“આહ અમેરિકા-વાહ અમેરિકા”

September 13, 2010 at 4:05 pm 17 comments

આજથી લગભગ ૩૦ વર્ષ પહેલાનો એ દિવસ આજે પણ આશુને યથાવત યાદ છે. એ દિવસો હતી જ્યારે અમેરિકા પોતાની વિશાળ બાંહો ફેલાવીને દુનિયાભરના પ્રવાસીઓને અમેરિકન રહેવાસી બનવા માટે આવકારતુ હતું. ક્યાંય કોઇ ખાસ મુશ્કેલી નહોતી , ક્યાંય કોઇ અવરોધો નહોતા બસ  દરેક પગલે એક્દમ સરળતા હતી. જ્યાં જઈને ઉભા રહો ત્યાં જોબ મળવાની પુરેપુરી શક્યતાઓ હતી. વિઝીટર વિઝા પર આવેલા માટે ગ્રીન કાર્ડ મળવુ પણ એવું જ સહેલુ હતું. બસ આવવાની અને અમેરિકામય બનવાની  માનસિક તૈયારી હોવી જોઇએ.

અને એ આશુમાં હતી. ભારતમાં  રહીને પ્રમાણિક પ્રયત્નો હોવા છતાં , લાગવગ  ,ઓળખાણના અભાવે દરેક જગ્યાએથી પાછા પડીને મન ઉઠી ગયું હતુ. વીક એન્ડની ફુરસદની પળોમાં આજે આશુ  હોમ થિયેટરમાં  ગોલમાલ ફિલ્મ જોતા જોતા ભૂતકાળમાં સરી પડ્યો. ગોલમાલમાં નવા નિશાળીયાને તક આપવા વાળા ભવાની શંકર જેવા કોઇ કેમ એને મળ્યા નહી? જ્યાં જાવ ત્યાં અનુભવ અને ઓળખાણની ખાણ માંગવા વાળા જ મળ્યા. આશુનુ મન બંડ પોકારવા સુધી અકળાયેલુ હતું.

ભઈ,જ્યાં સુધી કામ નહી આપો ત્યાં સુધી અનુભવ ક્યાંથી મળવાનો છે? એક્વાર તો અનુભવ લેવા જેટલી તક તો આપો! પણ ના! દરેક જગ્યાએથી હાથ અને હથિયાર હેઠા જ પડ્યા.

અંતે થાકી હારીને જાત ઘસવા સુધીની તૈયારી સાથે આશુએ અમેરિકામાં એન્ટ્રી લીધી. એમ તો એકડો ઘુંટવો એટલો સરળ પણ નહોતો તો એટલો કપરો પણ નહોતો.  પહેલા એવું કહેવાતુ ને કે હાથેમાં દોરી ને લોટો લઈને મુંબઈ આવેલાને રોટલો અને ઓટલો મળી જતો એમ અમેરિકામાં પ્રવેશીને પગ મુકવાની જગ્યા મળે એટલે બસ કામ ચાલુ.અને  આશુ પાસે એ સૌથી મોટો સધિયારો હતો એના મિત્રનો. ખરા દિલથી ભરતે એને આવકાર અને ઓટલો આપ્યા હતા. જો કે આશુ મનથી તો નક્કી કરીને જ આવ્યો હતો કે જ્યાં કામ મળશે ત્યાં કામ કરવું છે અને કામ મળતા જાત મેળે -આપ બળે ઉભા થતા શિખવુ છે.

મોટલ, ગ્રોસરી સ્ટોર, કન્વીનિયન્ટ સ્ટોર , ગેસ સ્ટેશન,ન્યુઝ પેપેર સ્ટેન્ડ , જે મળે તે કામ સ્વીકારી લેવાની તૈયારી સાથે આશુએ કામ શોધવા માંડ્યુ. એમાં પણ એને ઝાઝા દિવસો ગુમાવવા ના પડ્યા. ભરત જ્યાં કાયમ નાની મોટી પરચુરણ ચીજ વસ્તુ ઓ લેવા જતો  તે કન્વિનિયન્ટ સ્ટોરમાં હેલ્પરની જરૂર હતી અને બસ આશુ કામે લાગી ગયો. જ્યુ ઑનરની સાથે આશુને ગોઠી જતા વાર પણ ન લાગી. મનથી એક ગાંઠ વાળી હતી કે ભલે માલિક મિ. સ્મિથ રહ્યા પણ એટલુ કામ કરવુ છે કે સ્મિથ એના ગુલામ બની જાય. કહેવાનો મતલબ કે સ્મિથને આશુ વગર ન ચાલે. આશુ એમના હાથ અને પગ બની ને રહ્યો.

