Archive for July, 2009

” લક ” – film reviews –

luck movie wallpaper

લકઃ અજમાવી તો જુઓ

જીતે હૈ શાન સે -આજમાતે હૈ જાન સે -હથિયાર હૈ જીનકા લક.

આવા નસીબના બળિયા જેનુ હથિયાર છે લક – નસીબ, અને અજમાવા નિકળ્યા છે નસીબની બાજી અને તે પણ જાનના જોખમે . જમાનો હતો જ્યારે રાજા -મહારાજા નો ત્યારે ચોપાટ પર મ્હોરાના બદલે જીવતા -જાગતા ઇંન્સાનો થી  ચોપાટ  માંડતા.આવી જ જીવંત ઇંન્સાનોની બાજી ખેલતા મુસા{સંજય દત્ત}ને કરોડોની ઉથલ-પાથલ કરતી બેટિંગની દુનિયામાં નવતર ખેલ પાડી પોતાનુ સામ્રાજ્ય સ્થાપિત કરવું છે.અને એમા સાથ છે તમાંગ {ડેની ]નો.

કુદરતના ખોફ સામે જ્યારે આખુ ગામ તારાજ થાય છે ત્યારે એક નવ મહિનાનો બાળક  સાંગોપાંગ એક પણ ખરોચ વગર બચી જાય છે . નવ વર્ષની ઉંમરે ચોથા માળેથી માત્ર શરત ખાતર  છલાંગ લગાવતા ચાર છોકરામાંથી ત્રણ ના જીવનનો અંત આવે અને પેલો બાળક થોડા હાડકાની તોડ-ફોડ પછી પણ બચી જાય એને જ લક કહેવાય ને?

આવો નસીબનો બળિયો મુસા તમાંગની મદદથી આવા બીજા કેટલાક નસીબના બળિયાને શોધી અને દિલ ધડક ,જીવ સટોસટની બાજીના ખેલ  પર નસીબ અજમાવનારા માટૅ એક નવિન રમત માંડે છે.

એક પછી એક પાસા ફેકાતા જાય -દરેક વખતે જુદી જ અજમાયેશ , ક્યારેક રિવોલવર્થી બ્લાઇન્ડ શોટ . ક્યારેક  પેરેશુટ સાથે હવામાં લટકતી તરતી કે પછી ડુબતી આથમતી તકદિર તો  ક્યારેક  મોતના સકંજામાં બેડીથી બંધાયેલી જીદંગી અને એને બચાવવા સેકડોમાં થી  ચાવી શોધી જીંદગી બચાવવાની  અજમાયેશ .તો વળી  ટ્રેનની રફતાર સાથે બાંધેલી જીંદગીની રફતાર –કઈ રફતાર ઝડપી બનશે તેના પર બેટીંગ .પળેપળ દિમાગમાં શુ બનશે તેનો અધ્ધર શ્વાશે ઇંતજાર કરતા પ્રેક્ષકો્ના મનમાં  કુતુહલની કુદક ફુદક  સતત રહ્યા કરે.

લક્ ને અજમાવતી બાજી ના મ્હોરા છે -રામ {ઇઅમરાન ખાન }, આયેશા {શ્રુતિ હસન}, કર્નલ વીર પ્રતાપ  {મીથુન ચક્રવતી}, રાઘવ { રવિ કિશન } અને  એક માત્ર સોળ વર્ષની  છોકરી {શોર્ટ્કટ }અને એવા બીજા જેમનૂ નસીબ એમના કરતા બે ડગલા આગળ ચાલે છે.

રામ ની જીદગીમા માંદી મા – શેર બજારમાં પૈસા અને  જીંદગી હારી ચુકેલા બાપ ની જવાબદારી છે. પણ પોતાનાના લક થી એ અજાણ છે. કર્નલને  પત્ની ની જીદગી માટે પોતાની જીદગી દાવ પર લગાવવી છે .એક છે સિરિયલ કિલર જેને ફાંસી ની છેલ્લી ક્ષણોમાં લક ની બલિહારી થી જીવતદાન મળે છે . એક સોળ વર્ષની જવામર્દ કહેવડાવે  તેવી જીંદાદિલ છોકરી જેની પર મા-બાપે રુપિયા રોકડા કરી લીધા છે. અને આવા સાહસોમાં જોડાયેલી પણ તદ્દન ગભરુ આયેશા.

આ સૌને તમાંગની મદદથી મુસા કેપટાઉનની ધરતી પર એકઠા કરે છે અને શરુ થાય છે દિલ ધડક ખેલ.

ચોટદાર સંવાદો .કથાને અનુરુપ ધારદાર અસર ઉપજાવતુ બેક ગ્રાઉન્ડ મ્યુઝીક  અને દરેક પાત્રોનો જાનદાર અભિનય આ તમામ પાસાનો સરવાળો એટલે  શ્રી અષ્ટ્વિનાયક ફિલ્મ્ ની સોહમ શાહ ના દિર્ગદર્શન માં તૈયાર થયેલી  “લક ” સંજય દત્ત નો મુસા ના રોલ માં  ગેટઅપ જાણે એને ધ્યાન માં રાખી ને લખાયો હોય – એને અનુરુપ  તેવો અભિનય -ઇમરાન ખાન ,રવિ કિશન ,  ડેની -મીથુન ચક્રવર્તી  -ક્યાંય કોઈના અભિનય માં કોઈ કચાશ નહી .   સારિકાની પ્રતિક્રુતિ  સમી કમલ હસન અને સારિકાની  પુત્રી શ્રુતી  પણ પ્રક્ષકોનુ ધ્યાન ખેચે  છે .. અને સૌથી ચડે પેલી  સોળ વર્ષની શોર્ટકટ.

સિરિયલ કિલરના પાત્રમાં રવિકિશને  પુરેપુરો ન્યાય આપ્યો છે .

