Archive for July 28, 2013
રમૈયા વસ્તાવૈયા – film reviews –
તેલુગુ ફિલ્મ ‘નુવ્વોસ્તાનાંતે નુવ્વોસ્તાનાંતે’ની હિંદી રિમેક રમૈયા વસ્તાવૈયા ‘મૈ ને પ્યાર કિયા’ની આછી ઝલક જેવી છે. ફિલ્મમાં રામ(ગીરીશ કુમાર) એનઆરઆઈ છે અને તે ભારત આવે છે. તેની મુલાકાત સોના(શ્રુતિ હસન) સાથે થાય છે અને તે તેને દિલ દઈ બેસે છે. સોના રામની કઝિનની ખાસ મિત્ર હોય છે. સોના સીધી સાદી પંજાબી દેહાતી યુવતિ હોય છે જે રામની ગર્વીલી અમીર મા( પૂનમ ધીલ્લોન) ને જરાય પસંદ નથી .મા ની નામરજી પારખીને, મા ની મરજી ઉવેખીને રામ પોતાની પ્રેમિકા પાછળ પાછળ પંજાબ સુધી આવી જાય છે.અમીર-ગરીબ વચ્ચેનો ભેદ વર્ષોથી ચાલતો આવ્યો છે અને અહીં પણ એ જ પ્રેમની આડે આવે છે.
સોનાનો ભાઈ સોનુ સૂદ જે પિતાથી ત્યકતાયેલી મા ના મૃત્યુ બાદ પોતાની બહેનને અત્યંત ચાહતો હોય છે એ
રામને પડકાર ફેંકે છે કે જો તે ખેતરમાં વધારે પાક લાવીને બતાવશે તો જ તે તેની બહેનના લગ્ન તેની સાથે કરશે. એક વિદેશી શું સોનુ સૂદનો પડકાર ઝીલી શકશે?
મસાલા ફિલ્મ બનાવવા માટે જાણીતા પ્રભુદેવા આ વખતે ‘રમૈયા વસ્તવૈયા’ લઈને આવ્યા છે. પ્રભુદેવા ચાહકોની નાડ સારી રીતે પારખી શકે છે. સલમાનની ‘વોન્ટેડ’ ,અક્ષય કુમારની’રાઉડી રાઠોર’ જેવી ફિલ્મ હજુય પ્રેક્ષકોના સ્મરણપટ પર તાજી જ હશે આથી જ કુમાર તૌરાનીએ પોતાના પુત્ર ગીરીશ કુમારને પ્રભુદેવા સાથે જ લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે.
પ્રભુની આ ફિલ્મ અન્ય ફિલ્મ્સની જેમ જ મસાલાથી ભરપૂર હોવા છતાં વાર્તામાં કંઈ જ નવું જ નથી. આ પ્રકારની ફિલ્મ આ પહેલાં આપણે અનેકવાર જોઈ ચૂક્યા છીએ.
ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન “ના ન્યાયે સામાન્ય રીતે ન્યુ કમરની એન્ટ્રી એટલી શાનદાર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે એ લગભગ પ્રેક્ષકોના માનસપટ પર છવાઇ જાય પરંતુ એના બાળ સહજ ચહેરા અને ઉટપટાંગ હરકતોના લીધે ગીરીશકુમારને ફિલ્મના મધ્યાંતર સુધી હીરો તરીકે સ્વીકારતા મન પાછુ પડે છે. મધ્યાંતર પછી ધીમેધીમે એનો આ જ નિર્દોષ ચહેરો એના તરફ સહાનુભૂતિનુ કારણ પણ બને છે.
શ્રુતિ હાસનનો સૌમ્ય અને સાહજીક દેખાવ સોનાના પાત્રને એકદમ અનુકૂળ છે .
