“અભાગણી”

ઓગસ્ટ 31, 2010 at 3:07 પી એમ(pm) 16 comments

અભાગણી-

આજે લલિતા ભારે ટેસમાં હતી .કેમ ના હોય? ગામડાના છાણ માટીના લીંપેલા ઝૂંપડામાંથી સીધી વૈભવી કહેવાય એવા પાંચ રૂમ-રસોડાના વાપરવા મળે ત્યાં સુધી પોતીકા કહેવાય એવા  ઘરમાં રહેવાનું તો એણે સપનામાં ય ક્યાં વિચાર્યુ હોય? વિરમ કામ  કરતો એ દાદાના એક જ કંપાન્ડમાં બે ભાઇઓ ના જોડકા ઘર થવાની તૈયારીમાં હતા. એક બાજુ તો દાદાનો પરિવાર રહેતો હતો પણ બીજા જોડકાના ખાલી ખોખામાં થોડું કામ બાકી હતુ ત્યાં વિરમ –લલિતાનો ઘરસંસાર ગોઠ્વાઇ ગયો. બે –ચાર એલ્યુમિનિયમના ઠામરા , પ્લાસ્ટીકના ઠોબા જેવા ડબ્બા, પિત્તળનો ભમભમીયો પ્રાયમસ અને જુના ગાદલા ગોદડા, એક છેડેથી બીજા છેડા સુધી બાંધેલા તાર પર લટકતા બેય જણ ના કપડાં , એટલી એમની ઘરવખરી પણ લલિતાનો ઠાઠ વધી ગયો.

જે દહાડો રૂપિયા લઈને મા એ લલિતાને પાંચે ભાઇઓમાં વચેટ વિરમ જોડે વરાવી અને વિરમ ગાડુ જોડી હાથમાં લાકડાની મૂઠવાળી તલવાર લઈ જાન લઈને આયો ત્યાં સુધીતો લલિતાને બધુ ઠીક-ઠાક લાગ્યુ પણ માંયકાંગલા વિરમને જોઇને તો લલિતાના મનમાંથી બળબળતી હાય નિકળી ગઈ . મનમાં ને મનમાં મા પર પણ એવી તો દાઝ ચઢી કે ના પુછોને વાત. પણ ઘડીભર રહીને થયુ કે પોતે જ અભાગણી છે, એમાં મા શું કરે?  જનમ થયો ને થોડા દહાડામાં બાપ મૂવો. મા એ જેમ તેમ કરીને લલિતાને મોટી તો કરી પણ હવે મા ની જાત પણ ક્યાં ચાલતી હતી?  લલિતાને વળાવીને મા એ હાશકારો લીધો. લલિતાએ પણ જેમ તેમ મન મનાવીને વિરમનુ ઘર માંડ્યુ . અને લલિતાને વળાવા સુધીની  જ રાહ જોતી હોય તેમ મા એ પણ કાયમ માટે આંખ મીંચી દીધી.

દેશમાં ખેતીની મોસમ પુરી થતા બીજા બધાની જેમ વિરમે પણ શહેરની વાટ પકડી. બે-ચાર કામ મળશે એટલે લલિતાને પણ શહેરમાં ભેળી લેવાનો સધિયારો ય આપતો ગયો. મનથી તો લલિતાને ક્યાં ભરોસો હતો?  ટાંપાટૈડા જેવો આ શું શક્કરવાર બાળશે? દેશમાં ય પાંચ ભઇઓ હારે ભેગા મળીને ખેતી હોય એટલે પહૉચી વળાતુ બાકી તો આ વિરમ અને એકલે પંડે ખેતી  ?

પણ હોળી કરવા આયેલા વિરમે લલિતાને ભેળી લીધી ત્યારે  એનો જીવ હેઠો બેઠો. અને શહેરમાં તો આઈને  લલિતાને થયુ કે એ અમથી પોતાની જાતને અભાગણી  માની બેઠી હતી , આવુ સુખ તો મા દિવો લઈને ગોતવા બેઠી હોત તો ય ક્યાં મળવાનુ હતુ ? ? વિરમને જયાં  છૂટક ઘર-કામ મળ્યુ હતુ તે દાદાના ઘરમાં રહેવા –ખાવા ઉપરાંત  બાજુના બીજા બે-ત્રણ ઘરના નાના મોટા કામ પણ ગાડીઓ સાફ કરવા સાથે મળી ગયા હતા.

હા ! એટલુ ખરુ કે વિરમથી ઝાઝુ કામ થાતુ નહીં પણ એનો ય રસ્તો લલિતાએ કાઢ્યો. વિરમની હારોહાર  એય કામે લાગતી . વિરમની  હારેહારે  એ ય સવારથી ફરતી -વિરમનુ અડધુ  કામ એ ઉપાડી લેતી. અને પછી બેય ભેળા ખાવા બેસે ત્યારે તો લલિતાને પોતે પેલી શેઠાણી ની જેમ જ લાગતુ. ફેર એટલો કે શેઠાણી શેઠ જોડે ટેબલ પર બેસે અને  પોતે વિરમ હારે પાણીની ટાંકી માથે ચઢીને .

અને એમાં ય આજે તો વિરમે ભારે કરી .અડધી રજા લઈને લલિતાને શહેરની સેર કરાવા નિકળ્યો. ઓલી શહેરની  છોડીઓ ! સ્કુટર  પાછળ જે ચપોચપ ચોંટીને બેસતી એ જોઇને લલિતા પણ નવો તાલ શીખી.  સાઇકલ બેસીને એણે ય વિરમની કમર ફરતો ચપોચપ હાથ વિંટાળ્યો અને પછી તો બેય જણા કાંકરીયુ ને નગીનાવાડી ફરીને કાંકરીયાની પાળે ભેળ-પુરીનો ચટાકો કરીને કેમ્પના હનુમાન થઈને ઓલુ વિમાન ઉડે ત્યાં જઈને ઉભા. લલિતાને થયુ એ અમસ્તી પોતાના ભાગ્યને કોસતી હતી. ક્યાં ગામના માટીયારા ઉખડ-બાખડ  રસ્તા જેની પર ચાલીને પોતાના પગની પાનીઓ ય ચિરાઇ જતી અને ક્યાં આ લીસ્સા ચકચકતા મસ મોટ્ટા રસ્તા જ્યાં વિરમની સાઇકલ તો ઠીક પણ ઓલી મોટી મોટી ગાડીઓ પણ સરસરાટ ચાલતી . અને ગાડીઓ જ કેમ ઓલુ  વિમાન પણ ઘરરર કરતુ ઉડ્યુને જોત જોતામાં આભને આંબી  ય ગયુ. લલિતાને પોતાનુ સુખ પણ આભને આંબતુ લાગ્યુ. સાતમા આસમાને ઉડેલા વિમાન જેવા પોતાના સુખની જેમ એનો મિજાજ પણ ધીરે સાતમા આસમાને પહોંચવા લાગ્યો . એને  થાતુ કે એ છે તો વિરમ છે, નહીંતર વળી વિરમનુ તો ગજુ જ ક્યાં હતુ?

માથે દિવાળી આવતા આવતા માં તો પાછુ મન પર ભૂત સવાર થયુ , બધા ય કડિયા કામે જાય અને  સાંજ પડતા દાડીના ખનખનતા  રૂપિયા સો લઈને આવે  તો વિરમ કેમ નહીં? આમે ય ઘરના કામ તો પોતે કરે જ છે  તો બે હાથે કામ વધી જાય તો તો ભારે ટેસ પડી જાય ને ! ગામમાં પણ  કાચા કામના ઘરને પાકી દિવાલો થાય. પોતાનો ને વિરમનો ભારે વટ પડી જાય. વિરમ પોતાનુ ગજુ જાણતો હતો પણ એનુ લલિતા આગળ ક્યાં કૈ ઉપજતુ હતુ? છેવટે વિરમને કડીયાકામે લાગડીને જ લલિતા જંપી . પાંચ પચ્ચી દહાડા તો બધુ બરાબર ચાલ્યુ . પણ આખા દહાડાની મજુરી વિરમને આકરી લાગવા માંડી. અને માથે રાતપાળી એ તો વિરમના પેટના આંટા ફેરવી દીધા. ઘરના કામાને કડીયાકામ વચ્ચે આભ-જમીનનો ફરક હતો. માંડ માંડ ઠેકાણે પડેલી એની જાત વળી પાછી ઢીલી પડવા માંડી. દિવાળી જાતામાં જોકે રાતપાળી બંધ થઈ ગઈ પણ દહાડાની મજુરી હવે તો વિરમને આકરી લાગવા માંડી.  “માંડ માંડ બે પાંદડે થવા દા”ડા હાથમાં  આયા છે  તો ચ્યમ બે હાતે મંડી ના પડીએ ?” બસ એક જ વાતનો તંતુ લલિતાએ પકડી રાખ્યો. પાણીની ટાંકીએ ચઢીને હારે એક થાળીમાં જમતા એ  જમવાના દાડા તો ક્યારના ય ગયા. એકલા હાતે વિરમના ઘરકામ કરવા લલિતા લૂસ લૂસ કરતી ખાઇ લેતી અને બે ઘરની થાળીઓ વિરમ માટે ઢાંકી રાખતી.  થાકે વિરમ પણ જેમ તેમ ખાધુ ના ખાધુ ને પથારી ભેળો  થઈ જાતો. રોજ દાડીએ જતા વિરમના રોકડા રૂપિયા ની વધતી જતી સિલક ગણીને લલિતા રાજી રાજે થઇ જતી . અને પેલા પાંચ રુમના ઘરમાં જેમ જેમ આગળ કામ વધતુ ગયુ તેમ તેમ લલિતા-વિરમનો ઘરસંસાર સંકોડાવા માંડ્યો ને હવે તો આમેય તે બે જણ ક્યારે ભેળા થાતા તો આટલા મોટા ઘરની શી તથા?

વિરમની શરીરની કમજોરી  લલિતાને કામ પર ના જવાના બા”ના લાગતા. અને એમાં ય તે હવે લલિતને સારા દા”ડા જતા હતા.જે થોડા સમય સુધી પોતે કામ ખેંચી શકે ત્યાં સુધી તો વિરમે કડિયા કામ ખેંચવુ જ રહ્યુ એમ કહીને વિરમનું માથુ ફેરવી નાખતી. એક દા”ડો તો વળી એણે હદ કરી નાખી. ઉંઘતા વિરમને ઉઠાડવા લાત ઠોકી દીધી. એ દા”ડો તો વિરમ ઉઠીને કામે ગયો પણ આખો દા”ડો પેટમાં ખાવાનુ તો ઠીક પણ પાણી સુધ્ધા ના ટક્યુ. એક દા”ડો -બે દા”ડો એમ કરતા અઠવાડીયુ ગયુ પણ વિરમને તો હવે ઉભા થવાના ફાંકા પડવા માંડ્યા.

અધમુવા વિરમ અને બે -જીવ સોતી લલિતાને  લઈને  વિરમના ભાઇ ઓએ દેશ ભેગા થયા  તો ય હજુ લલિતાનુ મન માનતુ નહોતુ. આજ છે ને કાલ કરતા વિરમ ઉભો થાશે ને કામે લાગશે  એમ માનતી લલિતા પોતાના પાછળના દિવસો ગણતી. પણ હવે તો વિરમને લોહીને ઉલટીઓ ય થવા લાગી . હજુ તો પુરા દિવસો જાય તે પહેલા લલિતાએ છોરીને જનમ આપી દીધો. પણ એ જોવા વિરમ લાંબુ રહ્યો નહીં. ચાર-છ દા”ડામાં તો એણે શ્વાસ સંકેલી લીધા.

આજે એ જ પાછું છાણ- ગાર-માટી લીંપેલુ  ઝુંપડું  ખાબડ ખૂબડ માટીયારો રસ્તો  જેની પર  કેડમાં છોકરી ઘાલીને જતી લલિતાની પગની પાનીઓ ય ચિરાઇ જાય અને એ સમે ઉપર આભમાં ઉડીને જાતા વિમાનને જોઇને લલિતાના મનમાંથી ઉનો ઉનો  ફળફળતો શ્વાસ નિકળી જાતો. એને થતુ ” અભાગણી તો એ  જનમથી હતી જ “.


“આ ટુંકી વાર્તા કુમાર મેગેઝીન માં  ઓગસ્ટ મહિનાના અંકમાં  પ્રગટ થઇ .

Advertisements

Entry filed under: "અભાગણી".

“આશાયેં” – film reviews – “વી આર ફેમિલી “- film reviews –

16 ટિપ્પણીઓ

 • 1. "માનવ"  |  ઓગસ્ટ 31, 2010 પર 3:18 પી એમ(pm)

  saras

 • 2. nilam doshi  |  ઓગસ્ટ 31, 2010 પર 3:27 પી એમ(pm)

  સરસ અભિવ્યક્તિ રાજુલબેન..અભિનંદન….

 • 3. Indu SHAH  |  ઓગસ્ટ 31, 2010 પર 4:14 પી એમ(pm)

  અભાગણી,અભાગણી જ રહી!!
  Destiny no one can change
  સુંદર રાજુલબેન
  ઇન્દુ

 • 4. devikadhruva  |  ઓગસ્ટ 31, 2010 પર 4:20 પી એમ(pm)

  very nice.Congratulations for “kumar” entry..

 • 5. MARKAND DAVE  |  ઓગસ્ટ 31, 2010 પર 4:27 પી એમ(pm)

  આદરણીય રાજુલબહેન,

  અભિનંદન,

  બે –ચાર એલ્યુમિનિયમના ઠામરા , પ્લાસ્ટીકના ઠોબા જેવા ડબ્બા, પિત્તળનો ભમભમીયો પ્રાયમસ અને જુના ગાદલા ગોદડા, એક છેડેથી બીજા છેડા સુધી બાંધેલા તાર પર લટકતા બેય જણ ના કપડાં , એટલી એમની ઘરવખરી પણ લલિતાનો ઠાઠ વધી ગયો.

  ખૂબ સરસ.

  માર્કંડ દવે.

 • 6. Rajul  |  ઓગસ્ટ 31, 2010 પર 4:53 પી એમ(pm)

  Thanks markandbhai.  

  Rajul Shah    http://www.rajul54.wordpress.com

 • 7. vijay Shah  |  ઓગસ્ટ 31, 2010 પર 5:46 પી એમ(pm)

  “kumar” maa prasidhdhi badal abhinandan
  saras vaartaa.

 • 8. Ashwinkumar  |  સપ્ટેમ્બર 1, 2010 પર 7:15 એ એમ (am)

  Khub saras varta just like our real life story. we never be happy in wahtrever have…and to get more we loosing what have…
  good very good story.

 • 9. marmi kavi  |  સપ્ટેમ્બર 1, 2010 પર 11:35 એ એમ (am)

  સુંદર અભિવ્યક્તિ……

 • 10. ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’  |  સપ્ટેમ્બર 1, 2010 પર 11:41 એ એમ (am)

  સરસ, અભિવ્યક્તિ રાજુલબહેન,
  અભિનંદન,સુક્ષ્મ્ અવલોકન તથા સ્ત્રી હદય ની સુંદર રજૂઆત!

 • 11. Sonal, Shrikant  |  સપ્ટેમ્બર 2, 2010 પર 3:06 એ એમ (am)

  જ્યારે રાજુલભાભી લાંબા વેકેશન માટે અમેરીકા ગયા ત્યારે એમ લાગતું હતુ કે “કેમ છો” માંથી “હેલો,હાઉ આર યુ” કરતાં થઈ ગયા હશે. પરન્તું જ્યારે તેમની લઘુવાર્તા “અભાગણી” વાંચી ત્યારે લાગ્યું કે હજુ તેમનાં મસ્તિસ્કમાં ગુજરાતી ભાષાનો કીડો સળવળે છે.

  તેમના શરુઆતનાં જ પ્રયત્નમાં આટલી સુંદર લઘુવાર્તા લખીને તેમણે તેમની લેખન શક્તિ નો પરિચય આપ્યો છે.

  ગુજરાતી સાહિત્યની ક્ષિતિજ ઉપર નવાં સુર્યનો ઉદય થતો જોઇ શકાય છે.

  પ્રભુ તેમને લાબોં લેખન કાર્યકાળ આપે તેવી શુભેચ્છા.

  સોનલ તથા શ્રીકાન્ત

 • 12. sneha  |  સપ્ટેમ્બર 2, 2010 પર 6:08 પી એમ(pm)

  waah…tamara shabdo bahu mitha madhura che didi…ane varta pan khub j saras…cngrts…

 • 13. Prabhulal Tataria "dhufari"  |  સપ્ટેમ્બર 12, 2010 પર 5:12 પી એમ(pm)

  દીકરી રાજુલ
  પૈસાનો મોહ એવી વસ્તુ છે અને તેમાં અદેખાઇ હલે તો પુછવું જ શું?
  આવાજ કંઇક વિચાર્ને વ્યક્ત કરતી વાર્તા વાંચી આનંદ થયો.
  અભિનંદન

 • 14. વિનય ખત્રી  |  સપ્ટેમ્બર 23, 2010 પર 10:04 એ એમ (am)

  આપની આ વાર્તા પણ તેજસ પટેલના બ્લોગ પર પ્રસિદ્ધ થઈ છે!

 • 15. વિનય ખત્રી  |  સપ્ટેમ્બર 23, 2010 પર 10:04 એ એમ (am)

  આપની આ વાર્તા પણ તેજસ પટેલના બ્લોગ પર પ્રસિદ્ધ થઈ છે!

 • 16. અભાગણી. « સમી સાંજનું શમણું.  |  સપ્ટેમ્બર 26, 2010 પર 9:20 એ એમ (am)

  […] Link to the th original Post : https://rajul54.wordpress.com/2010/08/31/abhagini/ […]


Blog Stats

 • 98,422 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ઓગસ્ટ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: