Posts filed under ‘'' વાત- અડધા ભરેલા પાણીના પ્યાલાની ''’
” વાત- અડધા ભરેલા પાણીના પ્યાલાની ”

માનસ-માનસી ને અમેરીકા સ્થાયી થયે વર્ષોના વ્હાણાં વીતી ગયા છે.પણ અમેરીકન હવા એમને હજુ લાગી નથી. પિતાના અવસાન પછી માનસના માતા જયાબેન અહીં એકલા પડયા.જયાબેને અહીં એકલા રહેવાના બદલે અમેરીકા પુત્ર-પુત્રવધુ સાથે રહેવાનું પસંદ કર્યુ. એ વાતને પણ વર્ષો વીતી ગયા. થોડાક સમય પહેલાં જયાબેન-માનસ-માનસી અમદાવાદ સગા-સ્નેહીઓને મળવા આવ્યા ત્યારે જયાબેનના હ્રદયનો છલોછલો સંતોષ વાતો અને વદન પર છલકાતો હતો. ટી.વી પર ટોક શો આપતી માનસીએ પોતાની પ્રવ્રુતિની સાથે બાળકો અને જયાબેનને પણ એટ્લા જ સાચવી લીધા છે.
વાત ઘણી નાની છે પણ આ પ્રસંગની પાછળ પાછળ ઘણી બીજી પણ વાતો માનસ-પટ પર આવે છે. તનય-બીનાનો પરિવાર અમેરીકામાં સ્થિર થયાને દાયકા ઉપર સમય વીતી ગયો છે .બે નાનકી દિકરીઓ સાથેના સુખી પરિવારમાં આજે પણ તેમનાં ૮૫ વર્ષની ઉંમરે પહોંચેલા માતા-પિતા માટેની લાગણીઓ અને ઝંખના યથાવત છે.જયાબેન કરતાં વાત અહીં જરા જુદી છે.શ્યામલભાઇ-ઇન્દીરાબેન ભારતમાં છે.તનયના ભણતર દરમ્યાન માતા-પિતાએ ઉચ્ચ-ભણતર-સફળ કારર્કીદી માટે આંખોમાં સોનેરી સ્વપ્નાં આંજયા હતાં.એ સ્વપ્ન સાકાર કરવા તનયના મનમાં સ્વપ્ન મહેલ રચવા માંડયો.પણ એ કોઇ શેખચલ્લીનો કિલ્લો નહતો.એના પાયા પ્રેમ એકબીજા માટે ના -વિશ્વાસના હતા.આજે એ પાયા ઉપર બંને પરિવાર વચ્ચે લાગણીનો મજબૂત સેતુ છે.તનય-બીનાની દિકરીઓ માટે દાદા-દાદી ” ધેટ ઓલ્ડ મેન- લેડી ” નથી પણ પરિકથામાંથી ઉતરી આવેલા દેવદૂત છે.જેમના આવવાથી બંને દિકરીઓની સુષ્ટિમાં અનેરા રંગો ઉમેરાય છે.તનય-બિના શ્યાલભાઇ- ઇન્દીરાબેનને હથેલીને છાંયે રાખે છે.અવારનવાર અમેરીકા જતા માતા-પિતા જ્યારે ભારત પાછા આવે ત્યારે તનય-બિના ના ઘરમાં ખાલીપો સર્જાય છે.અને રોજ દિકરીઓ સમેત ચારેયના એક સૂર એવા અનેક ઇ-મેઇલ કે ફોન અહી દાદા-દાદીને મળે છે. જેમાં શ્યામલભાઇ-ઇન્દીરાબેન માટેનો અપાર સ્નેહ જ હોય છે. દાદા-દાદીના પરિવારમાં તનય સિવાય પણ બીજી દીકરી-દોહીત્રી પણ અમેરિકા વસે છે. જેમના ઘરમાં શ્યામલભાઇ-ઇન્દીરાબેનના જવાથી ઉત્સવનું વાતાવરણ સર્જાય છે.
અનિલભાઇ સિટિઝન હતા. ખુબ સફળ રીતે ડૉકટર તરીકે સ્થીર હતા , પરંતુ ટીન એજમાં પહોંચેલા પુત્ર-પુત્રીને ભારતિય વાતાવરણ અને સંસ્કાર મળે દાદા-દાદીની છાયામાં રહેવા મળે તે માટે અનિલભાઇ -મીરાબહેન બધુ જ સમેટીને ભારત પાછા આવી ગયા.
વાત છે અડધા ભરેલા પાણીના પ્યાલાની- આજ સુધી સંતાનોથી તરછોડાયેલા અસંતુષ્ટ વડીલોની વ્યથાની ઘણી વાતો થઈ અને એ પણ એટલી જ સાચી હકિકત છે. જેના લીધે વ્રુધ્ધાશ્રમો ઉભરાય છે.દરેક ખાટલે દારૂણ વ્યથાથી ભરેલી વાતો હોય છે.કબુલ છે-એ પણ એક કારમું સત્ય જ છે .પણ એની સામે જયાબેન ,શ્યામલભાઇ-ઇન્દીરાબેન અને તેમના જેવા બીજા ઘણા પણ છે.જેમની વાતોમાં આંખ અને હ્રદયમાં પુત્ર-પત્રવધુના પરિવાર માટેના ઇન્દ્રધનુષી રંગો હજુ ઝાંખા પડ્યા નથી.એટલું જ નહી પણ એ રંગોમાં સાત રંગ સિવાય ના લાગણીના રંગો પણ ઉમેરાય છે.