તદ્દન અલગ  કથાવસ્તુ    ધરાવતી  અને પળે પળે શ્વાસઅધ્ધર કરાવે એવા એવા રોલર કોસ્ટ્રર  પર ઘુમાવતી પ્રેક્ષકોને જકડી રાખે એવી માવજત એટલે “લક ”

“આ લેખ/રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને 25/7/2009 ના પ્રગટ થયો.”

July 27, 2009 at 8:52 am 2 comments

” બા ની સ્મૃતિ ”

Baa Ni Smruti

” બા ”

”   હેપ્પી બર્થડૅ- દાદીબા  ”

મારે તને શું કહેવાનું ?  થેન્ક્યુ ને?  હું તને થેન્ક્યુ કહુ છું –બેટા

આટલી વાત કરતા -કરતામાં તો ૭૮ વર્ષના દાદીબા ના મોં પર અપાર આનંદ અપ્પર વાત્સ્લ્યના ભાવો આવી ગયા. અને નાકેમ આવે ? પરણીને સાત વર્ષથી  અમેરીકા ચાલી ગયેલી  મિલી નો ફોન હતો. મિલી એટલે સુલભાબા અને બાબુભાઇની ત્રીજી પેઢીનું પ્રથમ સંતાન .અને પછીતો મિલી સાથેનો દાદીબાનો વાર્તાલાપ લંબાતો ગયો.મનમાં ભરી રાખેલી કઇ કેટલીય વાતો મિલી સાથે ચાલ્યા કરી . નિરાંતે વાતો કરી રહેલા સુલભાબાને જોઇને છેવટે બાબુભાઇથી મીઠી ટકોર કર્યા વગર ના જ રહેવાયું.

” ભારે વટ છે ને ઠાઠ છે તારો તો ? ક્યાંથી ને ક્યાંથી તો તારી પર ફોન્ આવે છે ને?”

“તે તમારો ય ક્યાં ઓછો વત કે ઠાઠ છે ? તમારી વર્ષગાંઠ હતી તો કોણે બાકી રાખ્યું તું? સવાર થી તો રાત સુધી કોના ફોનોની વણઝાર ચાલી ?” -સુલભાબા પણ કંઇ બાકી રાખે તેવા ક્યાં હતા ?

અને વાતે ય કયાં ખોટી હતી ? જીંદગીના કંઇ કેટલાય વર્ષ સુધી પોતાની વર્ષગાઠ ક્યારેય યાદ ના કરતા બાબુભાઈ અને સુલભાબા ને આજે પરદેશ વસતા પૌત્ર-પૌત્રીઓ  યાદ કરીને આ દિવસોએ અચૂક ફોન કરી લેતા .અને કુટુંબ વત્સલ દાદાજી અને  દાદીબા માટે તો આ જ  સૌથી મોટી સોગાત હતી . વર્ષો સુધી ભર્યા  ઘરમાં સંતાનો અને એમના ય સંતાનો સાથે રહ્યા પછી આજે તો બાબુભાઇ અને સુલભાબાને એમનો માળૉ ખાલી ખમ લાગતો હતો.ભણવા અગર તો પરણીને લંડન્ અમેરીકા અગર તો ઓસ્ટ્રેલીયા ચાલી ગયેલા પૌત્ર પૌત્રીના અવારનવાર રણકતા ફોનોથી સુના માળામાં કલરવ લાગતો.

અને વર્ષગાંઠનું કોઇ ખાસ મહત્વ ના માનતા દાદીબાને તો  નિમિત્તે દિકરા-દિકરીઓ જોડે વાત કરવાનો  આનંદ જ  વિશેષ રહેતો .આ આનંદ સુલભાબા બાબુભાઇ પાસે વ્યક્ત કર્યા વગર ક્યાં રહી શકે તેમ હતા ?  અને એટલે તો પછી ચાલ્યો એમનો મિલી સાથેની વાતો નો અસ્ખલિત અહેવાલ્  પણ એમની  વાતો ને  એકીટકે સાંભળી રહેલા બાબુભાઇનું મન તો લગભગ ૭ દાયકા વળોટીને પાછળ પેલી નાનકડી એ  સાંકડી શેરીમાં પહોંચી ગયુ હતુ એની સુલભાબાને કયાં ખબર હતી ?

આછી પાતળી દલાલીની આવક પર નભતા બાપા-બા અને બાબુભાઇ સહિત ૯ સંતાનો-એમ ૧૧ જણનો પરિવાર , ત્રણ સાંધતા તેર તુટે એવી

પરિસ્થિતિ .તિવ્ર મેઘા ધરાવતા બાબુભાઇ છાત્રાલયમાં રહીને ભણતા પન મહિનો થાય એટલે ફી ના પૈસા લેવા ઘેર આવવું પડતુ.રોકડા રુપિયા ૬ ની ફી માં અઢી રુપિયા  નાતમાં થી મળતા . ૨ (બે) રુપિયા બાપાની માર્કીટ્માં થી મળતા અને તોય દોઢ રુપિયો તો ખૂટતો  પણ આ દોઢ રુપિયો બા ગમે ત્યાંથી વ્યવસ્થા  કરીને  ભેગો  કરી રાખશે એની બાબુભાઇ ને ખાતરી રહેતી .

પણ આટલેથી ક્યાં અટકવાનું હતું?  ઘરમાં બાકીના ભાઇ-બહેન નો પન વસ્તાર તો ઉભો રહેતોને? બા કેમ  કરીને ઘર ચલાવતી એની ઝાઝી ખબર બાબુભાઇ કે એમના એકે નાના ભાઇ બહેન ક્યાંથી હોય ? વળી દુકાળમાં અધિક માસની જેમ બાપા માંદગીમાં પટકાયા .જે આછી પાતળી આવક હતી તેની તો વાત બાજુમાં રહી અને બાપાની દવાનો સૌથી વિકટ પ્રશ્ન ઉભો થયો . માંદગી  પાછી  મોટી અને ચાલી  ય લાંબી ..બા તો ઘર ચલાવે કે દવા કરે? બાપાની દવાના પૈસા ક્યાંથી આવતા ? અનાજ કે શાક પાંદડુ  ઘરમાં ક્યાથી આવતુ ? અરે દવાની સાથે દુધની વ્યવસ્થા કેવી રીતે  થતી એની બા સિવાય કોઇને ક્યાં ખબર હતી ? હા ઘરમાં બહેનો   સુતરની આંટીઓના પિલ્લા વીંટીંને કે સ્વેટર ગુંથીને બા ને ટેકો કરતી .પણ  આભ ફાટ્યું હોય ત્યાં   થીગડુ કેવુ અને કેટલું ટકે ?

