” દાઈમા ”
July 6, 2009 at 9:55 am 10 comments
-

કલ્પના - આશના
કલ્પના તે દિવસે બેનના દવાખાને થી પાછી તો ફરી ત્યારે થોડી ઉદાસ હતી.આમ તો ભરત અને કલ્પના બહેન ના ગયા પછી દવાખાનુ બંધ કરીને સાથે જ નીકળતા. ભરત બીજા કેટલાક કામ આટોપીને ઘેર આવતો જ્યારે કલ્પના સીધી જ ઘર ભેગી થતી.આજે આવતાની સાથે ફુડરડીની માફક ફરી વળતી કલ્પના મૂંગી-મંતર પાછી આવી હતી. નહીતર સવારથી બપોર સુધીમાં દવાખાને શું બન્યું એની ય બધી વાતો તે ભુરીબા સાથે કર્યા કરતી..ઘડી ભર તો ભુરીબાને થયુ કે ” લાવ ને એને પુછુ તો ખરી કે થયુ છે શું ?”" પણ એમણે ચુપ રહેવાનું મુનાસીબ માન્યું. ૨૦ વર્ષની કલ્પના ભરતને પરણીને આવી ત્યારથી ઘર અને બેનના દવાખાનાનો ભાર રમતા-રમતાંમા ઉપાડી લીધો હતો.જુગતે જોડી હતી બેઉ જણાની . હતાં તો બન્ને એસએસસી પાસ પણ આટલાં વર્ષો બહેનની જોડે કામ કરીને માહેર બની ગયા હતાં. ભરત ૧૪ વર્ષનો હતો ને ભણતાં-ભણતાં દવાખાને જવા માંડ્યો હતો. અને પછી તો ૧૮ વર્ષે તો ફુલ ટાઇમ જવા લાગ્યો..૨૧ વર્ષે લગ્ન થતાં કલ્પના પણ બે છેડા ભેગા કરવા દવખાને જવા લાગી.દવાનાં પડીકાં બાંધતા બાંધતા ક્યારે બેન જોડે લાગણીના સંબંધો બંધાતા ગયા તેની બેમાંથી એકેને ખબર પણ ના રહી.૫૦ વર્ષ પહેલાં જ્યારે એક લેડી ડોક્ટરે અહીં આવીને દવાખાનુ ચાલુ કર્યુ ત્યારે લોકોને જરા નવાઇ તો લાગી હતી પણ બેનના સાલસ -સહ્રદયી સ્વભાવે જાણે લોકો માટે દવા સાથે દુવાનુ પણ કામ કર્યુ..જોત-જોતામાં તો બેન ની ખ્યાતિ સાથે લોકોની બેન પરની શ્રધ્ધા પણ વધતી ચાલી.
પણ આજે આ બધું કેમ યાદ આવતું હતુ? એક વાર કામ ચાલુ કર્યા પછી કલ્પનાએ પાછુ વાળીને જોયું નહોતુ.આ તરફ ભરત -કલ્પના નો પરિવાર પણ વધતો ગયો. પહેલી દિકરીના જન્મ સુધી તો ઠીક હતુ પણ બીજી વાર જ્યારે દિકરી આવી ત્યારે ભુરીબાને જરક વસવસો તો થયો જ.પણ બહેન ની ખ્યાતિ જેમ જેમ વધતી ગયી તેમ ભુરીબાની મનની અપેક્ષા પણ વધવા લાગી. બેન હતા તો જનરલ પ્રેક્ટિશનર પણ એમની દવા-ટ્રીટમેન્ટથી કેટકેટલાંય સુના ઘરોમાં બાળકોની કિલકારીઓ ગુંજવા માંડી હતી. હાથમાં જાણે ઉપરવાળાએ લાંબી જશની રેખા મુકી દીધી હતી. જ્યાં મોટા ડોક્ટરોએ પણ ના પાડી હોય તેવા ઇનફર્ટિલિટીના કેસમાં પણ બહેનને સફળતા મળી હતી તો પછી અહીં તો ભરત-કલ્પના નસીબ ને ઘાટ જ આપવાનો હતો.જ્યાં બાળકની ઝંખના માટે નિ:સાસા સંભળાતા હતા ત્યાં બાળકના હાસ્ય ભરી દીધા હતા તો અહીં તો માત્ર જરા વાટ સંકોરવાની જ જરૂર હતી.એ દિવસે ભુરીબા બેનના દવાખાને જઇને પોતાના મનની વાત પણ ઠલવી આવ્યાં હતા.અને પછી તો બહેનની ટ્રિટમેન્ટ થી કલ્પના ની કુખ પાંગરવા લાગી. નિકિતા-એકતા પછી નિલયનો જન્મ થયો એ દિવસે તો બહેને ભુરીબાને પેંડા ખવડાવ્યા.
