Posts filed under ‘“મનની બારી”’
“મનની બારી”
હોમિયોપેથ ડૉ. ચારુતા ગણાત્રાની લખેલી લઘુકથા બારી હમણાં વાંચવામાં આવી.
એ બારી હંમેશા બંધ રહેતી. નાનપણથી જ હું જોતો આવ્યો છું કે એ બારી હંમેશા બંધ હોય છે. ‘શું હશે એ બારીની બીજી તરફ ?’ બાળસહજ મારા મનમાં એ પ્રશ્ન જરૂર થતો. પણ એ બારી ક્યારેય ન ખુલતી. ક્યારેક કોઈને કહેતા સાંભળ્યા હતા કે બારીની પેલી તરફ કંઈક ભયાનક છે. પણ કોઈ સરખો જવાબ ન દેતા. એક દિવસ તો ઠપકો પણ મળ્યો કે :
‘ખબરદાર, બારી વિષે એક વાત પણ વિચારી છે તો ! આપણાં પૂર્વજોનાં જમાનાથી કોઈએ આ બારી ખોલી જ નથી.’
કોઈએ બંધ બારી ન ખોલી હોય તો શું થયું ? શું મારે પણ બારી ન ખોલવી ?! ફક્ત કોઈ કાલ્પનિક ભયથી પીડાઈને આ બારી બંધ જ રાખવી !! પણ મારો બળવાખોર સ્વભાવ બધા ઓળખી ગયા હતા. માટે બારી વિષેની ડરામણી વાતોથી માંડીને મારી ઉપર વર્તાતી કડકાઈમાં વધારો થતો ચાલ્યો. માનવનો સ્વભાવ એવો હોય છે કે જે વસ્તુની ‘ના’ પાડો એ વસ્તુ વારંવાર કરવાનું મન થાય. મને પણ બારી ખોલવાનું મન થતું. વધુ ને વધુ પ્રબળતાથી બારી ખોલવાનું મન થતું.
અને…
એક દિવસ…
ઘરે કોઈ નહોતું. મને કોઈ એકલા ન છોડતા, પણ આજે અનાયાસે ઘરે કોઈ નહોતું. ધીમે ધીમે મેં ડગલા બારી તરફ માંડ્યા. ચોર નજરે આજુબાજુ જોઈ લીધું કે કોઈ આવતું તો નથી ને ! દરેક ડગલે મનમાં રોમાંચ વધતો જતો હતો. ક્ષણેક અટક્યો. વિચાર પણ આવી ગયો કે કંઈક અજુગતું બન્યું તો ? ખરેખર કંઈક ‘ભયાનક’ હશે તો ? પણ એ વિચાર ખંખરી ફરી આગળ વધવા લાગ્યો. દરેક ડગલે વધતા હૃદયનાં ધબકારા, વધતો રોમાંચ… અને ક્યારે મેં બારી ખોલી નાખી એ યાદ ન રહ્યું….
પણ…
….બારીની બીજી બાજુ તો હતું એક પ્રેમ ભર્યું આકાશ… લહેરાતા વૃક્ષો… કુદરતનું અનુપમ સૌંદર્ય, મ્હોરતા ફુલો, ચહેકતા પક્ષીઓ… ઘણું ઘણું… અને સાથે… અદ્દભુત આનંદ, નિતાંત શાંતિ… મનનો રહ્યો સહ્યો ભય પણ ચાલ્યો ગયો…અને હું બોલી ઊઠ્યો : ‘આ તો મારા જ મનની બારી છે…’ કુદરત અને મારી વચ્ચે મારા મનની આ બંધ બારીનો જ પડદો હતો. કૃત્રિમતાનાં ઘરમાં એક બારી તો કુદરત તરફની હોય જ છે. બસ, જરૂર હોય છે એ બારીને ખોલવાની અને આપણી ભીતર કુદરતને આવકારવાની….
તમે એ બારી ખોલી કે નહીં ?! કુદરત છે તમારી પ્રતિક્ષામાં…
ડૉ. ચારુતાબેનની વાત આપણે સૌને લાગુ નથી પડતી?
આજના દોડભાગ અને હરિફાઇના યુગમાં બસ માનવ માનવ મટીને યંત્ર બની રહ્યો છે. વરસાદના મોસમમાં ભીની માટીની સુગંધને ફેફસામાં ભરવાનુ કોને યાદ આવે છે? બસ તૈયાર થઈને બોડી સ્પ્રે જગાવ્યુ કે વાત પતી. દિવસોના દિવસો એર કંડીશનની ઠંડકમાં રહીને આપણે શરદ પૂનમની ચાંદની રાતની શીતળતા કેવી હોય એ લગભગ વિસરી ચૂક્યા છીએ. ચારેકોર ઝળહળા લાઇટ્માં રહીને બીજનો ચંદ્ર ક્યારે દેખાયો એ જોવાનુ ભુલી ગયા છીએ. મનનો તાપ જીરવવો એટલો દોહ્યલો બન્યો છે કે ગ્રીષ્મમાં ઉગતા પેલા કેસુડા કે ગુલમહોર કે ચારે બાજુ લુમઝુમતા ગરમાળાની છટા જોવાનુ મન નથી થતું. વૉલ ટુ વૉલ કાર્પેટ પર ચાલી ચાલીને ઘરની બહાર ઉગેલા કુણા કુણા ઘાસ પર સવારની ઝાકળભીની ઠંડકનો આહ્લાલદક સ્પર્શ અનુભવવાનુ યાદ નથી આવતુ. આળા મનની સાથે તન એવા કોમળ થઇ ગયા છે કે પેલા શિરીષનાના ફુલોની સુંવાળપ શું છે તેની કોઇને ખબર નથી.વહેતા વહેણમાં એટલા તણાવા લાગ્યા છીએ કે વાયો વાયો રે વાસંતી વાયરો વાયોરે ,લાયો લાયો રે લાયો વન વનની મહેંક મીઠી લાયો રે ની વાત કોઇ ભુલાયેલા ગરબાની જેમ ભુલાયી ગઈ છે. મન પર એટલા પૂર્વગ્રહના એટલા ગ્રહણો લાગી ગયા છે કે વર્ષમાં ક્યારેક દેખાતી એ ગ્રહણની અદભૂત ઘટના જોવાની રહી જ જાય છે
કુદરતે છુટા હાથે અને વગર માંગે એટલુ આપ્યુ છે એટ્લે જ કદાચ એની કોઇ કિંમત આપણા મનને સ્પર્શતી નથી. આ બારીની બહાર વેરાયેલી કુદરત ઇશ્વરની ઓળખ છે પણ આપણે એના દ્વારા ઇશ્વરને ઓળખવાનુ જ ભુલી ગયા છીએ. ઇશ્વર તરફ શ્રધ્ધા એ એના પરના વિશ્વાસ કરતા મનની અંદર પોતાની જાતને અથવા તો જે પામ્યા છીએ તે ગુમાવી દેવાના ડરને લીધે વધુ છે.
જો કે હવે તો કુદરત પણ માનવની તેની તરફની ઉપેક્ષાને લઈને કાળક્રમે તેનો ખોફ માનવજાત પર ઉતારી રહી હોય તેમ તેનો સ્વભાવિક ક્રમ મુકીને વર્તવા માંડી છે. જાણે ૠતુઓ પણ રૂઠી હોય તેમ વેરવિખેર થવા માંડી છે. શિયાળો તેની શિતળતા અનુભવીએ તે પહેલાં જ સરી જાય છે. ઉનાળોતો માનવ જાત જે રીતે કુદરતનુ નિકંદન કાઢી રહી છે તેની પર તેનો પ્રકોપ ઉતારતો હોય તેમ આગ બનીને ત્રાટકે છે. વરસાદના ઓવારણા કે વધામણા લઈએ તે પહેલા તો વેરાઇ જાય છે.
પણ હજુ સમય છે આપણા મનની બારી ખોલીને ક્રુત્રિમતાની પેલે પાર કુદરતને પામવાનો અને એવી જ રીતે પૂર્વજોના જમાનાથી ચાલ્યા આવતા પરંપરાગત પૂર્વગ્રહોની બારીની પેલે પારની દુનિયાને સ્વીકારવાનો.ફરી એક વાર ડૉ. ચારુતાને કહ્યુ છે તે પ્રમાણે આપણાં પૂર્વજોનાં જમાનાથી કોઈએ આવી બારી ખોલી જ નથી અને એથી આપણે પણ એ પૂર્વગ્રહોની બારીની પેલે પારની દુનિયાને સ્વીકારવાની હામ ગુમાવી બેઠા છીએ.મનમાં એટલા પૂર્વગ્રહો લઈને આપણે બેઠા છીએ કે એથી આગળ વધીને કદાચ કશું સારુ કે સાચુ સ્વીકારવાની આપણી તૈયારી હોતી નથી. અથવા પરંપરાગત રૂઢી ચુસ્ત માનસ કે પૂર્વજોની કથિત વાતો કે વર્ષો જૂના ઇતિહાસને ઓળંગીને કોઇ નવી દિશા તરફ પગરણ માંડવાની હિંમત આપણી પાસે રહી નથી.
શ્રાવણ મહિનાથી ચાલુ થઈને દિવાળીના દિવસો સુધી આવતા તહેવારો કદાચ આ યંત્રવત જીવનની ગતિને રોકવાના બમ્પ છે. દશેરા એટલે આસુરી તત્વ પર સારપનો -સૌજન્યનો વિજય તેમ આપણે પણ આપણા આ મનના જડ-આસુરી તત્વો પર સ્વાભવિકતા, સરળતા,સહજતા ,સાલસતા નો જય પામીએ તો ઘણું.
“આ આલેખન/ આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા માટે લખ્યો અને ૧૫/૧૦/૨૦૧૦ ના પ્રગટ થયો.“


Recent Comments