Posts filed under ‘'' અહંકાર ''’
” અહંકાર ”
એક વાર એક નવદીક્ષિત સંતનું મંદિરમાં આગમન થયું.તેમને સમાવેશ કરવા મંદિરના મુખ્ય સંતે ધર્મશાળામાં આસન રાખતા સૌ સંતોને વિનંતી કરી કે ”સૌ પોતાનું આસન ૪-૪ વેત આગળ ખસેડે તો આ નવા સાધુ માટે પણ જગ્યા થઇ જાય” તે વખતે બધા ખસ્યા પણ એકે ના મરજી બતાવી.પોતાના આસનની જગ્યા માટે જાણે જન્મસિધ્ધ અધિકાર હોય તેમ એક તસુ પણ ખસવા નન્નો જ ભણ્યા કર્યો. છેવટે બળજબરીથી બધાએ તેનું આસન સહેજ ખસેડ્યું. હઠીલા સાધુને માઠું લાગી ગયું અને તે ત્યાંથી નિકળીને ૪૦ ગાઉ દૂર બીજા મંદિરમાં રહેવા ચાલી ગયા. ૪૦ ગાઉ ખસ્યા પણ ૪ વેત ના ખસ્યા તે ના જ ખસ્યા.
અહંકારનો હુંકાર-ફુત્કાર માનવીને એટલી હદે જડ બનાવી દે કે સ્વાભાવમાં એક અકડાઇ આવી જાય. તૂટી જાય પણ નમે નહી.
તાજેતરના સમાચારોમાં ઓબામાની જાપાનના વડાપ્રધાનની મુલાકાતને લઇને અખબારોમાં થોડીક ચણભણ થઇ. મહાસત્તાના મુખ્યા એવા ઓબામાએ સહેજ વળીને જાપાનના વડાપ્રધાનનું અભિવંદન કર્યું. સહેજ જુદી રીતે વિચારીએ તો એથી શું ઓબામાની માન-પ્રતિષ્ઠા-ગૌરવને ક્યાંય હાની પહોંચી? ના! કોઇની સાથે નમ્રતાથી,સલુકાઇથી પેશ આવવાથી, કોઇને માન આપવાથી ખુદનું માન ક્યાય ઓછું થતું જ નથી.
અહંકાર એક કાળ કાળમીંઢ ખડક જેવો છે. વ્યકિતને પોતાની મોટાઇ બતાવવાની મનોવૃતિ અંદરનો અહંકાર પેદા કરે છે.એથી કરીને નુકશાન કોને થશે? તમારા અહંકાર ને લઇને તમારી આસપાસના લોકો પોતાના આત્મસન્માન-ગૌરવ જાળવવા તમારાથી ધીરે ધીરે દૂર થતા જશે પરંતુ તમે કોનાથી વેગળાથતાજાવ છો એનો લેશમાત્ર અંદાજ પણ તમને તરત નહીં આવે.
અભિમાની-અહંકારી વ્યકિતને પોતાના અહમની આળ-પંપાળ કરવામાં બીજાનુ અપમાન કરતા સહેજ પણ વાર નથી લાગતી પણ ક્યારેય એને અહમ ધવાય ત્યારે પોતાને શું લાગણી થાય છે તેનો વિચાર પણ કરશે ખરા?
ક્યારેક વડીલો પણ પોતાના વડીલપદના તોરમાં કોઇની પણ હાજરીની-ઉપસ્થિતિની પરવા કર્યા વગર ધરના સભ્યોને,સંતાનોને પણ કોડીના કરી મૂકતા
અચકાતા નથી અને પછી વડીલ પોતાનું માન જળવાય તેવી અપેક્ષા પણ રાખે છે. માન માગવાથી નથી માન આપવાથી માન વધે છે.
જેમ કહે છે કે ”સૌંદર્ય પામાતા પહેલાં સૌંદર્ય બનવું પડે” તેમ માન મેળવવા માન આપતા શિખવું પડે છે.
આજ ના અત્યંય લોકપ્રિય અને ઉચ્ચતાના શિખરો પર બિરાજમાન અમિતાભ બચ્ચનને તો આપણે રોજ-બરોજ જાણે આપણા ધરમાં જ ઉપસ્થિત હોય તેમ જોઇએ છીએ .કેટ-કેટલાક લોકોના માન-સન્માને યોગ્ય એવા આ અજોડ અભિનેતાની સલૂકાઇ, નમ્રતાને ક્યારેય ધ્યાનમાં લીધી? કોઇ પણ અદના આદમી-સાવ નાનામાં નાની વ્યકિતને પણ કેટલામાન થી આવકારે છે તે વિશે મનમાં નોંધ લીધી? એથી શું તેમના ગૌરવને આંચ આવી? ના! બલ્કે એથી એ વધુ એક મુઠ્ઠી ઉચેરા સાબિત થાય છે.
અહંકાર તો રાજા રાવણનું પણ ટક્યું નહીં.આમ જોવા જઇએ તો રાવણ અને કંસ બંનેને અહંકારના પ્રતિક કહેવામાં આવે છે.બાહ્ય રીતે માન પામતા આ બંને જણના પતનથી કેટલાય લોકો સાચા હ્રદયથી ખુશ થયા હશે? જ્યાં માન હોય છે ત્યાં પ્રેમ હોય તેવું નથી હોતુ પરંતુ પ્રેમ હોય ત્યાં આપોઆપ માન પોતાનું સ્થાન મેળવી લે છે.માન આપવાની પ્રક્રિયા એ બાહ્ય અથવા ચમત્કાર હોય તેવ નમસ્કાર ની પરિસ્થિતિ છે પરંતુ એથી કરીને વ્યકિત આંતરિક પ્રેમને ક્યારેય પામી શકતી નથી.
શ્રી પ્રમુખસ્વામી મહારાજના કહેવા અનુસાર”મૂરખ ,મગર અને મંકોડો એને પકડતા આવડે પણ છોડતા નહીં” આવા મૂરખની પંકિતમાં અહંકારનો સાથ હોય તેને ઝડપથી આસન મળી જાય જ્યારે અહંકારવૃતિ માણસના મન પર ભરડો લે ત્યારે માણસ પોતે ખતમ થઇ જાય પણ પેલા મંકોડા ની માફક વળ છોડી ન શકે. માટેજ મંકોડાની માફક કોઇ આપણને ઉખાડી ફેંકે તે પહેલાં જ સમય વર્તે સાવધાન.
“આ લેખ/ આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા માટે લખ્યો અને૧૫/૧૨/૨૦૦૯ ના પ્રગટ થયો.”


Recent Comments