સમસ્યા કે સંવાદિતા?
હાલમાં જ એક આર્ટીકલ વાંચ્યો. મા અને મમ્મીજી- સદીઓથી ચાલતી સમસ્યા.
ઇ.સ.૧૨૦૦થી ચાલી આવતી પરંપરાગત સાસુ વહુની સમસ્યા આજે પણ યથાવત છે એવો ઇશારો જ નહી સીધે સીધો ઉલ્લેખ જ હતો.
આમ તો વિશ્વમાં સર્વ શ્રેષ્ઠ , સર્વોત્તમ અને સૌથી ઉચ્ચ દરજ્જો હોય તો તે મા નો જ હોય , એનો બીજો કોઇ પર્યાય જ ન હોય એમાં કોઇ બે મત નથી . પણ એથી કરીને બીજો કોઇ સંબંધ એટલો સ્વસ્થ કે તંદુરસ્ત ન જ હોઇ શકે? આવી માનસિકતા આજે પણ એવી જ યથાવત છે?
પોતાની જાતને એજ્યુકેટ કહેવડાવનારી સાસુ ય આજે ય એવીજ લઢકણી કે વહુનો વાંકદેખી જ રહી હશે? ના, આ હવે અર્ધસ્ત્ય રહ્યુ છે એમ ચોક્કસપણે અને ગર્વપૂર્વક કહી શકાય એવી પરિસ્થિતિ ધીમે ધીમે સર્વવ્યાપી બની રહી છે. મા નુ સ્થાન તો આજે ય કોઇ લઈ શકે એમ છે જ નહી. પણ એથી કરીને મમ્મીજીનો દરજ્જો સહેજ પણ ઉણો હોય એવુ માનવાને પણ કોઇ કારણ નથી. દુનિયાભરની તમામ સ્ત્રીમાં હંમેશા એક મા જીવતી હોય છે તો સાસુ બને ત્યારે આ મા ની મમતાનુ ઝરણુ સાવ એમ જ તો ન જ સુકાઇ જાય ને?
આનુ જ એક જીવંત ઉદાહરણ એટલે મારા જ મમ્મીજી. મા એટલે મારી મમ્મી અને અમારા મમ્મીજી વચ્ચે આજે વિચારુ તો મમતાની વાતે ક્યાંય કોઇ કક્ષા ઉતરતી કે ચઢતી કહી શકાય એવી અનુભવી નથી.અને કહે છે ને કે દુનિયામાં પ્રેમ જ એક એવી મુડી છે જે વહેંચવાથી ઘટવાના બદલે વધે છે. કોઇ એક વ્યક્તિ તરફના પ્રેમને ઓછો કરીને જ બીજી વ્યક્તિ તરફનો પ્રેમ વધારી શકાય એવુ તો આજ સુધી ક્યાંય સાંભળ્યુ નથી , જોયુ નથી કે નથી અનુભવ્યુ. પ્રેમમાં કોઇ તુલના નો ય અવકાશ નથી. દરેક વ્યક્તિ પોતાના સ્થાને હોય છે એમ એના તરફનો પ્રેમ પણ એના પોતાના સ્થાને જ હોય ને? તો મમ્મી તરફ્નો પ્રેમ ,આદર અકબંધ રાખીને ય મમ્મીજીને એટલો જ પ્રેમ અને આદર ન આપી શકાય?