કલ્પના ના મગજમાં આ બધુ સાગમટે ઉમટી આવ્યું. બેઠી હતી તો કપડાં ની ગડી વાળવા પણ મન વર્ષો જુની વાતો ઉકેલીને બેઠુ હતું. એક કંપાઉન્ડર્ની છોકરી ડોક્ટર બની શકે એવુ સ્વપનું પણ બહેને જ બતાવ્યું હતું ને? આજ સુધી બહેન સાથે સંબંધોમાં ક્યારેય બહેને ક્યાં કોઇ અપેક્ષા રાખી હતી પણ આજે બહેને કલ્પના પાસે કંઇક માંગ્યુ હતું. બહેને જે કાઇ કહ્યું તેમા કલ્પનાનું વિશ્વ ઉપર-તળે થઇ ગયુ હતું.છોકરાઓ માટે જે ગજા બહારના સ્વપ્નાં જોયા હતા એ સ્વપ્ના સાકાર કરવા માટે ગજા બહારની ઉડાન માગી હતી. આમ તો બહેનનો પડતો બોલ ઝીલ્યો હતો કલ્પના અને ભરતે .પણ આજની વાત જ જુદી હતી. બહેનની વાત સાંભળીને શૂન્યમસ્ક કલ્પના કોઇ જવાબ આપ્યા વગર જ દવાખાનામાંથી નીકળી ગયી હતી પણ બહેનને વિશ્વાસ હતો કે આજે નહી તો કાલે ય કલ્પના પોતાની વાત ને મંજૂરીની મહોર મારીને જ આવશે.
અને બન્યું પણ એમ જ બપોરે ભરતે જ્યારે ભુરીબાને માંડીને વાત કરી. વાત જાણે એમ હતી કે પરદેશ રહેતી પોતાની દિકરીની દિકરી ને સાચવવા કલ્પનાને મોકલવાનો બહેનનો પ્રસ્તાવ હતો.જેમાં પોતાની દોહિત્રીની સાથે સાથે ભરત -કલ્પનાના બાળકોના ભવિષ્યની સલામતીની જોગવાઇ ઉભી થતી હતી. રૂપિયાના બદલે રિયાલમાં કમાણી કરાવી આપવાની વાત હતી જેના લીધે નિકી-એકતા અને નિલયના ભવિષ્ય સોનેરી બને તેમ હતા.અહીં જરૂર હતી તો માત્ર કલ્પનાની હિંમતની, બાળકો માટે થઇને બાળકો થી જુદા રહેવાની તૈયારીની, ભરતથી જુદાઇની .એક જ રૂમમાં ભૂરીબા સહિત છ યે જણાનુ વિશ્વ સમાઇ જતુ હતું. એ વિશ્વથી ક્યાંય દૂર તદ્દન અજાણી ભોમકામાં એણે પોતાનું વિશ્વ ઉભુ કરવાનું હતું .પોતાના બાળકોને સુના મુકીને બીજાનાં બાળકને હૈયે વલગાડીને હેત કરવાનું હતું.
હવે ભુરીબાના મગજમાં કલ્પનાના મૌનની ગડ બેઠી.વર્ષોથી બેઉ જણ વચ્ચે સાસુ-વહુના બદલે માં-દિકરી જેવા હેતાળ સંબંધ હતા.કલ્પનાને સધિયારો આપતા હોય તેમ તેના બરડે હાથ પસવાર્યો અને કઇ બોલે તે પહેલાં તો કલ્પનાનાં બંધ તુટી પડ્યા.ભુરીબાના ખભે માથું નાખીને કલ્પના હિબકે ચઢી.ઉકેલની અપેક્ષાએ ઘડીકમાં ભુરીબા તો ઘડીકમાં ભરતની સામે ભીની આંખે તાકી રહી. “રાત્રે વાત” કહી હાલ પુરતું તો ભુરીબાએ જવાબ આપવાનું ટાળ્યું. અને ભરત કલ્પનાને જમાડીને જરા આડે પડખે થયાં
ભાર બનીને ઝળુંબતી એ પળ પણ રાત્રે આવી ગયી..ઘરનાં પ્રશ્નોમાં બાળકોને સામેલ કરવાનો શિરસ્તો તો હતો જને એમાં ય આજે તો વળી બાળકોને લગતી જ વાત હતી એટલે એ અનિવાર્ય પણ હતું. પણ સૌના આશ્ચર્ય વચ્ચે પહાડ બનીને ઉભેલી સમસ્યાનું નિરાકરણ નિકીતા-એકતાએ પળવારમાં આપી દીધું. કલ્પનાને આજે પોતાના ઉછેર માટે અંતરથી આનંદ થયો.
પાસ્પોર્ટ -વિઝા અને બીજા કાયદાકીય કામો પણ ઉકલી ગયાં. વળી જવાનો દિવસ જેમ -જેમ પાસે આવતો ગયો તેમ -તેમ ભરત કલ્પનાનો અંદરનો ઉચાટ વધતો ગયો. માણસો જાણીતા પણ અજાણ્યા દેશમાં મોકલતા ભરતને અંદરથી રહી -રહીને થોડો અજંપો થયા કરતો .અધકચરી ઉંમરની છોકરીઓ અને સાવ જ ૫-૭ વર્ષના નિલયને માં વગર કેમ કરીને સચવાશે?? અને વળી આ ઉંમરે ય ક્યાં હતી જુદા રહેવાની? બે-ચાર દિવસે ય જુદા ના રહ્યા હોય ત્યાં આતો બે-પાંચ વર્ષની સીધી વાત હતી.વચ્ચે એકાદ વાર અવાય તો અવાય નહીંતર શું?
અંતે એ દીવસ પણ આવી ગયો. છોકરાઓને ભુરીબા અને ભોળિયા ભરતને બહેનના ભરોસે મૂકીને જતી કલ્પનાએ પાછું વાળીને જોવાનુ માંડી વાળ્યુ. રખેને આંખમાં ઉમટેલા આંસુ જોઇને એકાદ જણ પણ ઢીલું પડી ગયું તો?
જો કે એ ભાર ઝીલી જેના માટે જઇ રહી હતી તે માસુમ આશના સામે જોઇને ધીમે ધીમે હળવો થવા માંડ્યો હતો. સમય જતા એ હળવાશ હેતમાં પલટાવા પણ લાગી. પોતાનાં ત્રણ બાળકોના ભાગનું હેત એક સામટુ આશના પર જ ઢોળાવા લાગ્યુ. સમયની પાંખ પર ચઢીને ચાર વર્ષ પણ એમ જ વીતી ગયાં.૧૧ વર્ષની નિકીતાનાં સ્કુલમાં ઝળહળતા પરિણામોના સમાચાર મળતા ગયા. પાછળ પાછળ એકતા અને એથી આગળ વધીને નાનકડા નિલયના સમાચારોથી કલ્પનાનાં મનનો રહ્યો સહ્યો ભાર પણ વહી ગયો. તબલામાં પારંગતતા મેળવતા નિલયના સમાચારો લખેલા ભતરના કાગળો વાંચતા તો જાણે તબલાં નહી પણ એના હ્રદય-મન પર થાપનો રણકાર સંભળાતો.
જે દિવસે નિકીતા ૧૨માં પાસ થઇ અને એંન્જિનિયરિંગ માં એડમિશન લીધું ત્યારે તો ચાર વર્ષનો એનો , ભરતનો અને ભુરીબાનો સહિયારો ત્યાગ બહેનના આશીર્વાદથી લેખે લાગ્યો . પેંડા ખવડાવવાનો આજે ભુરીબાનો વારો હતો .
જો કે એ પછી તો બીજાં સાત વર્ષનો સમય વીતી ગયો. આજે તો બહેન પણ હવે રિટાયર્ડ થઇ ગયા છે. ભુરીબા પણ નથી. પણ બંન્નેના આશીર્વાદથી અને પોતાના સંનિષ્ઠ પ્રયાસોથી નિકીતા એંન્જિનિયરિંગ પાસ કરીને સફળ કારકિર્દીના સોપાને છે..શહેરની જાણીતી ઇન્સ્ટિટ્યુટમાં એડ્મિનિસ્ટ્રેટિવ હેડ છે–લગ્ન કરીને હવે તો ઓસ્ટ્રિલિયા તરફ વધુ ઉજ્જવળ કારકિર્દી માટે પ્રયાણ કરવાની તૈયારીમાં છે. એકતા પણ લો નું ભણીને ઉચ્ચ પોસ્ટ પર પોતાની જાતને સિધ્ધ કરી આગળ વધી રહી છે. નિલય પણ એન્જિનિયર થઇ ગયો .
દર વર્ષે ભાદરવી પુનમ ભરતો ભરત આજે પણ એટલી જ શ્રધ્ધાથી દર મહિને બહેનના ઘેર જવાનો નિયમ ચૂક્યો નથી .એના માટૅ તો કોઇ પણ સારું કામ કરવાનો શુભ દિવસ એટલે એના બહેનનો જન્મદિવસ .એથી આગળ વધીને કોઇ સપરમો દિવસ હોઇ ના શકે.
બહેને જ બધાને ખોબામાં આકાશ ભરાય તેટલાં સ્વપનાં સાકાર કરવા સ્વાવલંબી બનવાનો મંત્ર અને તક આપી. જો કે આ સાત વષઁ કલ્પના પણ પગ વાળી બેઠી નથી.એને જાણે દાઇમા બનવાનુ વરદાન મળ્યુ છે.
ભણીને તૈયાર થયેલી બીજી દીકરીઓ હાથ પીળા કરવાનો સમય આવ્યો ત્યારે ફરી એક વાર લંડન ભણી ઉડાન ભરી રહેલી કલ્પનાને તો હજુ ખબર નથી કે એ જ્યારે પાછી આવશે ત્યારે વળી પાછુ એક બાળક ધરતીના બીજા છેડે આકાર પામી રહ્યુ છે. પણ એક વાતની એને ચોક્કસ જાણ છે કે એ તો નિમિત માત્ર છે એના ભાગ્યાનો ખરો ચિત્રગુપ્ત તો ભરત જ છે .કારણકે એના સરળ-સાલસ સ્વભાવ,દરેક સાથે કોઇ અપેક્ષા વગર સંબંધ જાળવી રાખવાની તત્પરતા જ એની અપેક્ષા કે કલ્પના બહારના ફળસ્વરુપે કલ્પનાને ફળે છે.
![tn[1] કલ્પના - ભરત](http://rajul54.files.wordpress.com/2009/07/tn11.jpg?w=455)
કલ્પના - ભરત
Entry filed under: '' દાઈમા ''. Tags: .

1.
સુરેશ જાની | July 6, 2009 at 12:49 pm
સ્વાર્થી સમાજમાં ડગલે ને પગલે જોવા મળતા વિશ્વાસઘાત અને અસૂયાની વચ્ચે મીઠી વીરડી જેવાં જીવન ..
પૂણ્ય પરવાર્યું નથી…….
2.
Rajul | July 6, 2009 at 3:28 pm
મુરબ્બી શ્રી સુરેશભાઇ,
આપની વાત તદ્દન સાચી જ છે આ સ્વાર્થી જગત માં કેવળ પોતાનો સ્વાર્થ જોનારા લોકો વધુ જોવા મળે પરંતુ મારા સદ- નસીબે મારી આસપાસ કેટલાક આવા પરમાર્થી લોકો પણ છે અથવા મને માત્ર આવા લોકો જોવા-જાણવા અને માણવા ગમે છે અને યાદ રાખવા પણ ગમે છે.
આશા રાખીયે પુણ્ય ક્યારેય ના પરવારે.
3.
ડો.મૌલિક શાહ | July 6, 2009 at 5:14 pm
very touching story. nice naration too!
4.
Mavjibhai Mumbaiwala | July 7, 2009 at 5:03 am
શ્રી રાજુલબહેન,
તમે ઘણું સરસ, મીઠું મીઠું લખો છો. જીવનના સારા અનુભવોને યાદ કરતા રહીએ તો જીવન વધુ જીવવા જેવું લાગે. વર્ણન કરવાની આટલી સરસ શક્તિ બદલ ઘન્યવાદ.
-માવજીભાઈ મુંબઈવાળા
5.
Rajul | July 7, 2009 at 6:38 am
thanks
6.
Rajul | July 7, 2009 at 6:49 am
શ્રી માવજીભાઇ,
આભાર
જીવનના સારા અનુભવો ચોકલેટ જેવા છે ..મમળાવીયે એટલી એની મધુરપ વધુ લાગે.
7.
RIta Vora | July 7, 2009 at 4:14 pm
Sooooooo proud to call you my “Bhabhi” Excellent work!
8.
Shashikant nanavti | July 10, 2009 at 2:01 pm
Susree Rajuben
” We all read “Dai maa”, it’s very very touching & inspiering article. Such articles may naturally provoke people to do smething good for society & mankind. Bharat — Kalpana’s secrifice to uplift their family deserves more than apriciation.
I heartily congratulate u for for bringing such true stories in light. Your’s is a gret contribution to the society. bEST LUCK TO YOU.
SHASHIKANT NANAVATI
9.
Rushad Shah | July 13, 2009 at 12:17 pm
Excellent narration of a very touchy story….
Keep it up.
10.
યશવંત ઠક્કર | October 28, 2010 at 7:03 am
ખૂબ જ સરસ રજૂઆત.
રસ જળવાઈ રહે છે.
ધન્યવાદ.