Posts filed under ‘'' ઇશ્વરની ખોજ ''’
” ઇશ્વરની ખોજ”

અવારનવાર ઇશ્વર માટેની વાત સાંભળીને એક બાળકને ઇશ્વરની ઝાંખી કરવાની ઝંખના થઇ.એટલીતો સમજ હતી કે પ્રભુ કયાંક ઉપર ગગનના ગોખામાં કોઇક જગ્યાએ બિરાજેલો છે અને ત્યાથી આપણને જુવે તો છે પણ આપણે તેને જોવા શુ કરવાનું?બાળકે પ્રભુ ને પ્રાર્થના કરી.
” હે પ્રભુ, મારે તને જોવા છે મને તું દર્શન દે ” -આકાશમાં એક વિજળીનો તેજ લિસોટો થયો.
એનાથી અજાણ બાળકે ફરી એક્વાર ઇશ્વરને વિનંતી કરી ” પ્રભુ તુ કયાં છે? મારે તારો અવાજ સાંભળવો છે મને સાદ દે”-દૂર કયાંક વ્રક્ષ ઉપરથી એક પક્ષી ચહેકયું .બાળકે તેની નોંધ લીધા વગર આતૂરતા અને અધિરતાથી ફરી એકવાર આકાશ તરફ મીટ માંડી પ્રભુને સાદ દીધો.”હે ઇશ્વર, આવી ને મને મળ.મને તારા સ્પર્શ નો અનુભવ કરાવ”-ક્ષણવારમાં એક અત્યંત નાજુક સુંદર પતંગિયુ આવીને બાળકના હાથ પર બેઠુ.બાળકે તેને ઉડાડી મુક્યું.
હવે તો બાળકની તાલાવેલી તડપ બનીને ભગવાનને તકાદો કરવા સુધી પહોંચી.”જો પ્રભુ,બધા કહે છે તું અમારી આસપાસ જ છું,તો ક્યારનો હું તને બોલાવું છું તો આવી ને મને કેમ મળતો નથી? તું છું તેની મને પ્રતિતિ કરાવ”-ઘડીક વારમાં એક શીતળ પવનની લહેર આવી.દુર થી વાતા એ શીતળ પવન સાથે ભીની માટીની ખુશ્બુ ભળેલી હતી.અત્યંત હ્ળવેથી બાળકને સ્પર્શીને તેના તન-મનને તરબતર કરી રહી.
પરંતુ આ તમામ ઘટનાથી તદ્ન અજાણ,ઇશ્વરની અનુભૂતિની અપેક્ષામાં નિરાશ બાળક ત્યાંથી ઉભુ થઇને અંદર ચાલી ગયું.
આપણામાં પણ એક આવો જ બાળક સમાયેલો છે.જેને ઇશ્વરની ઝાંખીની ઝંખના છે. ઇશ્વર આપણી આસપાસની સ્રુષ્ટિમાં-આપણી આસપાસ વહેતી હવામાં, કયાંક ચહેકતા પંખીના ટહુકામાં, ખીલતા ફુલની ઉઘડતી પાંખડીઓમાં, કાળા ડિબાંગ વાદળ વચ્ચે ચમકતી વિજળીમાં,પેલા સપ્તરંગી મેઘઘનુષ્યમાં, ઉગતા સૂર્યના કિરણોની લાલિમાં, ચંદ્રની સોળે કલામાં,પ્રત્યેક શ્વાસ,આશ ,વિશ્વાસમાં,, છે .ઇશ્વર સચરાચરમા વ્યાપેલા છે. પણ આપણે પેલા અબુધ બાળક જેવા એને માત્ર મંદિર મસ્જિદ કે દેરાસર જેવા દેવાલયોમાં જ શોધીએ છીએ.
ઇશ્વર આપણી ચેતનામાં છે .ભરનિંદ્રામાં હોઇએ છીએ છતાંય આપણુ હ્રદયતો ધબકતુ જ હોય.એ પ્રત્યેક ધબકારા ઇશ્વર છે.માત્ર ઘેરી નીંદ્રામાં હોઇએ ત્યારે એ ધબકારનો આપણને અનુભવ નથી થતો તેમ અજ્ઞાનના ઘેન હેઠળ પ્રભુના પરિચયથી આપણે અજાણ રહી જઇએ છીએ. દેવાલયોમાં બિરાજેલા દેવ આપણી શ્રધ્ધાના પ્રતિક છે. પરંતુ એ શ્રધ્ધાને એટલા પુરતી સિમિત ન રાખતા સર્વવ્યાપી કરીએ તો?


Recent Comments