Archive for September 19, 2009
”દિલ બોલે હડીપ્પા.” – film reviews –
જીભ બોલે……’ફસાયા’
“છોટી છોટી આંખે દે બડે બડે સપને –ક્યું ન દેખું? જબકી મૈં લડકો સે અચ્છા ખેલ સકતી હૂં તો લડકીઓંકી ટીમ મે ક્યું ખેલુ? “પંજાબ ના એક નાના ગામમાં રહેતી વીરાનું વિરાટ સ્વપ્ન જ્યારે એની મહત્વકાંક્ષા બની જાય અને એની આડે જ્યારે એ એક છોકરી છે માટે ન કરી શકે તેવો વાંધો ઉઠાવવામાં આવે ત્યારે આ મહિલા સશકિતકરણની વાતો બાંગો જ લાગે ને? આવી કથા-વસ્તુ લઇને યશરાજ ફિલ્મના બેનર હેઠર ડિરેકટર અનુરાગ સીંધે કથાની સાથે ક્રિકેટ, ભારત-પાકિસ્તાન વચ્ચે ખેલ્દિલી-મૈત્રીના માહોલને પણ આવરી લીધા છે.”અમન કપ” જીતવા માટે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાતો ક્રિકેટ નો જંગ ક્રિકેટ પ્રેમી માટે એક આકર્ષણનો વિષય છે. એ આકર્ષણને તેના દમદાર બેક-ગ્રાઉન્ડ મ્યુઝીકથી ઉત્તેજના સભર બનાવાયું છે.
સચીન તેંડુલકર સાથે ક્રિકેટ રમવાની આકાંક્ષા ધરાવતી વીરાને એ સ્વપ્ન સિધ્ધ કરવા જયારે વીર પ્રતાપ સીંહ બનવું પડે ત્યારે સ્વાભાવિક એના જેવો આક્રોશ કદાચ એના જેવી જ ઇચ્છા ધરાવતી યુવતીઓને પણ હોય શકે. “સ્પેસમાં જવા જો પાંચ પુરુષો સાથે કલ્પના ચાવલા કે સુનીતા વિલીયમ્સ સિલેક્ટ થઇ શકે, પોલિસ ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ હોદ્દા પર કિરણ બેદી હોઇ શકે, ભારતની રાજ્ય ધૂરા ઇન્દીંરા ગાંધી સંભાળી શકે ,આઝાદીની લડતમાં ઝાંસીની રાણી રણે ચઢી શકે, તો ક્રિકેટમાં છોકરીઓ માટે શા માટે જુદી ટીમ હોવી જોઇએ? પોતાના સ્વપ્નના પુરા કરવા વીર પ્રતાપ સિંગ બનતી રાની મુકરજી અને પંજાબના ગામની તલપદી લઢણ સાથે ઇંગ્લેન્ડ કાઉન્ટીના બેસ્ટ પ્લેયર રોહન( શાહિદ કપુર)નું દિલ જીતતી વીરા એ બે અનોખા અંદાજને રાની મુખરજીએ જીવંત કર્યા છે.
લગભગ આઠ વર્ષથી “અમન કપ” હારતા ભારતને જીતાડવા જ્યારે વિક્રમ સિગં ( અનુપમ ખેર ) પોતાના ઇંગ્લેન્ડ કાઉન્ટીના બેસ્ટ પ્લેયર એવા પોતાના પુત્ર રોહનને બોલાવે છે ત્યારે સ્વભાવિક બે ભવિષ્ય નક્કિ થઈ જાય છે.એક તો હવે ભારતની ટીમ જીતશે અને રોહન- વીરા પ્રેમમાં પડશે.એક આવી સીધી -સાદી ફોર્મ્યુલાને પંજાબનો માહોલ ,ક્રીકેટનો જુસ્સો ,થોડી રસાકસી અને કંઇક જુદી રીતે પણ ધારેલા અંત તરફ લઈ જતી ફિલ્મની લંબાઇ થોડી કઠે છે.
માતા-પિતાની જુદાઇ વચ્ચે વહેંચાયેલો અને ભરત-ઇંગ્લેન્ડ વચ્ચે ઝોલા ખાતા રોહનને એક દિશા મળે છે.” ઇસ્ટ યા વેસ્ટ-ઇન્ડીયા ઇસ બેસ્ટ”ની ભાવનાને ઉજાગર કરવા મથતા અનુપમખેર અને ધીમે ધીમે એની રાહે ઢળતા શાદિદ કપુર એ બંન્ને પિતા-પુત્રના પાત્રનો સ્પર્શ આપીને કથા માત્ર ક્રિકેટ પુરતી જ સિમિત નથી એવો અણસાર આપવામાં બંન્ને સહજ રહે છે.પોતાના મંતવ્યને જ સાચા માની જુદાઇ વેઠતા અનુપમ ખેર અને પુનમ ધિલ્લોન જ્યારે જાણે -અજાણે નજીક આવતા જાય છે તે પળોને બેઉ પીઢ અદાકારોએ વ્યકત કરી છે તેમાં સહજતા અનુભવાય છે. હર-હંમેશની માફક અનુપમ ખેર કોઇપણ પાત્રમાં સરળતાથી ઢાળી શકે છે.
યુવા તરવરિયા રોહનનો માતા-પિતા તરફનો લગાવ ,વીરા તરફનો પ્રેમ તો ક્યાંક પોતે છેતરાયો છે તેવી લાગણી -આ તમામ પાસાને અપેક્ષા મુજબ શાહિદ કપુરે વ્યક્ત કર્યા છે.
દિલિપ તાહિલ પુનમ ધીલ્લોન -વ્રજેશ હિરજી કથાનક મુજબ જરૂરી પાત્ર નિભાવે છે.
એક હલ્કી ફુલ્કી મનોરંજન ફિલ્મમાં અપાયેલો સંદેશ વધુ અગત્યનો છે. પણ સાથે ” યશરાજ ફિલ્મ “ના બેનરના નામથી થિયેટર સુધી ખેંચાઇ આવતા પ્રેકક્ષોને તેમની અપેક્ષાથી થોડા ઉણા ઉતરતા ગીત -સંગીત અને પાતળા કથાનકથી -એ કથાની લંબાઇથી થોડી નિરાશા ઉદભવે .
“આ લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને19/09/2009 ના પ્રગટ થયો.”
Recent Comments