જરાક સ્થાયી થતા  ભરતના પ્રેમભર્યા આગ્રહ છતાં આશુએ પેઇંગ ગેસ્ટ તરિકેની સગવડ શોધી લીધી.

જો દોસ્ત, દોસ્તીને મારે એમ જ અકબંધ સાચવવી છે. મીઠા ઝાડના મૂળ તો ના કપાયને? સાથે રહીશું તો ક્યારેક પણ મન ઉંચા થવાની શક્યતા ઉભી થાય ને? મારે એ નથી થવા દેવુ. તારી દોસ્તી મારી અમૂલ્ય મૂડી  છે અને એ મૂડી મારે એમ જ વેડફી નથી દેવો. માટે પ્લીઝ મને તુ ના રોકીશ.

અને આશુ ધીરે ધીરે ગોઠવાતો ગયો.

આશુતોષ વ્યાસ , આશુતોષ મનહરભાઇ વ્યાસ આખુ નામ. પિતા અમદાવાદની શાળાના પ્રમાણિક શિક્ષક.   પ્રમાણિક એટલે સાચા અર્થમાં પ્રમાણીક .આશુતોષને કામે લગાડવા આંગળી ચીંધ્યાનુ પુણ્ય પણ એમને મંજૂર નહોતુ. આવા પિતાનો દિકરો આશુ ….મૂળે બ્રાહ્મણ એટલે સરસ્વતીનો તો જીભે વાસ હતો જ . પિતાના શિક્ષણ અને સંસ્કારનો વારસો અને  વાંચનનો ખુબ શોખ એટલે ભાષા પર અદભૂત કાબુ.  એની પોતાની  વાચાળતા અને વાણીમાં રહેલી મિઠાશે ભલભલાને ઘડીભરમાં પોતાના કરી લેવાની વધારાની ખુબીએ સ્મિથ જ નહીં પણ કાયમી- હંગામી આવતા જતા કસ્ટમરને પણ આશુએ પોતાના કરી લીધા.

એક વાત આશુ સારી રીતે સમજી ગયો હતો કે ભલે અહીં ઉપરછલ્લુ અતડાપણુ દેખાડતા હોય પણ લોકો  અંદરથી પ્રેમ ભુખ્યા હોય છે. ઘરમાં જ્યારે કોઇ સાંભળનાર ન હોય ત્યાં કોઇના બે મીઠા બોલ મલમનુ કામ કરી જતા હોય છે. અને બસ આ વાતની સમજણે આશુને વધુ બોલકો બનાવી દીધો. આવનાર પ્રત્યેક કસ્ટમરને એ નામથી બોલાવીને એમને વધુ નિકટ લાવી મુકતો. દિવસે આવનારને ગુડ મોર્નિંગ કહી દિવસ સુધારી દેતો તો સાંજે પાછા વળતા કસ્ટમરને ગુડ નાઇટ કહીને એની રાત્રી હુંફાળી બનાવી દેતો. કોઇને લાગે કે એમાં શું નવી વાત કરી? તો વાત એમાં કોઇ નવી નહોતી, અમેરિકાની એ પ્રણાલી જ છે કે જે સામે મળે એને અભિવાદન કર્યા વગર કોઇ ન રહે . પણ આશુના અવાજમાં જે રણકો હતો , જે ઉત્સાહ ભર્યો આવકાર હતો એ સૌને સ્પર્શી જતો.

હલ્લો મમ્મા, હાઉ આર યુ ગ્રેની?  ઓ માય સ્વીટી, યસ યંગ મેન -માય બ્રધર વ્હોટ કેન આઇ ડુ ફોર યુ? કહીને એ નવા નવા સંબંધો વિકસાવતો એ એની અસર બિઝનેસ પર પણ પડતી. સૌને એ મીઠાશ ભર્યો  આત્મિય આવકાર ગમતો અને એ એના કાયમી ગ્રાહક જ નહીં ચાહક પણ બની જતા.

લાગલગાટ પાંચ વર્ષ આ સિલસિલો ચાલ્યો. મિ. સ્મિથ તો હવે લગભગ સ્ટોર પર  નહિવત જેવુ આવતા. ઓપન ટુ ક્લોઝની જવાબદારી આશુએ સંભાળી લીધી હતી.