મા એટલે મમતાનુ ગાડુ, મા એટલે ગોળનુ ગાડુ. વાતે ય સાવ જ સાચી. સ્કૂલે જતા ત્યારે નાસ્તાની રિસેસમાં ખુલેલા ડબ્બામાં બીજાના ડબ્બાની જેમ મા એ એના હાથે જ બનાવ્યા હોય એવા થેપલા ,પુરી કે ગોળપાપડી અમારા નાસ્તાના ડબ્બામાં નહોતા પણ ત્યારેય એનો અભાવ નહોતો સાલ્યો કારણ ડૉક્ટર મમ્મી ……
માને બીજાની જેમ થેપલા-પુરી-વડા કે ગોળપાપડી બનાવતા ક્યારે ય જોઇ નથી પણ માને જે રૂપે કે જે સ્વરૂપે જોઇ હતી એ બીજી કોઇ મા કરતા મુઠ્ઠી ઉચેરી જ દેખાઇ છે. નાનપણની માંદગીથી માંડીને નવી પેઢીના બીજા એક બાળપણને જન્મ આપવાના સમયે પણ પડખે ઉભી રહેલી મારી મા જ સૌથી મોટો સધિયારો હતી કે હાંશ આપણને કંઇજ થવાનુ નથી. સાંભળ્યુ છે કે નાનપણમાં કંઇ કેટલીય વાર એવી એવી તો માંદગી આવી કે કદાચ દિવો કરીને દેવનુ સ્મરણ ચાલુ કરી દેવુ પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ હતી ત્યારે પણ મામુલી માંદગીથી માંડીને મ્રુત્યુના મ્હોં એ થી આ છોકરીને પાછી લવાશે એવો વિશ્વાસ કદાચ નહી ચોક્કસ પાયે મમ્મીના લીધે જ ઘરમાં ટક્યો હશે ને ? આ વિશ્વાસ ઘર પુરતો જ સિમિત ન રહેતા પુરા પરિવાર સુધી વિસ્તર્યો હતો જ ને વળી. મા છે તો સાચે જ કોઇ વાતે ઉની આંચ નથી અવવાની એવો ભરોસો આજે પણ એની ૮૫ વર્ષની ઉંમરે અકબંધ રહ્યો છે. અમારા મમ્મીજીનો મમ્મી પરનો ભરોસો ય પાછો એવો જ….. શહેરભરના શ્રેષ્ઠ ડૉકટરોએ લખી આપેલુ પ્રિસ્ક્રીપ્શન મમ્મીજીને ય ત્યારે જ અસર કરે જ્યારે મમ્મી એ દવા કન્ફર્મ કરી હોય. દવા કરતા એક અજબ જેવો વિશ્વાસ લાગુ પડતો આ વિશ્વાસ મમ્મીજીના છેલ્લા શ્વાસ સુધીની મમ્મીની હાજરી સમયે પણ એમ જ યથાવત રહ્યો હશે.
મમ્મીએ એની ૧૧ વર્ષની ઉંમરે એની મા ને ખોઇ હતી . એટલે મા ની ખોટ કોને કહેવાય એની એનાથી વધુ ખબર તો બીજાને શું હોય ? મા વગર મોટા થવુ કેટલુ અઘરૂ છે એવુ એને આજે પુછો તો ય કદાચ એની આંખમાં ઉદાસી દેખાઇ આવે. કદાચ એના માટે એ એના જીવનની સૌથી મોટી ખોટ હતી જેના લીધે આજે ય એ આટલી લીલીછમ હોવા છતાં ય ક્યાંક હ્રદયના કોઇ ખૂણે સુકીભઠ્ઠ પણ છે..મા વગર કંઇ કેટલીય વાતે કેટલીય ખોટ અનુભવી હશે જે અમને અમે વિચારીએ એ પહેલા એણે પુરી પાડી છે.
આવી જ ખોટ અમારા મમ્મીજીએ પણ નાનપણમાં અનુભવી. એમની પણ ૧૧ વર્ષની ઉંમરે એમણે એમની મા ગુમાવી.એમણે પણ મા વગર કંઇ કેટલીય ખોટ અનુભવી.એમની નાની બહેનોને પણ મા બની ને ઉછેર્યા.
મમ્મી અને મમ્મીજી , આ બાબતે એક સરખા ઉણા પણ એ બંનેએ એમની એ ઉણપને મનના ઉંડાણમાં ક્યાંય ધરબી દઈને એનો અભાવ કોઇ સુધી ક્યારેય પહોંચવા ન જ દીધો.
