Posts filed under ‘" બા "’
” બા “

શારદાબા
મમતા-વાત્સલ્યનું જીવંત નામ શારદાબા ગૌરવર્ણા ચહેરા પર ગુલાબી ઝાંય અને લલાટે લાલ ચટાક ચાંલ્લો વાત્સલ્યર્મૂતિની વ્યાખ્યા આટલેથી ના અટકતા અનંત સુધી વિસ્તરી.
આજથી લગભગ ૫૧ વર્ષ પહેલા અમારા પરિવારમાં અંગનું આગમન થયુ. લગભગ પાંચ દાયકા પહેલા જયારે સ્ત્રીઓ ભાગ્યેજ ઘર સંભાળવા સિવાય બીજુ કંઇ કરતી ત્યારે મારી મમ્મીએ દર્દીઓને સંભાવ્યા. ડૉકટર માતાનું સૌથી પહેલું સંતાન – મારા જન્મ વખતે અમારી તથા ઘરની સાર-સંભાળ માટે શારદાબહેનનું આગમન થયું. તે વખતે તો તે માત્ર શારદાબહેન હતા. પણ એમણે જે પ્રેમથી મારી અને અમારા પરિવારની સંભાળ લઇ મારી મમ્મી-પપ્પાને તદ્દન નિશ્ચત કર્યા ત્યાર્થી એ શારદાબાનું પ્રેમભર્યુ બિરૂદ પામી ચૂકયા હતા. મારા જન્મ બાદ મારી બીજી બે બહેનોના જન્મ સુધીમાં તો એમનું આ સ્વરૂપ વિશાળતા લઇ ચૂકયુ હતું. એમની આ વિશાળતા માં અમે ત્રણે બહેનો કયારે બાળપણ વિતાવી કિશારાવસ્થામાં પ્રવેશી એની અમને જ નહી મારા મમ્મી-પપ્પાને પણ કદાચ નહી ખબર પડી હોય. પણ આ વાત્સલ્યર્મૂતિને હજી કંઇક ખૂટતું હતું. ૧૧ વર્ષના વહાણાં વહી ચૂકયા હતા. રાખડી બાંધવા આતુર એવા અમારા હાથને ભાઇની ખોટ જેટલી સાલતી. એથી કંઇ વધારે મારા મમ્મી-પપ્પા કે શારદાબાને લાગતી. અને અંતે અમારી સહિયારી પ્રાર્થના જાણે ભગવાનને પહાચી-ત્રણ બહેનોના પરિવારમાં ભાઇના જન્મથી અમારો પરિવાર સંપૂર્ણ થયો.
અને શારદાબા બા મટીને યશોદા બની ગયા. જે નિર્વ્યાજ પ્રેમથી યશોદાએ કૃષ્ણના લાલન-પાલન કર્યા એવા અદ્કેરા પ્રેમથી આ યશોદા એ એમના કૃષ્ણના લાલન-પાલન કર્યા. કાનુડાના તોફાનોથી વાજ આવી કયારેક યશોદાએ એમને પાશથી બાંધી – ખાંડણીયા સાથે બાંધી દીધાનું સાંભળ્યુ છે પણ અમારી યશોદાને મન તો એનો કાનુડો અને તોફાન ? ? અને ભુલ ? કરે જ નહી ને ! આજે પણ જયારે-જયારે કૃષ્ણ-યશોદાનો ઊલ્લેખ વાંચુ-સાંભળુ ને મન સાથે શારદાબાની પ્રેમાળ છબી ઊપસી આવે. એક બાજુ બ્રહ્માંડ અને બીજી બાજુ એકલો અમારો ભાઇ, પણ યશોદાનો પ્રેમ વ્હચાવાને બદલે વધતો આવ્યો. વિતેલા વર્ષોમાં લગ્નની ઊંમરે પહાચેલી ત્રણેય બહેનોને એક પછી એક વળાવી. દિકરીઓ વળાવતા પરિવારમાં ખાલીપો સર્જાવાના બદલે અમારો પરિવાર કંઇક વધુ વિસ્તર્યો બહોળો બન્યો. દિકરીઓ ને વળાવીને દિકરાઓ અમારા પરિવારમાં ઊમેરાયા.
બહારથી આવનાર વ્યકિત કયારેય સમજી ના શકી કે આ કોના બા છે ? અમારા ચારે ભાઇ-બહેનોના ? મારી મમ્મીના ? મારા પપ્પાના ? અમારા માટે તો આ બધુ ગૌણ હતુ. મહત્વનો હતો એક તાંતણે બંધાયેલો અમારો પરિવાર. અમારા સંતાનોના જન્મ પચી તો મમ્મી-પપ્પા નાના-નાની બને પણ શારદા બા ? એ શારદા બા મટી માત્ર બા બની રહ્યા. વહાલની વ્યાપ વિસ્તરતો ચાલ્યો.
હ્ય્દયના અમી આંખ માં જ નહી પણ આંગળીના ટેરવે વસ્યા હતા. અમને શું ભાવશે. અમે શું ખાઇશું એની પણ અમારા કરતાં બા ને વધારે ખબર. બાની રસોઇનો સ્વાદ સોડમ તો હજૂય ભુલાયો નથી.
વ્હાલના વર્ષો વિતતા આવ્યા કયાંય કોઇ ઊણપ નહી. પણ બા ના પ્રેમથી માધુરી મનહ્ય્દયથી વધીને શરીરમાં વ્યાપી. ડાયાબીટીસ તો જ થાય ને ? નહતર નખ માં ય રોગ નહોતો ને આ અચાનક ડાયાબીટીસ કયાંથી ? પણ બા ને પોતાને પોતાની તો કોઇ તકલીફ લાગી જ નહોતી.
નિર્વ્યાજ પ્રેમની સામે કયારેય જો કોઇ અપેક્ષા હોય તે એક જ માત્ર બા ને પોતાની અંતિમયાત્રા એના ચારે છોકરાઓને એટલે કે અમે ત્રણ બહેનો અને ભાઇના ખભે ચઢીને ચાલવી હતી. દિકરી અગ્નિદાહ આપે તે તો હવેની વાત થઇ પણ આજથી વીસ વર્ષ પહેલા દિકરીઓના ખાંધે ચઢવાની વાત તો બા જ કરે. એવું નહોતું કે એમને પોતાના સગા-વ્હાલા નહોતા પોતાના સગા તો હતા પણ વ્હાલા તો અમે જ – સગાઓ એ એમની એ ઇચ્છા પણ સ્વીકારી લીધી. અને ગંગાજળ કે અંતિમ સંસ્કાર તો ભાઇ જન્મ્યો ત્યારથી જ બા એ એના માટે નિશ્ચિત કરી દીધા હતા. અને દોણી પકડવા મારો દિકરો તો હતો જ.- પાંચ વર્ષની ઉંમરે દોણી કોને કહેવાય એની એને ખબર નહી પણ બા ને વિદાય આપવા માટે રસ્તો બતાવવો પડે એવું કંઇક માની લીધુ હશે. અમારા માટે તો બા ના અઢળક સંસ્મરણો હતા પણ એ નાનકડા બાળકે – એ દોહિત્રએ પોતાની રીતે બા ની યાદ સાચવી લીધી – બા એ આપેલા કાલુના ફૂલમાંથી ઝાડ વાવી દીધુ – જાણે ઝાડ જેમ ફાલશે તેમ ફાલશે તેમ બા ની છાયા પણ અનુભવાશે – વળી બા ના અસલાલમાંથી એક બાની હ્ય્દયની સુંવાળપ જેવો સુંવાળો સાડલો કાઢી પોતાના ખજાનામાં મૂકી બા ની યાદને ચિરસ્મરણીય બનાવી.
પણ અમારા માટે તો બા માત્ર યાદ કયાં છે ?
“અમારાથી અલગ થાય તો અમે યાદ પણ હવે કરીએ – મનમાં તો દિવસ રાત તું જ છલકાયા કરે છે”
(સત્યઘટના પર આધારિત)

Recent Comments