ફિલ્મમાં સૌથી સબળ અભિનય હોય તોતે સોનુ સુદનો. પિતા પરસ્ત્રી માટે માતાને તરછોડી દે છે એના આઘાતથી મા મૃત્યુ પામે છે ત્યારે નાનપણથી માંડીને એક માત્ર બહેન જ જેના જીવવાનુ કેન્દ્ર છે એવા ભાઇના રોલમાં સોનુ સુદે ખુબ સુંદર અભિનય આપ્યો છે.જીવવા માટે ઝઝૂમવુ પડે એવી પરિસ્થિતિમાં ઉગીને ઉભા થયેલા રઘુમાં એક જાતની કઠોરતા હોવા છતાં હ્રદયથી ખુબ માસૂમ છે એવા ભાઇની લાગણી વ્યકત કરવામાં સોનુ અત્યંત સફળ રહે છે. શારીરિક સૌષ્ઠવ ધરાવતો આ અભિનેતા માત્ર આંખોથી પણ અભિનય આપી શકે છે એ અહીં જોયુ.
નાનપણથી જેના સધિયાથી બે ભાઇ -બહેન ટકી જાય છે એવા સ્ટેશન માસ્તર શ્રીકાંત ભાર્ગવના પાત્રમાં વિનોદ ખન્ના પ્રેક્ષકોના મનને સ્પર્શી જાય છે. આજ સુધીની પૂનમ ધીલ્લોનની સૌમ્ય ઇમેજથી વિરૂધ્ધ પૈસાના તોરમાં અત્યંત ગુમાની અશ્વિનિના પાત્રમાં જરાય જચતી નથી તો રણધીર કપૂરનો તો ઉલ્લેખ જ ન કરીયે તો પણ કશો જ ફરક ન પડે એવુ સિધ્ધાર્થનુ પાત્રાલેખન થયુ છે.
પ્રભુદેવાની ફિલ્મ ‘ રમૈયા વસ્તાવૈયા માં કોમેડી, રોમાન્સ , એક્શન બધુ જ હોવા છતાં એમાંનુ કશુ જ મનને સ્પર્શી જાય એવી કક્ષાનુ નથી. ફિલ્મની શરૂઆતમાં એક વાર કહેવાયુ છે કે” ક્યા ઘીસી પીટી બાતેં કર રહે હો કુછ નયા કહો ના”. બસ પ્રભુદેવાની આ ફિલ્મ માટે પણ એવુ જ કહેવાનુ મન થાય છે.
કલાકારોઃ ગીરીશકુમાર, શ્રુતિ હાસન, વિનોદ ખન્ના, સોનુ સૂદ, પૂનમ ધીલ્લોન, રણધીર કપૂર,
ગોવિંદ નામદેવ
નિર્માતાઃકુમાર તૌરાની
નિર્દેશકઃપ્રભુદેવા
સંગીતઃસચિન જીગર
ફિલ્મ** એક્ટીંગ** મ્યુઝીક** સ્ટોરી*
ડી-ડૅ – film reviews –
કલ હો ના હો’ જેવી હીટ ફિલ્મની સાથે જેનુ નામ સંકળાયેલુ છે એવા દિગ્દર્શક નિખિલ અડવાણીની ફિલ્મ સામાન્ય ધારણા કરતા અલગ કથા લઈને
આવી છે. ફિલ્મ ઇન્ડિયા’ઝ મોસ્ટ વોન્ટેડ ટેરરીસ્ટ કે એના ખોફનુ પ્રદર્શન નથી બલ્કે ફિલ્મ આ ઇન્ડિયા’ઝ મોસ્ટ વોન્ટેડના ખોફ ને ખતમ કરવા
ઝઝૂમતા રૉ ના ઓફીસર્સની જીવ સટોસટ કાર્ય દક્ષતાની કથા છે.
