેજ ઉભી કરનાર દિગ્દર્શક ઇમ્તિયાઝ અલિની ફિલ્મ “હાઇવે ” વર્તમાન સમયની અત્યંત મારધાડ વાળી ફિલ્મો કરતા જરા જુદી કથા લઈને રજૂ થઈ છે. દિગ્દર્શનના માહીર ઇમ્તિયાઝમાં પ્રણય દ્રષ્ટીકોણ દર્શાવવાની અજીબ આવડત છે. “લવ આજ કલ”માંરજૂ થયેલી પ્રેમની અવઢવભરી મુગ્ધાવસ્થા હોય કે રોકસ્ટારની અજબ જેવી પ્રેમક્થા હોય ઇમ્તિયાઝ અલગ અંદાજથી એ રજુ કરવામાં સફળ રહ્યા છે.દિગ્દર્શનની બારીકી , કથાની માવજત ઇમ્તિયાઝ અલિની ખુબી છે. ફિલ્મ “હાઇવે”માં પ્રથમ દ્રષ્ટીનો પ્રેમ પણ નથી કે નથી યુવાવયની મુગ્ધાવસ્થા. અહીં તો છે માત્ર સલામતીભરી સ્થિતિમાં વિકસતી સમજણ અને એ સમજણ વચ્ચે ઉગતા કુણા સ્પંદનો.
ધનાઢ્ય બીઝનેસ ટાયકુનની દિકરી વીરા (આલિયા ભટ્ટ)નુ અપહરણ અને એ જ અપહરણ કર્તા મહાબીર ભટી ( રણદીપ હુડા) સાથે ની સફર એટલે ફિલ્મ” હાઇવે”. શરૂઆતમાં ભાગી છટવા માંગતી વીરાનુ અપહરણ કરીને પોલિસથી બચવા સતત ભાગતા રહેતા મહાબીરના સથવારે વીરા પોતાની જાતને મહેફુસ અને કદાચ વધુ સલામત અનુભવવા લાગે છે. બાળપણથી એક ડર-એક ભયની ગ્રંથી લઈને જીવતી વીરાના મનમાં હવે મહાબીરથી બચીને પોતાના ઘેર જવા કરતા મહાબીર સાથે ફરતા રહેવાની વધુને વધુ ઉંડી ઇચ્છા ઉભી થવા લાગે છે. જ્યાંથી નિકળી છે ત્યાં વીરાને પાછા નથી જવુ કે નથી એને ક્યાંય પહોંચવુ બસ એને તો મહાબીર સાથે જેનો કોઇ અંત ન જ ન હોય એવી સતત એક લાંબી સફર ખેડ્યા કરવી છે. મહાબીરથી ડરતી વીરા ધીમે ધીમે ખુલતી જાય છે. એના બાળપણની દર્દનાક સ્મૃતિઓની એ મહાબીર સાથે
મન ખોલીને વાત કરતી થાય છે.
પરંતુ જેની સાથે સફર ખેડવી છે એ મહાબીર પોલિસ ફાયરીંગમાં મૃત્યુ પામે છે.સ્તબ્ધ વીરાને પાછી એના ઘેર મોકલવામાં આવે છે પણ બાળપણની ન ટાળી શકાય એવી પરિસ્થિત અને ત્રસ્ત યાદો સાથે હવે વીરાને પોતાના ઘેર નથી રહેવુ . અંતે વીરા મહાબીર જ્યાંથી એનાથી હંમેશ માટે છુટો પડ્યો ત્યાં એ જ હીલ સ્ટેશન પર હંમેશ માટે મહાબીરની યાદો સાથે એની બાકીની સફર પુરી કરવા પાછી આવે છે.
“જબ વી મેટ” કે “દિલ હૈ કે માનતા” નહી જેવી આ સુહાની સફર નથી .ફિલ્મમાં મનમાં એક કાળી છાયા લઈને જીવતી વીરા છે તો સાથે સરેરાશ કઠોર બાળપણ ધરાવતો મહાબીર છે પણ આ કાલિમા કે કઠોરતા ધરાવતા મનમાં લાગણી
કુણા સ્પંદનો ઉગે છે અને લંબાતા રહેતા હાઇવે ને સહ્ય બનાવે છે.અજમેર શરિફથી શરૂ થયેલી આ સફર આગળ જઈને હિમાલયના રમણીય હરિયાળા, ખળખળ વહેતા પાણી સુધી વહે જાય છે.