વર્ષોથી વડીલો માટેની ઉપેક્ષાની ઘણી વાતો સાંભળી. પણ જરા તટ્સ્થ રીતે બીજી ઉજળી -જમા બાજુ જોઇએ તો મનને હાંશ પણ થાય છે.કેટલાક “બાગબાન-ગ્રસ્ત” મા-બાપ યુવા પેઢીની ફરિયાદો લઈને આવ્યા છે.પણ સાથે સાથે એક બીજા માટે સ્નેહથી સિંચાયેલા પરિવારો પણ છે જ
રાજ, પાર્થ, નિલેશ,સંજય એવા તો કેટલાય નામો છે કે જે હજુ આજે પણ માબાપ,ભાઇ-ભાઇ,ભાઇ-બહેન સંબંધોન એટલું જ માન આપે છે.માત્ર દિકરા જ શા માટે ”દિકરી વ્હાલનો દરિયો” વાતને સાર્થક કરતી મિતાલી ,બિનોલી જેવી દિકરીઓ પણ છે જે દિકરા કરતા જરાય ઉણી નથી ઉતરતી.
વાત છે સમય અને સંજોગથી છુટા પડયા પછી પણ માતા-પિતા સાથે જોડાયેલા રહેતા સંતાનોની..
કોઇ કહે છે કે પૈસો છે ત્યાંવળી ક્યાં પ્રોબ્લેમ જ છે? સાવ એવું પણ નથી.પૈસો અને પ્રેમ એ કંઇ એકબીજાના પર્યાય નથી.
દિકરાની કાર્ર્કીદી પાછળ ખાલી થઇ ગયેલા દિનેશભાઇ-જયશ્રીબેન માટે સાચા અર્થમાં કહીએ તો દિકરાએ પેટે પાટા બાંધીને સાથ આપ્યો છે.અમેરીકામાં રહેતા હોય ગાડી તો લેવી જ પડે એવું જ માનતા હોય.પણ કેટ્લાય વર્ષો સુધી માતા-પિતાની સગવડ આપવા માટે નિરજે ગાડી વગર પોતે અગવડ વેઢી છે.તો માતા-પિતાની તકલીફો જોઇને પરદેશ વસેલા કુણાલ આજે એરલાઇન્સ માં ઉચ્ચ હોદ્દો ધરાવે છે. એના લીધે આજે અહીં-તહીં ઉડાઉડ કરવી સરળ છે ત્યારે કુણાલે માતા-પિતા માટે દુનિયા મુઠ્ઠીમાં વસાવી છે.
રાજ-મિતાલી બંને ભાઇબહેન અને તેમના માતા-પિતા બધાય દુનિયાના સાવ જ જુદા-ત્રણે અલગ દેશોમાં છે પણ જ્યારે ત્રિકોણના ત્રણ ખૂણા ભેગા થાય ત્યારે સમગ્ર બ્રહ્માંડ ત્યા આવી ને વસે છે.
વાત છે વાત- અડધા ભરેલા પાણીના પ્યાલાની -,વાત છે સમાજના બંને પાસાને તટસ્થ રીતે જોવાની, -વાત છે સંજોગવશાત સમય પ્રસાર કરવાની,- વાત છે માતા-પિતા સાથે સંકળાયેલા સંતાનોની, વાત છે એવા ”બાગબાન” ની જેમના સંસારમાં હજુ આજે પણ સંતાનોના સ્નેહની જેની સૌરભ થી એમની સંસારવાડી તરબતર છે. આ બધા માટે માતા-પિતા એક માત્ર જવાબદારી નથી . માતા-પિતા ભગવાને આપેલા આશીર્વાદ છે.
કોઇ ને થશે કે ”ડુંગરા દુરથી તો રળિયામણાં જ હોય ને? પરદેશ વસતા પરિવારોના માતા-પિતા નળ સરોવરનાં પંખીઓની જેમ વર્ષે એક વાર આવતા કે જતા હોય તો સોજ્જો સોજ્જો પ્રેમ રહે પણ જરાક આજુબાજુ ઉધાડી આંખે-ખુલ્લા મનથી જોઇએ તો અહીં પણ કેટ્લાય પરિવારો પેઢી બદલાયા છતાં એક છત નીચે એટલાજ પ્રેમ-આદરથી રહેતા હોય છે. પતિના અવસાન બાદ ઘણો સંઘર્ષ વેઠીને લલિતાબા એ પરિવારને સંભાળ્યો.આજ્ર આ પરિવારમાં લલિતાબા નું સ્થાન મોભો તેમના અવસાન બાદ પણ રાજમાતા જેવો જ અક્બંધ છે.
ગણાયાં ગાઠયાં વ્રુધ્ધાશ્રમો છે તો સામે ગણ્યા ગણાય નહીં વિણ્યાં વિણાય નહીં એવા ઘર,પરિવારો પણ છે.જ્યાં પરિવારોમાં હજુ પણ સુંદર સમન્વય છે એકબીજા માટે સમજણ અને સ્નેહ છે. એમ જોવા જઈએ તો જેટલા વ્રુધ્ધાશ્રમો છે એટલા અનાથાશ્રમો પણ ક્યાં નથી? પણ વાત અહીં નથી-નથી ની કરવી નથી પણ જે છે તેની કરવી છે. વાત અડધા ભરેલા પ્યાલાની કરવી છે.
કાલ્પનિક નામો પણ- સત્ય હકિકત


Recent Comments