પાકિસ્તાનમાં પનાહ લઈ બેઠેલા અને હિન્દુસ્તાનમાં જીવલેણ હુમલા કરાવતા ટેરરીસ્ટને ઝબ્બે કરવા માથુ હાથમાં લઈને જ મરણીયા કરવા પડશે એવી માનસિક તૈયારી કરીને નિકળેલા ચાર ઓફિસર રૂદ્ર પ્રતાપ ( અર્જુન રામપાલ) , વલી ખાન )ઇરફાનખાન ,ઝોયા રેહમાન( હુમા કુરેશી)અને અસ્લમ ( આકાશ દહિયા)ની આ કથા છે. કથા કરતા ય કાર્યશૈલીની આ ફિલ્મ છે એવુ કહીએ તો વધુ યોગ્ય રહેશે.
હિન્દુસ્તાની જાસૂસ જરૂર એ જાણતા જ હોય છે કે માથા સાટે મોત જ મળવાનુ છે . ક્યાંતો એ કોઇ ઓપરેશન દરમ્યાન હોઇ શકે અથવા તો પાકિસ્તાની પોલિસના હાથે . મોત મળે તો એ વધુ ગનીમત પણ જો જીવતા પકડાયા તો પાકિસ્તાની જેલમાં કેટલી હદે યાતના વેઠવી પડશે , કેટ કેટલો જુલમ વેઠવો પડશે એ જાણતા જ હોય છે તેમ છતાં વતન માટે એમની એ ખોફનાક પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી હોય જ છે. હૈદરાબાદના જ શા માટે દુનિયાભરમાં
બોમ્બબ્લાસ્ટમાં કેટલાય લોકોની જાન જતી હોય છે ? અને તેમ છતાં એનો દોરી સંચાર જેના હાથમાં
એ સલામત રહીને કેવી નિશ્ચિંતતાથી -ઠંડા કલેજે દૂર બેઠા આ આતંક ફેલાવી શકે છે એવા ઇકબાલ શેઠ ( રિશી કપૂર)ની આ ફિલ્મ છે.
એક્શન થ્રીલર ફિલ્મ જેવી આ ફિલ્મ ‘ડી-ડૅ’ દેશદાઝ- કિન્નાખોરીની સાથે માનવીય લાગણીઓ, વેદનાઓ પણ યથાર્થ વ્યક્ત કરે છે..
ઇરફાન ખાન એક એવી વ્યક્તિનુ કિરદાર નિભાવી રહ્યા છે જે હિન્દુસ્તાની રૉ એજન્ટ હોવાની સાથે કરાંચીમાં પત્નિ અને પુત્ર સાથે નવ વર્ષથી વ્હાલસોયી જીંદગી જીવી રહ્યો છે .જેને પોતાના કરતા પરિવારની સલામતી અંગે સતત ચિંતિત રહેતી હોય એવા વલી ખાનના પાત્રમાં ઇરફાન ખાને ખુબ હ્ર્દય સ્પર્શી અભિનય આપ્યો છે.તલવારની ધારે ચાલતા ઇન્સાનના હ્રદયનો એક ખુણો આટલો કોમળ હોઇ શકે? વલીખાનની આ મનોદશાને પ્રેક્ષકોના મનને સ્પર્શી જાય એ રીતે વ્યક્ત કરવી એ ઇરફાનની ઉમદા અભિનય શક્તિનો પરિચય છે.દેશ પ્રત્યેની પોતાની ફરજ અને એની સામે વ્યક્તિગત જીવનની સમતુલા જાળવવામાં જાણે એક જાતની ગુનાહિત ભાવના અનુભવી રહેલા વલીખાનને ઇરફાને ખુબ સરસ રીતે રજૂ કર્યો છે.વલીખાનની પત્નિના પાત્રને શ્રિસ્વરાએ ખુબ સરસ રીતે નિભાવ્યુ છે. પતિના પ્રેફેશનથી જેને સંતોષ નથી છતાં ય પતિ તરફ ક્યાંય અસંતોષ નથી એવી પત્નિના પાત્રને સુંદર ન્યાય આપ્યો છે.
