Posts filed under ‘“મૈત્રીની બુનિયાદ”’
“મૈત્રીની બુનિયાદ”
હેલ્લો, ક્યારે આવ્યા? ખરા છો તમે તો ? આટલા દિવસ થયા આવ્યાને અને મળવાની વાત તો બાજુમાં એક ફોન પણ કરતા નથી? જો અમે નહીં સારા તમને યાદ કરીને મળવા આવ્યા?
આ એક વાર્તાલાપ.
હવે બીજો વાર્તાલાપ-
હેલ્લો…
અરે વાહ આવી ગયા. આજે જ તમને યાદ કર્યા. અને મને ખબર હતી કે જ્યારે આવશે ત્યારે ફોન તો આવશે જ..
પહેલો સંવાદ છે એક સાવ જ વ્યહવારિક રીતે ક્યારેક પોતાની ફુરસદે કે સગવડે મળતા નામ પુરતા કહેવાતા સ્નેહી સાથે નો અને બીજો વાર્તાલાપ છે એક અત્યંત નિકટના મિત્ર સાથેનો જેની સાથે પણ ફુરસદે જ અને એક્મેકની સગવડે જ મળવાનુ થતુ હોય .
આ બંને વાર્તાલાપને હજુ ઝાઝા દિવસ નથી થયા પણ ફરક છે બંનેના સૂરમાં , બંનેની અભિવ્યક્તિમાં .
કેટલાક લોકો કહેવાતી આત્મિયતાને તમારી પર થોપવાનો પુરેપુરો પ્રયત્ન કરશે અને સામે પક્ષે એવી આત્મિયતાની અપેક્ષા રાખી જ્યારે મળે ત્યારે ફરિયાદના સૂર સાથે જેટલો સમય મળ્યો હોય એમાં પણ કડવાશ ઘોળશે.જેના લીધે ફરી મળવાની ઇચ્છા જ મરી પરવારે.
જ્યારે એક સંબંધ એવો પણ છે જેમાં અપેક્ષા ઓછી અને વિશ્વાસ વધુ છે.અને એ સૂર છે મૈત્રીનો. અહીં એવુ પણ નથી કે રોજે રોજ મળીને બંને એકબીજાની પળે પળનો હિસાબ રાખતા હોય. ક્યારેક એવુ પણ બને કે વર્ષમાં બે વાર પણ મળવાનુ ભાગ્યે જ થયુ હોય.પણ આ મૈત્રી નામ પુરતી નથી. અહીં વિશ્વાસની એક બુનિયાદ પર મૈત્રીની ઇમારત છે.
વાત છે મળ્યા એની મઝા માણો જેવી વિચારસરણી ધરાવતા બે અંગત મિત્રોની . આજે લગભગ એક વર્ષ ઉપર થવા આવ્યુ બંનેને મળ્યાને .હા ક્યારેક ફોન પર કે મેઇલ પર ખબરની આપ લે થઈ જાય બસ! પણ એથી કરીને કોઇને કોઇના માટે કોઇ ફરિયાદ નથી કે નથી કોઇ અપેક્ષા. જ્યારે મળે ત્યારે ,જે હાલમાં મળે ત્યારે જંગલમાં પણ મંગલ કરી લે છે .જ્યારે મળે ત્યારે આખે આખો સાગર ઉલેચાઇ જાય એવી રીતે બંને એક્બીજા સામે ઠલવાઇ છે.અને ફરી ક્યારે મળીશુ એનો વિચાર કર્યા વગર જ છુટા પડે છે.
કોઇ અપેક્ષા નથી એકમેક માટે અને છતાં ગળાબૂડ વિશ્વાસ છે કે જ્યારે જરાક હાથ લંબાશે ત્યારે ત્યાં ક્યાંક એકબીજાની આસપાસ જ મળી રહેશે. અને એ મળવા માટે પણ ફિઝીકલ પ્રેઝન્સની જરૂર નથી. અહીં વાત થવી એ મળ્યા જેટલુ જ મહ્ત્વનુ છે એવી ક્યારેય ન થયેલી સમજૂતી છે . મારી ડાયરી તારી પાસે અને તારી ડાયરી મારી પાસે જેવી અંગતતા છે.કહેવાનો મતલબ કદાચ કોઇની સાથે ન વહેંચી શકાય એવી વાતની અહીં આપ-લે થાય તો પણ એ આગળ વધીને બીજે ક્યાંય નહી જાય એવી ખાતરી છે. મૈત્રી એક એવી સેઇફ ડીપોઝીટ વોલ્ટ છે, એવુ લોકર છે જેમાં તારી -મારી અતિ ખાનગી જણસ એ જોઇન્ટ એકાઉન્ટ્ની માફક સચવાયેલી રહેશે એવો વણ લખ્યો કરાર છે.
છેલ્લા ક્યારે મળ્યા કે હવે ક્યારે મળીશુ એનુ કોઇ રજીસ્ટર પણ નથી એકબીજા પાસે . જરૂર પણ નથી એવા કોઇ રજીસ્ટરની.કારણકે અહીં હેપ્પી ફ્રેન્ડશીપ ડે વીશ કરવા વાળી ફોર્માલિટી નથી પણ જ્યારે મળ્યા ત્યારે ફ્રેન્ડશીપની હેપ્પીનેસ ફીલ કરવાની માનસિકતા છે બંનેમાં . ક્યારેક નક્કી કરીને પણ ન મળી શકાય અને ક્યારેક સાવ જ અણધારી મુલાકાત થઈ જાય. પણ અહીં કોઇ લેખા જોખા નથી કે નથી કોઇ રાવ ફરિયાદ.મળાય તો એનો આનંદ -ન મળાય તો એનો કોઇ અફસોસ નહી.
આવી મૈત્રી સમજવા માટે તો સુરેશભાઇ દલાલની એક રચના કાફી છે.
તું વૃક્ષનો છાંયો છે, નદીનું જળ છે.ઊઘડતા આકાશનો ઉજાસ છે:
તું મૈત્રી છે.
તું થાક્યાનો વિસામો છે, રઝળપાટનો આનંદ છે,તું પ્રવાસ છે, સહવાસ છે:
તું મૈત્રી છે.
તું એકની એક વાત છે, દિવસ ને રાત છે,કાયમી સંગાથ છે:
તું મૈત્રી છે.
હું થાકું ત્યારે તારી પાસે આવું છું,હું છલકાઉં ત્યારે તને ગાઉં છું,હું તને ચાહું છું :
તું મૈત્રી છે.
તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે,તું અહીં અને સર્વત્ર છે:
તું મૈત્રી છે.
તું બુદ્ધનું સ્મિત છે, તું મીરાનું ગીત છે, તું પુરાતન તોયે નૂતન અને નિત છે:
તું મૈત્રી છે.
તું સ્થળમાં છે, તું પળમાં છે;તું સકળમાં છે અને તું અકળ છે:
તું મૈત્રી છે.
આવી દોસ્તી -આવા દોસ્ત માટે બીજુ તો શું કહી શકાય ? હા આટલુ ચોક્કસ કહી શકાય.
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..
“આ આલેખન/ આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા માટે લખ્યો અને ૧૫/૧૧/૨૦૧૦ ના પ્રગટ થયો.“


Recent Comments