પણ ધીમે-ધીમે સૌથી મોટા બાબુને આ બધી સમજણ પડવા માંડી .ઘરમાંથી એક પછી એક દાગીનો ઓછો થતો ગયો -જુના તાંબા -પિત્તળના મોટા વાસણૉ ઓછા થતા ગયા એમ બાબુની સમજણ વધતી ગઇ.અને એ સમજણથી તો છેવટે ૧૫ વર્ષનો બાબુ વિદ્યાર્થી મટીને ઘરનો વડિલ બની ગયો. ભણતર છોડીને ભરણ્-પોષણની વેતરણ કરવા માંડી.  જ્યાં જે કામ મળે તે કરીને બાને  ઘરમાં કેમ કરીને ટેકારુપ થવાય એની વ્યવસ્થા શોધવા માંડી.

‘’ઘરરર ઘંટી -બાજરો કે બંટી.’’ —  શું ઓરાયું તે તો બા જાણે  કે બાબુ ,પણ ઘર ચલાવાના  ઘર ટકાવાના  સમજણપૂર્વકના  સહિયારા પ્રયત્નો  આજ-કાલ કરતાં દસ વર્ષ સુધી ચાલ્યા.બાપાની માંદગીનો દસ વર્ષનો કપરો કાળ બાએ કેમ કરીને કાઢ્યો એનો રજ્-રજનો હિસાબ્  રજે-રજનો ચિતાર બાબુભાઈના મનમાં આજે પણ અકબંધ કોતારાયેલો  છે. એક તો બાપા અને બા વચ્ચે ૫ વર્ષનો ફરક એટલે બા ની ઉંમર પણ નાની .આ નાની ઉંમરમાં એક પછી એક ૯ સંતાનોનો જન્મ અને જન્મ પછીની પલેવણોમાં જ બા ની તો જિંદગી પસાર થઈ રહી હતી .એમાં ય બાપાની રાજરોગ સમી માંદગીમાં બાકીની જીંદગીના બા ના વર્ષો નિચોવાતા ગયા.

નાની ઉંમરે બા અને ઘર ને ટૅકારુપ બનેલા બાબુભઈ બાપાને ટેકો આપીને ઠેઠ આણંદ દવા કરાવવા લઈ જતા.કેમ્? તો એક તો ડોકટર સારા અને પાછી  સારવાર પણ મફત કયાંથી એક રુપિયો મળશે કે ક્યાંથી એક રુપિયો બચશે એની પાછળ મગજ અને જાત ઘસી નાખવાની તો જાણે બા અને બાબુભાઇની આદત બની ગઈ હતી .આટ-આટલી તકલીફોમાં પણ  બાની સ્વસ્થતા અને બીજા બાળકો સુધી એનો ઓછાયો પન બને ત્યાં સુધી ના પહોચે એની બાની તકેદારી એ તો બાબુભાઇને પરિસ્થિતિ સામે લડવાનું બળ આપ્યું.  તો એની સામે બાપામાં  જીંદગી સામે લડવાનું -ઝઝુમવાનું બળ ખુટવા માંડ્યુ  જાતી જીંદગીમાં બાપાને રહી રહી ને એક લાલસા રહ્યા કરતી .બાબુભાઈને વરાવવાની .૨૫ વર્ષની ઉંમરે પહોચેલા બાબુભાઈના એ કડકાઈના દિવસોમાં કન્યા તો સામે ચાલીને કોણ આપવાનું હતું? એટલે બાબુભાઈએ એ કામ પણ જાતે ઉકેલી લીધુ. વેવિશાળ કરીને બાના હાથમાં શુકનનો સવા  રુપિયો રોકડો મુક્યો.

અને વેવિશાળના એ શુકનવંતા એ રુપિયાએ તો જાણે બાબુભાઈનું તકદીર બદલી નાખ્યું. સુલભાબેનના પગલા એ તો જાણે એ ઘરના બારણે સુખ-શાંતિના દસ્તક દીધા. ૧૨૫ રુપિયાની નોકરીમાંથી  ૧૦૦૦ રુપિયાની નોકરી ? આજથી ૫૫ વર્ષ  પહેલા ૧ હજાર રુપિયા એટલે એક હઝાર સપના પુરા કરાય એવો ખજાનો .એને આ એક થી  માડીને હજારે સપનામાં બાને સુખી જોવાની બાબુભાઈની મરજીમાં સુલભાબેન નો પણ  સાથ્ ભળ્યો.

૨૫ વર્ષની ઉંમરે દિકરાનો શરુ થતો સંસાર જોઇને બાપાને પહેલીવાર જીવને ટાઢક વળતી લાગી .ઘરમાં તાજા સુખના નાના નાના કિરણૉ જોઇને બાપાએ સુલભાને ઉષા કહીને બોલાવતા.પણ એ ઉષાના કિરણૉ ઘરમાં વધુ સુખના ઓજસ પાથરે એ પહેલાં બાપાએ જીવનલીલા  સંકેલી  લીધી .

પણ ત્યારપછી આવનાર  પ્રત્યેક દિવસમાં બાનુ જીવન  ખુબ  સુખમય વિતે એ જ બાબુભાઈનો જીવનધર્મ  બની ગયો ,બાબુભઈ ,સુલભાબા અને એમના સંતાનો  અને બાની ચોથી પેઢી એટલેકે આ મિલી. સુખના દિવસોનું સરવૈયુ  પણ બાબુભાઈના મગજમાં કોતરાયેલુ અકબંધ છે ..મિલી નામ પાડવાનો ય આગ્રહ પણ  બાનો  જ ” ભઈ મારી  જીભે ચઢે એવું નામ રાખજો પાછા ”

બાની વ્હાલસોઇ કાળજી .બાબુભાઇ-સુલભાની મમતામાં મિલી એક વર્ષની  થવા આવી .