માય બોય, નાઉ આઇ એમ થિંકિંગ ફોર રિટાયરમેન્ટ. મારે હવે  મારે આ સ્ટોર વેચીને ,આ બધુ સમેટીને ફ્લોરિડા ચાલ્યા જવું છે. એક રવિવારની સવારે મિ.સ્મિથે ચર્ચમાંથી આવીને આશુને પોતાના મનની વાત કરી. આશુ માટે આ સાવ અણધાર્યુ હતુ. તત્ક્ષણ આશુએ સ્ટોરની ચાવી મિ. સ્મિથના હાથમાં થમાવી દીધી.

સોરી સર, બટ ઇવન આઇ વીલ નોટ વર્ક હીયર એની મોર.

વ્હાય?

કારણ છે. મેં કામ ચાલુ કર્યુ હતુ મારા માટે પણ હવે હું કામ કરુ છું તમારા માટે અને અહીં રહીને  હુ બીજા કોઇ માટે કામ નહીં કરી શકું. યુ આર નોટ ઓન્લી  માય બોસ બટ માય ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઇડ, યુ આર માય ગોડ ફાધર ટુ. આ લાગણીનો જે સેતુ તમારી સાથે રચાયો છે એ બીજા કોઇ સાથે નહીં રચાય અને હું રહ્યો લાગણીનો માણસ મારાથી લાગણી વગર કોઇની સાથે નહીં જીવાય.

આશુ એકી શ્વાસે બોલી ગયો અને મિ. સ્મિથ ઉચ્ચક શ્વાસે આ સાંભળી રહ્યા અને વળતી પળે ઉભા થઈને સ્ટોર છોડીને નિકળી ગયા. બાકીનો અડધો દિવસ આશુએ  પુરી નિષ્ઠા સાથે  પણ મન વગર પુરો કર્યો. રવિવારના દિવસે સ્ટોર  બપોરે વહેલો બંધ કરવાનો વર્ષોથી નિયમ હતો.

ઘરે પહોંચીને આશુએ જેમ તેમ દિવસ પુરો કર્યો. અને રાબેતા મુજબ સોમવારની સવારે એ સ્ટોર પર પહોંચ્યો ત્યારે  એના આશ્ચ્રર્ય વચ્ચે મિ. સ્મિથ એની રાહ જોતા બેઠા હતા.

ગુડ મોર્નિંગ મિ. સ્મિથ. આશુ એ હંમેશને જેમ અભિવાદન તો કર્યુ પણ એના અવાજની ઓસરી ગયેલી ઉષ્મા મિ. સ્મિથ પારખી ગયા અને ચહેરા પર સ્મિતની લકીર ફેલાવતા આશુ સામે જોઇ રહ્યા.

આશુ મનોમન ગુંચવાયો. એને થયુ આ  ઓલ્ડ જેન્ટલમેનને શેનુ હસવુ આવે છે? અહીં દેડકાની જાન જાય છે અને  છોકરાને મન રમત થાય છે ? પણ એ એક શબ્દ બોલ્યા વગર રોજીંદી ટેવ પ્રમાણે કાઉન્ટર ચાલુ કરીને કામે લાગ્યો.

મેં તને સ્ટોર વેચવાની વાત કરી પણ કોને વેચવાનો છે એ તેં પુછ્યું સુધ્ધા નહીં? સ્મિથે આશુ સામે જોઇને સવાલ કર્યો.

લુક મિ. સ્મિથ, ધેટ્સ નન ઓફ માય જોબ. જે દિવસે તમે આ સ્ટોરના માલિક નહી  તે દિવસથી હું આ સ્ટોરનો એમ્પ્લોય નહી . પછી તમે ક્યા ટોમ, ડીક હેરીને વેચવાના છો એ  જાણીને  મારે શું કામ છે ?

ઓકે” માય બોય પણ આ સ્ટોર હું તને વેચવાનો હોઉ તો?

વ્હોટ? આર યુ જોકિંગ મિ. સ્મિથ?  તમે મારી  હેસિયત જાણો છો .આ સ્ટોર લેવાના એક સામટા મારી પાસે પૈસા નથી એ તમને ખબર છે.

રાઇટ, આશુ પણ મારે એક સામટા પૈસા તારી પાસેથી જોઇતા પણ નથી. મારા માટે આ સ્ટોર એક કમાણીનુ સાધન હતો પણ તેં તો એને તારો આત્મા બનાવી દીધો છે. જાન રેડી દીધી છે તેં એની પાછળ એ હુ ક્યાં નથી જાણતો ? અને હવે તને આત્મા વિહિન કરવાનુ પાપ તો હું ન જ કરુ ને? પણ યસ માય સન એક વાત ધ્યાન રાખજે અમે જ્યુ લોકો પૈસા બાબતે બહુ ચોક્ખા હોઇએ છીએ. એમાં કોઇની સાડાબારી રાખતા નથી એટલે એ બાબતે તુ પણ એકદમ ચોક્ખો જ રહેજે. ટર્મ્સ અને કન્ડીશન પ્રમાણે જે નક્કી થાય એમાં કોઇ ભૂલચૂક ના થવી જોઇએ. ઓકે માય બોય?