સૌથી વધુ રૌદ્ર પ્રકૃતિ ધરાવતા રૂદ્ર પ્રતાપ ( અર્જુન રામપાલ) ને અહીં ફિલ્મ ‘રાજનીતિ’ની જેમ અભિનયનો પુરતો અવકાશ સાંપડ્યો છે. જો કે ક્યારેક રૂદ્ર પ્રતાપનો પાકિસ્તાની સુરૈયા પ્રત્યેનો રાગ અને એની સાથેનો સંગ ફિલ્મમાં બીન જરૂરી ઉભી કરેલી ઘટના લાગ્યા કરે .જેનાથી ફિલ્મના કથાનકમાં કશુ ખુટવાની કે તુટવાની સંભવના જ ન ઉભી થવાને હોય એવુ બીન જરૂરી તત્વ લાગ્યા કરે.હા ! એથી કરીને રૂદ્ર પ્રતાપનો તાપ વ્યકત કરવાની શક્યતા કદાચ ઓછી થાત ખરી.
અનેક પાત્રો વચ્ચે વહેંચાયેલી કથામાં દરેકને અભિનયનો ઝાઝો અવકાશ મળે જ એવી શક્યતા ઓછી રહેતી હોય છે. હુમા કુરેશી , આકાશ અને અશ્વિની રાવને અહીં ઝાઝો અવકાશ મળ્યો નથી તેમ છતાં એમણે નોંધપાત્ર હાજરી પુરાવી છે જ્યારે ફિલ્મનુ મુખ્ય કહી શકાય એવુ પાત્ર ઇકબાલ શેઠ કોઇ રીતે અસરકારક નિવડ્યુ નથી. ઇકબાલ શેઠ એટલે કે રિશી કપૂરનુ પાત્ર જે રીતે મોસ્ટ વૉન્ટેડ ટેરરીસ્ટના નામે લખાયુ છે એમાં રિશી કપૂર જાણે ક્યાંય બંધ બેસતા નથી એવુ સતત લાગ્યા કરે.એવુ નથી કે એમાં એમની ચોકલેટી બોયની ઇમેજ આડી આવતી હોય કારણકે હવે તો નથી એ ચોકલેટી રહ્યા કે નથી બોય રહ્યા . કેરેક્ટર રોલ ભજવતા રિશી કપૂરે આ પહેલા “ઔરંગઝેબ” ફિલ્મમાં સત્તા અને સમૃધ્ધિ ભુખ્યા કરપ્ટ ઑફિસરના પાત્રને સરસ નિભાવ્યુ છે પરંતુ ઇકબાલ શેઠનુ પાત્ર ભજવવામાં અત્યંત ઉણા ઉતર્યા છે.
કથામાં રિપિટ શોટથી પણ ફિલ્મ બીન જરૂરી લંબાઇ રહી હોય એવુ પણ સતત લાગ્યા કરે.કથામાં ખરેખર જે કહેવા દર્શાવવા માંગતા હોય તે સચોટ રીતે દર્શાવવામાં પણ દિગ્દર્શક નિષ્ફળ નિવડ્યા છે.
વર્ષો જુની અને જાણીતી કવ્વાલી દમા દમ મસ્ત કલંદર સિવાય શંકર એહસાન લૉયનુ સંગીત ફિલ્મને ઉપયોગી નિવડ્યુ નથી.
કલાકારો -રીશી કપૂર, અર્જુન રામપાલ, ઇરફાનખાન, શ્રુતિ હાસન. હુમાખાન, આકાશ , અશ્વિની રાવ
નિર્માતાઃ મોનિશા અડવાણી,અરુણ રંગાચારી, વિવેક રંગાચારી ,મધુ ભોજવાણી
નિર્દેશકઃ નિખિલ અડવાણી
ગીતકારઃ શંકર-અહેસાન-લોય
ફિલ્મ **૧/૨ એક્ટીંગ * * મ્યુઝીક ** સ્ટોરી **
Recent Comments