ઇમ્તિયાઝ અલિ પોતાની ફિલ્મોના કલાકારો પાસે ઉત્તમ અભિનય લઈ શકે છે.કરિના કપૂર ,રણવીર કપૂર અને દિપિકા પાદુકોણ નો દાખલો આપણી નજર સામે છે જ. “સ્ટુડન્ટ ઓફ ધ ઇયર ” પછી આ બીજી જ ફિલ્મોમાં અલિયા ભટ્ટ આવો સુંદર અને પક્વ અભિનય આપે એ ઇમ્તિયાઝ અલિની કમાલ છે. સરળ અને સુંદર દેખાતી આલિયા અભિનયમાં પણ આટલી મંજાયેલી હોઇ શકે ? નજાકત સાથે સશક્ત અભિવ્યક્તિનો સુંદર સમન્વય આલિયાએ અત્યંત સરસ જાળવ્યો છે.
અપહરણકર્તાના બાનમાં પણ મુક્ત પંખીની જેમ ચહેકતી આલિયા ફિલ્મનુ હળવુ પાસુ બની રહી છે. સતત ચહેકતી વીરાની મહાબીરના અંત સમયની વ્યાકુળતા અને છટપટાહટ આલિયાએ બાખુબી નિભાવી છે.
“વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ” , “હિરોઇન”, “સાહેબ બીબી ઔર ગેંગસ્ટર” જેવી ફિલ્મો કર્યા છતાંય રણબીર હુડા હજુ ફિલ્મોના મુખ્ય અભિનેતા તરિકે જોઇએ એટલો આગળ આવ્યો નથી. મહદ અંશે ક્રુર, કઠોર દેખાતા મહાબીરના દિલમાં પ્રેમનો આવિર્ભાવ જાગ્યા પછી વીરા તરફની કુમાશભરી વર્તણુકનો આસમાન જમીન જેવો તફાવત રણદીપ હુડાએ સફળ રીતે નિભાવ્યો છે.ભાવનાઓના ચઢાવ ઉતાર પણ સંયમભર્યા અભિનય દ્વારા વ્યક્ત થઈ શકે એ રણદીપ હુડાએ સાબિત કર્યુ છે.
મસ્તીખોર, બોલકણી વીરા અને આંગળીના વેઢે ગણાય કે ત્રાજવે તોળીને બોલાય એટલુ બોલતા મહાબીર વચ્ચેની સંવાદિતા પ્રેક્ષકોને સ્પર્શી જાય છે. સભ્ય સંસ્કારી પરિવારની પુત્રી વીરા અને પાયા વગરનો પરિવાર ધરાવતા મહાબીરની અસમાનતાને આલિયા અને રણદીપે સરળતાથી નિભાવી છે. બે વ્યક્તિ વચ્ચે ઉમરનો તફાવત ,સંસ્કારભેદ હોવા છતાં એ ગૌણ બની જાય એવી સ્થિતિ શક્ય બનતી આપણે જોઇ શકીએ છીએ.
ઇર્શાદ કામિલના ગીતો અને એ.આર રહેમાનનુ સંગીત અપેક્ષાઓના આસામાન સુધી નથી પહોંચી શક્યુ.
સો કરોડની યાદીમાં આવતી ફિલ્મોથી અલગ પડતી ફિલ્મ હાઇવે થોડી ટુંકાવામાં આવી હોતો એ વધુ અસરકારક બની રહેત. પરંતુ એ સો કરોડની યાદીમાં આવતી મારધાડની ફિલ્મો થી કંઇક જુદુ જોવાની ઇચ્છા ધરાવતા પ્રેક્ષકો માટેની આ ફિલ્મ છે.
કલાકારોઃ રણદીપ હુડા, આલિયા ભટ્ટ, મુકેશ છાબરા
નિર્માતાઃ ઇમ્તિયાઝ અલિ
નિર્દેશક: ઇમ્તિયાઝ અલિ , સાજીદ નડિયાદવાલા
સંગીતઃ એ.આર. રહેમાન
ગીતકારઃ ઇર્શાદ કામિલ
ફિલ્મ *** ૧/૫ એક્ટીંગ *** મ્યુઝીક ** સ્ટોરી **
Entry filed under: ફિલ્મ રિવ્યુ.
Recent Comments