આશુ માટે તો આ એક એવુ  સ્વપ્ન સાકાર થતુ હતુ જે એણે કેટલીય વાર જાગતી આંખે અને બંધ પલકે નિહાળ્યુ હતુ. ઓ ઇશ્વર ! આ હું શું સાંભળી રહ્યો છું?

યસ માય સન. યુ આર નોટ ઇન ડ્રીમ . ધીસ ઇસ ગોઇંગ ટુ બી હેપન ટ્રુ ઇન યોર લાઇફ. કોન્ગ્રેયુલેશન એન્ડ બેસ્ટ લક.

આશુને અમેરિકા ફળ્યુ, મિ. સ્મિથ ફળ્યા ,આ સ્ટોર ફળ્યો. એને ખરેખર લાગતુ હતુ કે એને અમેરિકાએ ખરી જીંદગી આપી છે. પણ હજુ તો ઘણુ બાકી હતું એના નસીબમાં હજુ બીજુ કંઇ લખાયુ હતુ એની એને એ વખતે ક્યાં જાણ હતી?

————————————————————————————————————————————————————————

મિ. સ્મિથનો સ્ટોર હતો ત્યારે પણ એમાં જાન રેડીને કામ કર્યુ હતુ તો પછી હવે તો આ પોતાની માલિકીની પોતાની ખુદની અસ્ક્યામત હતી. બીજા બે વર્ષમાં તો આશુ એ મિ. સ્મિથના પૈસા પુરેપુરા ચુકવી દીધા.

આટલા વર્ષોથી એક જ જગ્યાએ આવનાર દરેક જણની આશુ હવે તો નાડ પારખી ગયો હતો. એના લોટોના મશીન પર પૈસા લગાવનાર  અજબ ગજબના  લોકોની ફિતરત પારખી લીધી હતી.

હેલ્લો મિ. જ્હોન, વ્હોટ્સ અપ ? હાઉ આર યુ?

આ જ્હોન એક અજબની માયા હતી. એ હંમેશા તારા સામે જોઇને નંબર લગાડવામાં માનતા. બહાર દેખાતા ખુલ્લા ગગનમાં જોઇને કોઇ ચોક્કસ ગણતરીથી નંબર આપતા. આશુને હવે તો એમના ગણીતની સમજણ પડવા માંડી હતી એટલે લગભગ તો જ્હોન ગણતરી માંડે તે પહેલા આશુ એમના નંબરો નાખી દેતો અને એ લગભગ સાચો જ રહેતો. મિ. જ્હોન તો સમજ્યા પણ આટલા વખતથી આવતી મિસિસ સ્ટેલા ક્યારેય આશુને સમજાતી નહોતી. ક્યારેક રાજીના રેડ મુડમાં હોય તો ક્યારેક ધુંવા ફુંવા થતી આવતી સ્ટેલા લોટોનુ મશીન એની રાજી કે નારાજગીનુ  જવાબદાર હોય તેમ એનો ઉભરો ઠાલવતી.

એકલા એકલા બોલવાની એની આદતમાં આશુને એટલુ તો સમજાયુ હતુ કે મિસિસ સ્ટેલાને એક  દિકરો હતો જે એને ખુબ વ્હાલો હતો અને દિકરાને પણ અમેરિકન પ્રણાલીથી જરા જુદી ભાતે એની મા પર પ્રેમ હતો. સામાન્ય રીતે ૧૬ વર્ષે  અમેરિકન યુવક હોય કે યુવતી કોલેજમાં આવે એટલે સ્વતંત્ર રહેતા થઈ જતા.  પણ કેલપ જરા જુદી માટીનો ઘડાયો હોય એમ આશુને લાગતુ. કેલપને એની માને મુકીને કોલેજમાં જવાની જરાય ઇચ્છા નહોતી. સમજણ આવી ત્યારથી પિતાને તો જોયા નહોતા. કારણકે સ્ટેલાના પતિ પરમેશ્વર તો ક્યારનાય પોબારા ગણી ગયેલા. જો કે અહીં એની નવાઇ તો હોતી નથી.

