Author Archive
“ડૉન-૨” – film review -
૨૦૦૬માં રજૂ થયેલી અને અમિતાભની જગ્યાએ શાહરૂખાની સફળતા જોવાની ઉત્કંઠા પર પાણી ફેરવી ચુકેલી ફિલ્મ ડૉનની એક બીજી આવૃત્તિને ફરી એક વાર બોલીવુડના રુપેરી પરદે રજૂ કરવામાં નિર્માતા-દિગ્દર્શકની હિંમતને એક વાર દાદ તો આપવી જ રહી.
લોહી ચાખી ચુકેલા વાઘની જેમ ડૉન ફરી એક વાર એના તમામ ક્ષત્રુઓનો ખાત્મો બલાવીને દુનિયાને એના કદમોમાં ઝુકેલી જોવા વધુને વધુ ઝનૂની બનીને ત્રાટકે ત્યારે કેવો કેર વર્તાય? એશિયા અંડર વર્લ્ડને જીતીને યુરોપિયન દેશના અંડર વર્લ્ડને પોતાની મુઠ્ઠીમાં લેવાના મનસુબા સાથે મેદાને પડેલા ડૉન યુરોપિયન અંડર વર્લ્ડ ઉપરાંત યુરોપિયન લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીની સામે મુકાબલો લેવા મરણીયો થઈને આવ્યો છે
પોતાની સત્તાની આડશે જે આવે એનો સફાયો કરવા તત્પર ડૉનને જોવા શાહરૂખનના પ્રેમીઓ ચોક્કસ ઉમટી આવવાના એ વાત તો નક્કી જ છે.પણ બોલીવુડ અને ટેલીવુડના ક્ષેત્રે અમિતાભના પેંગડામાં પગ નાખી ચુકેલો અને મહદ અંશે નિષ્ફળ ગયેલો શાહરૂખ હજુ કેટલો સફળ થશે એ તો સમય જ કહેશે.પણ ડર, બાઝીગર જેવી ફિલ્મોમાં નેગેટીવ શેડમાં રજૂ થઈને લગભગ દાયકા સુધી લવર બોયની ઇમેજમાં ઢળી ગયેલો શાહરૂખ ફરી એક વાર એની કેરીયરની શરૂઆતની જેમ ડૉન ૨ માં નેગેટીવ શેડ્માં જોવા મળશે.
ઇમોશન ફિલ્મોમાં નિવડેલા દિગ્દ્ર્શક ફરહાન અખ્તરે એક્શન ફિલ્મ ડૉનની સિક્વલને જાનદાર બનાવવા અદ્ભભૂત પ્રયાસ કર્યો છે. ડૉન એ કોઇ કથા નહી એક કેરેક્ટર છે અને ડૉનના એ કેરેક્ટરને -ડોનની ખુબી અને ખામી ને પરદા પર રજૂ કરવા્ના પ્રયત્ન પાછળ કોઇ કચાશ છોડી નથી. ઝડપથી આગળ વધતી ફિલ્મ , ફિલ્મના ટ્વીસ્ટ અને ટર્ન અને ટેકનિક, થ્રીલ્સ, એક્શને પ્રેક્ષકોને ફરહાન અખ્તરની એક નવી ઓળખ આપી છે. ફરહાન અખ્તરનુ દિગ્દર્શન, સ્ટોરી , સિનેમેટોગ્રાફી, એડીટીંગ સબળ હોવા છતાં ૭૦ના દાયકાની સલિમ -જાવેદ લિખિત અમિતાભ અભિનિત ફિલ્મની સફળતાની યાદ આવ્યા વગર રહેતી નથી.
ફિલ્મની રજૂઆત પહેલેથી જ” નાઉ કિંગ ખાન ઇઝ બેક “ની આલબેલ પોકારી ચુકેલા કિંગ ખાનની ઉંમર હવે વર્તાય છે.અને આ વધતી ઉંમર સાથે જે ઉંડાઇનો અનુભવ થવો જોઇએ એના બદલે અવનવી હેરસ્ટાઇલ કરવાનો મોહ શાહરૂખની રહી સહી ઇમેજને ખંડીત કરે તો નવાઇ નહી. સ્ટંટ ,એક્શન,થ્રીલ પિરસતા શાહરૂખ ખાનમાં તાજગીની ઉણપ તો હવે એના ચાહકોને પણ કઠતી જ હશે. તેમ છતાં આરંભથી અંત સુધી ડૉનની આસપાસ ચકરાવા લેતી ફિલ્મનો ભાર શાહરૂખે એના અનુભવી અભિનય દ્વારા નિભાવ્યો છે. અગાઉની ડૉનનુ પ્રિયંકાનુ પાત્ર કથાનક મુજબ ચિત્રાંકિત કરવામાં આવ્યુ છે. લારાદત્તાએ અભિનયના બદલે અંગપ્રદર્શનમાં જ વધુ રસ દાખવ્યો છે. આજ સુધી કોમેડી કેરેક્ટર નિભાવી ચુકેલા અને એમાં જ પોતાની આગવી ઓળખ ઉભી કરી ચુકેલા બોમન ઇરાનીને મલિકના પાત્રમાં સ્વીકારવા જરા મુશ્કેલ લાગે છે.
ક્રિસમસની રજાઓમાં જર્મની – બર્લિન ના મનોરમ્ય લોકેશન પર ફરવાની તક આપતી ફિલ્મ ડૉન સ્ટંટ- એકશનના રસિયાઓની ફિલ્મ છે.
ગીત – સંગીતમાં શંકર એહસાન લોય કોઇ કમાલ બતાવી શક્યા નથી જે અજાણતા પણ એક્શન- થ્રીલર ફિલ્મ માટે ઉપયોગી નિવડ્યુ છે કારણકે જો હોલીવુડ જેવી ફિલ્મ બનાવવી હોય તો અહીં ગીતોની તો કોઇની આવશ્યકતા હોતી જ નથી.
કલાકાર- શાહરૂખ ખાન, પ્રિયંકા ચોપ્રા, લારા દત્તા, બોમન ઇરાની, ઓમ પુરી, કુણાલ કપૂર
પ્રોડયુસર –રિતેશ સિધવાની, ફરહાન અખ્તર, શાહરૂખ ખાન
ડાયરેકટર-્ફરહાન અખ્તર
મ્યુઝિક-શંકર એહસાન લોય
ફિલ્મ *** એક્ટિંગ-* * * મ્યુઝિક * સ્ટોરી * * એકશન * * * * સિનેમેટોગ્રાફી * * * *
“આ આલેખન ફિલ્મ રિવ્યુ ગુજરાત ન્યુઝાલાઇન ( ઇન્ડો કેનેડીયન ગુજરતી કોમ્યુનીટી ન્યુઝ પેપર ) માટે લખ્યો અને ૨૭ ડીસેમ્બર ૨૦૧૧ ના પ્રગટ થયો.”
“ક્ષણની ચેતના”
ક્યાં ક્યાં શોધુ હું તને ભલે દે દિલાસો તું મને ફરે નજર મારી અહીં તહીં ભર્યો છે ખાલીપો મહીં નજર સામે ભર્યો છે અંધકાર તો ય શોધતી હું તને ઓ ઇશ્વર ક્યાં કયાં શોધું હું તને? ભલે દે દિલાસો તું મને. દેખાશે જો મને ચાંદ બીજનો જીવન બની રહેશે ચાંદ પુનમનોઇન્દુબેન નાણાવટી
જીવન સંધ્યા….
જીવન સંધ્યા….
સૂર્યના આગમન સાથે શરૂ થતો થતો દિવસ મધ્યાને પહોંચે અને હળવેથી સાંઝ બની ને આથમી જાય રાતના અંધારા આપણા અસ્તિત્વને એના આગોશમાં લપેટીને ઢબૂરી દે. અને આપણે પણ એક બીજા દિવસને , એક નવી પ્રભાતને આવકારવાની તૈયારી સાથે નિશ્ચિંત મને એ રાતમાં આપણી જાતને ઓગાળી દઈએ છીએ ને?
એક જન્મથી બીજા જન્મ સુધીની આપણી સફર પણ આ એક દિવસ જેવી જ નથી? જીવનનુ પ્રભાત એ આપણુ પા પા પગલી પાડતુ બચપન. યુવાનીનો મધ્યાન તપે અને હળવેથી પ્રૌઢાવસ્થા એટલે કે જીવન સંધ્યામાં ઢળી જાય. અને અહીંથી શરૂ થાય છે એક નવજીવનને આવકારવાની પ્રક્રિયા.ક્ષિતિજે મળતી અવની અને આકાશનુ અદભૂત મિલન એકમેક માં ભળી જાય એવી રીતે જીવનના અનુભવો અને સમજણ નુ જો સુરેખ મિલન થાય તો એ જીવન સંધ્યાના અવનવા રંગો ઢળતી ઉંમરના ઘેરા અને કદાચ અકલ્પ્ય -અસહ્ય રંગો પર નવી આભા ઉભી કરીને એ ઘેરા રંગોને થોડા આછા કરી જ શકે. અને તો જ વ્યક્તિ નવજીવન માટે નિશ્ચિંત મને જીવને શિવના- આત્માને પરમાત્માના મિલન માટે જાતને ઓગાળી શકે.
હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જે ચાર આશ્રમની વ્યવસ્થા ગોઠવાઇ છે એ પ્રમાણે જોવા જઈએ તો વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ વચ્ચેનો સંધિકાળ એ જ આ જીવનનુ ૭૫મુ વર્ષ. આ સમયનો સંધિકાળ એટલે જીવન સંધ્યા.
આજ સુધી સ્વજન માટે કરેલી દોડને અટકાવીને પોતાની જાત માટે – સ્વને શોધવાનો સમય.ઉમાશંકર કહે છે એમ ”હું મને મળવા આવ્યો છુ”
સમજણ આવી ત્યારથી બીજાને સમજવાની અને બીજાને સાચવવાની મથામણમાં ક્યારેક વ્યક્તિ પોતાની જાતને ખોઇ નાખતી હોય છે. હવે સમય શરૂ થાય છે આત્મખોજનો. આજ સુધી બીજા માટે વ્યતિત કરેલા જીવનના વર્તુળને સમેટીને સ્વને કેન્દ્ર બિંદુ સ્થાને મુકીને સમય પસાર કરવાનો મોકો હવે મળે છે. પણ સાવ જ એવા સ્વકેન્દ્રી બનવાના
બદલે નિવૃત્તિમાં પ્રવૃત્તિ આદરવાનો આ સમય સ્વની સાથે સ્વજનને પણ સમૃધ્ધ બનાવે તો ? સાચા અર્થમાં જીવન સાર્થક થયુ ન કહેવાય? સમૃધ્ધિ ભૌતિક હોય એ સર્વ સામાન્ય વાત છે અહીં તો આટ્લા વર્ષોનો અનુભવ નિચોડ સિંચીને સ્વ અને સ્વજનને સમૃદ્ધ બનવા બનાવવાની વાત છે.
સાવ મોકળા મને જીવવાના આ સમયને સમય સાચવવાની કોઇ જાતની પાબંદી હોતી નથી ત્યારે જ કદાચ સમયનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ થતો હશેને? આ શ્રેષ્ઠ ઉપયોગ પ્રત્યેક વ્યક્તિએ વ્યક્તિએ અલગ તો રહેવાનો જ. ધર્મની સાથે કર્મને સાંકળીને યથાયોગ્ય જીવાતા જીવનના અંતે વ્યક્તિ પોતાની જાત માટે સંતોષ લઈ શકે એવી પ્રવૃત્તિ થી નિવૃત્તિને ઉજાળવાનો પ્રયાસ એટલે જા જીવન સંધ્યા.
નિવૃત્તિ શબ્દને શબ્દદેહે જીવનમાં જેણે વણી લીધો છે એને આ નિવૃત્તિનો ચોક્કસ ભાર લાગવાનો . શરીરથી સક્ષમ હો અને ફરજીયાત નિવૃત્તિ લેવાની વાત આવે એ વ્યક્તિને તોડી નાખતી હોય છે પણ નિવૃત્તિને મરજીયાત અને મનગમતી પ્રવૃત્તિ સાથે જોડી દેવાથી એને રસપ્રદ બનાવી જ શકાય ને? આ રસપ્રદ પ્રવૃત્તિ પણ વ્યક્તિ વ્યક્તિ એ અલગ તો હોવાની જ.
દરેકે પોતાના રસના ક્ષેત્ર જાતે જ નક્કી કરવાના છે. અને એક વાર એ ક્ષેત્ર નક્કી થાય એટલે ખેડાણ પણ જાતે જ આદરવાનુ છે. જીવનનુ ૭૫મુ વર્ષ તો બાકીની જીંદગીની પા પા પગલી કરતી શરૂઆત છે. આ સમય એવો છે કે જ્યારે જેના માટે આખુ જીવન વ્યતિત કર્યુ હોય એવા સ્વજનો પાસે તમારી માટે ફાળવવાનો કદાચ સમય ન પણ હોય. ત્યારે એકલતા અનુભવવાના બદલે મનને
સાબૂત રાખવા મનગમતી પ્રવૃત્તિથી એકાંત ઉજાળવાનો પ્રયાસ કરવાનો છે. બની શકે કે સમય જતા શરીર પણ મનની વૃત્તિઓને સાથ આપવા જેટલુ સક્ષમ ન પણ રહે.પણ મન સાબૂત રાખીને તનને પ્રવૃત્તિમય રાખવાનો ઉદ્યમ તો ચોક્કસ કરીજ શકાય.
આજના મારા આ જીવન સંધ્યાના પર્વના દિવસે ઇશ્વરને મારી હ્રદયપૂર્વકની પ્રાર્થના મને અને મારા જેવા જીવન સંધ્યાના ઉંબરે ઉભેલા તમામને આ સમજ ,શક્તિ અને સંકલ્પની સૂઝ આપજો.
રાજુલ શાહ
http://www.rajul54.wordpress.com
…………………………………………………………………………………………………………………………………………………………………
આજના મારા આ જીવન સંધ્યાના પર્વના દિવસે ઇશ્વરને મારી હ્રદયપૂર્વકની પ્રાર્થના કે, મને અને મારા જેવા જીવન સંધ્યાના ઉંબરે ઉભેલા તમામને આ સમજ ,શક્તિ અને સંકલ્પની સૂઝ આપજો.
આ પ્રસંગે મારા ૫૪ વર્ષના દામ્પત્ય જીવનમાં સતત ઉષ્માભર્યો સાથ-સહકાર આપનાર જીવન સંગીની ઇન્દુનો હું ઋણ સ્વીકાર કરું છું.
ચી. રાજુલ શાહ દ્વારા મારા ૭૬ માં વર્ષના પ્રવેશ નિમિત્તે આલેખાયેલ પ્રાસંગિક લેખમાંથી સાભાર.
કલ્યાણ સી . શાહ
…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………
રોકસ્ટાર – film reviews -
“હીના રંગ લતી હૈ પિસને કે બાદ” જનાર્દન જખર( રનબીર કપૂર) ને આ સત્ય સમજાય છે ત્યારથી માંડીને આ સત્ય ને હકિકત વચ્ચેનો સંઘર્ષ એટલે એક સામાન્ય ગાયકમાંથી રોકસ્ટાર બનવા સુધીની સફર અને આ સફરનુ ચિત્રીકરણ એટલે પ્રોડ્યુસર ધિલ્લીન મહેતાની ઇમ્તિયાઝ અલી દિગદર્શીત ફિલ્મ” રોકસ્ટાર” .જનાર્દનથી જોર્ડન સુધીની આ સફરમાં એક અદના ગાયકને જીવનમાં કેવી ઉંચાઇઓ અને કેવી હતાશાની ગર્તામાંથી પસાર થવુ પડે એની વ્યથાની સંગીતમઢી કથા છે.કોઇ જ સંદર્ભ ન હોવા છતાં આજે અજાણતા જ ગુરૂદત્તની ફિલ્મ ” કાગજ કે ફૂલ” યાદ આવી ગઈ.
દિલ્હીના મિડલ ક્લાસ પ્રિતમપુરાથી ઇન્ટર્નેશનલ સ્ટેજ સુધી પહોંચવા મથતા જનાર્દનને આજ સુધી હિણપત અને માનહાની જ પ્રાપ્ત થયા હોય ત્યારે એની સંવેદના ક્યાં તો બુઠ્ઠી બની જાય અથવા તો અત્યંત ઉગ્ર બની જાય. જ્યારે જનાર્દન એક સત્ય તો સમજી જ જાય છે કે પ્રત્યેક કલાકારના જીવનની કરૂણતા એ છે કે એમની સફળતાનુ મૂળ એમના જીવનની કોઇને કોઇ દુઃખદ ઘટના સુધી પહોંચતુ હોય છે. પહેલ પાડ્યા વગર તો હીરો પણ એક સામાન્ય નંગ જ હોય છે.
રોકસ્ટાર બનવા જનાર્દન પણ એક આવી જ કોઇ ઘટના એના જીવનમાં ઘટે એમ ઇચ્છે છે જે એનુ જીવન બદલી નાખે. હીર કૌર કોલેજ કેમ્પસનુ એક એવુ નૂર છે જેની પાસે અવાજ , રૂપ ,કૌશલ્યની સાથે ઘમંડ પણ ભારોભાર છે . કંઇ કેટલાયના દિલ તોડી ચુકેલી હીર ના પ્રેમમાં પડેલા જનાર્દનની ઝંખના પ્રમાણે એને પ્રેમ પ્રાપ્ત થશે કે પ્રતિષ્ઠા ?
જનાર્દનના સંઘર્ષ અને સફળતા, વેદના અને સંવેદના, ઉદ્ગગમ અને પતન , જોશ અને ઉદાસીનતાની આ કથાને જબ વી મેટ અને લવ આજ કલ ના દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીએ એક નવા અભિગમનો સ્પર્શ આપવા પ્રયત્ન કર્યો છે. બોલીવુડના એલ્વીસ પ્રીસ્લી ગણાતા અને સાચા અર્થમાં પહેલા રોકસ્ટાર તરીકે જાણીતા થયેલા શમ્મી કપૂરની ફિલ્મી પડદા પરની છેલ્લી હાજરી એક અનોખુ નજરાણુ બની રહેશે.જ્યારે શમ્મી કપૂરની વાત આવે ત્યારે સ્વભાવિક રીતે કશ્મીર કી કલી થી માંડીને પ્રોફેસર, તિસરી મંઝીલ જેવી અનેક ફિલ્મો જેણે પણ જોઇ હશે એમની યાદોમાં એ તમામ ફિલ્મોના ધૂંઆધાર ગીતો આજે પણ અકબંધ હશે જ. આમ ગાયકથી ખાસ ગાયક સુધીની રોકસ્ટારની સફર માં જ્યારે એ.આર રહેમાનનુ સંગીત હોય ત્યારે આવા જ કોઇ ચિરસ્મરણિય ગીતોની અપેક્ષા હોય. એ શમ્મી કપૂરની ફિલ્મોને યાદ ન કરીએ અને એ. આર. રહેમાનની ” રોજા” કે “તાલ”ને નજર સમક્ષ રાખીએ તો પણ એ સમયના ગીત સંગીતની આજના ગીત સંગીત સાથે સહજ સરખામણી થઈ જ જાય .તેમ છતાં ” તેરા નામ” , ફીર સે ઉડ ચલા જેવા ગીતોની નોંધ લેવી રહી.
રણબીર કપૂરે રાજનિતી, વેક અપ સિડ જેવી ફિલ્મોમાં અભિનયથી આગવી ઓળખ ઉભી કરી છે. રોકસ્ટાર ફિલ્મમાં લાગણીઓના ચઢાવ- ઉતાર ઉન્માદ અને હતાશાને રણબીર કપૂરે પુરેપુરા વિશ્વાસથી વ્યક્ત કર્યા છે. નાજુક એવી નરગીસ ફકરીએ ફરી એક વાર કશ્મીર કી કલીની યાદ તાજી કરાવી. જો કે ક્યારેક એની ભાવનાત્મક અભિવ્યક્તિની ઉણપ કઠે છે. રણબીર અને નરગીસ વચ્ચે સરસ તાદાત્મ્ય સર્જાતુ અનુભવાય છે. શમ્મી કપૂરે બોલીવુડને અલવિદા કરતા પહેલા નાના રોલમાં અભિનય કરી જીવનની આખરી ઇનિંગ પુરી કરી છે..
ઇમ્તિયાઝ અલીના દિગ્દર્શનનો જે ટચ આગલી ફિલ્મોમાં જોયો હોય અને એ અપેક્ષા રાખી હશે તો એને અહીં આ ફિલ્મમાં ઇમ્તિયાઝ અલી થોડા ગુંચવાયેલા લાગે અને તેમ છતાં દિગ્દર્શકની કલાકાર પાસે ધાર્યુ કામ કઢાવી લેવાની કુશળતા અને એમાં રણબીર કપૂરનો સાથ આ ફિલ્મનુ જમા પાસુ છે.
કલાકાર- રણબીર કપૂર, નરગીસ ફખરી, શમ્મી કપૂર, અદિતી રાવ હૈદરી.
પ્રોડયુસર – ધિલ્લીન મહેતા
ડાયરેકટર-ઇમ્તિયાઝ અલી
મ્યુઝિક- એ.આર. રહેમાન
ફિલ્મ * * * એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * * *
રા-વન- film reviews -
રા-વન ફિક્શન મુવી છે જેમાં ટેકનિક, સ્પેશિયલ ઇફેક્ટને સુપર પાવર ગણવી કે હીરોને એ દરેકની મુનસફીની વાત છે.
એક કંપલીટ કન્ફ્યુઝ છતાં એક્મેક માટે કન્સર્ન ફેમીલી. સાઉથ ઇન્ડીયન શેખર સુબ્રમણ્યમ (શાહરૂખ) ને પંજાબી પત્ની સોનિયા ( કરિના )અને પુત્ર પ્રતિક જે સ્કૂલમાં રોક બેન્ડ અને ફૂટબોલ ટીમમાં અગ્રીમ છે પણ તેને ખરો રસ તો વીડિઓ ગેમ પ્રત્યે છે. શેખર ગેમ ડિઝાઇનર છે જે આજ સુધી એક પણ ઇન્ટરેસ્ટીંગ વીડિયો ગેમ બનાવી શક્યો નથી. પુત્રનો પ્રેમ પામવા માટે સતત પ્રયત્નશીલ શેખરને એક એવી વિડીયો ગેમ બનાવવી છે જેનાથી પ્રતિક ખુશ થાય કારણકે પ્રતિકને વીડિયો ગેમ તરફ અથાગ લગાવ છે. પ્રતિકનુ માનવુ છે કે હીરો કરતા હંમેશા વિલન સુપર પાવર હોય. માટે શેખરને એવા સુપર પાવર વિલનનુ સર્જન કરવુ છે.પણ ખરેખર વાસ્તવિક જીવનમાં આમ બને ત્યારે તો રા-વન સામે જી-વને જ જંગ છેડવો અને જીતવો પડે.
સોનિયા આધુનિક ટેકનોલોજીથી જરા અલગ માનસ ધરાવતી એક્દમ પરંપરાગત પંજાબી પત્ની છે તેમ છતાં સ્વ- નિર્ભર પણ એટલીજ છે.
વીડિયો ગેમ બનાવવાના સતત પ્રયાસોમાં અંતે એક દિવસ શેખર સફળ થાય છે. અને આ સફળતા પરિવાર સાથે માણવાના સમયે આ બેલ મુઝે માર જેવી પરિસ્થિતિ ઉત્તપન્ન થાય છે. જે ગેમ શેખરે રમવા માટે બનાવી હતી એ જ ગેમ હવે એની સાથે રમતના આટાપાટા ખેલે છે. હાર્ડ ડ્રાઇવ ક્રેશ થયેલી વીડિયો ગેમ શેખર અને એના પરિવારની દુનિયા ઉલટ-પુલટ કરી નાખે છે.
હજુ તો જેની હવા બોલીવુડના રસિયાઓના માનસમાં બંધાયેલી હશે એવી ફિલ્મ રોબોટ પણ એક એવા સુપર હીરોની જ ઇમેજ હતી જે સર્વથા શક્તિમાન હોય. રા-વન પણ આવીજ હીરો ઇમેજને અકબંધ રાખતી બાળકોને વધુ આકર્ષે એવી ફિલ્મ છે. કદાચ કોઇ પણ પણ ઉંમર હોય દરેક વ્યક્તિમાં એક બાળપણ સચવાયેલુ હોય છે જેમાં આવા સુપર પાવરને માણવાની એક ઇચ્છા ઉંડે ઉંડે પણ સચવાયેલી હોય છે. અને આ અદમ્ય ઇચ્છા સંતોષાય ક્યારે? જ્યારે એ કલ્પનાને નજર સામે સાકાર થતી થતી જુવે ત્યારે. રા-વનમાં લગભગ તમામ એવા તત્વો છે જે આ અંદરના બાળકને ખુશ કરે. સુપર હીરો ની ઇમેજ, આછી પાતળી હોવા છતાં ઝડપથી આગળ વધતી કથા અને ફિલ્મને સફળ બનાવે એવુ મનોરંજન. ફિલ્મમાં ટેકનિકની સાથે ઇમોશનનો ઉમેરો હોય તો એ પ્રેક્ષકના રસને જકડી રાખે. રા-વનમાં પિતા અને પુત્રના સ્નેહભર્યા સંબંધો, પતિ અને પત્નિની સંવાદિતા ફિલ્મને એક્શન સાથે પારિવારિક ફિલ્મનો દરજ્જો આપે છે. પિતાના પુત્રની કાલ્પનિક દુનિયાને જીવંત બનાવવાના, પુત્રને રાજી રાખવાના તમામ પ્રયાસોમાં જેટલો જ સફળ નિવડે છે જેટલી રા-વન ફિલ્મની એક્શન સિકવન્સ પ્રેક્ષકને પકડી રાખવામાં પણ સફળ નિવડે છે.સ્પેશિયલ ઇફેક્ટ આ ફિલ્મનુ મહત્વનુ પાસુ છે.
રા-વન ફિલ્મમાં ન તો માત્ર અધધ રુપિયા પણ સાથે સાથે શાહરૂખની કેરિયર પણ દાવ પર લાગી છે.
એક સમયના બોલીવુડના બાદશાહને હવે બીજા ખાન સામે જીતવા જી-વન જેવો મરણીયો પ્રયાસ કરવો જ પડે એમ છે .રા-વન”ને “ગજની”અને “દબંગ”ની સફળતા સામે ટક્કર લેવાની છે.એટલુ જ નહીં પણ શાહરૂખને પોતાની આજ સુધીની રોમેન્ટીક ઇમેજ સામે પણ ટક્કર લેવાની છે.જેમાં એ મહદ અંશે સફળ નિવડે છે. ફિલ્મના ઉતરાર્ધ સુધી તામિલીયન ગેટ અપમાં શાહરૂખને પચાવવો જરા અઘરો લાગે છે. કરિનાએ સોનિયાના પાત્રને જી-વન સામે જીવંત બનાવ્યુ છે. પણ સૌથી વધુ ધ્યાન ફિલ્મના બાળ કલાકારે ખેંચ્યુ છે. પ્રતિક એટલે કે અરમાન વર્માની પ્રતિભાની નોંધ લેવી જ રહી. રા-વનના પાત્રમાં ઘણી મોડી ઓળખ છતી થતી હોવા છતાં ઓમ શાંતિ ઓમ જેવો નેગેટીવ રોલ ફરી એક્વાર અર્જુન રામપાલે સફળતાથી ભજવ્યો છે.
અનુભવ સિંહા સમર્થ દિગ્દર્શક છે પણ સ્ક્રીન પ્લે અને સ્ક્રીપ્ટમાં ઉણા ઉતર્યા છે. “છમ્મક છલ્લો” અને “દિલદારા” જેવા ગીતો ફિલ્મની રજૂઆત પહેલેથીજ લોકજીભે રમતા થઈ ગયા હતા એ અલગ વાત છે પણ પ્રેક્ષકને મન એક સવાલ તો જરૂર ઉઠે કે બોલીવુડ ફિલ્મને ગીત સંગીતનુ વળગણ એટલી હદે છે કે આવી એક્શન ફિલ્મમાં પણ બીન જરૂરી ગીતોની ગોઠવણ જાણે આવશ્યક બની રહે?
આમ ફિલ્મોમાં બનતુ હોય છે એમ ફિલ્મમાં ક્ષતિઓ પણ છે પણ ફિલ્મને માણવી હોય તો ઘણાબધા પ્લસ પોંઇન્ટની સામે ફિલ્મમાં આવી નાની મોટી ક્ષતિઓ પણ અવગણવી જ રહી .
કલાકાર- શાહરૂખ ખાન, કરિના કપૂર,અર્જુન રામપાલ, શહાના ગોસ્વામી, ટોમ વૂ, દલીપ તાહિલ, સુરેશ મેનન, સતીશ શાહ
પ્રોડયુસર –ગૌરી ખાન
ડાયરેકટર-અનુભવ સિંહા
મ્યુઝિક- વિશાલ શેખર.
ફિલ્મ ***૧/૨ એક્ટિંગ-* * * ૧/૨ મ્યુઝિક * * * સ્ટોરી * * * એકશન * * * *
“આ આલેખન ફિલ્મ રિવ્યુ ગુજરાત ન્યુઝાલાઇન ( ઇન્ડો કેનેડીયન ગુજરતી કોમ્યુનીટી ન્યુઝ પેપર ) માટે લખ્યો અને ૪ નવેમ્બર ૨૦૧૧ ના પ્રગટ થયો.”
“મોડ”- film review -
૨૦૦૭માં પ્રદર્શિત થયેલી તાઇવાન ફિલ્મ ” કીપિંગ વોચ” પર આધારિત સસપેન્સ અને સિમ્પથીનનો સરવાળો એટલે નાગેશ કુકુનૂર દિગ્દર્શિત ફિલ્મ “મોડ” . હૈદરાબાદ બ્લ્યુઝ ,ઇકબાલ , ડોર , ૮/૧૦ તસ્વીરને આશાયેં જેવી ફિલ્મોના દિગદર્શક ની ફિલ્મ “મોડ” એન્ડી( રણવિજયસિંહ) અને અરણ્યા( આયેશા ટકિયા) ના જીવનના અણધાર્યા મોડ પર અધારિત છે.
કુદરતના સાનિધ્યમાં ફેલાયેલા ગંગા હિલસ્ટેશન પર નાનકડી અમસ્તી ઘડીયાલ રિપેરર અરણ્યાના દરવાજે એક દિવસ એક અજનબી ઘડીયાળ રિપેર કરાવવાના બહાને આવે છે અને આ ઘડીયાળ રિપેરનુ એનુ બહાનુ દરરોજનુ બની જાય છે. હંમેશની મુલાકાત તો કોઇપણ અજાણ્યાને જાણીતો બનાવી દે તો આ તો બે યૌવનના પગથારે ઉભેલા બે હ્રદય ? એક બનતા શી વાર? પણ જ્યારે અરણ્યાને એન્ડી અંગેનુ સત્ય જાણમાં આવે છે ત્યારે કથા એક અણધાર્યા મોડ પર આવીને ઉભી રહે છે અને એનુ મૂળ અરણ્યાના સ્કૂલ સુધી આવીને ઉભુ રહે છે.
વર્તમાન બીગ બજેટ બીગ સ્ટાર કાસ્ટના જુવાળથી તદ્દન વિપરીત નાગેશ કુકુનૂરની ફિલ્મો લૉ બજેટ , હાથવગા લોકેશન અને બીગ સ્ટાર વેલ્યુ ધરાવતા ન હોય એવા અભિનેતા- અભિનેત્રી ને લઈને બનેલી હોય છે. એટલુ જ નહીં નાગેશ કુકુનૂરની ફિલ્મો લગભગ તો કોઇ નવાજ વણખેડ્યા વિષયોને લઇને આવે છે. “મોડ” પણ આવી જ એક નવા વિષય વસ્તુને આધારિત ફિલ્મ છે.
નાગેશ કુકુનૂરની ફિલ્મ અને આયેશા ટકિયા એ જાણે એકબીજાના પૂરક બની રહ્યા છે. ચુલબુલી આયેશાનુ “ડોર” ફિલ્મમાં એક નવુ જ સ્વરૂપ જોવા મળ્યુ હતુ . એવી રીતે “મોડ” માં એક નવા મોડ પર જોવા મળતી આયેશાએ એના પાત્રને બાખુબી નિભાવ્યુ છે . એન્ડીના જીવનનુ સત્ય જાણ્યા બાદ અરણ્યાની મનોવેદના , એન્ડી તરફ્ની સહાનુભૂતિ અને એન્ડી તરફ છલકાતો પ્રેમ આયેશા સરળતાથી જીવી જાય છે. એન્ડી અને અભયના પાત્ર વચ્ચે વહેંચાયેલા રણવિજયનો આત્મ વિશ્વાસ ભર્યો અભિનય , એના માનસિક ચઢાવ -ઉતારની અભિવ્યક્તિ- પાત્રની મનોવ્યથાને એણે સબળ ન્યાય આપ્યો છે. રઘુવીર યાદવ એમની એક સહજ અભિનેતાની છાપને અકબંધ રાખી શક્યા છે. અરણ્યાની માતા પાછી આવશે એ આશાએ જીવતા બાપ-દિકરીની આરઝૂ પણ સરસ વ્યક્ત થઈ છે. અરણ્યાની માતા સમાન પ્રેમાળ આન્ટની ભૂમિકામાં તન્વી આઝમીનો પ્રેમ છલોછલ છલકાય છે. સાયકિયાટ્રીસ્ટ અનંત મહાદેવન પણ પાત્રને બરાબર વ્યક્ત કરી જાય છે.
અને તેમ છતાં ફિલ્મ એટલી રસપ્રદ બની શકી નથી. “મોડ” એક પ્રેમ કથા હોવા છતાં અત્યંત ધીમી ગતિએ વિકસતી કથા અને એનુ લંબાણ પ્રેક્ષકને પકડી રાખવામાં નિષ્ફળ જાય છે. નાગેશ કુકુનૂર એમની સ્લો ફ્લો મુવી માટે જાણીતા જેમકે એમને પ્રેક્ષકોને કશુ જ એક સામટુ કહી દેવાની કોઇ ઉતાવળ ન હોય એવી એમની ફિલ્મની ટ્રીટમેન્ટ હોય છે જે દરેક માટે ધીરજ બહારની વાત હોય છે.
ફિલ્મના ગીત સંગીત પણ ફિલ્મનુ નબળુ પાસુ બની રહ્યા છે. ફિલ્મનુ એડીટીંગ પણ જો જરાક ચુસ્ત હોત તો કદાચ ફિલ્મની ધીમી કંટાળાજનક ગતિને સહેજ વેગીલુ બનાવી શકાઇ હોત તો આ રસપ્રદ કથા કદાચ વધુ લોકોને આકર્ષી શકી હોત જ્યારે ફિલ્મની સીનેમેટોગ્રાફી અને ડાયલોગ્સ ફિલ્મનુ જમા પાસુ છે
કલાકાર- આયેશા ટકિયા, રણવિજય સિંહ, રઘુવીર યાદવ, તન્વી આઝમી, અનંત મહાદેવન
પ્રોડયુસર –નાગેશ કુકુનૂર, સુજીત કુમાર સિંઘ, ઇલાહી હિપતુલ્લા
ડાયરેકટર- નાગેશ કુકુનૂર,
મ્યુઝિક- તાપસ રેલિઆ
ગીતકાર-મિર અલિ હુસૈન,
ફિલ્મ **૧/૨ એક્ટિંગ-* * * મ્યુઝિક * * સ્ટોરી * * સિનેમેટોગ્રાફી * * * *
“આ આલેખન ફિલ્મ રિવ્યુ ગુજરાત ન્યુઝાલાઇન ( ઇન્ડો કેનેડીયન ગુજરતી કોમ્યુનીટી ન્યુઝ પેપર ) માટે લખ્યો અને ૨૧ ઓક્ટોબર ૨૦૧૧ ના પ્રગટ થયો.”
“મળેલા જીવ”
મિત્રો,
ફિલ્મોમાં આજ પર્યંત અતિ લોકપ્રિય ફિલ્મોને લઈને દાયકાઓ બાદ ફરી એ જ ફિલ્મો નવા કલાકાર , નવા દિગ્દર્શક અને એક નવા જ માહોલ સાથે ફરી બનાવવાનો વાયરો વાયો છે. દેવદાસ ,પરિણીતા, ડૉન જેવી ફિલ્મો તો હાલની જ વાત છે જ્યારે રાજશ્રી ફિલ્મની કેટલીક જુની ફિલ્મો ના નામ બદલીને નવા ઢાંચામાં ઢાળીને પણ રજૂ કરાઇ છે .જેમકે “હમ આપકે હૈ કૌન ” પ્રેમ દિવાની” એક વિવાહ એસાભી ”
૧૯૫૦થી માંડીને આજે ૨૦૧૧માં એટલે કે ૬૧ વર્ષના વ્હાણા વહી ગયા હોય અને પેઢી પણ બદલાઇ ગઈ હોય ત્યારે નાટ્ય જગતમાં આ એક નવો ઇતિહાસ સર્જાયો છે. કદાચ એવા વાચકો હશે જેમણે પન્નાલાલ પટેલ લિખીત નવલકથા ” મળેલા જીવ” વાંચી હશે અને એવી નાટ્ય પ્રેમી પેઢી અત્યારે હશે જેમણે આ નાટક જોયુ પણ હશે.ત્યારે એમને આ સંસ્મરણો વાગળવા ગમશે પણ ખરા.
“મળેલા જીવ”
માહિતી ઉપલબ્ધી અને બહાલી ::શશિકાંત નાણાવટી
{૧} શ્રી પન્નાલાલ પટેલ દ્વારા લિખિત ગુજરાતી નવલકથા “મળેલા જીવ”નુ ૧૯૫૦માં શ્રી શશિકાંત નાણાવટીએ નાટ્ય રૂપાંતર કર્યુ હતુ.. ૩-૧૨-૧૯૫૦માં જવનિકા થિયેટર દ્વારા તેની પ્રથમ ભજવણી થઈ હતી, જેનુ દિગ્દર્શન શ્રી હરકાંત શાહે કર્યુ હતું. નાટક અમદાવાદની ટેક્ષટાઇલ કોન્ફરન્સમાં ભજવાયુ અને ત્યાર બાદ સૌરાષ્ટ્રના ધાંગધ્રા ,સુરેન્દ્રનગર અને લીમડી જેવા શહેરોમાં રજૂ થયુ હતું. ડૉ. ઇન્દુભાઇ પટેલ ( કાનજી), કલા શાહ (જીવી) હરકાન્ત શાહ ( ભગત), પી ખરસાણી( ધુળિયો -હજામ) વગેરે કલાકારોએ પાત્રને ન્યાય આપ્યો હતો અને
રામકુમાર રાજપ્રિય એ સંગીત આપ્યુ હતું.
{૨} નવેમ્બર ૧૯૫૫માં ટાઉન હોલમાં શ્રી હરકાન્ત શાહના દિગ્દર્શનમાં ” રંગમંડળ” દ્વારા આ નાટકની રજૂઆત થઈ ત્યારે બોક્સ ઑફીસ પર એક નવો જ રેકોર્ડ સર્જાયો હતો.. ઇતિહાસમાં આ કદાચ પ્રથમ વાર હશે કે જેમાં નાટ્ય રસિકોએ આટલો રસ દાખવ્યો હતો..શ્રેષ્ઠ નાટ્યકર્તા જયંતિ દલાલ, હીરાલાલ ભગવતી,નિરૂભાઇ દેસાઇ જેવા અનેક વિષેજ્ઞનો આ નાટકના રિહર્સલ દરમ્યાન ઉપસ્થિત રહેતા હતા અને તેમનું માર્ગદર્શન આપતા હતા..બોમ્બે ગવર્મેન્ટ દ્વારા સંયોજીત મુંબઈ રાજ્ય નાટ્ય સ્પર્ધામાં આ નાટક ભજવાયુ ત્યારે નાટકે ૩જુ ઇનામ જીત્યુ હતુ. તેમજ ધુળીયા ઘાંયજાના પાત્રમાં પી ખરસાણીએ પણ પારિતોષિક જીત્યુ હતુ.
{૩} ત્યાર બાદ જવનિકાના નેજામાં હરકાન્ત શાહના દિગ્દર્શન-પ્રોડક્શન હેઠળ ”મળેલા જીવ ” ફરી એક વાર ભજવાયું. પ્રેમાભાઇ હૉલ , ટાઉનહૉલમાં શૉ કર્યા બાદ તેમણે અમદાવાદ-મિરઝાપુરમાં કસ્તુરભાઇ બ્લોક પાછળ ઓપન એર થ્રીડાયમશનલ થીયેટર બનાવ્યુ. ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં આ સૌથી નવતર પ્રયોગ હતો. તે સમયે કે.પી શાહ( કાનજી), કોકિલા શાહ (જીવી), એઝરા ક્રિશ્ચિયન (ભગત), બાબુ રાજા(ધુળિયો) , નરેન્દ્ર ત્રિવેદી (હીરાભાઇ) ઉપરાંત બેબી અલ્મેકર, લિના શેઠ, વિહંગીની મહેતા, જયંતી પટેલ, પ્રવીણ દવે, ઘનશ્યામ કુસુમગર વગેરે કલાકારોએ વિવિધ પાત્રો નિભાવ્યા હતા.સંગીત સંચાલક રામકુમાર રાજપ્રિય હતા. આ નાટકની ભજવણી સૌરાર્ષ્ટ્ર ,સુરત, બરોડા, નડિયાદ, બોમ્બે અને ગુજરાતના અનેક નાના શહેરોમાં થઈ.આ નાટક પ્રથમ વાર ભજવાયુ ત્યારે શ્રી પન્નાલાલ પટેલ પોંડીચેરી હ્તા.તેમણે આ નાટક જવનિકાના ઓપન એર થિયેટરમાં ૧૯૫૬ના નવેમ્બરમાં જોયુ. તેઓ એટલા તો ખુશ થઈ ગયા કે નાટકના કલાકારોને સંબોધીને કહ્યુ હતું ” અરે ભાઇ ,તમે તો મારા કાનજી અને જીવીને જીવતા કરી દીધા”.ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી બલવંતભાઇ મહેતાએ પણ પ્રેમાભાઇ હૉલમાં આ નાટક જોયુ હતુ.
૧૭મી સપ્ટેમ્બર ૧૯૬૦માં આ નાટક અમદાવાદ , બરોડા અને રાજકોટ્ના ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પરથી પણ પ્રસારિત થયુ હતું.
[૪] કેટલાક વર્ષો બાદ ફરીથી આ નાટક ભજવ્યુ રંગમ થિયેટરે (અમદાવાદ). દિગ્દર્શક હતા રમણીક જાની અને ભગવત જાની.સંગીત સંચાલક હતા રામ ચૌહાણ અને અરવિંદ જોષી. રમણિક દેસાઇ, રામ દવે ,દિનકર પંડ્યા, ભગવત જાની, પુર્ણિમા પારેખ તેમજ અન્ય કલાકારોએ પાત્ર ભજવ્યા હતા.
કલાકારો હતા- નાટ્ય જગતના અતિ લોકપ્રિય કલાકાર તેમજ ફિલ્મ અભિનેતાઅરવિંદ પંડ્યા (કાનજી), તરલા મહેતા (જીવી) , ચંપક લાલા (ભગત),
પી. ખરસાણી (ધુળિયો), પ્રતાપ ઓઝા ( હીરાભાઇ), દેવયાની દેસાઇ (નાની ડોશી) તેમજ અન્ય. ગીતકાર હતા પિનાકીન ઠાકોર, હરીન દવે અને કાંતિ અશોક.
{૬} ૧૧મી નવેમ્બર ૧૯૬૨માં સ્વ. નિરુભાઇ ત્રીવેદી કે જેમણે જવનિકાના “મળેલા જીવ”ના અનેક શૉમાં હીરાભાઇ , તેમજ જવનિકાના બીજા પણ નાટકોમાં પાત્ર ભજવ્યા હતા, તેમના સ્મ્રુતિ ફંડ નિમિત્તે આ નાટક ભજવાયું.
(૮) ફરી એક વાર ૪૨ વર્ષ બાદ ૩જી જુલાઇ ૨૦૧૧ના રોજ આ નાટક જયશંકર સુંદરી હૉલમાં કોરસના બેનરમાં ભજવાયુ. દિગ્દર્શક છે નિમિષ દેસાઇ તેમજ સંગીત સંચાલન પણ તેમણે જ સંભાળ્યુ છે. કલાકારો છે પૂજા સોની (જીવી ), શોનક વ્યાસ (કાનજી) ,પાર્થ રાવલ( ધુળિયો), પ્રકાશ જોષી (ભગત), ગોપાલ બારોટ (હીરાભાઇ), અનુપમા શુક્લ (નાની ડોશી) ઉપરાંત રાહી પંડ્યા હેતલ મહેતા ભાવેશ સુતરિયા, પ્રકાશ ભાટિયા શિવાની નાયક, ભૌમિક નાયક, આનંદ ઠક્કર, યશ મોદી, ૠતુજા પટેલ , અભય સોની, નિમિષ દેસાઇ અને અન્ય.૧૯૫૦થી ૧૯૬૯ સુધીમાં લગભગ ૧૨૩ વાર આ નાટક ભજવાયું. આ સમય દરમ્યાન ૫ કાનજી( ડૉ. ઇન્દુભાઇ પટેલ, મહેન્દ્ર પાઠક, કે.પી શાહ, અરવિંદ પંડ્યા અને અરૂણ દત્ત વ્યાસ ), ૪ જીવી ( અનુપમા સુતરિયા, કલા શાહ, કોકિલા શાહ, તરલા મહેતા), ૫ ભગત (હરકાન્ત શાહ , મોહન ઠક્કર, એઝરા ક્રિશ્ચિયન, ચંપક લાલા અને ભગવત જાની), ૩ ધુળીયા (પી ખરસાણી, બાબુ રાજા અને દિનકર પાઠક) અને ૭ નાની ડોશી ( વસુંધરા દેસાઇ, કલા શાહ, વસુમતી ,ચારુ પટેલ, દેવયાની દેસાઇ અને સાવિત્રી રાવલ) જેવા કલાકારોએ ભૂમિકા ભજવી હતી.
http://www.rajul54.wordpress.com
“થેન્ક્યુ”- film reviews -
છેલ્લા કેટલાય સમયથી બોલીવુડ ભાજ્યેજ કોઇ એક સુપર ડુપર હીટ ફિલ્મ આપી શક્યુ છે જે ચાહકોમાં લાંબા સમય સુધી છવાયેલી રહી શકી હોય .એવામાં એક લાંબા અરસાથી વર્લ્ડ કપ સમસ્ત ભારતની જનતાના મનોજગત પર છવાયેલુ રહ્યુ હોય ત્યારે એમાં ભાગ્યેજ કોઇ પ્રોડ્યુસર પોતાની ફિલ્મ ની રજૂઆત કરવાની હિંમત કરે .”થેન્ક્યુ ” ફિલ્મની રજૂઆત એવા સમયે થઈ રહી છે જ્યારે ચારેબાજુ વર્લ્ડ કપની ઉત્તેજના હવે શમી રહી છે અને વળી પાછા પ્રેક્ષકો થિયેટર ભણી નજર દોડાવી રહ્યા છે . ત્યારે સ્વભાવિક પ્રેક્ષકોમાં સારી -સફળ ફિલ્મ માટેની આતુરતા હોય.
રાજ, યોગી અને વિક્રમ એ ત્રણે ખાસ મિત્રો હોવા ઉપરાંત એવા બિઝનેસ પાર્ટનર છે જેમની ફિતરત પણ એક સરખી છે. લગ્ન જીવનની બહારની એક એવી એમની દુનિયા છે જેની એમની પત્નીઓને ભાગ્યેજ જાણ છે. પણ હંમેશા પરિસ્થિતિ એક સરખી રહેતી નથી એમ રાજની પત્નિ સંજના ને એના પતિદેવની કરતૂતનો અંદેશો આવે છે અને એ પોતાનુ લગ્ન જીવન બચાવવા પ્રાઇવેટ ડીટેક્ટીવ કિશન (અક્ષય કુમાર)ને રોકે છે. હવે શું ? એ જાણવામાં જો રસ હોય તો અનીસ બઝમીની “થેન્ક્યુ” ફિલ્મ જોવી રહી.
૨૦૦૮ સિંઘ ઇઝ કિંગની રિલીઝ પછી અનીસ બઝમી અને અક્ષય કુમાર ફરી એક વાર પરદા પર કોમેડી પિરસવા આવી રહ્યા છે. પણ લગભગ બનતુ આવ્યુ છે એમ દરેક વખતે એક સરખી સફળતા તો ભાગ્યે જ કોઇ ને મળે એમ અહીં અનીશ બઝમી એ તાજગી, એ પકડ જાળવી શક્યા નથી. ગમે એટલી સફળ ફોર્મ્યુલા હોય પણ એ ફરીવાર લાગુ પડતી નથી. “નો એન્ટ્રી” ,” શાદી નંબર વન “કે “બીવી નંબર વન”નુ કોકટેલ ક્યાંય ફીટ કે હીટ થતુ હોય એવુ “થેન્ક્યુ”માં અનુભવાતુ નથી.
કોમેડી ફિલ્મોની સિરીઝ આપ્યા બાદ અક્ષય કુમારનો એક ચોક્કસ ચાહક વર્ગ છે જેને અહીં એનુ પરફોર્મન્સ પસંદ આવવાનુ છે. જ્યારે ઇરફાન ખાનનુ એક અલગ વ્યક્તિત્વ છે ખાસ કોઇ ભાવના ઉતાર -ચઢાવ વગર પણ એ પાત્રમાં અસરકારક રહે છે. ગમે એવા સંજોગોમાં પણ સાવ જ કોરો-કટ ચહેરો રાખીને વાતની -વસ્તુની મર્મસ્પર્શી રજૂઆત એ એના અભિનયની ખાસિયત છે. “થેન્ક્યુ” ફિલ્મમાં પણ એની આ ખુબીથી એ સતત પ્રેક્ષકો પકડી રાખે છે. સુનિલ શેટ્ટી પણ ક્યાંક ક્યાંક રમૂજના ચમકારા વેરી જાય છે પણ બોબી દેઓલ જાણે કોઇ ભૂલથી ખોટી ટ્રેઇનમાં ચઢી બેસેલા-ભૂલા પડેલા પ્રવાસી જેવો લાગે છે.
પુરતા પ્રયત્નો હોવા છતાં લગ્ન જીવનની બહાર જરાતરા મસ્તી માણી લેવાની ફિતરતમાં પડેલા મિત્રો વચ્ચે વહેંચાયેલી કથામાં ઇરફાન ખાન અને સુનિલ શેટ્ટી અને બોબી દેઓલ અને એમની ઇતર પ્રવ્રુતિઓને પકડવા અથવા નાથવા રોકેલા ડિટેક્ટીવ કહો કે કાઉન્સેલર કહો એવા અક્ષય કુમાર પણ ફિલ્મને હીટ કરવામાં નાકાયબ નિવડ્યા છે. તો ફિલ્મની મસ્તીને ટકાવી રાખવામાં સોનમ કપૂર કે સેલિના જેટલી પણ એટલાજ નિષ્ફળ નિવડ્યા છે. જ્યારે ઇરફાન ખાનની સામે રિમિ સેને પોતાના પાત્રને સફળતાથી ભજવ્યુ છે. મલ્લિકા શેરાવત કે વિદ્યા બાલનનો ગેસ્ટ એપિયરન્સ પણ ફિલ્મને ટેકારૂપ બની શક્યો નથી.
હા! અનીસ બઝમીએ ફિલ્મને રંગીન બનવવા જરૂરી તમામ રંગો ઉમેરવા પુરતો પ્રયાસ કર્યે રાખ્યો છે. પરદેશના લોકેશન, અઢળક ગ્લેમરની સાથે અભિનેત્રીઓ માટે અભિનયનો અવકાશ ઓછો અને સૌંદર્ય પ્રદશનનો પુરેપુરે અવકાશ આપ્યો છે.
કલાકાર- અક્ષયકુમાર, સોનમ કપૂર, બોબી દેઓલ, ઇરફાન ખાન, સુનિલ શેટ્ટી,સેલિના જેટલી, રિમી સેન,
પ્રોડયુસર – રોની સ્ક્રુવાલા,
ડાયરેકટર- અનિસ બઝમી,
મ્યુઝિક- પ્રિતમ ચક્રબોર્તી
ગીતકાર- અમિતાભ ભટ્ટાચાર્ય, આશિષ પંડિત , કુમાર
ફિલ્મ ** એક્ટિંગ-* * મ્યુઝિક * * સ્ટોરી * *
“સાત ખૂન માફ”- film reviews -
રસ્કિન બોન્ડની મૂળ કૃતિ સુશાન્સ સેવન હસબન્ડ” પર આધારિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ “સાત ખૂન માફ” થ્રીલર, સસ્પેન્સનુ કોકટેલ છે. સુશાન ( પ્રિયંકાચોપ્રા ) લગ્ને લગ્ને કુંવારીની જેમ એક એક પછી એક એમ સાત વાર લગ્ન કરે છે કારણ દરેક વખતે એના પતિનુ ખૂન થાય અથવા તો એમ કહી શકાય કે સુશાનના પતિન ખૂન થાય અને ફરી એક વાર સુશાન લગ્નબેડીમાં જકડાય . .સાવ નાનપણથી સુશાન પોતાને આડખીલી રૂપ લાગતી-બાધારૂપ લાગતી હકિકતને જે રીતે એ દૂર કરવામાં માનતી હોય અને સુશાનનુ વ્યક્તિત્વ જે રીતે ડેવલપ થયું છે એમાં દરેક વખતે એના પતિ સાથેના લગ્ન જીવનમાં ઉભા થતા ભંગાણના લીધે શંકાની સોય સુશાન તરફ જ ઇશારો કરતી હોય એમ લાગે
વર્ષો પહેલા સંજીવ કુમાર અભિનિત “નયા દિન નઈ રાત”માં સંજીવ કુમારે જેમ નવ પાત્રમાં દેખા દીધી હતી એવી રીતે પ્રિયંકાએ “વ્હોટ્સ યોર રાશી”માં જુદી જુદી કન્યાના બાર પાત્ર ભજ્વ્યા અને ફરી એક વાર “સાત ખૂન માફ”માં ૨૧ વર્ષિય સુશાનથી માંડીને ૬૫ વર્ષની સુશાનના સાત અવનવા ગેટમાં પ્રિયંકાએ પોતાની જાતને પુરેપુરા આત્મ વિશ્વાસથી ઢાળી છે. તદઉપરાંત ઐતરાઝ , ફેશનમાં પણ જે રીતે ચેલેંજીંગ રોલ પ્રિયંકાએ નિભાવ્યો એ જોતા એની અભિનય ક્ષમતા અહીં પ્રગટ ન થાય તો જ નવાઇ. જોકે એક પછી એક પતિ સાથે સહેલાઇથી ગોઠવાઇ જતી સુશાનને સ્વીકારવી દરેક પ્રેક્ષક માટે સહેલી કે સરળ નથી બની રહેતી.
સ્વભાવિક રીતે સુશાનની આસપાસ ઘુમતી કથામાં એના સાત પતિ માટે જે અવકાશ રહે એમાં દરેકે પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા પ્રયત્ન કરવાનો રહે. એમાં અનુ કપૂર સૌથી મોખરે રહે છે. ઇરફાન ખાન, નસીરૂદ્દિન તેમજ નિલ નિતિન મુકેશ પ્રભાવશાળી રહે છે જ્યારે જ્હોન અબ્રાહમ કે અલેક્સાન્ડર ખાસ ઇમેજ ઉભી કરી શક્યા નથી. આ બધા ઝમેલામાં પ્રિયંકા બાદ સૌથી વધુ આગળ તરી આવવામાં વિવાન શાહનુ નામ લઈ શકાય. વિવાન એના નિર્દોષ વ્યક્તિતવ અને સ્વભાવિક અભિનયથી સતત પ્રેક્ષકોના મન પર રહે છે. ગુંગાના પાત્રમાં શશિ માલવિયાએ સૌથી અસરકારક અભિનય આપ્યો છે. કોકણા સેન અને ઉષા ઉથુપ પાત્રોચિત પર્ફોર્મન્સ આપી જાય છે.
“કમીને” ફિલ્મ ની જેમ “સાત ખૂન માફ” ફિલ્મને જોવી કે માણવીએ દરેક પ્રેક્ષકની અલગ મનોભૂમિકા પર આધરિત છે .પણ ઓરીજીનલ કૃતિને ખાસ ચાતર્યા વગર વિશાલ ભાર્દ્વાજે ફિલ્મને આપેલો ન્યાય તો જરૂરથી જોવા જેવો છે. વિશાલ ભાર્દ્વાજની ફિલ્મોની જેમ એનુ મ્યુઝીક પણ અલગ તરી આવતુ હોય છે.રશિયન ફોક પર આધારિત ”ડાલીંગ આખોં સે આંખે ચાર કરને દો” હોય કે ગુલઝાર લિખિત ગીતોનો એક અલગ અંદાજ ઉભો થાય છે.
કલાકાર-પ્રિયંકા ચોપ્રા, જોન અબ્રાહમ, નીલ નીતીન મુકેશ, નસીરુદ્દીન શાહ, ઇરફાન ખાન, અનુ કપૂર, ઉષા ઉથુપ, રસ્કિન બોન્ડ
પ્રોડયુસર – વિશાલ ભાર્દ્વાજ, રોનિ સ્ક્રુવાલા
ડાયરેકટર- વિશાલ ભારદ્વાજ
ફિલ્મ *** એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * *
“પતિયાલા હાઉસ”- film reviews -
પેઢીઓથી પરંપરા ચાલતી આવી છે કે ઘરમાં વડીલનુ જ એકહથ્થુ સામ્રાજ્ય હોય. ઘરમાં પિતા કહે ત્યારે દિવસ અને રાત પણ એમ જ ઉગતા હોય એવા જ ઘર જેવુ પરઘટ સિંહ એટલેકે ગટ્ટુનુ ઘર હોય -પિતા પણ એવા જ જ્યાં એમની અને એમની જ માત્ર હકુમત ચાલતી હોય ત્યાં ગટ્ટુને પોતાના સ્વપના પુરા કરવાની તો વાત દૂર સ્વપના સેવવા માટે પણ પરવાનગી લેવી પડતી હોય , એવા ગટ્ટુએ નાનપણમાં એક સ્વપ્ન સેવ્યુ –ક્રિકેટર બનવાનુ. પણ પિતાની આમાન્યા ને માન આપીને એ પરિવારના પરંપરાગત કામ ધંધે લાગી જાય છે.પણ અંદરથી એ મનોમન સ્વપ્ન ભુલી તો નથી જ શકતો.અને એનુ આ સ્વપ્ન પુરૂ કરવાનુ ઇંધણ પુરે છે સિમરન ( અનુષ્કા શર્મા).
ઇંગ્લેડમાં સ્થાયી થયેલા અને તેમ છતાં ઇંગ્લેન્ડને હાડોહાડ ધિક્કારતા ગુરતેજ કલહોન (રિશિ કપૂર)ની મરજી વિરૂધ્ધ એ મેચ રમી શકશે? પિતાની પરવાનગીની પરવા સિવાય પતિયાલા હાઉસથી આગળ વધીને પોતાના જયની પતાકા લહેરાવી શકશે?
જ્યાં ખેલકુદને પ્રાધાન્ય આપાતુ હોય એવી ફિલ્મ્માં રમતની સાથે સંકળાયેલી કથાની માવજત સબળ હોય તો જ પ્રેક્ષકોનો રસ ટકી રહે છે. અહીં આ બાબતમાં નિખિલ અડવાણી ખુબ અસરકારક રહે છે. ફિલ્મ પર એમના કૌશલ્યનુ પ્રભુત્વ જળવાઇ રહે છે. પરદેશમાં આજકાલ વધી રહેલા જાતિવાદના મુદ્દાને લઈને કે ફેમિલી ડ્રામાને લઈને ફિલ્મમાં પ્રેક્ષકોનો રસ જાળવી રાખવામાં કોઇ જગ્યાએ ઉણા ઉતરતા નથી.ભલેને એ ક્રિકેટનો જંગ હોય કે પિતા- પુત્રની લાગણીનો જંગ હોય નિખિલ અડવાણીનુ ત્રાજવુ સમતોલ રહે છે.
ઉપરા ઉપરી ફ્લોપ કોમેડી ફિલ્મોની હેટ્રીક આપ્યા બાદ આ પારિવારિક ફિલ્મમાં અક્ષય કુમાર નવા અંદાજમાં જરા સહ્ય રહે છે. ઘણા લાંબા અરસાબાદ અક્ષય કુમારને એની સ્ટીરીયો ટાઇપ ભૂમિકામાંથી બહાર આવીને કંઇક જુદો પરફોર્મન્સ આપવાની તક મળી છે જે એણે ઉજાળી છે.
બોબીમાં પિતાની કડકાઇ સામે પોતાના પ્રેમ માટે તમામ વાડાબંધી તોડનાર રિશિકપૂર “પતિયાલા હાઉસ”ના સર્વેસર્વા બનીને વાડાબંધીમાં પરિવારને જકડી રાખવા માંગતા બાઉજીની ભૂમિકામાં પરફેક્ટ રહે છે. જાતિવાદને લઈને ઇંગ્લેંન્ડમાં ભારતિયોએ અનુભવેલી હાલાકીને ખુબ સરસ રીતે વાચા આપી છે. અને એ જ દેશને જીતાડવા માંગતા પુત્રની સામેનો વિરોધ – રોષ પણ વ્યાજબી રીતે અભિવ્યક્ત કરી જાય છે.ડીમ્પ્લ કાપડીયા પાત્રોચિત અભિનય આપી રહે છે.જ્યારે વાત આવે પિતા-પુત્રની કે ક્રિકેટના જંગની ત્યાં અભિનેત્રીને અભિનયનો અવકાશ ઝાઝો રહે નહીં તેમ છતાં અનુષ્કા શર્મા પોતાને મળેલા અવકાશને પુરતો ન્યાય આપે છે.
શંકર -એહસાન લોયઝ્નુ સંગીત તાજગીભર્યુ છે. ફિલ્મની જરૂરિયાત મુજબના થીમ સોંગ પણ અસરકારક રહે છે.
“પતિયાલા હાઉસ” એ પરિવારને જોડતી અને તોડતી લાગણીઓની એક પરિવારિક ફિલ્મ છે જેમાં પરિવાર, વતન અને જાત માટેના મૂલ્યની વાત વણી લેવામાં આવે છે.
કલાકાર- અક્ષય કુમાર, અનુષ્કા શર્મા, રિશિ કપૂર, ડિમ્પલ કપાડિયા, પ્રેમ ચોપ્રા, સોનિ રાઝદાન, ટીનુ આનંદ
પ્રોડયુસર – ભુષણ કુમાર, મુકેશ તરનેજા, કિશન કુમાર, ટ્વિન્કલ ખન્ના, ઝોએબ સ્પ્રિંગવાલા.
ડાયરેકટર-નિખિલ અડવાણી
મ્યુઝિક- શંકર મહાદેવન, એહસાન નૂરાની, લોય મેન્ડોન્સા
ગીતકાર- અન્વિતા દત્ત ગુપ્તા,
ફિલ્મ *** એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * * *












Recent Comments