Posts filed under ‘''૨૦૧૦ –એક નવા વર્ષની શરૂઆત..''’
”૨૦૧૦ –એક નવા વર્ષની શરૂઆત..”
નવી અપેક્ષા ,વધુ નવા સ્વપના, થોડા નવા સંક્લપો અને વળી પાછી એ જ બીબાઢાળ દિનચર્યા.
દુનિયાભરમાં આતશબાજી થી નવા વર્ષના આગમનને જુની વાતો ભુલીને ,જુની સમસ્યાઓ ને એક કોરે રાખીને આવકારવામાં આવ્યુ.
ક્યારેક એમ થાય છે કે આ તહેવારો ના હોત તો જીવનમાં જે એકધારી રફતાર હોત એ પણ એની એજ રહેત ? કમ સે કમ અ તહેવારો મન ને એક બીજી દિશા તરફ તો વાળે છે. તહેવારો ભલે ને પછી એ આપણી પોતાની સંસ્ક્રુતિ ના હોય કે પાશ્ચાત્ય સંસ્ક્રુતિના. મન ને દોડવા માટે એક ઢાળની જ તો જરૂર છે.
આજે જે ઉત્સાહથી ક્રિસમસ નો તહેવાર ઉજવાય છે એમાં અને આમ જોવા જઈએ તો આપણી નવરાત્રીમાં બીજો શો ફરક છે? એક માત્ર સંસ્ક્રુત્તિ નો? કે પહેરવેશનો? ઢોલ અને બેન્ડ કે સંગીત નો?
નવરાત્રીના નવ દિવસ અને ક્રિસમસના પણ લગભગ સાત દિવસ જે રીતે ઉજવાય છે , યુવા વર્ગ જે રીતે ઉન્માદે ચઢે છે તેમાં ધર્મ ઓછો અને અધર્મ વધુ ,ભક્તિ ઓછી અને શક્તિનો વ્યય વધારે . જોવાની મઝા તો એ છે કે મા-બાપ પણ આમાં ક્યાય કોઇ રોકટોક કરી શકતા નથી. એક સરખો ઉચાટ દરેક મા-બાપ પાસે થી ઓછા-વધતા અંશે જોવા સાંભળવા મળ્યો.. “ના પાડીશું તો પણ જવા ના તો છે જ , બધાની સાથે રહેવુ તો પડે જ ને ? એ લોકો એમની મર્યાદા સમજે છે , હવે ના છોકરા-છોકરીઓ બરાબર સમજે છે કે સારુ શું અને ખોટું શુ “, આમ કહીને મા-બાપ મન મનાવે છે. મન-મન ભાવે ને મુંડું હલાવે ની જગ્યા એ મનમાં દાઝે અને મોઢુ મલકાવે એવો ઘાટ છે. પણ સાથે સાથે સંતાનો પરનો વિશ્વાસ પણ ટકોરાબંધ છે એવી ખાતરી બતાવે છે. એમાં ખોટું પણ નથી
અહીં કોઇની ખોડ કાઢવાનો ઇરાદો નથી ,નરી વાસ્તવિકતાનું જ ચિતરણ છે, .દુનિયા જે ઢાળે દોડે છે એ ઢાળનું નિરુપણ છે.સંતાનોના રાજીપામાં રાજી રહેતા વડીલોની વાત છે.આજે જે વડીલો છે તે ક્યારેક યુવાન હતા અને આજે જે સંતાનો છે એ ભવિષ્યના વડીલ છે.
પેઢી બદાલતી જશે , વર્ષ બદલાતા જશે વર્ષના વધામણા પણ આમ જ થયા કરશે.તહેવારોની ઉજવણી તો આમ જ ચાલ્યા કરશે. કારણકે તહેવારો છે તો જીવન જીવંત છે. જીંદગીની રફતારમાં થોડી રંગીની છે.. માણસના મનને માંજવાની , નવી ઉર્જાથી વધુ ઉલ્લાસીત થવાની અને ફરી નવેસરથી આવતા દિવસોને જીવવા માટે સજ્જ કરવાની તહેવરોમાં તાકાત છે.


Recent Comments