સ્ટેલાની વાતો પરથી એટલુ તો એ પારખી શક્યો હતો કે સ્ટેલા એના રિટાયર્મેન્ટ માટે અને એના  દિકરા માટે પુરતો ધન સંચય કરે જતી હતી. લોટો પર રમવાનો એનો શોખ ગજબનો હતો. ક્યારેક સાવચેતીથી તો ક્યારેક એકાદ પેગ પેટમાં વધારે ગયો હોય તો આડેધડે રમવા આવેલી સ્ટેલાની બડબડ હંમેશા આશુ સાંભળે જતો અને શક્ય હોય ત્યાં સુધી એને સાંત્વન આપવા પ્રયત્ન કરતો.

આજે સ્ટેલા આવી ત્યારે ગજબની ગુસ્સામાં હતી. એના લાલઘુમ ચહેરા અને એના બડબડાટ પરથી આશુને ખ્યાલ તો આવી જ ગયો કે આજે સ્ટેલા ક્યાંક પૈસા ગુમાવીને આવી છે. કારણકે સ્ટેલાને રાજી  થવાનુ કે નારાજ થવાનુ એક માત્ર કારણ પૈસાની આવન-જાવન હતી.પૈસા પૈસાનો હિસાબ રાખતી સ્ટેલા જરા કંજૂસ કહેવાય એટલી હદે પૈસો સાચવ્યા કરતી.

ઓ ગુડ મોર્નીંગ મમ્મા, આશુએ એને હંમેશની જેમ આવકારી પણ એના તેવર જોતા એ કઈ સાંભળવાના મુડમાં હોય એવુ લાગ્યુ નહી.

મમ્મા, વ્હાય યુ આર સો અપ-સેટ ટુ ડે? આશુએ લાગણીથી પુછ્યુ. એની સાથે સ્ટેલા વરસી પડી.

યુ નો આશુ? આજે મારા ૬૦૦ ડોલર ઓછા થઈ ગયા.

બટ હાઉ મમ્મા?

મારી ગાડી બગડી અને એને રિપેર કરાવવામાં મારે ૬૦૦ ડૉલર આપી દેવા પડ્યા.

ઇટ્સ ઓકે મમ્મા. આમે એ પૈસા તારી પાસે તારા હાથમાં તો નહોતાને? બેંકમાં હતાને ? તેં એને બેંકમાંથી કાઢીને ગરાજવાળાને આપ્યા પૈસા એની પાસે ગયા એની સામે તારી  જુની ગાડી નવી નક્કોર થઈ ગઈને ? તારુ કામ ચાલુ થઈ ગયુને? નહીંતો તારે નવી ગાડીના કેટલા બધા  પૈસા આપવા પડ્યા હોત નહીં?

આશુએ નાના બાળકને પટાવતો હોય એમ સ્ટેલાને સમજાવી અને એ રાજી પણ થઈ ગઈ. ઓહ યસ, મને તો આ વાત સુજી જ નહીં. થેન્ક યુ માય બોય.

સામાન્ય રીતે કોઇને લોટો લાગે તો આશુને  ટીપ આપીને જતા કસ્ટમર એણે જોયા હતા પણ આ સ્ટેલાને જ્યારે જ્યારે લોટો લાગે ત્યારે  પણ ક્યારેય એ ટીપ આપી શકતી જ નહીં. પૈસો એના હાથમાંથી છુટતો જ નહીં , પણ હા બીજા દિવસે એ આશુ માટે ઘેર બનાવેલી કેક- બ્રાઉની કે કુકી ચોક્કસ લઈ આવતી. ક્રીસમસમાં પિકાન પાઇ કે એપલ પાઇ બનાવી હોય તો તે આપી જતી. ક્યારેક વળી પાસ્તા સલાડ કે કોઇ ઇટાલીયન ડીશ આપી જતી. આશુ ને તો એમાં પણ સ્ટેલા નો પ્રેમ જ દેખાતો.

આજે તો વળી સ્ટેલા મગજ ઘેર મુકીને આવી હોય એમ રમવા માંડી હતી. લગભગ તો એ એક લીમિટમાં જ રહેતી પણ એ દિવસે તો એ એની લીમિટ ક્રોસ કરી રહી હતી એવુ આશુને લાગ્યુ. એમાં એને તો કોઇ નુકશાન નહોતુ પણ આશુને એવા નુકશાન નફાની ક્યારેય પડી નહોતી. એણે સ્ટેલાને વારવા પ્રયત્ન કર્યો.

નો મમ્મા , આઇ વીલ નોટ અલાઉ યુ ટુ પ્લે એની મોર. તને ખબર છે ને આ પૈસા તારી એકલીના નથી. તારે એ તારા ઘડપણ અને કેલપ માટે સાચવવાના છે.એને આમ ઉડાવી ના દેવાય.