નાસ્તાના ડબ્બાના એ થેપલા -પુરી -વડા કે ગોળપાપડીનો એ આનંદ મમ્મીજી થકી માણ્યો. આજે ય મા ની દિકરી હોવાનો અને મમ્મીજીના દિકરાની પત્નિ હોવાનો લ્હાવો ભરપૂર માણ્યો છે. એમાં ક્યાંય કોઇ ઉણપ અનુભવી નથી તો એ ઇ.સ.૧૨૦૦ થી શરૂ થયેલી સમસ્યા સાચી છે એવુ માનવાનુ મન કેવી રીતે થાય? સાસુ શબ્દ સરખો ય ક્યારેય મનમાં આવ્યો નથી એટલી સંવાદિતા આજે ય સચવાઇ રહી છે.
મમ્મી માનસિક સધિયારો હતી તો મમ્મીજી સામાજીક સધિયારો બની રહ્યા. કહેવાય છે કે એક છોડને એની ધરતીથી ઉખાડીને બીજે વાવો તો એ મુરઝાઇ જાય. દિકરી માટે પણ આ જ પરિસ્થિતિ રહેવાની ને? લગભગ ૨૦ -૨૨ વર્ષ સુધી જે ઘર-પરિવાર કે પરંપરામાં ઉછરી કે સંસ્કારોથી સિંચાઇ કદાચ એનાથી તદ્દન જુદા જ ઘર-પરિવાર કે પરંપરામાં એને પોતાને ગોઠવવાની આવે ત્યારે હ્રદયમાં કેટલાય જો- તો કે ઉચાટ ઉદ્દભવતા હશે ને? ત્યારે પતિ કે એ પછી પતિની મા જ હોય કે જે એને એવો સધિયારો આપી શકે કે ભલે તુ તારા મુળથી દૂર જુદા કુળમાં આવી , તને એ ધરતી કદાચ નહી મળે પણ અમારા પ્રેમનુ ખાતર તને અહીં પણ મુરઝાવા નહી દે.
શબ્દો ની આવી કોઇ આળપંપાળ વગર અમારા મમ્મીજી એ પ્રેમનુ અમી સીંચ્યુ .બે અલગ અલગ પરિવારની પરંપરાના બે છેડા વચ્ચે ઉભેલી હું ક્યાંય ગુંચવાઇ નહીં કારણ અમારા મમ્મીજી. સાવ જ સરળતાથી મારી ભિન્ન પ્રકૃતિને સમજી- સ્વીકારીને સમજણ આપતા રહ્યા.
મારી મમ્મીએ એના વ્યવસાયને લઈને પપ્પાના સમગ્ર પરિવારને સંભાળી લીધો તો અમારા મમ્મીજીએ એમની સમજણ અને સાનુકૂળ થવાના સ્વભાવને લઇને સંસાર સંભાળી લીધો.
મમ્મી અને મમ્મીજી એ કોઇ અપેક્ષા વગર બસ આપ્યુ છે. મમતાની હેલી બનીને માત્ર વરસતા જ રહ્યા છે. મમ્મીનુ શારીરિક સ્વાસ્થ્ય કથળ્યુ છે પણ મનોબળ હજુ ય એટલુ જ સાબુત છે એટલે જ એની આંતરિક તકલીફો સાથે ય અમારો સધિયારો તો અકબંધ છે .ઇશ્વર એની સ્વસ્થતા અકબંધ રાખે .
અને મમ્મીજી ના એમની ઘણીબધી તકલીફો પછી ૩જી મે ના દિવસે દેહાવસાન છતાં આજે પણ અમારા મનમાં એમજ હસતા વસી રહ્યા છે. ઇશ્વર એમના આત્માને શાતા આપે.
આજે ” મધર્સ ડૅ” ના દિવસે મમ્મી અને મમ્મીજીને દિલથી ઢગલાબંધ વ્હાલ અને માત્ર વ્હાલ જ…
Entry filed under: મારું ભાવજગત.
Recent Comments