” બોબ જેસન”
May 29, 2010 at 12:54 pm 4 comments
બોબ -બોબ જેસન ડોગવુડ ફોરેસ્ટ સિનીયર સિટીઝન હોમની એક જીવંત લાશ.
અજબ વાતાવરણ હોય છે આ હોમનું ઘરના સભ્યોની માયા છોડી વસેલા લોકો અહીં આવીને પોતાની દુનિયા વસાવતા હોય છે. અને એ દુનિયામાં પોતાના મનનું સુખનું સમાધાન શોધી લેતા હશેને? સમવયસ્ક કરતા સમમનસ્ક લોકો અહીં એક્બીજા સાથે ભળી જઈ એકેમેકના સધિયારે સમય પસાર કરી લેતા હશે. પણ આ તમામથી અલગ આ માળામાં ભુલા પડેલા પંખી જેવા બોબને મન કોઇ પોતાનું નહોતુ. જ્યાં ઘરનાએ જ તરછોડ્યા ત્યાં બહારના સાથે શી લેવાદેવા?
આમ જોઇએ તો અહીં વસતા તમામ સીનીયર સિટીઝન નો અહીં કાયમી માળો હતો. જીવનના અંતિમ શ્વાસ સુધી અહીંથી બીજે ક્યાંય જવાની તૈયારી નહોતી કે નહોતી શક્યતા.તો શા માટે આ જે છે એને જ મનથી ના અપનાવી લેવુ? જેવી માનસિકતા કેળવી સૌએ રાજીપાથી રહેતા શીખી લીધુ હોય તેમ લાગતુ હતુ. સિવાય કે બોબ. દિવસનો ઘણોખરો સમય ડોગવુડ ફોરેસ્ટના બહારના પેસેજમાં જ બેસી રહી અલિપ્તતાથી બહારની અવર-જવર સાથે ઓતપ્રોત રહેતા બોબને ભગ્યેજ કોઇએ કોઇની સાથે મળતા કે ભળતા જોયા.
શરૂઆતમાં આત્મિયતાતો દૂરની વાત ઔપચારિકતા પણ કેળવવી અઘરી હતી. છતાં મનથી નક્કી કર્યુ હતુ કે ક્યારેક્તો મનની કોઇ બારી ખુલ્લી હશે તેમાં ડોકિયુ કરવા મળશે. થોડી ધીરજની જરૂર હતી.એક વસ્તુ તો ચોક્ક્કસ અહીં પણ જોઇ કે બધાયને થોડી હૂંફની -થોડી મમતાની જરૂર તો હતી જ.
વેલેન્ટીન ડોગવુડ ફોરેસ્ટને મેનેજર. અહીં રહેતા સીનીયર સિટીઝનની તમામ જરૂરિયાતોથી માંડીને સવલતોનું , શારીરિક સાથે માનસિક સ્વસ્થાનુ ધ્યાન રાખનાર એ શામળી છોકરી અતિ મ્રુદુ પણ હતી અને મળતાવડી પણ .અને તો જ અહીં રહેનારનો ખાલીપો ભરી શકાતો હશેને? મેનેજરની જોબને અનુરૂપ સ્વભાવ કેળવવો જરૂરી હશે કે ખરેખર પોતાનો એ સ્વભાવ જ હશે તે કળવુ મુશ્કેલ હતું એક સમય તો “લગે રહો મુન્નાભાઇની “જ્હાનવી યાદ આવી ગઈ. સાતેક વયસ્ક લોકોને પોતાના બાળકની જેમ મમતાથી રાખતી જ્હાન્વી હોય કે ડોગવુડ ફોરેસ્ટની વેલેન્ટીન ,જ્યાં પોતાના માતાપિતાને સહન કરવા તૈયાર ન હોય તેવા સમયે પારકાને પોતાના ગણવા જેવી સહિષ્ણુતા કેળવવી એ જ ઘણી ઉંચી વાત હતી. વેલેન્ટીનને મળીને ડોગવુડ ફોરેસ્ટ હોમની મુલાકાત શક્ય બની હતી.