યુ નો આશુ ? મારે હવે લોટરી લાગે એટલે કેલપ માટે એક કાર લેવી છે.

બસને મમ્મા તુ તો  મને માય સન -માય બોય કહે છે  અને અત્યારે હવે કેલપને  યાદ કરે છે અને મારુ તો નામ પણ લેતી નથી.

ઓહ યસ યસ માય સન, બોલ તારે શું જોઇએ છે?

મારે એક ટ્રક જોઇએ છે.

ઓકે , જો મારે મોટી લોટરી લાગશે તો તારા માટે ટ્રક આવશે.

આશુને ખબર હતી આવા બધા વાયદાની, આવી બધી સારા મુડમાં કરેલી ઘેલી વાતોની જે કાલે ભુલાઇ જવાની હતી. પણ ઠીક છે આવી વાતોથી સ્ટેલા તો ખુશ રહેતી હતીને? અને કોઇને પણ ખુશ રાખવામાં આશુને બીજુ કઈ મળે કે ના મળે આનંદ તો મળતો જ હતો.

વોકીંગ ડીસ્ટન્સે રહેતી સ્ટેલા અઠવાડીયામાં ઓછામાં ઓછુ બે વાર તો આવતી જ. પણ આ વખતે તો એક અઠવાડિયા ઉપર થઈ ગયુ સ્ટેલાને આવે. આશુ થોડી નવાઇ અને ઝાઝી ચિંતામાં અટવાયો . હંમેશની આવન જાવન હોવા અને વાતોમાં આત્મિયતા હોવા છ્તાં અમેરિકન પ્રણાલીના લીધે આશુને સ્ટેલાના ઘરની કે ફોન નંબરની કોઇ માહિતિ નહોતી. બીજા બે-ચાર દિવસ પસાર થતા લગભગ દસેક દિવસથી ન દેખાયેલી  સ્ટેલાની ગેરહાજરી આશુને સાલવા લાગી.

હેલ્લો માય સન, ધીસ ઇસ ફોર યુ. કહેતા સવારના પહોરમાં આવીને સ્ટેલાએ આશુના હાથમાં એક કવર પકડાવી દીધુ.

વ્હોટ ઇસ ધીસ મમ્મા?

યુ જસ્ટ ઓપન ઇટ ,ધીસ ઇસ  સ્પેશીયલી ફોર યુ .

હું પછી એ ખોલીશ પણ પહેલા મને એ કહે કે તુ આટલા દિવસ ક્યાં હતી? આર યુ ઓકે? બધુ બરાબર હતુને? તારી તબિયત તો સારી હતીને? કેલપ મઝામાં છે ને? આટલા દિવસ તું ના દેખાઇ એટલે મને તમારી ચિંતા થતી હતી. એક શ્વાસે આશુએ સત્તર સવાલો કરી લીધા અને એની પ્રુચ્છામાં સાચે જ સ્ટેલા માટેની પરવા ડોકાતી હતી.

અરે અરે! કેમ આટ્લુ બધુ?

શું કેમ આટલુ બધુ? તું આટલા દિવસ ના દેખાઇ તો મમ્મા આ તારા સનને તારી ચિંતા ના થાય? થાય મમ્મા થાય . સો પ્લીઝ લેટ મી નો  ઓલ અબાઉટ યુ ફર્સ્ટ. યુ વૅર ઓકે?

યસ યસ આઇ વોઝ ઓકે. હવે તું પહેલા તારુ આ કવર ખોલીને જો પછી હુ તને તારા બધા સવાલોના જવાબ આપીશ.

આશુએ કવર ખોલીને જોયુ અને એની આંખો ફાટી ગઈ. કવરમાં આશુના નામનો દસ હજાર ડૉલરનો ચેક હતો.

વ્હોટ ઇસ ધીસ મમ્મા?

કેમ ? સમજણ નથી પડતી? ભણેલો નથી? તારા નામનો ચેક છે એટલુ તો સમજાય છે ને?

આશુને એક પળ તો થયુ કે સ્ટેલાની પાસે જઈને એનુ મોં સુંઘી જોવે. ક્યારેક એકાદ પેગ પીનારી સ્ટેલાએ આજે આખી બોટલ તો પેટ્માં નથી ઠલવી દીધીને? દમડી ય ના છુટે એવી સ્ટેલા શું કરવા એના નામનો દસ હજાર ડોલરનો ચેક લખે?

યુ આર સરપ્રાઇઝ રાઇટ?

હાસ્તો વળી સરપ્રાઇઝ તો લાગે જ ને ? એવી કઈ લોટરી લાગી કે તું મારા નામનો આટલો મોટો ચેક લખી આપે છે?

