Archive for February, 2011
“સાત ખૂન માફ”- film reviews -
રસ્કિન બોન્ડની મૂળ કૃતિ સુશાન્સ સેવન હસબન્ડ” પર આધારિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ “સાત ખૂન માફ” થ્રીલર, સસ્પેન્સનુ કોકટેલ છે. સુશાન ( પ્રિયંકાચોપ્રા ) લગ્ને લગ્ને કુંવારીની જેમ એક એક પછી એક એમ સાત વાર લગ્ન કરે છે કારણ દરેક વખતે એના પતિનુ ખૂન થાય અથવા તો એમ કહી શકાય કે સુશાનના પતિન ખૂન થાય અને ફરી એક વાર સુશાન લગ્નબેડીમાં જકડાય . .સાવ નાનપણથી સુશાન પોતાને આડખીલી રૂપ લાગતી-બાધારૂપ લાગતી હકિકતને જે રીતે એ દૂર કરવામાં માનતી હોય અને સુશાનનુ વ્યક્તિત્વ જે રીતે ડેવલપ થયું છે એમાં દરેક વખતે એના પતિ સાથેના લગ્ન જીવનમાં ઉભા થતા ભંગાણના લીધે શંકાની સોય સુશાન તરફ જ ઇશારો કરતી હોય એમ લાગે
વર્ષો પહેલા સંજીવ કુમાર અભિનિત “નયા દિન નઈ રાત”માં સંજીવ કુમારે જેમ નવ પાત્રમાં દેખા દીધી હતી એવી રીતે પ્રિયંકાએ “વ્હોટ્સ યોર રાશી”માં જુદી જુદી કન્યાના બાર પાત્ર ભજ્વ્યા અને ફરી એક વાર “સાત ખૂન માફ”માં ૨૧ વર્ષિય સુશાનથી માંડીને ૬૫ વર્ષની સુશાનના સાત અવનવા ગેટમાં પ્રિયંકાએ પોતાની જાતને પુરેપુરા આત્મ વિશ્વાસથી ઢાળી છે. તદઉપરાંત ઐતરાઝ , ફેશનમાં પણ જે રીતે ચેલેંજીંગ રોલ પ્રિયંકાએ નિભાવ્યો એ જોતા એની અભિનય ક્ષમતા અહીં પ્રગટ ન થાય તો જ નવાઇ. જોકે એક પછી એક પતિ સાથે સહેલાઇથી ગોઠવાઇ જતી સુશાનને સ્વીકારવી દરેક પ્રેક્ષક માટે સહેલી કે સરળ નથી બની રહેતી.
સ્વભાવિક રીતે સુશાનની આસપાસ ઘુમતી કથામાં એના સાત પતિ માટે જે અવકાશ રહે એમાં દરેકે પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા પ્રયત્ન કરવાનો રહે. એમાં અનુ કપૂર સૌથી મોખરે રહે છે. ઇરફાન ખાન, નસીરૂદ્દિન તેમજ નિલ નિતિન મુકેશ પ્રભાવશાળી રહે છે જ્યારે જ્હોન અબ્રાહમ કે અલેક્સાન્ડર ખાસ ઇમેજ ઉભી કરી શક્યા નથી. આ બધા ઝમેલામાં પ્રિયંકા બાદ સૌથી વધુ આગળ તરી આવવામાં વિવાન શાહનુ નામ લઈ શકાય. વિવાન એના નિર્દોષ વ્યક્તિતવ અને સ્વભાવિક અભિનયથી સતત પ્રેક્ષકોના મન પર રહે છે. ગુંગાના પાત્રમાં શશિ માલવિયાએ સૌથી અસરકારક અભિનય આપ્યો છે. કોકણા સેન અને ઉષા ઉથુપ પાત્રોચિત પર્ફોર્મન્સ આપી જાય છે.
“કમીને” ફિલ્મ ની જેમ “સાત ખૂન માફ” ફિલ્મને જોવી કે માણવીએ દરેક પ્રેક્ષકની અલગ મનોભૂમિકા પર આધરિત છે .પણ ઓરીજીનલ કૃતિને ખાસ ચાતર્યા વગર વિશાલ ભાર્દ્વાજે ફિલ્મને આપેલો ન્યાય તો જરૂરથી જોવા જેવો છે. વિશાલ ભાર્દ્વાજની ફિલ્મોની જેમ એનુ મ્યુઝીક પણ અલગ તરી આવતુ હોય છે.રશિયન ફોક પર આધારિત ”ડાલીંગ આખોં સે આંખે ચાર કરને દો” હોય કે ગુલઝાર લિખિત ગીતોનો એક અલગ અંદાજ ઉભો થાય છે.
કલાકાર-પ્રિયંકા ચોપ્રા, જોન અબ્રાહમ, નીલ નીતીન મુકેશ, નસીરુદ્દીન શાહ, ઇરફાન ખાન, અનુ કપૂર, ઉષા ઉથુપ, રસ્કિન બોન્ડ
પ્રોડયુસર – વિશાલ ભાર્દ્વાજ, રોનિ સ્ક્રુવાલા
ડાયરેકટર- વિશાલ ભારદ્વાજ
ફિલ્મ *** એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * *
“પતિયાલા હાઉસ”- film reviews -
પેઢીઓથી પરંપરા ચાલતી આવી છે કે ઘરમાં વડીલનુ જ એકહથ્થુ સામ્રાજ્ય હોય. ઘરમાં પિતા કહે ત્યારે દિવસ અને રાત પણ એમ જ ઉગતા હોય એવા જ ઘર જેવુ પરઘટ સિંહ એટલેકે ગટ્ટુનુ ઘર હોય -પિતા પણ એવા જ જ્યાં એમની અને એમની જ માત્ર હકુમત ચાલતી હોય ત્યાં ગટ્ટુને પોતાના સ્વપના પુરા કરવાની તો વાત દૂર સ્વપના સેવવા માટે પણ પરવાનગી લેવી પડતી હોય , એવા ગટ્ટુએ નાનપણમાં એક સ્વપ્ન સેવ્યુ –ક્રિકેટર બનવાનુ. પણ પિતાની આમાન્યા ને માન આપીને એ પરિવારના પરંપરાગત કામ ધંધે લાગી જાય છે.પણ અંદરથી એ મનોમન સ્વપ્ન ભુલી તો નથી જ શકતો.અને એનુ આ સ્વપ્ન પુરૂ કરવાનુ ઇંધણ પુરે છે સિમરન ( અનુષ્કા શર્મા).
ઇંગ્લેડમાં સ્થાયી થયેલા અને તેમ છતાં ઇંગ્લેન્ડને હાડોહાડ ધિક્કારતા ગુરતેજ કલહોન (રિશિ કપૂર)ની મરજી વિરૂધ્ધ એ મેચ રમી શકશે? પિતાની પરવાનગીની પરવા સિવાય પતિયાલા હાઉસથી આગળ વધીને પોતાના જયની પતાકા લહેરાવી શકશે?
જ્યાં ખેલકુદને પ્રાધાન્ય આપાતુ હોય એવી ફિલ્મ્માં રમતની સાથે સંકળાયેલી કથાની માવજત સબળ હોય તો જ પ્રેક્ષકોનો રસ ટકી રહે છે. અહીં આ બાબતમાં નિખિલ અડવાણી ખુબ અસરકારક રહે છે. ફિલ્મ પર એમના કૌશલ્યનુ પ્રભુત્વ જળવાઇ રહે છે. પરદેશમાં આજકાલ વધી રહેલા જાતિવાદના મુદ્દાને લઈને કે ફેમિલી ડ્રામાને લઈને ફિલ્મમાં પ્રેક્ષકોનો રસ જાળવી રાખવામાં કોઇ જગ્યાએ ઉણા ઉતરતા નથી.ભલેને એ ક્રિકેટનો જંગ હોય કે પિતા- પુત્રની લાગણીનો જંગ હોય નિખિલ અડવાણીનુ ત્રાજવુ સમતોલ રહે છે.
ઉપરા ઉપરી ફ્લોપ કોમેડી ફિલ્મોની હેટ્રીક આપ્યા બાદ આ પારિવારિક ફિલ્મમાં અક્ષય કુમાર નવા અંદાજમાં જરા સહ્ય રહે છે. ઘણા લાંબા અરસાબાદ અક્ષય કુમારને એની સ્ટીરીયો ટાઇપ ભૂમિકામાંથી બહાર આવીને કંઇક જુદો પરફોર્મન્સ આપવાની તક મળી છે જે એણે ઉજાળી છે.
બોબીમાં પિતાની કડકાઇ સામે પોતાના પ્રેમ માટે તમામ વાડાબંધી તોડનાર રિશિકપૂર “પતિયાલા હાઉસ”ના સર્વેસર્વા બનીને વાડાબંધીમાં પરિવારને જકડી રાખવા માંગતા બાઉજીની ભૂમિકામાં પરફેક્ટ રહે છે. જાતિવાદને લઈને ઇંગ્લેંન્ડમાં ભારતિયોએ અનુભવેલી હાલાકીને ખુબ સરસ રીતે વાચા આપી છે. અને એ જ દેશને જીતાડવા માંગતા પુત્રની સામેનો વિરોધ – રોષ પણ વ્યાજબી રીતે અભિવ્યક્ત કરી જાય છે.ડીમ્પ્લ કાપડીયા પાત્રોચિત અભિનય આપી રહે છે.જ્યારે વાત આવે પિતા-પુત્રની કે ક્રિકેટના જંગની ત્યાં અભિનેત્રીને અભિનયનો અવકાશ ઝાઝો રહે નહીં તેમ છતાં અનુષ્કા શર્મા પોતાને મળેલા અવકાશને પુરતો ન્યાય આપે છે.
શંકર -એહસાન લોયઝ્નુ સંગીત તાજગીભર્યુ છે. ફિલ્મની જરૂરિયાત મુજબના થીમ સોંગ પણ અસરકારક રહે છે.
“પતિયાલા હાઉસ” એ પરિવારને જોડતી અને તોડતી લાગણીઓની એક પરિવારિક ફિલ્મ છે જેમાં પરિવાર, વતન અને જાત માટેના મૂલ્યની વાત વણી લેવામાં આવે છે.
કલાકાર- અક્ષય કુમાર, અનુષ્કા શર્મા, રિશિ કપૂર, ડિમ્પલ કપાડિયા, પ્રેમ ચોપ્રા, સોનિ રાઝદાન, ટીનુ આનંદ
પ્રોડયુસર – ભુષણ કુમાર, મુકેશ તરનેજા, કિશન કુમાર, ટ્વિન્કલ ખન્ના, ઝોએબ સ્પ્રિંગવાલા.
ડાયરેકટર-નિખિલ અડવાણી
મ્યુઝિક- શંકર મહાદેવન, એહસાન નૂરાની, લોય મેન્ડોન્સા
ગીતકાર- અન્વિતા દત્ત ગુપ્તા,
ફિલ્મ *** એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * * *
વસંત પંચમી- મારી એ વસંત રિયાને નામ
વસંત પંચમી
આજે વસંત પંચમી –ૠતુઓમાં ૠતુ વસંત..
વસંત એટલે વનનો ઉત્સવ- મનનો ઉત્સવ.
શિયાળાની ક્યારેક આકરી ક્યારેક કારમી ઠંડીમાં ઠીઠુરાઇ ગયેલા પર્ણને નવપલ્લવિત કરતી ૠતુ વસંત.
આજ સુધી ઘણા કવિઓ-લેખકોએ વસંતના વધામણા ઉજવ્યા છે. વસંત છે જ એવી ૠતુ કે ઠીઠુરાઇ ગયેલા પર્ણો-વ્રુક્ષો જ નહી પણ ઠંડીમાં સિકુડાઇ ગયેલા શરીરને પણ ઉષ્માથી ચેતનવંતુ બનાવે .જીવનમાં હંમેશા અતિનો અતિરેક અસહ્ય છે. અતિશય ઠંડી કે અતિશય ગરમી કોઇના માટે સહ્ય બની જ નથી. જીવનમાં મધ્યમ એ જ ઉત્તમ છે. વસંત એ જીવનના મધ્ય- સહ્યનું સંયોજન છે.
વસંતના આગમને કોયલના ટહુકા-પંખીઓના કલરવ- ભમરાના ગુંજન સ્રુષ્ટિને સજીવ બનાવે .આવી જ એક વસંત પંચમીના દિવસે અમારા પરિવારને જીવંત બનાવતા એક ટહુકાનું- એક કલરવનું આગમન થયુ. અને આગમને અમારા પરિવારોદ્યાનમાં એક નવી મોસમનું આગમન થયું. સોળે કળાએ ખિલતી પ્રક્રુતિની જેમ અમારા પરિવારમાં પણ સૌના હ્રદય શત-શત કળાએ ખીલી ઉઠ્યા. અમારી સ્રુષ્ટીને જીવંત બનાવતી એ નાનકડી કળી આજે તો એની પાંચમી વસંતે સુંદર મઘમતુ ફુલ બની છે જેના એક એક શ્વાસની સુગંધ મનને તરબતર કરે છે. એના આગમને વસંતનો ખરો અર્થ સમજાયો છે. વસંત પંચમી એટલે એ્નો જન્મ દિવસ નહી પણ એનો જન્મ દિવસ એટલે જ વસંત પંચમી. ક્યાંક ખીલેલા ગુલાબની ખુશ્બુ-ક્યાંક હવામાં લહેરાતી રાતરાણીની મદ મસ્ત મનને તરબતર કરતી મહેંક કરતાંય વધુ મનને પ્રફુલ્લીત કરતી એના તાજા જ નવડાયેલા શરીરની સુગંધ આજે પણ સ્મ્રુતિમાં અકબંધ છે. સવારમાં ઉઠીને જમીન પર વેરાયેલા પેલા પારિજાતના નાના -નાના કેસરીયા પીળા ફુલોની ઢગલીની જેમ રુમાલમાં લીધેલી એની કુમકુમ પગલીઓની છાપ પણ આજે કબાટમાં ગડીબંધ છે. વસંતમાં વેરાયેલી સંમ્રુધ્ધિની જેમ એની યાદો પણ આજે હ્રદયમાં સમ્રુધ્ધ છે.. જોજનો દૂર છે છતાં દિલની સાવ પાસે છે . . ઘરના કોઇ એક ખૂણેથી હમણાં જ દોડતી આવશે એવો ભ્રમ પણ એટલો જ અકબંધ છે અને એ ભ્રમ અકબંધ રહે એમાં જ જીવનની ખરી વસંત છે.ઝાડમાં બેસી ટહુકો કરતી પણ ક્યારેય નજર સામે ન આવતી એ કોયલની જેમ ક્યારેય ફોન પર હેલ્લો ન બોલતી હોવા છતાં એની કાલી બોલીનો ટહુકો સતત કાનમાં ટહુકે છે.
ગઈકાલ સુધીની એ બધી જ યાદો હજુ પણ મનમાં તરોતાજા છે .અને આજની વાત જુદી જ છે.આજની વસંત પંચમીની સવાર તો સાવ અનોખી ઉગી છે કારણ આજે એ ઝાકળ જેવી નજાકતને સ્પર્શ કરવાનો, ચંચળ હરણા અને ઝરણા જેવી એની મસ્તીને માણવાનો , પરીકથામાં રાચતી એ બાળ સહજ માસુમિયતને જોવાનો લ્હાવો મારો આજનો વર્તમાન છે. હા! મારી એ વસંત મારી નજર સામે છે – આજે હું મારી રિયા સાથે છું.
આજની વસંત પંચમીના વધામણા મારી એ વસંત નામ.કારણ એની હાજરી માત્ર કોઇપણ ઋતુને વસંત બનાવવા કાફી છે.
દિકરી વ્હાલનો દરિયો પણ પૌત્રીએ તો સુખે ભવસાગર ભરીયો.





Recent Comments