કદાચ કોઇ કારણ વગર, અપેક્ષા કે સ્વાર્થ વગરના આયાસો નિષ્ફળ તો નહીં જ જતા હોય એવુ ચોક્કસ લાગ્યુ. હેલ્લો , ગુડ મોર્નીંગથી શરૂ થયેલો બોબ સાથે વ્યહવાર થોડો કઠીન હતો પણ કઠોર તો નહોતો જ. જે મનના કોચલામાં પુરી રાખેલી કેટલીક વાતો બહાર આવવા માડી. ૩૫ વર્ષની -સાવ ૩૫ વર્ષની ઉંમરે સિવિલ વોરમાં અગ્રીમ સ્થાને રહીને લડનાર બોબ ત્યારબાદ પરિવારમાંથી અંતિમ સ્થાનેથી પણ બહાર ફેંકાઇ ગયો. કારણ ? એ સિવિલ વોરમાં બોબના પગે ગોળી વાગી અને તત્કાલિક સારવાર ન મળતા એ ઘા પગમાં ગેંગરીન થઈને વ્યાપી ગયો. જીવન બચાવવા એક અંગ કાઢીને ફેંકી દેવુ પડે એની કેટલી કપરી કિંમત ચૂકવવી પડશે એની તો બોબને કલ્પના પણ ક્યાંથીહોય? આર્મી હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે ગયેલા બોબને એ દિવસે થયુ કે એનો એક પગ કાપીને જીંદગી બચાવવાના બદલે મોતના હવાલે કરી દીધો હોત તો એ આ શારીરિક જ નહી પણ માનસિક યાતનામાંથી પણ બચી જાત .કારણકે ૬૫ કે ૭૫ વર્ષની ઉંમર હશે પરિવારથી દૂર જઇને વ્રુધ્ધાશ્રમમાં જઈને રહેવાની પણ ૩૫ વર્ષની ઉંમર વાનપ્રસ્થાશ્રમ ભોગવવાની તો નહોતી જ . પત્ની કે પરિપક્વ થયેલા બાળકોને હવે વ્હીલચેર સ્થિત બોબ ખપતો નહોતો. પરિવારથી દૂર થયેલા બોબનો કોઇ પરિવારવાળાએ સંપર્ક પણ કર્યો નહી.
જીંદગીની શરૂઆતની આર્મીની કમાણી અને પાછળથી ગવર્મેન્ટ્ની મહેરબાની પર નભતા ૮૫ વર્ષના બોબને હવે દુનિયા સાથે કોઇ લેવાદેવા નથી. એ ભલા,એમની વ્હીલચેર ભલી અને અભેદ મૌન ભર્યુ પેલુ કવચ ભલુ. મધર્સ ડે-ફાધર્સ ડે કે થેન્ક ગિવીંગ ડે પર મળવા આવતા સંતાનો સાથે બહાર જતા બાકીના કોઇ સીનીયર સિટીઝને ક્યરેય બોબને મળવા આવતા કોઇને જોયા નથી કે નથી જોયા બોબને આ દુનિયામાંથી બહાર નિકળતા.ઘર કહો કે સંસાર એમના રૂમથી શરૂ થઈને આ પરિસર સુધીની વ્હીલચેર સુધીની સફરમાં આ બધુ સમાઇ જતુ હતું.
Entry filed under: મારું ભાવજગત.
1.
વિશ્વદીપ બારડ | May 30, 2010 at 1:44 pm
it’s very touchy & true picture of modern society…
LikeLike
2.
Ramesh Patel | May 30, 2010 at 6:46 pm
સત્યવાર્તા આંખ ભીંની કરી ગઈ.જીવનનું આ પણ એક પાસું.
છેલ્લો વિસામો કેટલો કઠિન.
રમેશ પટેલ(આકાશદીપ)
પૂનમ વૈશાખની…રમેશ પટેલ(આકાશદીપ)
–Pl find time to visit and comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/
With regards
Ramesh Patel
—
LikeLike
3.
NavinBanker | June 1, 2010 at 2:47 pm
Very touching facts. I literally cried.
Navin Banker
LikeLike
4.
Shraddha | June 2, 2010 at 3:55 am
ઝીંદગી ની દૌડ માં દોડતો, ભાગતો, લથડીયા ખાતો માણસ જયારે એકલે હાથે પોતાના કરતા પોતાના પરિવાર માટે ઝઝૂમતો હોય છે ત્યારે શું એ વિચારે છે કે એક દિવસ આજ પરિવાર વાળા ઓ દુનિયા છોડ્યા પહેલા ખુદને છોડી મુકાશે?? સાચ્ચેજ આવું ક્યાં વિચારે જ છે માણસ…….ખુબ જ સરસ અને સંવેદનશીલ.
LikeLike