ધેટ્સ વૉટ આઇ એમ ગોઇંગ ટુ ટેલ યુ. તું પુછતો હતોને કે આટલા બધા દિવસ કેમ દેખાઇ નહોતી? હું કેન્સાસ ગઈ હતી. મારી માસી ગુજરી ગઈ. એને કોઇ વારસ નથી એ એનો બધો વારસો મારા નામે કરી ગઈ છે. આશુ તુ કલ્પી નહીં શકે એટલો દલ્લો મને મળ્યો છે. અને મેં તને પ્રોમીસ કર્યુ હતું ને કે જ્યારે મને લોટરી લાગશે ત્યારે હું તને ટ્રક અપાવીશ. તો આ તારી ટ્રક માટેનુ પહેલુ ઇન્સ્ટોલ્મેન્ટ સમજી લે અને હવે બીજા તારે કેટલા જોઇશે એ મને કહી દે જે એટલે એટલો બીજો ચેક તારા નામનો તને લખી આપીશ.

આશુને ફરી એક વાર થયુ  ઓ ઇશ્વર આ હુ શું સાંભળી રહ્યો છું  કે  પછી એ સ્વપનુ તો નથી જોતોને?

યસ માય સન. યુ આર નોટ ઇન ડ્રીમ . ધીસ ઇસ ગોઇંગ ટુ બી હેપન ટ્રુ ઇન યોર લાઇફ. નાઉ યુ વીલ ગેટ યોર ટ્રક. અને સ્ટેલા વ્હાલથી આશુના માથે ટપલી મારીને એને એમ જ દિગ્મૂઢ અવસ્થામાં મુકીને ચાલતી થઈ.

આશુને ફરી એક વાર આ સ્ટોર, આ અમેરિકા ફળ્યુ . વિશાળ બાંહો ફેલાવીને અમેરિકાએ આશુને સમાવી લીધો છે.અમેરિકા અને આ સ્ટોરે એને જીંદગી આપી છે.

આજે પણ આશુ એ જ સ્ટોરને  ,અમેરિકાને દિલ ફાડીને ચાહે છે.

Entry filed under: નવલિકા.

“દબંગ” – film reviews – “અન્જાના અન્જાની”- film reviews –

17 Comments

 • 1. vijayshah  |  September 13, 2010 at 4:30 pm

  New color of America…
  True color of America
  It is a land of opportunity…

  Some body gets it today
  some body may get it tomorrow….

  Like

 • 2. પરાર્થે સમર્પણ  |  September 13, 2010 at 6:04 pm

  શ્રી આશુભાઈ,
  અભિનંદન. નવી ટ્રક મળી ગઈ.
  આપે જે ઈમાનદારી અને વિશ્વાસ દાખવ્યો તેનું આ પરિણામ છે.
  શિક્ષકના પુત્રના ગુણો અને સંસ્કાર તેમજ ઉતમ શિક્ષણ નો આ
  પરિપાક છે. ધન્યવાદ.

  સ્વપ્ન

  Like

 • 3. Jaynath Sisodiya  |  September 14, 2010 at 9:21 am

  wow…so positive thoughts about Amrica…..(America :P)

  like it very much.

  Regards

  Like

 • 4. "માનવ"  |  September 14, 2010 at 5:12 pm

  awsome..

  Like

 • 5. nilam doshi  |  September 16, 2010 at 3:29 am

  lucky guy…

  nice narration..like it..

  Like

 • 6. laaganee  |  September 16, 2010 at 5:01 am

  વાહ…. સારા સ્વભાવ અને ઈમાનદારીનું ફળ હમેશા કુદરત આપે જ છે તે સાબિત થયું….ભારત હોય કે અમેરિકા લોકો હુંફ અને લાગણીના ભૂખ્યા છે . અમેરિકા જઈને એને પારકો માની ને કોસવા કરતા પોઝીટીવ થીન્કીંગ સાથે તેને અપનાવી લેવો જોઈએ. અંતે તો કમાવા માટે પરદેશ જવાનો નિર્ણય જાતે જ લીધો હોય ત્યારે…!!!
  ખુબ જ મજા આવી ગઈ વાંચવાની… મહેસુસ કરવાની…. આપની લખવાની શૈલી સરળ અને સહજ છે. દિલથી લખો છો આપ અને એટલે જ દિલને સ્પર્શે છે… આમ જ લખતા રહો ને અમને વંચાવતા રહો..!!

  Like

 • 7. યશવંત ઠક્કર  |  September 16, 2010 at 6:37 am

  સુંદર રજૂઆત. મજાની વાત.

