જીવન સંધ્યા….
November 30, 2011 at 1:29 am 10 comments
જીવન સંધ્યા….
સૂર્યના આગમન સાથે શરૂ થતો થતો દિવસ મધ્યાને પહોંચે અને હળવેથી સાંઝ બની ને આથમી જાય રાતના અંધારા આપણા અસ્તિત્વને એના આગોશમાં લપેટીને ઢબૂરી દે. અને આપણે પણ એક બીજા દિવસને , એક નવી પ્રભાતને આવકારવાની તૈયારી સાથે નિશ્ચિંત મને એ રાતમાં આપણી જાતને ઓગાળી દઈએ છીએ ને?
એક જન્મથી બીજા જન્મ સુધીની આપણી સફર પણ આ એક દિવસ જેવી જ નથી? જીવનનુ પ્રભાત એ આપણુ પા પા પગલી પાડતુ બચપન. યુવાનીનો મધ્યાન તપે અને હળવેથી પ્રૌઢાવસ્થા એટલે કે જીવન સંધ્યામાં ઢળી જાય. અને અહીંથી શરૂ થાય છે એક નવજીવનને આવકારવાની પ્રક્રિયા.ક્ષિતિજે મળતી અવની અને આકાશનુ અદભૂત મિલન એકમેક માં ભળી જાય એવી રીતે જીવનના અનુભવો અને સમજણ નુ જો સુરેખ મિલન થાય તો એ જીવન સંધ્યાના અવનવા રંગો ઢળતી ઉંમરના ઘેરા અને કદાચ અકલ્પ્ય -અસહ્ય રંગો પર નવી આભા ઉભી કરીને એ ઘેરા રંગોને થોડા આછા કરી જ શકે. અને તો જ વ્યક્તિ નવજીવન માટે નિશ્ચિંત મને જીવને શિવના- આત્માને પરમાત્માના મિલન માટે જાતને ઓગાળી શકે.
હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જે ચાર આશ્રમની વ્યવસ્થા ગોઠવાઇ છે એ પ્રમાણે જોવા જઈએ તો વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ વચ્ચેનો સંધિકાળ એ જ આ જીવનનુ ૭૫મુ વર્ષ. આ સમયનો સંધિકાળ એટલે જીવન સંધ્યા.
આજ સુધી સ્વજન માટે કરેલી દોડને અટકાવીને પોતાની જાત માટે – સ્વને શોધવાનો સમય.ઉમાશંકર કહે છે એમ “હું મને મળવા આવ્યો છુ”
સમજણ આવી ત્યારથી બીજાને સમજવાની અને બીજાને સાચવવાની મથામણમાં ક્યારેક વ્યક્તિ પોતાની જાતને ખોઇ નાખતી હોય છે. હવે સમય શરૂ થાય છે આત્મખોજનો. આજ સુધી બીજા માટે વ્યતિત કરેલા જીવનના વર્તુળને સમેટીને સ્વને કેન્દ્ર બિંદુ સ્થાને મુકીને સમય પસાર કરવાનો મોકો હવે મળે છે. પણ સાવ જ એવા સ્વકેન્દ્રી બનવાના
બદલે નિવૃત્તિમાં પ્રવૃત્તિ આદરવાનો આ સમય સ્વની સાથે સ્વજનને પણ સમૃધ્ધ બનાવે તો ? સાચા અર્થમાં જીવન સાર્થક થયુ ન કહેવાય? સમૃધ્ધિ ભૌતિક હોય એ સર્વ સામાન્ય વાત છે અહીં તો આટ્લા વર્ષોનો અનુભવ નિચોડ સિંચીને સ્વ અને સ્વજનને સમૃદ્ધ બનવા બનાવવાની વાત છે.
સાવ મોકળા મને જીવવાના આ સમયને સમય સાચવવાની કોઇ જાતની પાબંદી હોતી નથી ત્યારે જ કદાચ સમયનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ થતો હશેને? આ શ્રેષ્ઠ ઉપયોગ પ્રત્યેક વ્યક્તિએ વ્યક્તિએ અલગ તો રહેવાનો જ. ધર્મની સાથે કર્મને સાંકળીને યથાયોગ્ય જીવાતા જીવનના અંતે વ્યક્તિ પોતાની જાત માટે સંતોષ લઈ શકે એવી પ્રવૃત્તિ થી નિવૃત્તિને ઉજાળવાનો પ્રયાસ એટલે જા જીવન સંધ્યા.
નિવૃત્તિ શબ્દને શબ્દદેહે જીવનમાં જેણે વણી લીધો છે એને આ નિવૃત્તિનો ચોક્કસ ભાર લાગવાનો . શરીરથી સક્ષમ હો અને ફરજીયાત નિવૃત્તિ લેવાની વાત આવે એ વ્યક્તિને તોડી નાખતી હોય છે પણ નિવૃત્તિને મરજીયાત અને મનગમતી પ્રવૃત્તિ સાથે જોડી દેવાથી એને રસપ્રદ બનાવી જ શકાય ને? આ રસપ્રદ પ્રવૃત્તિ પણ વ્યક્તિ વ્યક્તિ એ અલગ તો હોવાની જ.
દરેકે પોતાના રસના ક્ષેત્ર જાતે જ નક્કી કરવાના છે. અને એક વાર એ ક્ષેત્ર નક્કી થાય એટલે ખેડાણ પણ જાતે જ આદરવાનુ છે. જીવનનુ ૭૫મુ વર્ષ તો બાકીની જીંદગીની પા પા પગલી કરતી શરૂઆત છે. આ સમય એવો છે કે જ્યારે જેના માટે આખુ જીવન વ્યતિત કર્યુ હોય એવા સ્વજનો પાસે તમારી માટે ફાળવવાનો કદાચ સમય ન પણ હોય. ત્યારે એકલતા અનુભવવાના બદલે મનને
સાબૂત રાખવા મનગમતી પ્રવૃત્તિથી એકાંત ઉજાળવાનો પ્રયાસ કરવાનો છે. બની શકે કે સમય જતા શરીર પણ મનની વૃત્તિઓને સાથ આપવા જેટલુ સક્ષમ ન પણ રહે.પણ મન સાબૂત રાખીને તનને પ્રવૃત્તિમય રાખવાનો ઉદ્યમ તો ચોક્કસ કરીજ શકાય.
આજના મારા આ જીવન સંધ્યાના પર્વના દિવસે ઇશ્વરને મારી હ્રદયપૂર્વકની પ્રાર્થના મને અને મારા જેવા જીવન સંધ્યાના ઉંબરે ઉભેલા તમામને આ સમજ ,શક્તિ અને સંકલ્પની સૂઝ આપજો.
રાજુલ શાહ
http://www.rajul54.wordpress.com
…………………………………………………………………………………………………………………………………………………………………
આજના મારા આ જીવન સંધ્યાના પર્વના દિવસે ઇશ્વરને મારી હ્રદયપૂર્વકની પ્રાર્થના કે, મને અને મારા જેવા જીવન સંધ્યાના ઉંબરે ઉભેલા તમામને આ સમજ ,શક્તિ અને સંકલ્પની સૂઝ આપજો.
આ પ્રસંગે મારા ૫૪ વર્ષના દામ્પત્ય જીવનમાં સતત ઉષ્માભર્યો સાથ-સહકાર આપનાર જીવન સંગીની ઇન્દુનો હું ઋણ સ્વીકાર કરું છું.
ચી. રાજુલ શાહ દ્વારા મારા ૭૬ માં વર્ષના પ્રવેશ નિમિત્તે આલેખાયેલ પ્રાસંગિક લેખમાંથી સાભાર.
કલ્યાણ સી . શાહ
…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………
Entry filed under: પ્રકીર્ણ.
1.
અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી | November 30, 2011 at 8:53 am
શ્રી રાજુલબેન,
જીવન સંધ્યા દ્વારા ખૂબજ સુંદર અને માર્મિક રજૂઆત કરી આ ઉંબરે પહોચ્નારને એક અનોખો સંદેશો આપ્યો છે અને સાથે સાથે એવા તમામ લોકો માટે સમજ, સહ્ક્તી અને સંકલ્પ ની સૂઝ મળે તેવી સુંદર કામનાઓ સાથે શુભેચ્છાઓ પણ ઇચ્છી એક સુંદર કાર્ય કરેલ છે..
વડીલ શ્રી કલ્યાણ સી શાહ ની દરેક શુભ મનોકામનાઓ ફાળે તેવી ઈશ્વરને પ્રાર્થાના સાથે શુભેચ્છાઓ ..!
ધન્યવાદ !
LikeLike
2.
dhufari | November 30, 2011 at 1:07 pm
દીકરી રાજુલ
લેખ સુરેખ આલેખાયો છે સાહિત્ય સાધનાનો સરસ સદ્ઉપયોગ કરીને સ્વજનને આનંદિત કરવાનો સરસ પ્રયોગ
અભિનંદન
LikeLike
3.
Rajul Shah | November 30, 2011 at 1:42 pm
મુરબ્બીશ્રી,
કોઇ એક નાના અમસ્તા આયાસથી સ્વજન કે વડિલો આનંદિત થાય તો એ સાધના લેખે લાગી ન કહેવાય?
Rajul Shah http://www.rajul54.wordpress.com
LikeLike
4.
devika dhruva | November 30, 2011 at 6:13 pm
રાજુલબેન,ખુબ જ સરળ ભાષામાં,અતિ સુરેખ લેખ…”મનગમતી પ્રવૃત્તિથી એકાંત ઉજાળવાનો પ્રયાસ” આ વાક્યમાં તમારી કલમનો ઉજાસ નીખરી ચોપાસ પમરે છે. વાંચવાની ખુબ મઝા આવી.
LikeLike
5.
Rajul Shah | November 30, 2011 at 7:11 pm
આભાર.
Rajul Shah http://www.rajul54.wordpress.com
LikeLike
6.
chandravadan | December 1, 2011 at 12:29 am
રાજુલબન,
આવ્યો તમારા બ્લોગ પર.
આ પોસ્ટ વાંચી ખુબ જ આનાંદ.
ફોટાઓ કોના ? માતપિતાના ?
કોઈ પણ વ્યકતિ આ સંસારમાં એટલે એનો માતા પિતા સાથે સબંધ.
આ કહાની તમારા જીવનની કે વિચારોની….પણ વિચારો ઉત્તમ છે !
સુર્યના ધરતી પર પ્રકાશથી શરૂઆતથી રાત્રીના અંધકારમાં સુર્ય પ્રકાશ ગાયબ….
માનવી જીવન પણ એવું જ છે !….જન્મથી શરૂઆત અને મૃત્યુથી અંત !
પણ …..વિચારો જરા !
રાત્રી બાદ, ફરી સવારમા ં સુર્ય પ્રકાશ,….અને, મૃત્યુ બાદ, આત્મા જે સમર છે તે હશે નવ જીવનમાં.
જ્યારે, જીવનની સફર શરૂ થાય ત્યારે આવું જ “આત્મજ્ઞાન”મેળવવાની જરૂર પડે છે. શબ્દોમાં આપણે સૌ “આત્મા અમર છે” કહીએ, પણ મૃત્યુનો “ડર” હોય અને “મોહમાયા”માં અંધકારને કારણે આત્માની “અમરતા”ને ભુલી જઈએ છીએ.
જ્યારે, જીવન સફર કરતા, અંધકાર જો દુર હોય ત્યારે જ “માનવતા” ખીલે છે, અને “હુંપદ” દુર થાય છે. અંતે, માનવીને જીવનમાં “પ્રકાશ” મળે છે…જીવનમાં પરિવર્તન આવતા, એ “પરમ તત્વ” તરફ હોય છે.
અહી, ઉલ્લેખ થાય છે…..
જીવન પ્રવૃત્તીથી જ બને છે, અને નિવૃત્તીમાં પણ પ્રવૃત્તીઓ ચાલુ જ હોય કે જેથી એ “અન્ય”ની સહાય માટે તૈયાર જ હોય !
રાજુલબેન, તમારૂ જીવન એવા ગુણોથી ભરપૂર બને કે તમે હંમેશા સંતોષ અને શાંતી અનુભવો, એવી પ્રાર્થનાઓ !
…ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !
LikeLike
7.
readsetu | December 2, 2011 at 4:29 pm
તમારો લેખ ખૂબ ગમ્યો.
રોજ આપણે રાતમાં ઓગળી સવારે ઉઘડીએ છીએ એ જીવન…
ખૂબ અભિનન્દન
લતા હિરાણી
LikeLike
8.
Rajul Shah | December 2, 2011 at 7:48 pm
Thanks.
Rajul Shah http://www.rajul54.wordpress.com
LikeLike
9.
nabhakashdeep | December 3, 2011 at 5:56 am
દરેકે પોતાના રસના ક્ષેત્ર જાતે જ નક્કી કરવાના છે. અને એક વાર એ ક્ષેત્ર નક્કી થાય એટલે ખેડાણ પણ જાતે જ આદરવાનુ છે…..
રાજુલબેન,…ખૂબ અભિનન્દન
Ramesh Patel(Aakashdeep)
LikeLike
10.
Rajul Shah | December 3, 2011 at 6:11 pm
Thanks.
Rajul Shah http://www.rajul54.wordpress.com
LikeLike