પણ ત્યારપછીની ઘટના ખુબ ઝડપથી બની .બાની માંદગી અને કેન્સરનું નિદાન -એ મોટા ઓપરેશન .સમયે જાણે બધાના હાથ હેઠા પાડી દીધા, આટલા વર્ષોના બાબુભાઇના સંબંધોના લીધે  શ્રેષ્ઠ ડોક્ટરોની સારવાર અને એનાથી  વધીને બાબુભાઈના પરિવારની બા પ્રત્યેની સતત પ્રેમભરી સુશ્રુષા ,છતાંય બા માં જીદગીના શ્વાસ ખુટતા ચાલ્યા. જે સમતાથી  બા એ દસ વર્ષ  બાપાની  ચાકરી  કરી એ જ સમતાભાવે બા એ આ દસ મહિનાની માંદગીની વેદના પણ ભોગવી . બા ની શારિરિક વેદના એ બાબુભાઈની માનસિક વેદના બની જતી .બા ની સાથે પળેપળ ૧૬ વર્ષની ઉંમરથી  માંડી ૫૬ વર્ષ સુધી બાબુભાઈ ટેકો બનીને ચાલ્યા હતા પણ  કે દિવસે બા એ દેહ છોડ્યો તે પળે બાબુભાઈને થયું કે એમનો -એમના પરિવારનો ખરો ટેકો તો બા હતા.

આજે  આટલા વર્ષે જ્યારે સુલભાબા મિલી ની દિકરી રિયા એટલેકે બાબુભાઇની  ચોથી પેઢીના પ્રથમ સંતાનની વાતોમાં પરોવાયેલા હતા ત્યારે બાબુભાઈના મનનાં મણકા તો ક્યાંય બા ના વિચારોમાં પરોવાયેલા હતા.અને ત્યારે  જ તો એમને  થયું કે બા ની આટલી નજીક હોવા છતાંય બા ની વર્ષગાંઠ તો ક્યારે હતી એની ક્યાં કોઈને ખબર હતી ?

પણ છતાંય બા ની દરેક યાદ એમના માટે બા ની સ્મરણગાંઠથી કમ નહોતી .ડ્રોઇગરુમ્માં બા ના  વિશાળ ફોટા સામે જોઈને બાબુભાઇથી મનોમન બોલાઇ ગયુ ” બા મેં તો ક્યારેય તને હેપ્પી બર્થ ડે કહ્યું નહી ”

બા નો  મલકતો કરચલીવાળો ફોટો જાણે બાબુભાઇને મલકીને કહી રહ્યો હતો ” તે મેં ય તને ક્યારે ય થેન્ક્યુ કહ્યુ છે ભઈ ”

(સત્યઘટના પરથી આધારિત )

July 24, 2009 at 9:33 am 10 comments

“દેખ રે દેખ્ ” – film reviews –

dekn re dekh

– જોવા માટે કંઈ નથી –

બોધ કથાનો જમાનો હતો-પંચતન્ત્રની વાતો ચલણમાં હતી ત્યારે કદાચ કોઇએ વાંચેલી વાત યાદ જો હોય તો–ચાર ચોર હતા.ચોરી કરીને મુદામાલ સાથે રાત માથે લઈને નાસે છે.મનમાં પ્રલોભન તો પુરેપુરુ છે .એટલે રાતે બે -બે ના જુથમાં માલની ચોકી કરવા સુઇ જાય છે ત્યારે બીજા બેને મારીને બધો માલ અંકે કરવાની યોજનામાં ચારે જણ્ જાન અને માલ એમ બંન્ને ગુમાવે છે. એવી જ કંઇક કથાવસ્તુ લઈને રાહત આઝમીએ  “દેખ ભાઇ દેખ ” બનાવી છે.

ચાર અલગ-અલગ વ્યક્તિત્વ ધરાવતા પોતાની મહત્વકાંક્ષા પુરી કરવા મથતા ચાર પાત્રોમાં બબલી { ગ્રેસી સિંહ } શ્યામ {સિદ્ધાર્થ કોઇરાલા } મંત્રી બનવા માંગતા {રઘુવીર યાદવ } ચરણ { વિજય રાજ }ની આસપાસ આકાર  લેતી આ કથા છે.સમસ્યાઓ તો ચારે જણ ની સર્વ્-સામાન્ય છે પણ એ સમસ્યાનો ઉકેલ લાવવાનો  પ્રયત્ન જરાય સર્વ્-માન્ય તો નથી જ.

બબલીને  પોતાના નિષ્ફળ લગ્ન જીવન્ ના દુઃસ્વપ્નને પાછળ મુકીને પગભર થવું છે.શ્યામને નોકરી મેળવવા લાંચઆ અપવા  પૈસાની જરુર છે. મંત્રી  બનવા માંગતા રઘુવીર યાદવને ઇલેક્શન જીતવા ધન જોઇએ છે.પણ લાવવું ક્યાથી ? બબલીના પ્લાન મુજબ આગળ વધવાની પ્રોફેશનલ સ્કીલ ને હિંમત પણ કોઇનામાં નથી .એટલે સાથ લે છે ચરણનો -જે નાની મોટી ચોરી કરી જાણે છે.

અંધકારમાં જ આકાર લેતી  જીવનની  ડાર્ક સાઇડને પચાવવી ઘણી અઘરી લાગે છે, ચારેના જીવનને -મનને  કોરી ખાતી  નિષ્ફળતા  પાત્રના મન પર લાગેલા ઉઝરડાથી   પ્રેક્ષકો ને પણ ત્યાંથી નાસી   છુટવાનું મન થાય એટલી હદે ઉપસાવ્યા છે.એવુ નથી કે આ પાત્રોની કથા આપણાથી અજાણી છે .આવા જીવનની નિષ્ફળતા વેઢારતા લોકો આપણી આસપાસ હોય જ  છે .

અને પાછા કાળી ડિબાંગ રાતમાં આચરેલા ગુના પાછળ પણ એમને તો જીવનની સોનેરી સવાર  ઉગવાની જ  આશા છે.હવે એ આશા ફળે છે કે નિષ્ફળતામાં પરિણમે છે તેના માટે તો “દેખ રે દેખ્ ”  ભાઈ.

લગાન અને મુન્નાભાઇ એમબીબીએસની ગ્રેસી સિહ અહિં તદ્દન જુદા નેગેટીવ રોલમાં જોવા મળશે.

સિદ્ધાર્થ કોઇરાલા એક સાવ સાદા ગભરુ  યુવાનના પાત્રમાં સરળ રીતે વહી જાય છે. વિજય રાજને ને રઘુવીર યાદવને પણ લગભગ હીરો-હીરોઇન જેટલી  જ લેન્થમાં કામ કરવાનો મોકો મળ્યો છે .

યુપીના વેસ્ટન પાર્ટ ની આ ફિલમમાં કથાને સુસંગત વાતાવરણ -ભાષાની લઢણ માહોલ બધું જ યોગ્ય રીતે અપાયુ  છે .અને છ્તાંય ફિલ્મ પ્રેક્ષકોને  પકડી  કે જકડી શકી નથી. ઇન્ટરવલ સુધીમાં તો પ્રેક્ષકોની  ધીરજનો અંત આવી જાય એટલી હદે મંદ ગતિએ આગળ વધે છે.ઇન્ટરવલ પછીના અણધાર્યા વણાંકોવાળૉ અંતનો સ્વીકાર  કરવો કે અસ્વીકાર  એની અવઢવમાં પ્રેક્ષકો અટવાયા કરે એવુ બને.

આ લેખ/રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને 18/7/09 ના પ્રગટ થયો.”

July 20, 2009 at 12:18 pm 6 comments

” મોર્નિગ્-વોક ” – film reviews –

{ એmorningwalk_010ક નઇ સુબહ }

વર્ષો પહેલાં જ્યારે  ટીવી પર ચેનલોનું  આધિપત્ય નહોતું અને માત્ર દુરદર્શનની જ બોલબાલા  હતી ત્યારે  “કથાસાગર “માં જુદી-જુદી વાર્તા પર આધારિત

સિરિયલ આવતી ,તે સમયે  અનુકપૂર  અને શેફાલી છાયા અભિનિત અત્યંત હ્રદસ્પર્શી  સિરિયલ આજે યાદ આવે છે .જો કે તેમાં પરિવારથી તરછોડાયેલા બે વ્રુદ્ધાશ્રમમાં જીવન પસાર કરતા વયસ્ક વ્યક્તિની વાત હતી જ્યારે અહીં તો પરિવારમાં રહીને પરિવાર સાથે  લાગણીથી જોડાયેલા અને છતાંય સાત દાયકા પછી સાથે બાકીની જીદગી  જીવવાનું હિંમતભર્યુ વલણ અપનાવવાની વાત છે જે કદાચ વધુ અઘરી છે.

પ્રોફેસર જોયમોહન { અનુપમ ખેર } કોલકત્તામાં એકાકી જીંદગી  પસાર કરી રહ્યા છે. મુંબઈમાં પુત્ર-પુત્રવધુ અને પૌત્રી  પોતાની અલગ  દુનિયામાં વ્યસ્ત  છે.પુત્ર અને પૌત્રી સાથે અદમ્ય લાગણીથી જોડાયેલા હોવા છ્તાં પુત્રવધુ  રીટા {દિવ્યા દત્તા} સાથેના તણાવપૂર્ણ સંબંધના લીધે સાથે  રહેવાનું મુનાસીબ નથી લાગતું પરંતુ એક વહેલી સવારે પોતાના જન્મદિવસે જ આવેલા હાર્ટએટેકના લીધે વ્યહવારુ વલણ અપનાવી મુંબઈ રહેવા આવી જાય છે. એક દિવસ રોજીંદા મોર્નિંગવોક દરમ્યાન તેમની ભુતકાળની વિદ્યાર્થીની -દોસ્ત નિલિમા ફરી એક વાર તેમના જીવનમાં પ્રવેશે છે.  નિલિમા પોતાની મહત્વકાંક્ષી  પુત્રીને યુસએ  ભણાવાના સ્વપ્ના જોતી તો હોય છે પરંતુ  આર્થિક  રીતે શક્ય નથી. નિલિમા {શર્મિલા ટાગોર }પણ પુત્રી સાથે શાંતિની જિંદગી પસાર કરી રહી છે.

દરેકને પોતાના આગવા સ્વપ્ના હોય છે .જોયમોહનના પુત્ર {રજત કપુર્ }ને  તેના પિતા તેની સાથે રહે તેવી અંતરની ઇચ્છા છે. પૌત્રી  {આવિકા ગોર }ને દાદાજી  સાથે અત્યંત લગાવ છે. રીટાને જોયમોહન પોતાનુ કોલકતાનું ઘર વેચીને  મુંબઈમાં તેના માટૅ  નવું ઘર્ લેવા પૈસા આપે એવી મનમાં સ્વાર્થીવ્રુત્તિ છે.

પરંતુ આ બધાય થી આગળ  વધીને જ્યારે જોયમોહનને ખબર પડે છે કે નિલિમાની પુત્રી અંજલી એ એની પણ પુત્રી છે ત્યારે એ હકિકતનો  સ્વીકાર બંન્ને પરિવારમાં એક નવી પરિસ્થિતિ સર્જે છે.

જે સમાજમાં બુઢાપામાં પ્રેમ કરવો શક્ય નથી તે સમાજમાં બુઢાપામાં યુવાનીના પ્રેમને નિભાવાની  નૈતિક હિંમત દર્શાવવી પણ એટલી  સહેલી નથી . ભુતકાળના પોપડા ઉખાડીને શાંત વર્તમાનને ડહોળવાની વાત પણ એટલી સહેલી નથી . ૭૦  વર્ષે જ્યારે માણસ જવાબદારીમાંથી  મુક્તિ ઇચ્છે ત્યારે નવેસરથી જવાબદારી લેવાની વાત વાત પણ એટલી સહજ હોતી નથી અન વાત જેટલી સહેલાઈથી લખાઈ જાય એટલી  સહેલાઈથી સ્વીકારાય એ પણ જરુરી નથી .જોયમોહનની આ સ્વીક્રુતિ સમયે બંન્ને પરિવારના પ્રત્યાઘાત અત્યંત સંવેદનાપુર્ણ રીતે રજૂ થયા છે.  ક્યાંક સ્વીક્રુતિ છે તો  ક્યાંક કશુંક ગુમાવાની વેદના છે તો  જ્યાં સ્વાર્થ છે ત્યાં સ્વપ્ના તૂટવાનો ખળભળાટ પણ છે.

અનુપમ ખેર અને શર્મિલા ટાગોર્રના સ્વસ્થ અભિનયમાં તેમના માટે ક્યાંય અભાવની લાગણી થતી નથી. કોઈ ખોટુ કર્યાનો ન્યાય તોળવાની પણ ઇચ્છા  ઉદ્ભવતી નથી . અંજલી { નરગિસ } અને આવિકા ગોરની માસુમિયત ,રજત કપુરનો પિતા અને પત્ની વચ્ચે વહેંચાયેલો પ્રેમ ,પિતાને ગુમાવવાની વેદના- અત્યંત મહત્વકાંક્ષી  રીટા{ દિવ્યા દત્તા}નો તેનાં સ્વપ્નાનો મહેલ  કડડ્ભુસ થતો જુવે તે સમયનો આક્રોશ સુંદર  રીતે રજુ થય છે. દિવ્યા દત્તાએ તેના પાત્રને તમામ  રીતે નિખાર આપ્યો છે. દિવ્યા  દત્તા એક નિવડેલી અભિનેત્રી તરિકે પોતાની  જાતને સ્થાપિત કરી શકી છે.

સુંદર  ગીત -સંગીત રચના અને સંવેદનાને સ્પર્શતી આ ફિલ્મ એક ચોક્કસ વર્ગ માટે છે એ પણ એક હકિકત છે.

આ લેખ/રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને 11/7/2009ના પ્રગટ થયો.”.

July 13, 2009 at 7:20 am 13 comments

” દાઈમા ”

કલપ્ના -આશના

કલ્પના – આશના

કલ્પના તે દિવસે બેનના દવાખાને થી પાછી તો ફરી ત્યારે થોડી ઉદાસ હતી.આમ તો ભરત અને કલ્પના બહેન ના ગયા પછી દવાખાનુ બંધ કરીને સાથે જ નીકળતા. ભરત બીજા કેટલાક કામ આટોપીને ઘેર આવતો જ્યારે કલ્પના સીધી જ ઘર ભેગી થતી.આજે આવતાની સાથે ફુડરડીની માફક ફરી વળતી કલ્પના મૂંગી-મંતર પાછી આવી હતી. નહીતર સવારથી બપોર સુધીમાં દવાખાને શું બન્યું એની ય બધી વાતો તે ભુરીબા સાથે કર્યા કરતી..ઘડી ભર તો ભુરીબાને થયુ કે ” લાવ ને એને પુછુ તો ખરી કે થયુ છે શું ?”” પણ એમણે ચુપ રહેવાનું મુનાસીબ માન્યું. ૨૦ વર્ષની કલ્પના ભરતને પરણીને આવી ત્યારથી ઘર અને બેનના દવાખાનાનો ભાર રમતા-રમતાંમા ઉપાડી લીધો હતો.જુગતે જોડી હતી બેઉ જણાની . હતાં તો બન્ને એસએસસી પાસ પણ આટલાં વર્ષો બહેનની જોડે કામ કરીને માહેર બની ગયા હતાં. ભરત ૧૪ વર્ષનો હતો ને ભણતાં-ભણતાં દવાખાને જવા માંડ્યો હતો. અને પછી તો ૧૮ વર્ષે તો ફુલ ટાઇમ જવા લાગ્યો..૨૧ વર્ષે લગ્ન થતાં કલ્પના પણ બે છેડા ભેગા કરવા દવખાને જવા લાગી.દવાનાં પડીકાં બાંધતા બાંધતા ક્યારે બેન જોડે  લાગણીના સંબંધો બંધાતા ગયા તેની બેમાંથી એકેને ખબર પણ ના રહી.૫૦ વર્ષ પહેલાં જ્યારે એક લેડી ડોક્ટરે  અહીં આવીને દવાખાનુ ચાલુ કર્યુ ત્યારે લોકોને જરા નવાઇ તો લાગી હતી પણ બેનના સાલસ -સહ્રદયી સ્વભાવે જાણે લોકો માટે દવા સાથે દુવાનુ પણ કામ કર્યુ..જોત-જોતામાં તો બેન ની ખ્યાતિ સાથે લોકોની બેન પરની શ્રધ્ધા પણ વધતી ચાલી.

પણ આજે આ બધું કેમ યાદ આવતું હતુ? એક વાર કામ ચાલુ કર્યા પછી કલ્પનાએ પાછુ વાળીને જોયું નહોતુ.આ તરફ ભરત -કલ્પના નો પરિવાર પણ વધતો ગયો. પહેલી દિકરીના જન્મ સુધી તો ઠીક હતુ પણ બીજી વાર જ્યારે દિકરી આવી ત્યારે ભુરીબાને જરક વસવસો તો થયો જ.પણ બહેન ની ખ્યાતિ જેમ જેમ વધતી ગયી તેમ ભુરીબાની મનની અપેક્ષા પણ વધવા લાગી. બેન હતા તો જનરલ પ્રેક્ટિશનર પણ એમની દવા-ટ્રીટમેન્ટથી કેટકેટલાંય સુના ઘરોમાં બાળકોની કિલકારીઓ ગુંજવા માંડી હતી. હાથમાં જાણે ઉપરવાળાએ લાંબી જશની રેખા મુકી દીધી હતી. જ્યાં મોટા ડોક્ટરોએ પણ ના પાડી હોય તેવા ઇનફર્ટિલિટીના કેસમાં પણ બહેનને સફળતા મળી હતી તો પછી અહીં તો ભરત-કલ્પના નસીબ ને ઘાટ જ આપવાનો હતો.જ્યાં બાળકની ઝંખના માટે નિ:સાસા સંભળાતા હતા ત્યાં બાળકના હાસ્ય ભરી દીધા હતા તો અહીં તો માત્ર જરા વાટ સંકોરવાની જ જરૂર હતી.એ દિવસે ભુરીબા બેનના દવાખાને જઇને પોતાના મનની વાત પણ ઠલવી આવ્યાં હતા.અને પછી તો બહેનની ટ્રિટમેન્ટ થી કલ્પના ની કુખ પાંગરવા લાગી. નિકિતા-એકતા પછી નિલયનો જન્મ થયો એ દિવસે તો બહેને ભુરીબાને પેંડા ખવડાવ્યા.

કલ્પના ના મગજમાં આ બધુ સાગમટે ઉમટી આવ્યું. બેઠી હતી તો કપડાં ની ગડી વાળવા પણ મન વર્ષો જુની વાતો ઉકેલીને બેઠુ હતું. એક કંપાઉન્ડર્ની છોકરી ડોક્ટર બની શકે એવુ સ્વપનું પણ બહેને જ બતાવ્યું હતું ને? આજ સુધી બહેન સાથે સંબંધોમાં ક્યારેય બહેને ક્યાં કોઇ અપેક્ષા રાખી હતી પણ આજે બહેને કલ્પના પાસે કંઇક માંગ્યુ હતું. બહેને જે કાઇ કહ્યું તેમા કલ્પનાનું વિશ્વ ઉપર-તળે થઇ ગયુ હતું.છોકરાઓ માટે જે ગજા બહારના સ્વપ્નાં જોયા હતા એ સ્વપ્ના સાકાર કરવા માટે ગજા બહારની ઉડાન માગી હતી. આમ તો બહેનનો પડતો બોલ ઝીલ્યો હતો કલ્પના અને ભરતે .પણ આજની વાત જ જુદી હતી. બહેનની વાત સાંભળીને શૂન્યમસ્ક કલ્પના કોઇ જવાબ આપ્યા વગર જ દવાખાનામાંથી નીકળી ગયી હતી પણ બહેનને વિશ્વાસ હતો કે આજે નહી તો કાલે ય કલ્પના પોતાની વાત ને મંજૂરીની મહોર મારીને જ આવશે.

અને બન્યું પણ એમ જ બપોરે ભરતે જ્યારે ભુરીબાને માંડીને વાત કરી. વાત જાણે એમ હતી કે  પરદેશ રહેતી  પોતાની દિકરીની દિકરી ને સાચવવા કલ્પનાને મોકલવાનો  બહેનનો પ્રસ્તાવ હતો.જેમાં પોતાની દોહિત્રીની સાથે સાથે  ભરત -કલ્પનાના બાળકોના ભવિષ્યની સલામતીની જોગવાઇ  ઉભી થતી હતી. રૂપિયાના બદલે રિયાલમાં કમાણી કરાવી આપવાની વાત હતી જેના લીધે નિકી-એકતા અને નિલયના ભવિષ્ય સોનેરી બને તેમ હતા.અહીં જરૂર હતી તો માત્ર કલ્પનાની હિંમતની, બાળકો માટે થઇને બાળકો થી જુદા રહેવાની તૈયારીની, ભરતથી જુદાઇની .એક જ રૂમમાં ભૂરીબા સહિત છ યે જણાનુ વિશ્વ સમાઇ જતુ હતું. એ વિશ્વથી ક્યાંય દૂર તદ્દન અજાણી ભોમકામાં એણે પોતાનું વિશ્વ ઉભુ કરવાનું હતું .પોતાના બાળકોને સુના મુકીને બીજાનાં બાળકને હૈયે વલગાડીને હેત કરવાનું હતું.

હવે ભુરીબાના મગજમાં કલ્પનાના મૌનની ગડ બેઠી.વર્ષોથી બેઉ જણ વચ્ચે સાસુ-વહુના બદલે માં-દિકરી જેવા હેતાળ સંબંધ હતા.કલ્પનાને સધિયારો આપતા હોય તેમ તેના બરડે હાથ પસવાર્યો અને કઇ બોલે તે પહેલાં તો કલ્પનાનાં બંધ તુટી પડ્યા.ભુરીબાના ખભે માથું નાખીને કલ્પના હિબકે ચઢી.ઉકેલની અપેક્ષાએ ઘડીકમાં ભુરીબા તો ઘડીકમાં ભરતની સામે ભીની આંખે તાકી રહી. “રાત્રે વાત” કહી હાલ પુરતું તો ભુરીબાએ જવાબ આપવાનું ટાળ્યું. અને ભરત કલ્પનાને જમાડીને જરા આડે પડખે થયાં

ભાર બનીને ઝળુંબતી એ પળ પણ રાત્રે આવી ગયી..ઘરનાં પ્રશ્નોમાં બાળકોને સામેલ કરવાનો શિરસ્તો તો હતો જને એમાં ય આજે તો વળી બાળકોને લગતી જ વાત હતી એટલે એ અનિવાર્ય પણ હતું. પણ સૌના આશ્ચર્ય વચ્ચે પહાડ બનીને ઉભેલી સમસ્યાનું નિરાકરણ નિકીતા-એકતાએ પળવારમાં આપી દીધું. કલ્પનાને આજે પોતાના ઉછેર માટે અંતરથી આનંદ થયો.

પાસ્પોર્ટ -વિઝા અને બીજા કાયદાકીય કામો પણ ઉકલી ગયાં. વળી જવાનો દિવસ જેમ -જેમ પાસે આવતો ગયો તેમ -તેમ ભરત કલ્પનાનો અંદરનો ઉચાટ વધતો ગયો. માણસો જાણીતા પણ અજાણ્યા દેશમાં મોકલતા ભરતને અંદરથી રહી -રહીને થોડો અજંપો થયા કરતો .અધકચરી ઉંમરની છોકરીઓ અને સાવ જ ૫-૭ વર્ષના નિલયને માં વગર કેમ કરીને સચવાશે?? અને વળી આ ઉંમરે ય ક્યાં હતી જુદા રહેવાની? બે-ચાર દિવસે ય જુદા ના રહ્યા હોય ત્યાં આતો બે-પાંચ વર્ષની સીધી વાત હતી.વચ્ચે એકાદ વાર અવાય તો અવાય નહીંતર શું?

અંતે એ દીવસ પણ આવી ગયો. છોકરાઓને ભુરીબા અને ભોળિયા ભરતને બહેનના ભરોસે મૂકીને જતી કલ્પનાએ પાછું વાળીને જોવાનુ માંડી વાળ્યુ. રખેને આંખમાં ઉમટેલા આંસુ જોઇને એકાદ જણ પણ ઢીલું પડી ગયું તો?
જો કે એ ભાર ઝીલી જેના માટે જઇ રહી હતી તે માસુમ આશના સામે  જોઇને ધીમે ધીમે હળવો થવા માંડ્યો હતો. સમય જતા એ હળવાશ હેતમાં પલટાવા પણ લાગી. પોતાનાં ત્રણ બાળકોના ભાગનું હેત એક સામટુ આશના પર જ ઢોળાવા લાગ્યુ. સમયની પાંખ પર ચઢીને ચાર વર્ષ પણ  એમ જ વીતી ગયાં.૧૧ વર્ષની નિકીતાનાં સ્કુલમાં ઝળહળતા પરિણામોના સમાચાર મળતા ગયા. પાછળ પાછળ એકતા અને એથી આગળ વધીને નાનકડા નિલયના સમાચારોથી કલ્પનાનાં મનનો રહ્યો સહ્યો ભાર પણ વહી ગયો. તબલામાં પારંગતતા મેળવતા નિલયના સમાચારો લખેલા ભતરના કાગળો વાંચતા તો જાણે  તબલાં નહી પણ એના હ્રદય-મન પર થાપનો રણકાર સંભળાતો.

જે દિવસે નિકીતા ૧૨માં પાસ થઇ અને એંન્જિનિયરિંગ માં એડમિશન લીધું ત્યારે તો ચાર વર્ષનો એનો , ભરતનો અને ભુરીબાનો સહિયારો ત્યાગ બહેનના આશીર્વાદથી લેખે લાગ્યો . પેંડા ખવડાવવાનો આજે ભુરીબાનો વારો હતો .
જો કે એ પછી તો બીજાં સાત વર્ષનો સમય વીતી ગયો. આજે તો બહેન પણ હવે રિટાયર્ડ થઇ ગયા છે. ભુરીબા પણ નથી. પણ બંન્નેના આશીર્વાદથી અને પોતાના સંનિષ્ઠ પ્રયાસોથી નિકીતા એંન્જિનિયરિંગ પાસ કરીને સફળ કારકિર્દીના સોપાને છે..શહેરની જાણીતી ઇન્સ્ટિટ્યુટમાં એડ્મિનિસ્ટ્રેટિવ હેડ છે–લગ્ન કરીને હવે તો ઓસ્ટ્રિલિયા તરફ વધુ ઉજ્જવળ કારકિર્દી માટે પ્રયાણ કરવાની તૈયારીમાં છે. એકતા પણ લો નું ભણીને ઉચ્ચ પોસ્ટ પર પોતાની જાતને સિધ્ધ કરી આગળ વધી રહી છે. નિલય પણ એન્જિનિયર  થઇ ગયો .

દર વર્ષે  ભાદરવી  પુનમ ભરતો ભરત આજે પણ એટલી જ શ્રધ્ધાથી દર મહિને બહેનના ઘેર જવાનો નિયમ ચૂક્યો નથી .એના માટૅ  તો કોઇ પણ સારું કામ કરવાનો શુભ  દિવસ એટલે એના બહેનનો જન્મદિવસ .એથી આગળ વધીને કોઇ સપરમો દિવસ હોઇ ના શકે.

બહેને જ બધાને  ખોબામાં આકાશ ભરાય તેટલાં સ્વપનાં સાકાર  કરવા સ્વાવલંબી બનવાનો મંત્ર અને તક આપી. જો કે આ સાત  વષઁ કલ્પના પણ પગ વાળી બેઠી નથી.એને જાણે  દાઇમા બનવાનુ વરદાન મળ્યુ છે.

ભણીને તૈયાર થયેલી  બીજી દીકરીઓ હાથ પીળા કરવાનો સમય આવ્યો ત્યારે ફરી એક વાર લંડન ભણી ઉડાન ભરી રહેલી કલ્પનાને તો હજુ ખબર નથી કે એ જ્યારે પાછી આવશે ત્યારે વળી પાછુ એક બાળક ધરતીના બીજા છેડે આકાર પામી રહ્યુ છે. પણ એક વાતની એને ચોક્કસ જાણ છે કે એ તો નિમિત  માત્ર  છે  એના ભાગ્યાનો ખરો ચિત્રગુપ્ત તો ભરત જ છે  .કારણકે એના સરળ-સાલસ સ્વભાવ,દરેક સાથે કોઇ અપેક્ષા વગર સંબંધ જાળવી રાખવાની તત્પરતા જ એની અપેક્ષા કે કલ્પના બહારના ફળસ્વરુપે કલ્પનાને  ફળે છે.

કલ્પના - ભરત

કલ્પના – ભરત

(સત્યઘટના પર આધારિત)

July 6, 2009 at 9:55 am 10 comments


Blog Stats

  • 119,015 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

July 2009
M T W T F S S
« Jun   Aug »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!