  Like

 • એ હકીકત છે કે ઘણીવાર આપણે જીવનમાં સત્ય-નિષ્ઠાથી કોઈ પણ કાર્ય કરીએ તો તમને વેહલા કે મોડા પરંતુ તેનું ફળ યોગ્ય મળે જ છે. હા, ધીરજ -ખંત અને નિષ્ઠા કાયમ હોવી જરૂરી.

  બીજી વાત, અમેરિકા હોય કે લંડન – પરંતુ અહીં એક બાબત નો અનુભવ થાયો કે ગોરી પ્રજાના મનમાં આપણા માટે કંઈ પણ ભલે હોય પરંતુ તેઓ પોઝીટીવ વિચાર પેહલા રાખશે.

  સરસ અનુભવ.

  અશોકકુમાર-‘દાદીમાની પોટલી’

  http://das.desais.net

  Like

 • 9. Rajul  |  September 16, 2010 at 10:35 am

  ગીતામાં પણ એમ જ કહેવામાં આવ્યુ છે ને કે ફળની આશા રાખ્યા વગર કામ કરો. વહેલા કે મોડા ફળ મળે જ છે.

  Like

 • 10. Rajul  |  September 16, 2010 at 10:35 am

  આભાર.

  Like

 • 11. Rajul  |  September 16, 2010 at 10:38 am

  સાચી વાત છે. અમદાવાદ હોય કે અમેરિકા લોકો હુંફ અને લાગણીના ભૂખ્યા છે

  Like

 • 12. SIMA DAVE  |  September 16, 2010 at 11:50 pm

  YES , IF U LOVE THEM THEY LOVE U LOT,
  I WAS IN BUSINESS AND I KNOW THEY ARE MORE –
  LOVEABLE, THEY DON’T CARE WHO U R AND WHAT –
  U R BUT THEY LOVE U UNCONDOTIONLY

  Like

 • 13. devikadhruva  |  September 17, 2010 at 1:16 am

  સરસ અભિવ્યક્તિ..સાચું તો એ છે કે સ્વેચ્છાએ અમેરિકા આવેલા છતાં અને લાભો લેવા છતાં,મોટાભાગના આપણા લોકો અમેરિકાને કોસતા અવ્યા છે. એની સામે આ પ્રકારની ઉદાર અને કદર કરતી વાર્તાઓ ખુબ આવકારદાયક છે.મને તો લાગે છે કે સારું જોવાની દ્રષ્ટિ આપણા સંસ્કારનું પ્રતિબિંબ છે.અભિનંદન રાજુલબેન…

  Like

 • 14. chandravadan  |  September 19, 2010 at 1:19 pm

  આશુતોષ વ્યાસ , આશુતોષ મનહરભાઇ વ્યાસ આખુ નામ. પિતા અમદાવાદની શાળાના પ્રમાણિક શિક્ષક. પ્રમાણિક એટલે સાચા અર્થમાં પ્રમાણીક …….
  >>>>
  તુ કલ્પી નહીં શકે એટલો દલ્લો મને મળ્યો છે. અને મેં તને પ્રોમીસ કર્યુ હતું ને કે જ્યારે મને લોટરી લાગશે ત્યારે હું તને ટ્રક અપાવીશ. તો આ તારી ટ્રક માટેનુ પહેલુ ઇન્સ્ટોલ્મેન્ટ સમજી લે અને હવે બીજા તારે કેટલા જોઇશે એ મને કહી દે જે એટલે એટલો બીજો ચેક તારા નામનો તને લખી આપીશ.

  Rajulben..Late to read this Post !
  Nice ! Very Nice !
  Is this a true story ? It is possible & can happen in America. Even if not a true story, it is a wonderful story of “Human Love” !
  It gives the “Positive Picture” of America. POSITIVE Attitude and SINCERITY always pays at the END !
  A nice message !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Rajulben…YOU and your READERS are invited to my Blog to read HEALTH & other Posts ! Hope to see you soon !

  Like

 • 15. vishwadeep  |  September 21, 2010 at 2:03 pm

  courtesy, love and sympathy and feeling for human ..i can see all in one story…very good story..

  Like

 • 16. Indu SHAH  |  October 20, 2010 at 8:51 pm

  રજુલબેન સરસ વાર્તા અમેરિકન અને ઇન્ડીયન બન્નેના સરસ ચરિત્ર રજુ કર્યા
  અભિનંદન

  Like

 • 17. Rajul Shah Nanavati  |  October 22, 2010 at 1:25 am

  Thanks.

  Like


Blog Stats

 • 131,319 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

September 2010
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


મારી બારી

દીપક ધોળકિયા

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: